
ગુજરાત ATS દ્વારા જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા 8 આતંકીઓની ધરપકડ કર્યા બાદ હવે તપાસ વધુ તેજ કરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન ATSની ટીમ આતંકીઓને લઈને બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ ગામે પહોંચી હતી, જ્યાં સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને અનેક સ્થળોએ સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું.
મળતી માહિતી મુજબ ભાગળ ગામેથી ઝડપાયેલા આરોપીઓની હિલચાલ, સંપર્કો અને સ્થાનિક નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવા માટે ATSએ સ્થળ પર જઈને પુરાવા એકત્રિત કર્યા હતા. તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓને સાથે રાખીને વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ભાગળ ગામમાં પાંચ આરોપીઓના ઘરે તપાસ
ATSની તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા 8 આરોપીઓમાંથી 5 બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ ગામના રહેવાસી છે. ટીમે સૌપ્રથમ સગા ભાઈઓ મુદશીર અબ્દુલ્લા ગાજીવાલા અને અહમદ અબ્દુલ્લા ગાજીવાલાના ઘરે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. ત્યારબાદ તેમના મામા ઇબ્રાહિમ મોહમ્મદહુસૈન ઘઘાના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય ત્રણ આરોપીઓના ઘરો પર પણ તપાસ ચાલી રહી છે.
કાશ્મીરમાં તાલીમ લીધી હોવાની માહિતી
ATSની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મુખ્ય આરોપી ઇબ્રાહિમ મોહમ્મદહુસૈન ઘઘા અગાઉ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હતો અને તેણે કાશ્મીરમાં તાલીમ પણ લીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જોકે આ અંગે ATS તરફથી સત્તાવાર રીતે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.
ગુજરાતમાં JeMનું નેટવર્ક ઊભું કરવાનો આરોપ
નોંધનીય છે કે 3 જુલાઈએ ગુજરાત ATSએ ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સંયુક્ત ઑપરેશન કરીને કુલ 8 આરોપીઓની ધરપકડ કરી હતી. ATSના જણાવ્યા અનુસાર આરોપીઓ પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતા અને ગુજરાતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું સક્રિય નેટવર્ક ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓ ‘દારૂલે ઇસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ’ નામની તંઝીમ બનાવી સ્થાનિક લોકોને સંગઠનમાં જોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ગુજરાતીમાં કરતા હતા જેહાદી સાહિત્યનો પ્રચાર
ATSની તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીઓ જૈશ-એ-મોહમ્મદના જેહાદી સાહિત્યનું ઉર્દૂમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરીને તેની વિચારધારાનો ગુજરાતમાં વધુમાં વધુ પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મુખ્ય આરોપીના મોબાઇલમાંથી જેહાદી પુસ્તકો, વિડીયો, ઓડિયો, ફોટોગ્રાફ્સ અને મસૂદ અઝહર સાથે સંબંધિત સામગ્રી સહિત 254 ડિજિટલ ફાઇલો પણ મળી આવી હતી.
મદરેસા કનેક્શન પણ આવ્યું સામે
આ કેસમાં પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામના એક મદરેસા સાથે પણ કડી સામે આવી છે. ATS દ્વારા ઝડપાયેલા આરોપીઓમાંથી મુફ્તી ફૌજાન દાઉવા છેલ્લા ચાર વર્ષથી ત્યાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે મોહમ્મદ અમીન શેર અને ઝકરિયા દુરાની ત્યાં વિદ્યાર્થી તરીકે રહેતા હતા. મદરેસાના ટ્રસ્ટીએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.
14 દિવસના રિમાન્ડ પર આરોપીઓ
પકડાયેલા તમામ 8 આરોપીઓ વિરુદ્ધ UAPAની કલમ 13, 17, 18, 38 અને 39 ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 61 અને 148 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કડી કોર્ટે તમામ આરોપીઓને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે, જે દરમિયાન ATS સમગ્ર નેટવર્ક અને પાકિસ્તાની કનેક્શન અંગે વધુ તપાસ કરી રહી છે.

