સૌરવ દાસ વિદેશ ન જઈ શક્યો કારણ કે પાસપોર્ટ ઓથોરિટીએ ફટકારી હતી નોટિસ: જન્મતારીખ, જન્મસ્થળ અને બાપના નામમાં ભૂલ!

હમણાં જ કોકરોચ જનતા પાર્ટીના સૌરવ દાસે તેને યુકે જતો અટકાવવામાં આવ્યો હોવાનો આરોપ લગાવીને સરકાર પર માછલાં ધોયાં હતાં. પરંતુ હવે તાજેતરમાં જાણવા મળ્યું છે કે ચેન્નાઈની રિજનલ પાસપોર્ટ ઑફિસ દ્વારા દાસને એક નોટિસ મોકલવામાં આવી હતી અને તેમાં તેની વિગતોમાં વિસંગતતા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

સોમવારે ઈ-મેઇલ મારફતે સૌરવ દાસને મોકલવામાં આવેલી નોટિસમાં પાસપોર્ટ ઑફિસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેની જન્મતારીખ, જન્મસ્થળ અને પિતાના નામમાં વિસંગતતાઓ છે. તેને સાત દિવસનો સમય આપીને યોગ્ય ડોક્યુમેન્ટ સાથે જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. નોટિસમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો જવાબ આપવામાં ન આવ્યા તો પાસપોર્ટ જપ્ત થઈ શકે છે.

વહીવટીતંત્ર કહી રહ્યું છે કે જ્યાં સુધી પાસપોર્ટ ઑફિસ તેની તપાસ પૂર્ણ ન કરી લે અને સંતોષકારક જવાબો રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી સૌરવ દાસ આંતરરાષ્ટ્રીય યાત્રા ન કરી શકે.

સૌરવ દાસને ઑગસ્ટ 2019માં પાસપોર્ટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો. પાસપોર્ટ ઓથોરિટી પાસપોર્ટ ઇસ્યુ કર્યા પછી પણ જો તેને લાગે કે અયોગ્ય વિગતો પૂરી પાડવામાં આવી હતી તો ફરીથી વિગતોની ચકાસણી કરી શકે છે. આ જ ક્રમમાં સૌરવ દાસને નોટિસ આપવામાં આવી છે અને તેણે પૂરી પાડેલી વિગતોમાં વિસંગતતાઓ કેમ છે એનો ખુલાસો આપવા માટે જણાવવામાં આવ્યું છે.

આ જ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી જવાબો રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી તે પાસપોર્ટનો ઉપયોગ ન કરે. નિયમો કહે છે કે જો કોઈ પાસપોર્ટ હોલ્ડરને ખોટી માહિતી બદલ શો-કૉઝ નોટિસ મળે તો તે આંતરરાષ્ટ્રીય મુસાફરી ન કરી શકે, જ્યાં સુધી તેનો મામલો પૂર્ણ ન થાય.

સૌરવ દાસને સોમવારે નોટિસ મળી હતી, તે મંગળવારે યુકે જવા નીકળ્યો હતો. અર્થાત્ તેને પહેલેથી નોટિસ વિશે જાણકારી હતી. તેમ છતાં તેણે મંગળવારે સરકાર તેને વિદેશ ન જવા દેતી હોવાનો હોબાળો મચાવ્યો. જ્યારે દાસનું કહેવું છે કે તેણે મંગળવારે ઇમિગ્રેશન કાઉન્ટર પર મેઇલ જોયો હતો.

હવે સૌરવ દાસ શું જવાબો રજૂ કરે છે તેની ઉપર બાકીની બાબતો આધારિત છે. જો તેણે સંતોષકારક ખુલાસો રજૂ કર્યો તો આ જ પાસપોર્ટનો આગળ ઉપયોગ કરી શકશે અને આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ કરી શકશે. અન્યથા પાસપોર્ટ જપ્ત કરવાની કાર્યવાહી થઈ શકે છે.

બીજી તરફ સૌરવ દાસ વિક્ટિમ કાર્ડ લઈને દિલ્હી હાઇકોર્ટ પહોંચી ગયો છે અને એક અરજી દાખલ કરી છે. કોર્ટે જોકે તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી છે. 26 નવેમ્બરે કોર્ટ આ મામલે સુનાવણી હાથ ધરી શકે છે.