(લેફ્ટ, રાઈટ અને સેન્ટર: ગુરુવાર; 9 જુલાઈ 2026)
અયોધ્યાના રામજન્મભૂમિ મંદિરને મળતા દાનના રૂપિયા બદમાશો ચોરી ગયા. ભારે વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા અને ભેખડો ઘસી પડી. પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાને કારણે લોકો સરકાર પર માછલાં ધોવા લાગ્યા કે અમારી ગાડી બગડી ગઈ. પંજાબની પોલીસે હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ પર કરેલા જુલમની સત્યકથા કહેતી ફિલ્મ પર સરકારે પ્રતિબંધ મૂક્યો અને અધૂરામાં પૂરું બે કરોડ ઑનલાઇન કોક્રોચોનું જંતરમંતર પર ચાલતું ભવ્ય આંદોલન હજુ ચાલુ જ છે.
ભારતની આ પરિસ્થિતિ તમને આજથી બસો વર્ષ પહેલાં જન્મેલા ચાર્લ્સ ડિકન્સની એક નવલકથાની યાદ અપાવી રહી છે. ડિકન્સે 47 વર્ષની ઉંમરે ધારાવાહિક રૂપે પ્રગટ થયેલી ‘અ ટેલ ઑફ ટુ સીટીઝ’માં નવલકથાના ઉઘાડના જગમશહૂર થયેલા આ પહેલા ફકરામાં લખ્યું હતું:
‘ઇટ વૉઝ ધ બેસ્ટ ઑફ ટાઈમ્સ, ઇટ વૉઝ વર્સ્ટ ઑફ ટાઈમ્સ…એ જમાનો સૌથી સારો હતો, એ જમાનો સૌથી ખરાબ હતો. એ યુગ ડહાપણનો હતો, એ યુગ મૂર્ખામીનો હતો. એ સમય શ્રદ્ધાનો હતો, એ સમય અવિશ્વાસનો હતો. એ વખત ઝળહળતા પ્રકાશનો હતો, એ વખત કાળા ડિબાંગ અંધારાનો હતો. એ આશાની વસંત હતી, એ નિરાશાની પાનખર હતી.’
અયોધ્યાના રામમંદિરમાં દાનની જે રકમ આવે છે તેની ગણતરી અને સલામતી માટે જડબેસલાક વ્યવસ્થા પહેલેથી જ છે. આમ છતાં એમાં છીંડાં પડ્યાં. દરેક બૅન્કમાં પણ હોવાની. આમ છતાં ક્યારેક બૅન્કમાં ધાડ પડતી હોય છે, બુકાની પહેરેલા બંદૂકધારીઓ બૅન્ક લૂંટી જતા હોય છે. બૅન્કના ક્લાર્ક કે અધિકારી કે મેનેજર અન્ય કર્મચારીઓની સાંઠગાંઠમાં ગોટાળા કરતા હોય છે. આ બધું જ્યારે પકડાય છે ત્યારે તમે કોનો વાંક કાઢો છો? બૅન્કનો કે ચોરી કરનારાનો? અનુપમ ખેર કહે છે તેમ તમારા ઘરમાં ચોરી થાય ત્યારે લોકોએ ઘરના માલિકની લેફ્ટ રાઈટ લેવાની હોય કે ચોરી કરનારાની?
દક્ષિણમાં મંદિરોમાં થતી ચોરીઓ પકડાઈ છે. સોનું મઢેલા દરવાજામાં સોનું વપરાતું જ નહીં અને સાચા સોનાના દાગીનાની જગ્યાએ બનાવટી સોનાનાં ઘરેણાં મૂકાઈ ગયાં હોવાના કિસ્સાઓ પણ નોંધાયા છે, પોલીસ ફરિયાદો થઈ છે, ગુનેગારોને કોર્ટે સજા પણ કરી છે.
