વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક ગામનો વિડીયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઈ ગયો. મોટી પલસાણ ગામના આ વિડીયોમાં મહિલાઓ તળિયાઝાટક થઈ ગયેલા કૂવામાં નીચે ઉતરીને પાણી ભરતી જોવા મળી રહી છે. દાવો એવો કરવામાં આવ્યો કે ગામમાં પાણીની ભયંકર તંગી છે અને લોકો આ રીતે જીવના જોખમે કૂવામાં નીચે ઉતરીને પાણી મેળવવા માટે મજબૂર બન્યા છે. મીડિયા-સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા પછી વિપક્ષી પાર્ટીઓએ પણ મુદ્દો ઉપાડી લીધો અને ‘ગુજરાત મોડેલ’ અને કેન્દ્રની ‘નલ સે જલ’ યોજના પર પ્રશ્નો ઉઠાવ્યા.
વિડીયોમાં જોવા મળે છે કે એક કૂવામાં, જેનું પાકું બાંધકામ થયું નથી, અમુક મહિલાઓ અને પુરુષો સીડી અને દોરડાની મદદથી ઘડો લઈને નીચે ઊતરે છે અને પાણી ભરી લાવે છે. કૂવામાં તળિયા પર થોડુંઘણું પાણી જોવા મળી રહ્યું છે. કૂવાની આસપાસ ઘણી મહિલાઓ જોવા મળી રહી છે. કૂવા સદંતર ખાલી થઈ ગયા છે અને લોકો ખાબોચિયાંમાંથી પાણી ભરી રહ્યા છે.
ન્યૂઝ એજન્સી ANIનો આ વિડીયો ટાંકીને કોંગ્રેસે X પર લખ્યું, ‘ગુજરાત મોડેલનું આ સત્ય છે. વલસાડમાં લોકો જીવના જોખમે પીવાના પાણી માટે રોજ 45 ફિટના ખાડામાં ઊતરે છે. ગુજરાતમાં લગભગ 31 વર્ષથી ભાજપની સરકાર છે અને ત્યાંની જનતા આ હાલતમાં જીવવા માટે મજબૂર છે.’
गुजरात मॉडल का सच 👇🏼
— Congress (@INCIndia) May 21, 2026
वलसाड में लोग अपनी जान जोखिम में डालकर पीने के पानी के लिए हर रोज 45 फीट के गड्ढे में उतरते हैं।
गुजरात में करीब 31 साल से BJP सरकार है और वहां की जनता इस हाल में जीने को मजबूर है। pic.twitter.com/ioVQQeCsrK
ત્યારબાદ ‘દિવ્ય ભાસ્કર’ સહિતનાં અખબારોએ પણ આ જ ઘટના પર રિપોર્ટિંગ કર્યું. વિડીયોમાં દેખાતાં દૃશ્યોમાંથી જ ફોટો લઈને લખ્યું કે આમ તો આ વિસ્તાર ‘ગુજરાતનો ચેરાપુંજી’ ગણાય છે પરંતુ ઉનાળામાં અહીં જળસંકટ સર્જાય છે અને સરકારની કરોડો રૂપિયાના ખર્ચની ‘એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના’ તદ્દન નિષ્ફળ સાબિત થઈ છે.
BBC ગુજરાતી અને ઝી24 કલાક જેવી મીડિયા સંસ્થાઓએ પણ આવા જ અહેવાલો પ્રકાશિત કર્યા છે. અમુકમાં ગામલોકોને ટાંકવામાં આવ્યા છે જેઓ જણાવે છે કે તેમના ગામમાં ઉનાળામાં પાણીની સમસ્યા રહે છે અને તેના કારણે કૂવામાંથી આ રીતે પાણી કાઢવા મજબૂર થવું પડે છે.
હકીકત શું છે?
મોટી પલસાણ વલસાડ જિલ્લા મુખ્યમથકેથી લગભગ 75-80 કિલોમીટર દૂર મહારાષ્ટ્ર સરહદે આવેલું અંતરિયાળ ગામડું છે. ગામમાં દોઢેક હજારની વસ્તી હશે, પરંતુ ઘરો છૂટાછવાયાં છે. શાળા, પંચાયત ભવન જેવાં સરકારી મકાનો સિવાય બાકીનાં મોટેભાગનાં કાચાં મકાનો જોવા મળે છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ડુંગરાળ વિસ્તારમાં આવેલા ગામમાં પર્વતો વચ્ચે ફળિયાં વસેલાં છે. દરેક ફળિયા સુધી પાકા રસ્તા બન્યા છે. વાયરલ થઈ રહેલો વિડીયો આ મોટી પલસાણના બેરસ્તા ફળિયાનો છે.
