Thursday, April 2, 2026
More
    હોમપેજગુજરાતહિંદુ-જૈન મંદિરો તોડીને બનાવાઈ હતી ભરૂચની જામા મસ્જિદ: શું કહે છે ઐતિહાસિક...

    હિંદુ-જૈન મંદિરો તોડીને બનાવાઈ હતી ભરૂચની જામા મસ્જિદ: શું કહે છે ઐતિહાસિક દસ્તાવેજો?– વાંચો

    અનેક ઐતિહાસિક દસ્તાવેજો એ બાબતે સહમત થાય છે કે ભરૂચની આ જામા મસ્જિદ અલાઉદ્દીન ખીલજીના સમયમાં બની હતી. ખિલજી આક્રાંતા હતો. ભારતમાં હિંદુઓની આસ્થા પર પ્રહાર કરતાં તેણે અનેક મંદિરો તોડ્યાં હતાં. સોમનાથ પણ તેમાંથી એક.

    - Advertisement -

    ભરૂચ શહેરની જામા મસ્જિદ ફરી વિવાદમાં સપડાઈ છે. બે દિવસ પહેલાં અખિલ ભારતીય સંત સમિતિના સંતોએ મસ્જિદ ASI સંરક્ષિત હોવા છતાં ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાના અને પુરાતત્ત્વીય વિભાગના અન્ય નિયમોનું ઉલ્લંઘન થતું હોવાના આરોપ સાથે ધરણાં કર્યાં. આખરે પોલીસ તંત્રએ હસ્તક્ષેપ કર્યો અને કાર્યવાહીની બાંહેધરી સાથે બે મહિનાનો સમય માગ્યો. સંતોએ પણ પોલીસ પર વિશ્વાસ રાખીને ધરણાં સમેટી લીધાં. હવે બોલ પોલીસની કોર્ટમાં છે.

    ધરણાં અને સંતોની માંગ વિશે વધારે જાણકારી અહીંથી મળશે, પણ આ ઘટનાક્રમ પછી ફરી એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. શું ભરૂચ સ્થિત આ જામા મસ્જિદ મંદિર તોડીને બાંધવામાં આવી હતી? ત્યાં ભૂતકાળમાં હિંદુ-જૈન મંદિરો હતાં? ઇતિહાસ શું કહે છે, જે-તે સમયે લખાયેલાં પુસ્તકો શું કહે છે, જોઈએ.

    સૌથી તાજો ઉલ્લેખ સીતારામ ગોયલ સંપાદિત પુસ્તક ‘હિંદુ ટેમ્પલ્સ: વ્હૉટ હેપ્પન્ડ ટૂ ધેમ’માં આવે છે. આમ તો પુસ્તક મૂળ રીતે રામજન્મભૂમિ વિવાદ પર કેન્દ્રિત હતું પણ એમાં એક અલગ વિભાગમાં ભારતમાં જ્યાં-જ્યાં મંદિરો ધ્વસ્ત કરીને મસ્જિદો કે અન્ય મજહબી માળખાં તાણી બંધાયાં હતાં તેની વિગતો પણ સમાવાઈ છે. રાજ્ય પ્રમાણે, જિલ્લાવાર આવી મસ્જિદોની યાદી આપવામાં આવી છે.

    - Advertisement -

    ક્રમવાર યાદીમાં ગુજરાતનો વિભાગ ખોલીને ભરૂચ જોઈએ તો પહેલું જ નામ જામા મસ્જિદનું આવે. 1321માં મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનો અહીં ઉલ્લેખ છે. સાથે લખવામાં આવ્યું છે– આ મંદિરના નિર્માણકાર્યમાં હિંદુ-જૈન મંદિરોની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    ‘હિંદુ ટેમ્પલ્સ: વ્હૉટ હેપ્પન્ડ ટૂ ધેમ’નો બીજો ભાગ પણ છે– ‘ધ ઈસ્લામિક એવિડન્સ.’ અહીં પણ ભરૂચની આ મસ્જિદનો ઉલ્લેખ છે. મુઘલકાળના દસ્તાવેજોને ટાંકીને લખવામાં આવ્યું છે કે ભરૂચની જામા મસ્જિદમાં હિંદુ-જૈન મંદિરના સ્તંભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    અનેક ઐતિહાસિક દસ્તાવેજો એ બાબતે સહમત થાય છે કે ભરૂચની આ જામા મસ્જિદ અલાઉદ્દીન ખીલજીના સમયમાં બની હતી. ખિલજી આક્રાંતા હતો. ભારતમાં હિંદુઓની આસ્થા પર પ્રહાર કરતાં તેણે અનેક મંદિરો તોડ્યાં હતાં. સોમનાથ પણ તેમાંથી એક.

