ફરી જામીન અરજી લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ઉમર ખાલિદ-શરજીલ ઇમામ, પણ વચગાળાની કોઈ રાહત નહીં

2020ના દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના ષડયંત્રના કેસમાં જેલમાં બંધ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજીઓ પર સુપ્રીમ કોર્ટે બુધવારે (25 નવેમ્બર) દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. જોકે, બંને આરોપીઓએ માંગેલા વચગાળાના જામીન અંગે કોર્ટે હાલ કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે વચગાળાના જામીનની અરજી પર વિચાર કરતા પહેલાં દિલ્હી પોલીસનો જવાબ લેવામાં આવશે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ત્રણ સભ્યોની બેન્ચ બંનેની જામીન અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આ અરજીઓ દિલ્હી હાઇકોર્ટના તાજેતરના નિર્ણયને પડકારે છે, જેમાં UAPA હેઠળ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

સુનાવણી દરમિયાન ઉમર ખાલિદ તરફથી વકીલ કપિલ સિબ્બલે વચગાળાના જામીનની માંગ કરી હતી. તેમણે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે ઉમર ખાલિદ છ વર્ષથી વધુ સમયથી કસ્ટડીમાં છે. શરજીલ ઈમામ તરફથી વકીલ સિદ્ધાર્થ દવેએ પણ વચગાળાના જામીનની માંગ કરી હતી. જોકે, કોર્ટે કહ્યું કે આ મુદ્દે પહેલાં દિલ્હી પોલીસને જવાબ આપવા દેવો જરૂરી છે.

કપિલ સિબ્બલે અગાઉ આ જ કેસના અન્ય આરોપીઓને મળેલા વચગાળાના જામીનનો ઉલ્લેખ કરીને ઉમર ખાલિદને પણ રાહત આપવા વિનંતી કરી હતી. તેના જવાબમાં CJI સૂર્યકાંતે કહ્યું, ‘Not today’. જસ્ટિસ બાગચીએ પણ કહ્યું કે વચગાળાની રાહત માટે અરજી કરવામાં આવી છે, તેથી દિલ્હી પોલીસને તેનો જવાબ આપવા દેવો જોઈએ.

આ દરમિયાન લાંબા સમયથી UAPA હેઠળ કસ્ટડીમાં રહેલા આરોપીઓને જામીન આપવાના કાયદાકીય સિદ્ધાંતોને લઈને અગાઉના ચુકાદાઓમાં રહેલ મુદ્દો પણ સામે આવ્યો. CJI સૂર્યકાંતે જણાવ્યું કે 22 મેના ‘તસલીમ અહમદ’ કેસમાં આપવામાં આવેલા રેફરન્સ ઓર્ડરના પ્રકાશમાં આ મુદ્દાની તપાસ કરવા ત્રણ જજની બેન્ચની રચના કરવી પડશે.

કોર્ટમાં શરજીલ ઈમામ તરફથી હાજર સિદ્ધાર્થ દવેએ દલીલ કરી હતી કે આ રેફરન્સનો હાલની જામીન અરજીઓ સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું કે જાન્યુઆરી 2026ના સુપ્રીમ કોર્ટના આદેશના આધારે બંનેએ ફરી જામીન માટે અરજી કરી છે. આ આદેશમાં એક વર્ષ બાદ બંનેને ફરી જામીન માટે કોર્ટનો સંપર્ક કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, દિલ્હી પોલીસ તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે આ રેફરન્સમાં આ જ FIRનો પણ સમાવેશ થાય છે.

CJI સૂર્યકાંતે લાંબી કસ્ટડીના સંદર્ભમાં UAPA હેઠળ જામીનના સિદ્ધાંતો અંગેના મતભેદની ચર્ચા કરતા કહ્યું કે આ મુદ્દા પર વિચાર કરવો જરૂરી છે. તેમણે પોતાના અગાઉના ‘નજીબ’ કેસના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અલગ-અલગ બેન્ચે તે ચુકાદાનું અલગ રીતે અર્થઘટન કર્યું છે. તેમણે કહ્યું કે એક બેન્ચ મુજબ ‘નજીબ’ ચુકાદાનો એક અર્થ છે જ્યારે બીજી બેન્ચ તેને અલગ રીતે સમજે છે.

કપિલ સિબ્બલે આ મામલે વહેલી સુનાવણીની માંગ કરી હતી. તેના જવાબમાં CJIએ કહ્યું કે બેન્ચ આ કેસથી પરિચિત છે અને ‘અમે અમારી તૈયારી કરી છે’. સિબ્બલે વચગાળાના જામીનની અરજીને અલગથી સૂચિબદ્ધ કરવાની વિનંતી કરી હતી, પરંતુ CJIએ કહ્યું કે મુખ્ય મામલો જ સૂચિબદ્ધ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે મામલો વહીવટી સ્તરે CJI સમક્ષ મૂકવાનો પણ નિર્દેશ આપ્યો છે, જેથી આ કાયદાકીય મુદ્દાની તપાસ માટે ત્રણ જજની બેન્ચની રચના થઈ શકે.

ઉલ્લેખનીય છે કે 5 જાન્યુઆરી 2026ના રોજ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજીઓ ફગાવી દીધી હતી. આ કેસમાં કોર્ટે બંનેને ષડયંત્રના આઈડિયોલોજીકલ ડ્રાઈવર ગણાવ્યા હતા. જોકે, આ જ બેન્ચે કેસમાં અન્ય પાંચ આરોપીઓને જામીન આપ્યા હતા, જેમાં ગુલફિશા ફાતિમાનો પણ સમાવેશ થાય છે. કોર્ટે આરોપીઓની ભૂમિકામાં તફાવતને આધારે આ નિર્ણય કર્યો હતો.

તે સમયે કોર્ટે ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને એક વર્ષ સુધી ફરી જામીન માટે અરજી નહીં કરવાની શરત મૂકી હતી. આ સાથે કોર્ટે કહ્યું હતું કે સુરક્ષિત સાક્ષીઓની તપાસ પૂર્ણ થયા બાદ અથવા આદેશની તારીખથી એક વર્ષ બાદ, જે પહેલાં આવે ત્યારે, તેઓ ફરી કોર્ટનો સંપર્ક કરી શકે છે.

હવે બંને આરોપીઓએ નવી જામીન અરજીઓમાં દલીલ કરી છે કે એક વર્ષની રોકનો સમયગાળો પૂરો થવા જઈ રહ્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે જાન્યુઆરી 2027 સુધીમાં કેસમાં સુરક્ષિત સાક્ષીઓની તપાસ પૂર્ણ થવાની શક્યતા નથી. લાંબા સમયથી કસ્ટડીમાં હોવાનો મુદ્દો ઉઠાવીને બંનેએ જામીનની માંગ કરી છે.

જોકે, સુનાવણી બાદ હાલની સ્થિતિ એ છે કે સુપ્રીમ કોર્ટે બંનેને કોઈ વચગાળાના જામીન આપ્યા નથી. કોર્ટ હવે દિલ્હી પોલીસનો જવાબ મેળવ્યા બાદ આ મુદ્દે આગળ વિચાર કરશે. સાથે જ UAPA હેઠળ લાંબી કસ્ટડીના કારણે જામીન અંગેના કાયદાકીય મતભેદની તપાસ માટે ત્રણ જજની બેન્ચ રચાવાની પ્રક્રિયા પણ શરૂ થશે.