મંદિરો સિવાય બીજાં કયાં ધર્મસ્થાનકોમાં આવી ચોરીઓ પકડાતી હોય છે? કોઈ ચર્ચ કે મસ્જિદ વગેરેના આર્થિક ગોટાળાઓ કે એમને મળતા દાનમાં થતી ચોરીઓ કેમ પકડાતી નથી? એક તો, આ વિધર્મીઓના હિસાબકિતાબમાં પારદર્શિતા હોતી નથી. બીજું, મોટેભાગે અંદરના જ માણસો, જેમના પર આ રકમ સાચવવાની જવાબદારી છે તે ટ્રસ્ટીઓ અને મોટા માણસોની આ ચોરીઓમાં સાંઠગાંઠ હોય છે. અને ત્રીજું, આવી કોઈ ચોરી કે આર્થિક ગોબાચારીની બહારના લોકોને જાણ થાય એ પહેલાં જ ભીનું સંકેલી લેવામાં આવે છે. તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ. અમારા ધર્મસ્થાનકોમાં ક્યાંય ચોરીચપાટી થતી જ નથી એવો દેખાવ કરીને તેઓ આપણા જેવાઓ આગળ શરીફ બનીને ફરતા હોય છે. બાકી, વેટિકન જેવા વેટિકનના આર્થિક તેમ જ અન્ય ઘણા બધા લોચાલબાચા વિશે જાણવા માટે એક ડઝન કરતાં વધારે ફિલ્મો હોલિવુડમાં બની ચૂકી છે, જોઈ લેવી.
હિન્દુ દેવસ્થાનોના ટ્રસ્ટીઓ પોતે જ આવી ચોરી પકડીને ચોરને ઉઘાડો પાડી એની સામે ફરિયાદ કરતા હોય છે, એને પોલીસમાં સોંપતા હોય છે. રામમંદિરના કેસમાં એવું જ બન્યું છે. ટ્રસ્ટીઓએ જ ફરિયાદ નોંધાવી હતી અને તત્કાળ એસઆઈટી નીમીને તપાસ માટે આદેશ આપવાની માગ કરી હતી. આમ છતાં મીડિયા અને વાંકદેખાઓ જે ટ્રસ્ટીઓએ ચોરી પકડી પાડી, જે લોકોએ ચોર ટોળીને પોલીસમાં પકડાવી, જે રાજકારણીઓએ તાબડતોબ એસ.આઈ.ટી. નીમીને ઊંડી તપાસ શરૂ કરાવી એમનો જ વાંક કાઢે છે.
ચોરી આખરે તો ચોરી જ છે અને દરેક ચોરને કડકમાં કડક સજા મળવી જ જોઈએ અને મળવાની જ છે, ખાતરી રાખજો. એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં જે લોકોએ જાણીજોઈને કે અજાણતાં લાપરવાહી દાખવી છે એ સૌની જવાબદારી પ્રમાણે કોર્ટ કાર્યવાહી કરશે અને એમને આકરામાં આકરી સજા થશે એ નિશ્ચિત છે. ફરી આવું ન બને એ માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે એમાં પણ કોઈ શંકા નથી.
દક્ષિણનાં મંદિરોમાં થયેલી ચોરીઓના સમાચાર કરતાં અયોધ્યાના રામમંદિરની ચોરીના સમાચાર એક હજારગણી તીવ્રતાથી ગાજી રહ્યા છે તેનું કારણ શું? આ એક રાજકીય રમત છે.
આવતા વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. વિપક્ષને લાગી રહ્યું છે કે અયોધ્યાની ચોરીના મુદ્દે ભાજપના હિન્દુ મતદાતાઓને ઉશ્કેરો, યોગીજીને હરાવો અને અખિલેશ જેવા મવાલીને ગાદી પર બેસાડીને ફરી એકવાર યુપીને અતિક અહમદ જેવા ગુંડાઓના હાથમાં સોંપી દો જેથી અમારી બંધ થયેલી આવકો ફરી શરૂ થઈ જાય.
અયોધ્યાના રામમંદિરનું મૅનેજમેન્ટ કરતા ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયજીથી માંડીને ખજાનચી ગોવિંદ દેવ ગિરિજી વગેરે ટ્રસ્ટીઓ નિષ્કલંક છે, પવિત્ર આત્માઓ છે. અને આમ છતાં જો કોઈ ટ્રસ્ટી દોષી સાબિત થશે તો એમને પણ સજા થશે એટલી ખાતરી રાખવી. આ મોદીયુગ છે, સોનિયા-રાજીવ-ઇન્દિરા-જવાહર યુગ નથી, સમજ્યા?