    અમીર ખુશરો લખે છે કે, 1300માં ખિલજીએ ગુજરાતનાં મંદિરોને ટાર્ગેટ કર્યાં અને આ કામ માટે ઉલુઘ ખાનને ગુજરાત મોકલ્યો. પહેલાં એ સોમનાથ આવ્યો. અહીં મંદિર તોડ્યું, લૂંટ મચાવી. ત્યાંથી ખંભાત તરફ આગળ વધ્યો. ખંભાત પછી તેણે અમુક દરિયાકાંઠાનાં શહેરોમાં પણ લૂંટ મચાવીને મંદિરો ધ્વસ્ત કર્યાં હોવાનું ખુશરો લખે છે. ભરૂચ આ કાંઠાવાળાં શહેરોમાંનું એક.

    1832માં મૂળ યુકેમાં જન્મેલા પુરાતત્ત્વીયવિદ જેમ્સ બર્ગિસે ભારતમાં ઘણું કામ કર્યું હતું. 1886થી 1889 સુધી તેઓ આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ પણ રહ્યા. તે પહેલાં આર્કિયોલોજિકલ સરવે, વેસ્ટર્ન ઇન્ડિયાના ડાયરેક્ટર રહ્યા. પશ્ચિમ ભારતમાં આવાં પુરાતત્ત્વીય સ્થળોએ ફર્યા હતા અને જે કંઈ જોયું હતું એ નોંધ્યું હતું. તેમનાં ઘણાં પુસ્તકો પણ પછીથી પ્રકાશિત થયાં.

    પશ્ચિમ ભારતનાં આવાં સ્થળો બર્ગિસના પુસ્તક ‘ઓન ધ મુહમ્મડન આર્કિટેક્ચર ઑફ ભરોચ (ભરૂચ), ખંભાત, ધોળકા, ચાંપાનેર અનેડ મહમુદાબાદ ઇન ગુજરાત’માં સમાવાયાં છે. તેમાં ભરૂચની આ મસ્જિદનો ઉલ્લેખ છે.

    સ્થળનો પરિચય આપતાં બર્ગિસ લખે છે કે ભરૂચમાં લગભગ 1297 આસપાસ ખિલજીના આદેશથી આક્રમણો શરૂ થયાં હતાં. આ આક્રમણો દરમ્યાન હિંદુ મંદિરો નિશાન પર આવ્યાં અને જેમ અન્ય ઠેકાણે થયું છે તેમ ભરૂચમાં પણ હિંદુ મંદિરો, જૈન ધર્મસ્થળો ધ્વસ્ત કરીને આ જ મંદિરોની સામગ્રીનો ઉપયોગ કરીને જામા મસ્જિદ ઊભી કરવામાં આવી હતી.

    બર્ગિસે પુસ્તકમાં મસ્જિદના પ્લાન સાથે, તસવીરો સાથે તમામ વિગતો આપી છે, જેનાથી વધુ સ્પષ્ટતા મળશે.

    બાંધકામની વિગતો આપીને બર્ગિસ કહે છે કે મસ્જિદના સ્તંભો વચ્ચે જગ્યા સમાન રીતે છોડવામાં આવી નથી. અમુક ઠેકાણે જગ્યા વધારે છે, અમુક ઠેકાણે ઓછી. અમુક જગ્યા 8 ફિટ જેટલી છે, તો ક્યાંક 13 ફિટ અને ક્યાંક આ અંતર 10 ફિટ જેટલું છે. આ માપમાં વિસંગતતાના કારણે જે ગુંબજ ઊભા કરવામાં આવ્યા હતા તેના આકારમાં પણ ખામી રહી ગઈ.

