
ઇઝરાયેલે તાજેતરમાં અમેરિકા સાથે એક મહત્વની ઇન્ટેલિજન્સ માહિતી શેર કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનું એક નવું કાવતરું ઘડ્યું છે. અહેવાલો અનુસાર આ માહિતી સામે આવ્યા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધુ વધી ગયો છે અને બંને દેશો વચ્ચે ચાલી રહેલો યુદ્ધવિરામ પણ મુશ્કેલીમાં આવી ગયો છે.
અહેવાલ અનુસાર યુએસ ઇન્ટેલિજન્સ એજન્સીઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ટ્રમ્પ પરના જોખમો પર નજર રાખી રહી હતી, પરંતુ ઇઝરાયેલે આપેલી આ નવી ચેતવણી એક ચોક્કસ અને ખાસ કાવતરા વિશે છે. જોકે, કેટલાક અમેરિકી અધિકારીઓનું એવું પણ માનવું છે કે ઇઝરાયેલ આ બાતમીથી ટ્રમ્પના નિર્ણયોને પ્રભાવિત કરવા માંગે છે, જેથી અમેરિકા ઈરાન વિરુદ્ધ કડક સૈન્ય કાર્યવાહી કરવા તરફ પ્રેરાય.
આ મામલે પ્રતિક્રિયા આપતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન તેમને પોતાના રસ્તામાંથી હટાવવા માંગે છે અને તેઓ તેમના હિટ લિસ્ટમાં છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020 માં ટ્રમ્પના આદેશ પર અમેરિકાએ ઈરાનના ટોચના જનરલ કાસિમ સુલેમાનીને મારી નાખ્યા હતા, ત્યારથી ઈરાન સતત ટ્રમ્પ પાસેથી બદલો લેવાની ધમકીઓ આપી રહ્યું છે. તાજેતરમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર દરમિયાન પણ ભીડે ટ્રમ્પનાં મોતના નારા લગાવ્યા હતા.
આ ગુપ્ત માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ઈરાન સામેની રણનીતિને લઈને મતભેદો ચાલી રહ્યા છે. નેતન્યાહુ ઈરાન પર સતત સૈન્ય દબાણ ચાલુ રાખવાની હિમાયત કરી રહ્યા હતા, જ્યારે ટ્રમ્પ ઈરાનના પરમાણુ મથકો પર અમેરિકી હુમલા બાદ ઊભા થયેલા નાજુક યુદ્ધવિરામને જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ગંભીર મુદ્દાઓ વચ્ચે ટૂંક સમયમાં જ નેતન્યાહુ વોશિંગ્ટનની મુલાકાત લે તેવી શક્યતા છે.
અહેવાલ મુજબ હાલમાં બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમા પર છે અને સૈન્ય સ્તરે યુદ્ધ જહાજ ‘યુએસએસ અબ્રાહમ લિંકન’ પર ફાઇટર જેટ્સને સંભવિત હુમલાઓ માટે સજ્જ કરવામાં આવ્યા છે. આમ છતાં પડદા પાછળ રાજદ્વારી પ્રયાસો હજુ પણ ચાલુ છે અને વોશિંગ્ટન તેમજ તેહરાન આગામી મધ્ય ઑગસ્ટ સુધીમાં કોઈ પરમાણુ કરાર પર પહોંચવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે.