મુસ્લિમ પરસ્ત કૉંગ્રેસીઓ અત્યારે કહે છે કે અમે હોત તો ચોરી ન થાત. સાચી વાત છે. એ લોકો હોત તો અયોધ્યામાં બાબરીના ઢાંચાનો કાટમાળ ખસેડીને રામ જન્મભૂમિ પર મંદિર બંધાયું જ ન હોત તો ચોરી કેવી રીતે થાત. રામમંદિરનો વિરોધ કરવા સંસદમાં કાળાં કપડાં પહેરીને આવેલા આ નાલાયક કૉંગ્રેસી નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરીને આજે પોતાને રામભક્ત ગણાવતા થઈ ગયા છે. ગુજરાતમાં પણ આ કમજાત કૉંગ્રેસીઓ પોતાની જાતને સવાયા સનાતની ગણાવીને ચૂંટણી જીતવા માટે ગુલાંટ મારી રહ્યા છે.
જેની નાનીમા મસ્જિદ તોડીને બાંધેલા મંદિરમાં જવાની મનાઈ કરતી હતી તે આપિયો અયોધ્યા જઈને હનુમાન ગઢી સહિતના દરેક મંદિરમાં જઈને આળોટ્યા કરે છે અને પછી આપણને કહે છે કે તું વળી શેનો રામભક્ત, ખરો હિન્દુ તો હું જ છું. આવા જામીન પર છૂટેલા શરાબકૌભાંડીઓને મીડિયાવાળા નિસરણી આપે છે. છટ્.
ગોવિંદ દેવ ગિરિ મહારાજે વડા પ્રધાનને પારણાં કરાવ્યાં હતાં યાદ છે? 22 જાન્યુઆરીએ આ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો ત્યારે મોદીએ 11 દિવસના ઉપવાસ અને અનુષ્ઠાન બાદ એમના હસ્તે પારણાં કરવાનું પસંદ કર્યું હતું. તે વખતે એમણે જે ટૂંકું ભાષણ કર્યું એ સાંભળીને મોદી સહિત સૌ કોઈની આંખો ભીની થઈ હતી. ચંપત રાયે 1991થી રામ મંદિર માટે જે ભોગ આપ્યો છે, જે તપસ્યા કરી છે તે ઇતિહાસ લખવા માટે એક આખું પુસ્તક જોઈએ. ગોવિંદ દેવ ગિરિ આધુનિક યુગના ભારતના એક મહાન સંત છે. મોદીએ ટકોરાબંધ માણસોને જવાબદારી સોંપી છે.
આવા સત્ પુરુષોને અને રામ મંદિરને બદનામ કરવાનું ષડયંત્ર કરનારાઓ દાનવો છે અને આ દાનવોની વાતમાં આવીને આ પવિત્ર પુરુષોને, ભાજપને, આરએસએસને અને મોદીને ભાંડનારા મિનિ રાક્ષસો છે. આ મિનિ રાક્ષસોની પ્રજાતિ આજકાલ ખૂબ વધી ગઈ છે. એમની ભાષા વધુને વધુ નિમ્નસ્તરે પહોંચી રહી છે. રામમંદિરની ચોરી વિશે એલફેલ બોલનારાઓ ક્યારેય હિન્દુઓના સગા નહોતા એટલું માની લેજો. એ લોકો ક્યારેય ભગવાન રામમાં નહોતા માનતા. ચાલતી ગાડીએ બેસી જનારા આ તથાકથિત હિન્દુઓના હૈયામાં ક્યારેય આ દેશનું હિત નહોતું અને ભવિષ્યમાં પણ નહીં હોય.
રામમંદિરની ચોરી વિશે કમેન્ટ કરીને અચ્છા અચ્છા લોકો ફરી એકવાર ઉઘાડા પડી ગયા છે. આ વડીલ બદમાશોનાં નામ સોશિયલ મીડિયા વાપરનારા સારી રીતે જાણે છે.
