
અમેરિકા અને ઈરાન (Iran-US) વચ્ચે ફરી સંઘર્ષ શરૂ થયો છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ત્રણ વ્યાપારી જહાજો પર થયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાન પર ફરી હુમલા શરૂ કર્યા છે. જવાબમાં ઈરાને પણ અમેરિકી નૌકાદળ અને આસપાસના દેશોનાં એરબેઝ પર હુમલા શરૂ કરી દીધા હતા. આ સૈન્ય કાર્યવાહી સાથે જ બંને દેશો વચ્ચે યુદ્ધ રોકવા માટે તાજેતરમાં થયેલો યુદ્ધવિરામ ભંગ થયો છે અને સમગ્ર ખાડી વિસ્તારમાં ફરીથી સંકટનાં વાદળો ઘેરાયાં છે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડના (CENTCOM) જણાવ્યા અનુસાર, અમેરિકી સૈન્યએ ઈરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ, દરિયાકાંઠાની રડાર સાઇટ, મિસાઈલ સાઇટ અને કમાન્ડ નેટવર્ક સહિત 80થી વધુ ઠેકાણાં પર હુમલા કર્યા હતા. આ ઑપરેશનમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સની (IRGC) 60થી વધુ નાની બોટ પણ નષ્ટ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. સેન્ટકોમનું કહેવું છે કે આ હુમલા અગાઉના હુમલા કરતાં 4થી 5 ગણા તીવ્ર હતા.
આ સૈન્ય કાર્યવાહી ઉપરાંત અમેરિકાએ ઈરાનને આર્થિક મોરચે પણ મોટો ઝટકો આપ્યો છે. વૉશિંગ્ટને ઈરાનને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ વેચવાની મંજૂરી આપતાં નિયંત્રણો પરત ખેંચવાનો નિર્ણય તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધો છે. જૂન મહિનામાં બંને દેશો વચ્ચે થયેલા MoU હેઠળ આ વ્યવસ્થા ઑગસ્ટ સુધી ચાલુ રહેવાની હતી. આ નિર્ણયોના કારણે અમેરિકામાં તેલની કિંમતોમાં તાત્કાલિક 3% જેટલો મોટો ઉછાળો આવ્યો છે.
હોર્મુઝમાં જહાજો પર થયેલા હુમલા ઈરાને કર્યા હોવાનું કહેવાય છે. જોકે ઈરાને ન જવાબદારી સ્વીકારી છે ન ઇનકાર કર્યો છે. બીજી તરફ અમેરિકા પર MoUના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે અને દરેક હુમલાનો જવાબ આપવાની ચેતવણી આપી છે.
Major MOU Violations by the US:
— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) July 8, 2026
Violating Iranian adjustments in the Strait
Persistent threats of further strikes
Reinstating oil sanctions
Attacks on southern Iran
Continued Zionist aggression on🇱🇧
The era of bullying and extortion is over. It leads nowhere. We don’t fold.
અમેરિકી હુમલાના જવાબમાં ઈરાને ઓમાનના સમુદ્રમાં તહેનાત અમેરિકી નૌકાદળનાં યુદ્ધ જહાજો તરફ એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલો અને આત્મઘાતી ડ્રોન વડે હુમલો કર્યો છે. આ ઉપરાંત ઈરાને બહેરીન તરફ પણ ડ્રોન લોન્ચ કર્યાં છે. ખાસ વાત એ છે કે આ તણાવ એવા સમયે વધ્યો છે જ્યારે ઈરાનમાં પૂર્વ સુપ્રીમ લીડર અયોતુલ્લાહ અલી ખામેનેઈની અંતિમયાત્રા ચાલી રહી છે.
ખાડી ક્ષેત્રમાં વધી રહેલા આ ભયાનક સંઘર્ષની સીધી અસર પાડોશી દેશો પર પણ જોવા મળી રહી છે. બહેરીન અને કુવૈતમાં હવાઈ હુમલાની ચેતવણી આપતાં એર રેડ સાયરન વગાડવામાં આવી રહ્યાં છે. જોકે કુવૈતી સૈન્યએ સત્તાવાર પુષ્ટિ કરી છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે દેશ તરફ આવી રહેલી મિસાઈલો અને ડ્રોનને હવામાં જ સફળતાપૂર્વક તોડી પાડ્યાં હતાં, જેથી વધુ નુકસાન થયું નથી.
નોંધવું જોઈએ કે આ પહેલાં પણ અમેરિકા અને ઈરાન વચ્ચે MoU થયા છતાં સામસામા હુમલા થયા હતા. જોકે ત્યારબાદ કતારના દોહામાં બંને દેશો વચ્ચે ફરી બેઠક થઈ હતી અને હુમલા રોકાયા હતા.

