
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે કે જો તે ટૂંક સમયમાં વાટાઘાટો માટે તૈયાર નહીં થાય તો આગામી સપ્તાહથી ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલો પર ભયાનક હવાઈ હુમલા કરવામાં આવશે. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આગામી સપ્તાહ ઈરાન માટે ખૂબ જ ખરાબ સાબિત થશે.
ટ્રમ્પની આ ધમકી એવા સમયે આવી છે જ્યારે બંને દેશો વચ્ચે અગાઉ 17 જૂને થયેલ યુદ્ધવિરામ સંપૂર્ણપણે પડી ભાંગ્યો છે. અમેરિકી દળો આજે સતત ચોથા દિવસે ઈરાન પર હુમલા કરી રહ્યા છે. આ આખી લડાઈ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર નિયંત્રણ મેળવવા માટે થઈ રહી છે, જે વૈશ્વિક તેલ અને ગેસના વેપાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે કે તેમના તાજેતરના હુમલાઓનો હેતુ ઈરાનની એ સૈન્ય ક્ષમતાઓને નષ્ટ કરવાનો છે જેનો ઉપયોગ તે વ્યાપારી જહાજો પર હુમલા કરવા માટે કરે છે. પાછલા એક સપ્તાહમાં ઈરાને સાત વ્યાપારી જહાજો પર હુમલા કર્યા છે, જેમાં કેટલાય નાગરિકો માર્યા ગયા છે અને ઘણા ગુમ થયા છે. તેના જવાબમાં અમેરિકાએ ઈરાનના દરિયાઈ બંદરોની કડક નાકાબંધી પણ ફરીથી લાગુ કરી દીધી છે.
ઈરાન પણ કરી રહ્યું છે વળતા પ્રહાર
બીજી તરફ, ઈરાને પણ આ હુમલાઓનો વળતો જવાબ આપ્યો છે. ઈરાનના સરકારી મીડિયા અનુસાર, તેમણે જોર્ડન, કુવૈત અને બહેરીનમાં આવેલાં અમેરિકી સૈન્ય મથકો પર ડ્રોન અને મિસાઈલ વડે હુમલા કર્યા છે, જેમાં જાનમાલનું નુકસાન થયું હોવાના અહેવાલો છે. ઈરાનનું કહેવું છે કે જ્યાં સુધી અમેરિકા આ હુમલા બંધ નહીં કરે ત્યાં સુધી તેઓ હોર્મુઝ ખોલશે નહીં.
આ તણાવ વચ્ચે ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે અમેરિકા ઈરાનની પરમાણુ સાઇટ્સ પર ખૂબ જ નજીકથી નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે ત્યાં પણ સરળતાથી હુમલો કરી શકે છે.
હાલમાં બંને દેશોને ફરીથી વાટાઘાટોની ટેબલ પર લાવવા અને યુદ્ધવિરામ કરાવવા માટે રાત-દિવસ પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ ટ્રમ્પના આક્રમક વલણને જોતાં આ વિસ્તારમાં ગમે ત્યારે મોટું યુદ્ધ ફાટી નીકળવાની ચિંતા ફરીથી વધી ગઈ છે.