આવું જ આ વખતની ઉગ્ર મોસમની બાબતમાં બન્યું છે. કેરળ અને કાશ્મીરમાં વરસાદ તબાહી મચાવે છે ત્યારે વિરોધીઓ એને કુદરતનો કોપ ગણાવે છે પણ ગુજરાત-મહારાષ્ટ્રમાં થતું નુકસાન શાસકની નિષ્ફળતામાં ગણાય છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વિધાનસભામાં સાફ કહ્યું છે કે મુંબઈ-પૂણે એક્સપ્રેસ વેના મિસિંગ લિન્કના મુદ્દે ફેક ન્યુઝ ફેલાવનારા લોકોની ખેર નથી.
આવું જ પેટ્રોલ-ઇથેનૉલની બાબતમાં બન્યું. કોવિડ વખતે થતું દરેક મૃત્યુ કોરોનાને કારણે થયું છે એવો પ્રચાર થતો. કેટલાક હરામખોર કવિઓએ તો મોદી-શાહને રંગા-બિલ્લા ગણાવીને તદ્દન હલકટ કવિતા કરેલી જેને અમુક નપુંસક ચાહકોએ તાબોટા પાડીને વધાવી લીધી હતી.
નોટબંધી વખતે થતાં મૃત્યુ માટે પણ નોટબંધીનો વાંક કાઢવામાં આવતો. આજકાલ ફૅશન થઈ ગઈ છે કે તમારી ગાડી બગડી તો ઈ-20નો વાંક કાઢો. સરકાર, મોટર કંપનીઓ, પેટ્રોલ ઉત્પાદકો બધા જ કહી કહીને થાકી ગયા છતાં કેટલાક લોકો પોતાની ગેરસમજ કે ભૂલને સ્વીકારીને માફી માગવાને બદલે પોતાનો જ કક્કો ખરો હોય એમ કૉલર ટાઈટ રાખીને ફરતા રહે છે. એક ચિરકુટે તો ત્યાં સુધી કહ્યું કે મારી ગાડી બગડી એમાં બનાવટી પેટ્રોલ કારણભૂત છે, ઇ-20 નહીં —એવું કારના ઉત્પાદકોએ કહ્યું તો મારે પૂછવું છે કે મને ભેળસેળિયું પેટ્રોલ આપ્યું કોણે? ભલા માણસ, કોઈએ નથી આપ્યું, તું જ લેવા ગયો હતો. જેમ તું શાકભાજી, ઘઉં-ચોખા, બ્રેડ-ઇંડાં વગેરે તાજાં છે કે નહીં તે જોઈને ખરીદે છે, એમાં કોઈ ભેળસેળ નથી એની ખાતરી કરીને ખરીદે છે એમ તારે તારી ગાડીને ભેળસેળ વિનાનું ઇંધણ આપવું જોઈએ એ જવાબદારી તારી છે.
તમારી જાણ ખાતર એક માહિતી આપું કે પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવાની શરૂઆત 2013માં થઈ હતી. બુધવાર, 2 જાન્યુઆરી 2013ના રોજ ભારત સરકારે ગેઝેટમાં જણાવ્યું હતું કે 10 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એ વખતે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલી હતા. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે ભારતના શેરડી ઉત્પાદકો પૂરતા પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન કરતા નથી પણ જ્યારે ઉત્પાદન વધશે ત્યારે આપણે પણ બ્રાઝિલ, ચીન અને અમેરિકાની જેમ 30% થી 50% ઇથેનોલવાળું પેટ્રોલ ઉપલબ્ધ કરાવી શકીશું.