વાયરલ વિડીયોમાં દેખાતો કૂવો હાલ બાંધકામ હેઠળ
જે કૂવામાં ગામલોકોને નીચે ઉતરતા બતાવવામાં આવ્યા છે એ વાસ્તવમાં હાલ બાંધકામ હેઠળ છે. અર્થાત્ હાલ ઉપયોગમાં લેવામાં આવતો નથી. પરંતુ બન્યું એવું હતું કે ખોદકામ બાદ પથ્થરો નીકળતાં થોડું પાણી દેખાયું હતું, જેથી તે જોવા માટે આસપાસના લોકો નીચે ઉતર્યા હતા. જેનો વિડીયો બનાવી લેવામાં આવ્યો હતો. વિડીયોમાં જે સીડી દેખાય છે એ પણ કૂવાના બાંધકામ માટે નીચે-ઉપર જવા-આવવા માટે લગાવવામાં આવી છે. સ્થાનિકનું કહેવું છે કે બે-ત્રણ દિવસમાં અહીં બાંધકામ શરૂ થઈ જશે.

સ્થાનિકો અને સરપંચનું માનીએ તો એ શક્યતા પણ નકારી શકાય નહીં કે મીડિયાના પત્રકારો પહોંચ્યા ત્યારે જ અમુક લોકોને આસપાસથી બોલાવી લઈને માત્ર વિડીયો શૂટિંગ માટે ઉતારવામાં આવ્યા હોય. વિડીયોમાં પણ શૂટિંગ કરનાર વ્યક્તિ સ્થાનિકોને તેમણે શું કરવાનું છે અને શું બોલવાનું છે તેની સૂચના આપતી જોવા મળે છે.
ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગે પણ પછીથી આ જ બાબત એક ફેસબુક પોસ્ટમાં જણાવી અને કહ્યું કે વાસ્તવમાં આ નવા કૂવાનું કામ ચાલી રહ્યું છે અને લોકો તેના માટે નીચે ઉતરી રહ્યા હોવાથી સીડી મૂકવામાં આવી છે.

અહીંના ગામલોકોનું કહેવું છે કે વર્ષના બાકીના દસ મહિના ગામમાં પાણીની કોઈ તંગી પડતી નથી અને જળાશયો અને કૂવા ભરેલા રહે છે. ફળિયામાં ઘણા કૂવા છે, પરંતુ ઉનાળામાં અને ખાસ કરીને મે-જૂન મહિનામાં કૂવા સૂકાવા માંડે છે. એટલે આવા સમયે પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે.
જોકે હાલના સમયે પણ આસપાસનાં ફળિયામાં અમુક કૂવા ભરેલા જોવા મળે છે. જ્યાંથી મોટર મારફતે પાણી કાઢવામાં આવે છે. જોકે ખુલ્લો હોવાના કારણે પાણી ડહોળું થઈ જાય છે, પરંતુ ગાળી લઈને લોકો વાપરતા હોય છે.
એસ્ટોલ પ્રોજેક્ટની શું સ્થિતિ છે?
વર્ષમાં બે મહિના જોવા મળતી સમસ્યાના સમાધાન માટે ગુજરાત અને કેન્દ્ર સરકારે મળીને એસ્ટોલ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો હતો, જેનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં લોકાર્પણ કર્યું હતું. પ્રોજેક્ટનો મૂળ હેતુ નીચેની દમણગંગા નદીમાંથી પાણી કપરાડા-ધરમપુરના ડુંગરાળ વિસ્તારનાં ગામોમાં પાણી પહોંચાડવાનો છે. જેના માટે પર્વતીય વિસ્તારોમાં પાણીના સંગ્રહ માટે મોટા ટાંકા બનાવવામાં આવ્યા છે. ત્યાંથી ગામોમાં પાણી અપાય છે. ગામમાં થોડા-થોડા અંતરે નળ પણ મૂકવામાં આવ્યા છે.

મોટી પલસાણ ગામમાં પણ આ પ્રોજેક્ટ હેઠળ પાણી પહોંચાડવામાં આવે છે. નળ પણ મૂકવામાં આવ્યા છે. પરંતુ ગામલોકોનું કહેવું છે કે છેલ્લા થોડા દિવસોથી આ યોજનાનું પણ પાણી આવતું ન હતું. તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે અમુક ઠેકાણે પાઇપલાઇનમાં લીકેજની સમસ્યા હતી. સરકારી સ્તરે તપાસ કરતાં માહિતી મળી કે ગામમાં રસ્તાના બાંધકામ દરમ્યાન અમુક ઠેકાણે પાઇપલાઇન તૂટી ગઈ હતી. ઉપર તસવીરમાં નવો બનેલો રસ્તો પણ જોઈ શકાય છે.
