શસ્ત્રવિરામ અને MoUની વાતો કર્યાના થોડા દિવસોમાં ફરી ધીંગાણે ચડ્યાં અમેરિકા-ઈરાન: યુએસ સેન્ટ્રલ કમાન્ડના ઈરાન પર હવાઈ હુમલા, ખામેનેઈના જનાજાના માર્ગના બે પુલ ધ્વસ્ત

MoU અને શાંતિકરાર, યુદ્ધવિરામ વગેરેની વાતો કર્યાના થોડા જ દિવસોમાં અમેરિકા અને ઈરાન ફરી ધિંગાણે ચડ્યાં છે અને એવા સમયે જ્યારે ઈરાનમાં અમેરિકી હુમલામાં માર્યા ગયેલા સુપ્રીમ લીડર ખામેનેઈની અંતિમ યાત્રા ચાલી રહી છે.

તાજેતરમાં અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) જણાવ્યું કે તેમણે ઈરાનનાં લગભગ 90 લશ્કરી ઠેકાણાંઓ પર હુમલા કરીને એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ, નૌકાદળ ઠેકાણાં તેમજ લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યાં હતાં. અમેરિકાનો આ સતત બીજો હુમલો છે. આ પહેલાં પણ અમેરિકાએ ઈરાન પર હવાઈ હુમલા કર્યા હતા.

અમેરિકાનું કહેવું છે કે આ કાર્યવાહી સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં વ્યાપારી જહાજો પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે. હુમલાઓ દરમિયાન ઈરાનનાં પોર્ટ સિટી, એરપોર્ટ વિસ્તાર અને દક્ષિણ કિનારાના અનેક વિસ્તારોમાં વિસ્ફોટો થયા છે. અમુક દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ સામે આવ્યાં છે.

ઈરાનમાં પૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનેઈની અંતિમ યાત્રા ચાલી રહી છે. તેના જનાજાને ઈરાનના બીજા સૌથી મોટા શહેર મશહદ લઈ જવામાં આવનાર છે, જે ખામેનેઈ પરિવારનું વતન પણ છે. સમાચાર એવા છે કે આ માર્ગ પરના બે પુલ પણ અમેરિકાએ હવાઈ હુમલા કરીને તોડી પાડ્યા છે. ઈરાનનું કહેવું છે કે અંતિમયાત્રાને ધ્યાનમાં રાખીને જ આ હુમલા કરવામાં આવ્યા છે. અમેરિકાએ અલગથી આ દાવા પર પ્રતિક્રિયા આપી નથી.

અમેરિકી હુમલાના જવાબમાં ઈરાને પણ વળતા પ્રહાર તરીકે હુમલા શરૂ કરી દીધા હતા. ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડે દાવો કર્યો કે તેમણે બહરીન અને કુવૈતમાં આવેલી અમેરિકી સૈન્ય છાવણીઓ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા છે. બીજી તરફ કુવૈતે જણાવ્યું કે તેની વાયુસેનાએ અનેક મિસાઇલ અને ડ્રોનને માર્ગમાં જ નષ્ટ કર્યાં હતાં, જ્યારે બહરીનમાં પણ ચેતવણી આપતાં સાઇરન વાગ્યાં હતાં.

આ ઘટનાઓ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન ફરી કમર્શિયલ જહાજો પર હુમલો કરશે તો અમેરિકા વધુ કડક કાર્યવાહી કરશે. બીજી તરફ ઈરાને કહ્યું છે કે અમેરિકાને દરેક હુમલાનો જવાબ મળશે અને જરૂર પડશે તો આસપાસના દેશોમાં આવેલાં અન્ય અમેરિકી સૈન્ય મથકોને પણ નિશાન બનાવવામાં આવશે.

આ ભયાનક હુમલાઓએ બંને દેશો વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા માટેની વાટાઘાટોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. ટ્રમ્પે બીજી તરફ કહી દીધું છે કે ઈરાન સાથે ડિપ્લોમસી એટલે કે વાતચીત કરવી એ માત્ર ‘સમયનો બગાડ’ છે અને તેઓ હવે ઈરાન પર ભરોસો કરી શકે તેમ નથી. તેમને વ્યક્તિગત રીતે હવે ઈરાન સાથે વાત કરવામાં કોઈ રસ નથી અને કોઈ પણ અવળચંડાઈ પર બમણી તીવ્રતાથી હુમલા કરવામાં આવશે. જોકે ટ્રમ્પે કહ્યું છે કે જેઓ વાટાઘાટો કરી રહ્યા છે તેઓ ચાલુ રાખી શકે છે.