આવો જ નરેટિવ ‘સતલુજ’ નામની દેશવિરોધી પંજાબી ફિલ્મ માટે ચાલી રહ્યો છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો ઝંડો લઈને આ ઈશ્યુમાં કૂદી પડનારાઓ સમજતા નથી કે સરકારની ટીકા, શાસકોનો વિરોધ કરવાની સૌ કોઈને છૂટ છે પણ પ્રજાને દેશના વિરોધમાં ઉશ્કેરવાની છૂટ કોઈને નથી. દેશમાં બે પ્રજા વચ્ચે વૈમનસ્ય ઊભું થાય એવી વાત તમે લખશો, નવલકથા લખશો, કવિતડું લખશો કે ફિલ્મ-નાટક બનાવશો તો તેના પર પ્રતિબંધ આવવાનો જ છે. 1980-90ના દાયકામાં પંજાબના આતંકવાદને નાબૂદ કરવામાં કે. પી. એસ. ગિલનું પ્રદાન અજોડ છે. પંજાબ પોલિસનું નેતૃત્વ કરનારા ગિલને નરેન્દ્ર મોદીએ 2002નાં રમખાણો વખતે ગુજરાતમાં બોલાવીને એમની સેવા લીધી હતી.
માનવ અધિકાર અર્થાત હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટનું મોહરું પહેરીને કેટલાક ખાલિતાનવાદીઓએ પંજાબનું ઘણું મોટું અહિત કરવાની કોશિશ કરી ત્યારે ગિલસાહેબે એમની સામે કડક હાથે કામ લીધું અને એ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિને કચડી નાખી. દલજિત દોસાંઝ નામના આતંકવાદીઓના તથા ખાલિસ્તાનીઓના સમર્થક એવા ભારતીય નાગરિક મટીને અમેરિકામાં શરણ લેનારા ભાંડની હીરોગીરીવાળી ‘સતલુજ’ના રૂપાળા મેકિંગની આભામાં આંધળા થઈ જનારા ફિલ્મશોખીનોએ આ ફિલ્મની વાર્તાના આસપાસનો ઇતિહાસ જાણ્યા વિના લખવાનું શરૂ કરીને પોતાની બેવકૂફી પ્રગટ કરી છે. હજારો નિર્દોષ સિક્ખોની ખાલિસ્તાની આતંકવાદીઓએ હત્યા કરી છે. સેંકડો માસૂમો પર બળાત્કાર કર્યા છે. આતંકવાદી પ્રવૃત્તિને વાજબી ઠેરવવા, તેને સમર્થન આપવા આ ફિલ્મ બનાવવામાં આવી છે. એના પરનો પ્રતિબંધ હટાવી લેવાની માગણી કરનારાઓ દેશના દુશ્મન છે, કળા કે અભિવ્યક્તિ સ્વતંત્રતાના પ્રેમી નથી જ નથી.
એક વખત પેપર ફૂટી ગયા પછી અને ‘નીટ’ની પરીક્ષા રદ થયા પછી નવેસરથી લેવાઈ અને રંગેચંગે પૂરી થઈ ગઈ. પણ આ મુદ્દાને લઈને શરૂ થયેલું હાસ્યસ્પદ આંદોલન હજુ ચાલી રહ્યું છે. આ આંદોલન માટે જંતરમંતર ખાતે ભેગા થયેલા બે ડઝન વંદાઓ અત્યારે માખી મારી રહ્યા છે. ઉપવાસ પર ઊતરેલો એક ચુકચુક રોજ છ વખત પાયખાને જાય છે. આ પિકનિકને આંદોલન ગણાવતા કેટલાક બાળપત્રકારો હજુય કોક્રોચોને ટેકો આપી રહ્યા છે, એમ કહીને કે આ બહાને પણ ભારતની શિક્ષણ વ્યવસ્થા થોડીઘણીય સુધરતી હોય તો એમાં ખોટું શું છે? આ બાબાભાઈઓને જણાવવાનું કે શિક્ષણપ્રથામાં ક્રમશઃ ધરખમ સુધારાઓ થઈ જ રહ્યા છે, એના માટે કોક્રોચોના આંદોલનની જરૂર નથી અને તમારા જેવા કીડામકોડાઓનીય બિલકુલ જરૂર નથી. ગુજરાતમાં પણ કેટલાક આપિયા- કોંગ્રેસિયાઓ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા વિશે પોતાના માથાના વાળ ખેંચીને ગટર ક્લાસ ભાષામાં બોલ્યા કરે છે. એમને જણાવવાનું કે આ વર્ષે 55,000 વિદ્યાર્થીઓ ખાનગી શાળા મૂકીને સરકારી સ્કૂલોમાં દાખલ થયા.