સરપંચ, TDO, સ્થાનિકો શું કહે છે?
કપરાડા તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે કે ગામમાં એસ્ટોલ યોજના હાલ પણ ચાલુ છે પણ અમુક ઠેકાણે પાઇપલાઇન લીકેજની સમસ્યા હતી, જે દૂર કરી દેવામાં આવી છે અને હાલ પાણી પહોંચી રહ્યું છે. ગામના સરપંચ રમણભાઈએ પણ આ બાબતની પુષ્ટિ કરી.
રમણભાઈનું કહેવું છે કે ગામમાં ઉનાળામાં પાણીની થોડી સમસ્યા રહે છે, પરંતુ એસ્ટોલ પ્રોજેક્ટના કારણે સાવ તંગી પડતી નથી. ઉપરાંત અન્ય અમુક ઠેકાણે કૂવા છે, જે ભરેલા રહે છે. ત્યાંથી પાણી ઘરોને પહોંચાડવામાં આવે છે. ડુંગરાળ વિસ્તાર હોવાથી અમુક ઠેકાણે પાણી હોય અને અમુક ઠેકાણે સાવ ન હોય એમાં બહુ આશ્ચર્યજનક બાબત પણ નથી.

સરપંચનું કહેવું છે કે સમસ્યા એટલી બધી પણ નથી જેવી દર્શાવવામાં આવી રહી છે. ગ્રામ પંચાયત સ્તરેથી પણ પાઈપલાઇન સુરક્ષિત રહે તે માટેના પ્રયાસો થાય છે પરંતુ ઘણી વખત ખેતરોમાં કામગીરી દરમ્યાન કે અન્ય ખોદકામ દરમ્યાન લાઇનને નુકસાન પહોંચે ત્યારે રિપેર કરવી પડે છે.
સ્થાનિકો જણાવે છે કે ભૂતકાળમાં ચોમાસા સિવાય કાયમ પાણીની સમસ્યા રહેતી હતી, પરંતુ હવે સ્થિતિ ખાસ્સી સુધરી છે. જોકે છતાં ઉનાળાના બે મહિના અછત સર્જાય છે. એસ્ટોલ પ્રોજેક્ટ હેઠળ પાણી મળે છે, પરંતુ અમલીકરણ થોડું વધુ ચુસ્ત બનાવવામાં આવે તો આ બે મહિના દરમ્યાન પણ પાણીનું યોગ્ય વ્યવસ્થાપન થઈ શકે એમ છે.
પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટનો વિરોધ કરતો વિપક્ષ કયા મોઢે આ સમસ્યા પર રડારોળ કરે છે?
દક્ષિણ ગુજરાતની ત્રણ નદીઓ નર્મદા, તાપી અને પાર લિન્ક કરીને દરિયામાં વહી જતા સરપ્લસ પાણીનો ઉપયોગ કરવા માટે કેન્દ્ર-ગુજરાત સરકારે પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટ મૂક્યો હતો. 2010માં તેને સરકારે મંજૂરી આપી અને DPRની (ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે તેને મુદ્દો બનાવ્યો હતો.
કોંગ્રેસે આદિવાસી વિસ્તારોમાં જઈને સરકાર તેમનાં જળ-જમીન અને જંગલ આંચકી રહી છે તેવો અપપ્રચાર ફેલાવીને વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં અને આ પ્રોજેક્ટ કોઈ કાળે જમીન પર અમલમાં નહીં મૂકવા દેવાની ચીમકી આપી હતી. આખરે 2022માં સરકારે પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ મૂકી દીધું અને જાહેર કર્યું કે તેઓ આમાં આગળ નહીં વધે.
આ પ્રોજેક્ટ સાકાર થાય તો કપરાડા-ધરમપુરનાં ગામડાંની વર્ષના બે મહિનાની સમસ્યાનું પણ કાયમી રીતે સમાધાન થઈ શકે એમ છે. કારણ કે તેનાથી આ વિસ્તારમાં જળાશયો પણ વધશે, ગ્રાઉન્ડવૉટર પણ રિચાર્જ થશે અને ગામડાં સુધી વધારાનું પાણી પહોંચાડી શકાશે.
વક્રતા એ છે કે જ્યારે-જ્યારે આવા કોઈ પ્રોજેક્ટની વાત આવે ત્યારે કોંગ્રેસ વોટબેન્કના રાજકારણ માટે વિરોધ કરતી રહે છે અને ત્યારબાદ આવા વિડીયો પોસ્ટ કરીને ‘ગુજરાત મોડેલ’ પર સવાલ પણ ઉઠાવતી રહે છે.


