વડોદરામાં સંપન્ન થઈ ચોથી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: 3,759 MoU પર હસ્તાક્ષર અને ₹3.34 લાખ કરોડથી વધુના રોકાણની જાહેરાત

વડોદરામાં યોજાયેલી સેન્ટ્રલ ગુજરાત ક્ષેત્રની ચોથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) મંગળવારે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પૂર્ણ થઈ હતી. ‘રિજનલ એસ્પિરેશન-ગ્લોબલ એમ્બિશન’ થીમ પર યોજાયેલી આ કોન્ફરન્સમાં કુલ 3,759 સમજૂતી કરારો (MoU) થયા હતા. આ MoU દ્વારા ₹3.34 લાખ કરોડથી વધુના રોકાણની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે રાજ્યમાં 1.97 લાખથી વધુ રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે.

સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સર્વસમાવેશક વિકાસ’ના વિઝનને ગુજરાતે સફળતાપૂર્વક સાકાર કર્યું છે. તેમણે કહ્યું કે સુધારા, કામગીરી અને પરિવર્તનના મંત્રને કારણે દેશમાં ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ તેમજ VGRC જેવા કાર્યક્રમો ઉદ્યોગકારો માટે વિકાસનું મહત્વપૂર્ણ મંચ બન્યા છે.

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ભારતના ડિફેન્સ સેક્ટરની સિદ્ધિઓ વિશે વાત કરતાં જણાવ્યું કે, વર્ષ 2014માં દેશનું સંરક્ષણ ઉત્પાદન ₹46 હજાર કરોડ હતું, જે હવે વધીને ₹1.78 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે, જ્યારે સંરક્ષણ નિકાસ ₹39 હજાર કરોડ થઈ છે. તેમણે ગુજરાતના ઉદ્યોગસાહસિક સ્વભાવની પ્રશંસા કરતાં કહ્યું કે, દેશની પ્રથમ ખાનગી લશ્કરી વિમાન ઉત્પાદન સુવિધા વડોદરાનો ટાટા એરબસ C-295 પ્રોજેક્ટ અને સાણંદ-ધોલેરાના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ ગુજરાતને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું મોટું હબ બનાવશે.

બીજી તરફ, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી રાજીવ રંજન સિંઘે ગુજરાતને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે દેશનું પાવરહાઉસ બનાવવા હાકલ કરી હતી અને આધુનિક ટેકનોલોજી તથા બ્લુ ઈકોનોમીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં ઝાયડસ ગ્રુપના ચેરમેન અજય રેન્કા અને રુબામિનના એમડી અતુલ દાલમિયાએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા, જ્યારે ઉદ્યોગ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મમતા વર્માએ પ્રસ્તુતિ આપી પ્રગતિની રૂપરેખા રજૂ કરી હતી.