‘જમીન હડપવા માટે 90 વર્ષીય નસરીનને ધમકાવી રહ્યા છે કોંગ્રેસીઓ’: ભાજપનો પ્રિયંકા વાડ્રા પર આરોપ, નેશનલ હેરાલ્ડ સાથે કરી તુલના

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધી ઉત્તરાખંડના કિચ્છામાં એક 90 વર્ષના મુસ્લિમ મહિલાની જમીન હડપવાના પ્રયાસને સમર્થન આપી રહ્યા છે. ભાજપે આ વિવાદની સરખામણી ‘ગાંધી-વાડ્રા પરિવાર’ના જૂના ભ્રષ્ટાચાર સંબંધિત કેસ ‘નેશનલ હેરાલ્ડ કેસ’ સાથે કરી છે.

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભંડારીએ વિગતો આપતાં જણાવ્યું કે, ઉધમસિંઘ નગરના કિચ્છામાં આવેલા ‘ખાન ફાર્મ એસ્ટેટ’ની આ પ્રોપર્ટીના અસલી દસ્તાવેજો સ્વર્ગસ્થ કુલસુમ ખાનના નામે હતા. હાલમાં તેમની 90 વર્ષના બહેન નસરીન ખાન તે જ જમીન પર બનેલા મકાનમાં રહે છે. ભંડારીના આરોપ મુજબ, પ્રિયંકા ગાંધીનાં ભાભી અને રોબર્ટ વાડ્રાના પરિવારના સભ્ય સાયરા વાડ્રા આ પ્રોપર્ટી પર ગેરકાયદેસર રીતે કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

કોંગ્રેસ ધારાસભ્યએ વૃદ્ધ મહિલાને ધમકાવી હોવાનો આરોપ

ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ જણાવ્યું કે, કિચ્છાના કોંગ્રેસ ધારાસભ્ય તિલક રાજ બેહર મોડી રાત્રે આશરે 100 જેટલા કાર્યકર્તાઓ સાથે વિવાદિત જમીન પર પહોંચ્યા હતા અને વૃદ્ધ મહિલા નસરીન ખાનને ધમકાવ્યાં હતાં. ધારાસભ્ય તિલક રાજ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના નજીકના માણસ હોવાનું માનવામાં આવે છે.

ભંડારીના જણાવ્યા મુજબ, નસરીન ખાને માત્ર સાયરા વાડ્રાનું નામ લેવાને બદલે આખા વાડ્રા પરિવારનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે તેમણે સવાલ ઉઠાવ્યો કે શું કોંગ્રેસ ધારાસભ્યએ પ્રિયંકા વાડ્રા અથવા રોબર્ટ વાડ્રાના કહેવા પર તે વૃદ્ધ મહિલાને ધમકી આપી હતી? તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે સાયરા અને તેના પતિ સિકંદર આલમે નસરીનની બહેન પર ખોટા સોગંદનામા પર સહી કરવાનું દબાણ કર્યું અને એક નકલી વસિયતનામું બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે, પ્રોપર્ટી હડપવા માટે આ લોકો એક ખાસ રીત અપનાવતા હતા. આ અંતર્ગત મિલકતના અસલી માલિકને ત્યાં સુધી ડરાવવામાં અને ધમકાવવામાં આવતો હતો, જ્યાં સુધી તે કંટાળીને પ્રોપર્ટી છોડીને ચાલી ન જાય. ત્યારબાદ આ બીજી પાર્ટી સિવિલ ડિસ્પ્યુટ હેઠળ તે જમીન પર પોતાના કબ્જાનો દાવો કરી શકે.

નેશનલ હેરાલ્ડ સાથે તુલના

ભાજપના પ્રવક્તાએ જણાવ્યું કે, કોંગ્રેસ ધારાસભ્યની આ હરકતો ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 હેઠળ આવે છે, જે ક્રિમિનલ ઇન્ટિમિડેશન સાથે સંબંધિત છે. તેમણે આ વર્તનને સંપૂર્ણપણે ગેરકાયદે ગણાવતાં કહ્યું કે, “આ વાત માત્ર કોંગ્રેસના ધારાસભ્ય પૂરતી સીમિત નથી, આની અસલી જવાબદારી પ્રિયંકા વાડ્રાની છે.”

પ્રદીપ ભંડારીએ રોબર્ટ વાડ્રા સાથે જોડાયેલા ભૂતકાળના જમીન વિવાદોનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે ગુરુગ્રામના શિકોહપુર મામલા અને સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી સાથે જોડાયેલા બીકાનેર-કોલાયત જમીન કૌભાંડના કેસનો ખાસ સંદર્ભ આપ્યો હતો.

તેમણે આ સમગ્ર ઘટનાની સરખામણી ‘નેશનલ હેરાલ્ડ’ કેસ સાથે પણ કરી હતી. તેમણે ગાંધી પરિવાર પર આરોપ લગાવતાં કહ્યું કે, આ પરિવારે સ્વતંત્રતાની લડત લડનારાઓ સાથે જોડાયેલી સરકારી અને સામાજિક સંપત્તિઓને પોતાની ખાનગી મિલકતમાં ફેરવી નાખી હતી.

ગાંધી-વાડ્રા પરિવાર પર ગંભીર પ્રહારો કરતા ભંડારીએ સવાલ પૂછ્યો કે, શું પ્રિયંકા વાડ્રાએ પોતે જ કોંગ્રેસ ધારાસભ્યને તે વિવાદિત જમીન પર જવાનો આદેશ આપ્યો હતો? આ સાથે જ તેમણે પૂછ્યું કે, મુસ્લિમો, મહિલાઓ અને ગરીબોના સમર્થનનો દાવો કરનારી પાર્ટી આખરે કેમ એક 90 વર્ષના વૃદ્ધ મુસ્લિમ મહિલાને જમીનના મામલામાં નિશાન બનાવી રહી છે?

નોંધનીય છે કે, આ અહેવાલ પ્રકાશિત થયો ત્યાં સુધીમાં આ સમગ્ર વિવાદ અને આરોપો અંગે કોંગ્રેસ પક્ષ કે પ્રિયંકા ગાંધી વાડ્રા તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે પ્રતિક્રિયા સામે આવી નથી.