ખોટી ઓળખથી ઇન્સ્ટાગ્રામ પર યુવતીને ફસાવી, લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ: રાજસ્થાનથી ભાગી કચ્છમાં છુપાયેલા સાજીદની ધરપકડ

રાજસ્થાનના ગંગાનગરમાં સાજીદ અલીમામદ મંગરીયા નામના મુસ્લિમ યુવકે ઇન્સ્ટાગ્રામ પર ખોટી ઓળખ આપી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ગુનો કર્યા બાદ પોતે પકડાઈ ન જાય તે માટે રાજસ્થાનથી ભાગીને ગુજરાતના કચ્છમાં આવી છુપાઈ ગયો હતો.

ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે રાજસ્થાનના ગંગાનગર મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી સાજીદ વિરૂદ્ધ BNSની કલમ-69 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. લગ્નના ખોટા વાયદા કરીને શારીરિક શોષણ કરનાર આ ફરાર આરોપીને પકડી પાડવા માટે રાજસ્થાન પોલીસે આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ શરૂ કરી હતી અને ગુજરાત પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

સરહદી રેન્જ ભુજના આઈજીપી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સૂચનાથી અંજાર પોલીસ એક્શન મોડમાં આવી હતી. અંજાર પીઆઈ એચ.એ. જાડેજા અને તેમની ટીમે સ્થાનિક સ્તરે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું હતું.

પોલીસે સચોટ વોચ ગોઠવીને આખરે આરોપી સાજીદ અલીમામદ મંગરીયાને અંજાર તાલુકાના વીડી ગામ ખાતેથી ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપી સાજીદ મંગરીયાને અંજાર પોલીસ સ્ટાફે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગુજરાત આવી પહોંચેલી રાજસ્થાન પોલીસની ટીમને સોંપી દીધો હતો.