    બર્ગિસના પુસ્તકમાંથી સાભાર

    બર્ગિસ લખે છે કે આ વિસંગતતાનું કારણ જ એ છે કે નિર્માણમાં હિંદુ મંદિરની અમુક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. છતનો અમુક ભાગ જૂનાં જૈન અને હિંદુ મંદિરના નાના ગુંબજોમાંથી લેવામાં આવ્યો હતો. અમુક સ્તંભો પર પ્રાણીઓની કલાકૃતિઓ જોવા મળે છે, જે દર્શાવે છે કે આ સ્તંભો હિંદુ મંદિરમાંથી લેવાયા હતા.

    બર્ગિસ મસ્જિદની પાછળની દીવાલે બનાવાયેલી મેહરાબનો (દીવાલમાં અર્ધગોળાકાર ખાના જેવી જગ્યા) ઉલ્લેખ કરીને લખે છે કે તેની રચના સામાન્ય રીતે ગુજરાતમાં જોવા મળતી મસ્જિદો જેવી નથી અને ત્રણેયની બાંધકામ શૈલી પણ થોડીઘણી જુદી જોવા મળે છે.

    આગળ તેઓ કોર્ટયાર્ડ વિશે લખે છે. બર્ગિસ કહે છે કે કોર્ટયાદના પ્રવેશદ્વાર પરનો માર્બલનો દરવાજો સ્પષ્ટપણે જૈન મંદિરનો હોવાનું જણાય છે. જેની ઉપર જૈન આકૃતિઓ પણ જોવા મળે છે. એટલું જ નહીં, મોટાભાગની આકૃતિઓ નષ્ટ કરી દેવાઈ હોવાનું પણ બર્ગિસે નોંધ્યું છે.

    બર્ગિસના પુસ્તકમાંથી સાભાર

    ‘ભરૂચ જિલ્લાની ડિરેક્ટરીનો રિપોર્ટ’ નામના એક દસ્તાવેજમાં નોંધવામાં આવ્યું છે કે ખિલજીના સમયમાં પ્રાચીન શહેર પર આક્રમણ થયું હતું અને ત્યારે જૈન દેરાસરને કબજે કરી મસ્જિદ બાંધવામાં આવી હતી.

    આ જ રિપોર્ટમાં દેરાસરોની યાદીમાં શામળિયા વિહાર નામના એક દેરાસરનો ઉલ્લેખ છે, જ્યાં પણ પાછળથી મુસ્લિમ શાસકોના સમયમાં તોડીને મસ્જિદ બનાવાઈ હોવાનું નોંધાયું છે.

    ભરૂચ જિલ્લા કલેક્ટરની સત્તાવાર વેબસાઇટ પણ જામા મસ્જિદ પ્રાચીન જૈન મંદિરોના અવશેષોમાંથી બનાવવામાં આવી હોવાનું નોંધે છે. ઉપરાંત મોટેભાગે મંદિરની સામગ્રીમાંથી બનેલી હોવાનું કહેવામાં આવ્યું છે. પથ્થરો મંદિરમાંથી લેવાયા હોવાનું અને મિહરાબમાં હિંદુ મંદિરની નિશાનીઓ હોવાનું સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે.

    અગત્યની વાત એ છે કે આ દસ્તાવેજોમાં ક્યાંય પણ વિસંગતતા જોવા મળતી નથી અને તમામની માહિતી એકબીજા સાથે મેળ ખાય છે. અહીં સુધી કે સરકારી વેબસાઈટ પણ આ તમામ બાબતોની પુષ્ટિ કરે છે.  

    સંદર્ભો:

    –‘હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા એઝ ટોલ્ડ બાય ઇટ્સ ઑન હિસ્ટોરિયન્સ’, એચ. એમ એલિયટ

    –હિંદુ ટેમ્પલ્સ વ્હૉટ હેપ્પન્ડ ટૂ ધેમ, ભાગ 1-2, સીતારામ ગોયલ

    –‘ઓન ધ મુહમ્મડન આર્કિટેક્ચર ઑફ ભરોચ (ભરૂચ), ખંભાત, ધોળકા, ચાંપાનેર એન્ડ મહમુદાબાદ ઇન ગુજરાત, જેમ્સ બર્ગિસ

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં