ભરૂચની કથિત જામા મસ્જિદનો મામલો હવે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો છે. હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરવામાં આવી છે કે આ ASI સંરક્ષિત સ્મારક વાસ્તવમાં હિંદુ-જૈન મંદિર છે અને તેની ASIના રેકર્ડ્સમાં ખોટી રીતે મસ્જિદ તરીકે નોંધ કરવામાં આવી છે. જેથી આ સ્મારકને મંદિર ઘોષિત કરવામાં આવે અને ત્યાં ભોંયતળિયામાંથી જે દેવી-દેવતાઓની મૂર્તિ મળી છે તેને સંરક્ષિત કરવામાં આવે.
શુક્રવારે (9 ઑક્ટોબર) આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારો તરફથી હાજર રહેલા વકીલ વિષ્ણુશંકર જૈને દલીલો રજૂ કરતાં કહ્યું કે ASIના રેકર્ડમાં આ સ્મારકને ‘જામા મસ્જિદ’ ગણાવવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તો એ હિંદુ-જૈન મંદિર હતું અને તેના પૂરતા ઐતિહાસિક પુરાવાઓ ઉપલબ્ધ છે. તેમણે લગભગ દસેક પુસ્તકોના સંદર્ભો જોડ્યા હતા અને અમુક પુસ્તકો કોર્ટમાં વાંચી પણ સંભળાવ્યાં હતાં.
તેમણે કોર્ટમાં માંગ કરી કે આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયાના રેકર્ડમાં જે સ્મારક જામા મસ્જિદ તરીકે નોંધાયેલું છે તેને જૈન-હિંદુ મંદિર ઘોષિત કરવામાં આવે. ઉપરાંત ‘જામી મસ્જિદ’ શબ્દ રેકર્ડમાંથી દૂર કરવામાં આવે અને તેના સ્થાને અશ્વબોધ તીર્થ શકુનિકા વિહાર શબ્દો ઉમેરવામાં આવે.
હાઇકોર્ટ પહોંચ્યો ભરૂચ જામા મસ્જિદનો મામલો અરજદારો તરફથી એડવોકેટ વિષ્ણુશંકર જૈને કહ્યું સ્મારક હકીકતે હિંદુ-જૈન મંદિર છે પણ ASI રેકોર્ડમાં તેને ખોટી રીતે મસ્જિદ ગણાવવામાં આવે છે. ઉપરાંત સ્મારકના ભોંયતળિયામાંથી જૈન તીર્થંકર મલ્લિનાથ ભગવાનની મૂર્તિ મળી આવી હોવાનું જણાવીને કહ્યું કે તેની સુરક્ષા થવી જોઈએ. ASI તરફથી હાજર રહેલા વકીલે પણ મૂર્તિ હોવાની વાત સ્વીકારી હતી. કોર્ટે નોંધ્યું કે સ્મારક અને મૂર્તિ બંનેની સુરક્ષા કરવાની કાયદાકીય જવાબદારી ASIની છે. કોર્ટે ASIના વકીલને વધુ વિગતો મેળવવા માટે નિર્દેશ આપ્યા. વધુ સુનાવણી 13 ઑક્ટોબરે. #JamaMasjid #Gujarat
— ઑપઇન્ડિયા (@OpIndia_G) October 9, 2026
આગળ અરજીમાં માંગ કરવામાં આવી છે કે જે-તે સ્મારકમાં હિંદુ-જૈન પૂજા-પદ્ધતિ પ્રમાણે પૂજા-અર્ચના કરવાની પરવાનગી આપવામાં આવે અને તેમાં ASI કે સરકાર કે સ્થાનિક તંત્રનો હસ્તક્ષેપ અટકાવવામાં આવે.
વચગાળાની રાહત તરીકે માંગ કરવામાં આવી છે કે સ્મારકમાં હાજર ચિહ્નો, અવશેષો, મૂર્તિઓ અને અન્ય ધાર્મિક મહત્ત્વ ધરાવતી ચીજોને સંરક્ષિત કરવામાં આવે, સ્થળ સીલ કરવામાં આવે અને ભક્તોને દર્શન અને પૂજા માટે પરવાનગી આપવામાં આવે.
વિષ્ણુશંકર જૈને જૂન મહિનામાં સામે આવેલો એક વિડીયો દર્શાવીને કહ્યું કે સ્મારકમાંથી જૈન તીર્થંકર મલ્લિનાથ ભગવાનની એક મૂર્તિ મળી આવી છે. શક્યતા છે કે તેને ગમે ત્યારે નષ્ટ કરી દેવામાં આવી શકે. જેથી તેને સંરક્ષિત કરવા માટે આદેશ આપવામાં આવે. તેમણે એ હકીકતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે હજુ પણ ત્યાં દર શુક્રવારે નમાજ અદા કરવામાં આવે છે.
બીજી તરફ કોર્ટે અરજદારોને પ્રશ્ન કર્યો કે તેમણે પહેલાં ASI સમક્ષ આ બધી બાબતોની રજૂઆત કેમ ન કરી અને સીધા કોર્ટ કેમ આવ્યા. જેના જવાબમાં વિષ્ણુશંકર જૈને કહ્યું કે અરજદારોએ નહીં પરંતુ અગાઉ હિંદુ-જૈન સમુદાયના અનેક લોકોએ ASI સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ તેની ઉપર કોઈ કાર્યવાહી કે પગલાં લેવામાં ન આવ્યાં જેથી હવે તેઓ તાત્કાલિક રાહતની માંગ સાથે કોર્ટ પહોંચ્યા છે.
કોર્ટમાં ASI તરફથી હજાર રહેલા વકીલે એ સ્વીકાર્યું હતું કે સ્મારકના ભોંયતળિયામાંથી મલ્લિનાથજીની મૂર્તિ મળી આવી છે.
કોર્ટે પણ કહ્યું અને આદેશમાં નોંધ કરી કે સ્મારક અને તેમાં હાજર મૂર્તિના સંરક્ષણની કાયદાકીય જવાબદારી આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયાની છે. સાથે કોર્ટે ASIના વકીલને અરજદારોએ ઉઠાવેલા મુદ્દાઓ ઉપર એજન્સી પાસેથી વિગતો મેળવવા માટે અને કોર્ટ સમક્ષ જવાબો રજૂ કરવા માટે જણાવ્યું છે.
મામલાની આગલી સુનાવણી 13 ઑક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે.
અહીં ઉલ્લખેનીય છે કે ભરૂચની આ મસ્જિદનો મામલો ઘણા સમયથી ચર્ચામાં રહે છે. જૂન 2026માં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં જૈન તીર્થંકર અને હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી હતી.
અગાઉ ઑપઇન્ડિયાએ વિગતવાર લખ્યું છે કે ભરૂચની જામા મસ્જિદ હિંદુ-જૈન મંદિરો તોડીને બનાવવામાં આવી હતી અને તેના અનેક ઐતિહાસિક અને દસ્તાવેજી પુરાવાઓ ઉપલબ્ધ છે.
હવે આ મામલો કોર્ટ પહોંચી ગયો છે અને સ્મારકની નોંધ મંદિર તરીકે કરવા માટેની માંગ કરવામાં આવી છે. કોર્ટ હવે આ મામલે આગળ શું સુનાવણી કરે અને ASIનો શું જવાબ આવે એ જોવું રહ્યું.