આ તમામ અને આવા અનેક મુદ્દાઓ વિશે વાંચીને કોણ કેવો અભિપ્રાય આપે છે તે તમારે જાણવું જોઈએ અને એના આધારે નક્કી કરવું જોઈએ કે આ ભાઈ કે આ બહેન દેશપ્રેમી છે કે દેશદ્રોહી. તમારી આસપાસ રહેલા તથાકથિત હિન્દુવાદીઓને, છુપા મોદીદ્વેષીને અને બનાવટી સનાતનીઓને ઓળખવાનું કામ બહુ મુશ્કેલ નથી.
સોશિયલ મીડિયા અને મીડિયામાં ફેલાવાતી બદમાશીભરી, સિલેક્ટિવ, સંદર્ભહીન અને તદ્દન ખોટી માહિતીને સાચી માની લેનારાઓ આજકાલ ઘણા વધી ગયા છે. આ સૌને લાગી રહ્યું છે કે 2029માં મોદી જવાના છે તો અત્યારથી જ અમે શઢની દિશા બદલવાનું શરૂ કરી દઈએ.
મૂર્ખાઓ, મોદી ક્યાંય જવાના નથી. મોદી સવાસો વર્ષ સુધી જીવવાના છે. જીવશે ત્યાં સુધી આ દેશની સેવા કરવાના છે અને એમને સાથ આપવા માટે એકબે નહીં, ડઝનબંધ મોદીઓની ફોજ એમણે તૈયાર કરેલી છે. તમે પોતે હિન્દુ હોવા છતાં મોદીને ધિક્કારો છો અને પેલી બાજુ દુનિયામાં સૌથી વધુ મુસ્લિમો જે દેશમાં વસે છે તે ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ જાહેરમાં કહે છે કે, ‘હું મોદીનો અનુયાયી છું, એમની નીતિઓનો ચાહક છું, મારા દેશમાં અમલમાં મુકું છું, મારું ડીએનએ હિન્દુ જ છે, અમારા દેશની ભાષામાં 50% શબ્દો સંસ્કૃતમાંથી લીધેલા છે, તમારી ફિલ્મોના ગીતો વાગે કે તરત અમે થિરકવા માડીએ છીએ…’
સુધરો, જરા સુધરો. ભારતના મુસ્લિમોએ સેક્યુલરોની વાદે ચડીને જે નરેન્દ્ર મોદીને સતાવવામાં કંઈ બાકી નથી રાખ્યું તે મોદી વિશે એક પાક્કા ઈસ્લામિક રાષ્ટ્રના વડા શું કહે છે તે સમજો અને સુધરો. ભલે તમને લાગતું હોય કે ભારતનો અત્યારનો સમય સૌથી ખરાબ, મૂર્ખામીભર્યો, અવિશ્વાસભર્યો, અંધકારભર્યો અને નિરાશામય છે. પણ હકીકત એ છે અને આખી દુનિયા સ્વીકારે છે કે ભારતનો અત્યારનો સમય સૌથી શ્રેષ્ઠ છે, સૌથી પ્રકાશમય છે અને સૌથી આશાભર્યો છે.
લાસ્ટ બૉલ
ધીરજ, ધર્મ, મિત્ર અરુ નારી ।
આપદ કાલ પરિખિઅહિં ચારી ।।
ધર્મ મિત્ર અને પત્ની આચાર્યની વાસ્તવિક પરીક્ષા વિપત્તિ અથવા તો સંકટ સમયે થતી હોય છે.
— ચંપત રાયજી, જનરલ સેક્રેટરી શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર.
(વિવાદ પછી રાજીનામું આપ્યા બાદ એમણે રામચરિતમાનસની આ ચોપાઈ ટાંકીને કહ્યું છે કે મારે જે કંઈ કહેવું છે તે એસ.આઈ.ટી.નો ફાઇનલ રિપોર્ટ આવ્યા પછી કહીશ).


