Friday, April 3, 2026
More
    હોમપેજગુજરાતસ્થાનિક વેપારનું વૈશ્વિક ઉદ્યોગો સાથે જોડાણ, સમાવેશી વિકાસનું નવું મોડેલ: શું છે...

    સ્થાનિક વેપારનું વૈશ્વિક ઉદ્યોગો સાથે જોડાણ, સમાવેશી વિકાસનું નવું મોડેલ: શું છે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ, કેવી રીતે ટ્રમ્પના ટેરિફને આપશે ટક્કર?

    વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ માત્ર ઇવેન્ટ નથી, પરંતુ ગુજરાતની આર્થિક સ્થિતિસ્થાપકતા અને સમાવેશી વિકાસનું પ્રતીક છે. આ પ્રાદેશિક અભિગમ દ્વારા રાજ્ય વૈશ્વિક પડકારોમાંથી મજબૂત બહાર આવી રહ્યું છે, સ્થાનિક ઉદ્યોગોને સશક્ત કરી રહ્યું છે અને દરેક ગુજરાતીને વિકાસનો ભાગીદાર બનાવી રહ્યું છે.

    - Advertisement -

    વર્તમાનમાં વૈશ્વિક વ્યાપારમાં અસ્થિર વાતાવરણ જોવા મળી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા પછી વિશ્વના ઘણા દેશોને ટેરિફની ધમકીઓ આપી રહ્યા અને ટેરિફ વોર શરુ કરી દીધું છે. રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાના નામે ભારત પર 50% ટેરિફ લગાવી દીધો છે. આ ઉપરાંત તેમણે હજુ 500% ટેરિફ લગાવવાની ધમકી આપી દીધી છે. આ બધાની વચ્ચે ગુજરાત એક દૂરદર્શી અને જમીની સ્તરની વ્યૂહરચના અપનાવી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બાદ હવે રાજ્ય સરકારે 2025-2026માં ચાર પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સોનું (VGRC) આયોજન કર્યું છે. જેમાનું એક ઉત્તર ગુજરાતમાં ઑક્ટોબર 2025 દરમિયાન મહેસાણા ખાતે આયોજિત થયું હતું. હવે આગામી કૉન્ફરન્સ 11-12 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટમાં યોજાવા જઈ રહ્યું છે.

    વાઇબ્રન્ટ ગુજરાતની ઐતિહાસિક યાત્રા અને પ્રાદેશિક વિસ્તારનું મહત્વ

    વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ગુજરાતના આર્થિક વિકાસનું એક અનોખું અને પ્રેરણાદાયી પ્રતીક છે. 2001ના ભુજ ભૂકંપ પછી જ્યારે ગુજરાત પુનર્નિર્માણના તબક્કામાં હતું અને વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની જરૂર હતી ત્યારે 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ સમિટની શરૂઆત કરી હતી.

    આ સમિટે ગુજરાતને ન માત્ર વૈશ્વિક રોકાણનું આકર્ષક કેન્દ્ર બનાવ્યું, પરંતુ ભારતમાં રાજ્ય સ્તરે આર્થિક ડિપ્લોમસી અને બ્રાન્ડિંગનું એક સફળ મોડેલ પણ સ્થાપિત કર્યું. હવે 2024ની 10મી આવૃત્તિ પછી ગ્લોબલ સમિટને 2027માં થવાનું છે, દરમિયાન હવે પ્રાદેશિક વિસ્તાર તરફ વળવું એ ગુજરાતની વિકાસ વ્યૂહરચનાનો નવો અને વધુ સમાવેશી તબક્કો છે, જે ‘વિકસિત ભારત 2047’ના વિઝન સાથે જોડાયેલો છે. ટૂંકમાં હવે જે ગ્લોબલ સમિટ દુનિયા માટે થતી હતી, તે હવે પ્રાદેશિક ધોરણે ગુજરાતના વિસ્તારો માટે થશે. તેથી આ અભિયાનને ગ્લોબલ રિજનલ સમિટ કે કૉન્ફરન્સ તરીકે ઓળખવામાં આવે છે.

    - Advertisement -

    વાઇબ્રન્ટ ગુજરાતની પ્રથમ આવૃત્તિ

    વાઇબ્રન્ટ ગુજરાતની પ્રથમ આવૃત્તિ 28-30 સપ્ટેમ્બર 2003માં અમદાવાદ અને સુરતમાં યોજાઈ હતી. તત્કાલીન નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય ‘રી એસ્ટાબ્લીશિંગ ગુજરાત એઝ એન ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન (Re-establishing Gujarat as an Investment Destination) હતો. પ્રથમ આવૃત્તિમાં માત્ર 76 MoUs સાઇન થયા હતા, જેમાં US$14 બિલિયન લગભગ ₹66,000 કરોડના રોકાણની જાહેરાત થઈ હતી. આ સમયે લગભગ 125 વિદેશી ડેલિગેટ્સ, 200 NRIs અને 200 પ્રમુખ વ્યક્તિઓએ ભાગ લીધો હતો.

    ત્યારબાદ દર 2 વર્ષે આ સમિટનો ક્રમ ચાલુ રહ્યો હતો. વર્ષ 2005માં લગભગ 20 દેશોમાંથી વિવિધ ડેલિગેટ્સ આવ્યા હતા અને રોકાણનો આંકડો ₹1 લાખ કરોડને પાર પહોંચી ગયો હતો. વર્ષ 2007માં ₹4.65 લાખ કરોડનું રોકાણ, 2009માં ₹12 લાખ કરોડ અને વર્ષ 2011માં ₹20.83 લાખ કરોડનું રોકાણ આવ્યું હતું. વર્ષ 2013માં વિધાનસભા ચૂંટણી અને 2014માં લોકસભા ચૂંટણી બાદ વર્ષ 2015માં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત લગભગ 110 દેશોના પ્રતિનિધિઓએ આ સમિટમાં ભાગ લીધો હતો અને ₹25 લાખ કરોડનું રોકાણ આવ્યું હતું.

    TOIના અહેવાલ અનુસાર વર્ષ 2017માં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત 2003થી લઈને 2017 સુધીમાં થયેલ કુલ 51,738 MoUs અથવા રોકાણના હેતુઓમાંથી 66% અથવા 34,234 કાં તો શરૂ થઈ ગયા છે અથવા અમલમાં મૂકવાની પ્રક્રિયામાં છે. 2019માં 9મી આવૃત્તિ દરમિયાન હજારો MoUs થયા હતા અને રિન્યુએબલ એનર્જીમાં ₹50,000 કરોડની અપેક્ષા હતી.

    2023માં 20 વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી

    વર્ષ 2023માં આ સમિટના 20 વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ સમિટ એક સમયની ઇવેન્ટમાંથી એક સંસ્થા (institution) બની ગઈ છે. 2003માં માત્ર 100 જેટલા ડેલિગેટ્સ હતા, આજે 40,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ત્યારબાદ વર્ષ 2024માં વાઇબ્રન્ટ સમિટની 10મી આવૃત્તિનું આયોજન થયું હતું.

    2024માં લાખો કરોડોના MoUs

    2024માં આયોજિત સમિટ દરમિયાન 41,299 પ્રોજેક્ટ્સ માટે ₹26.33 લાખ કરોડના MoUs થયા હતા. પ્રી-સમિટ અને સમિટ મળીને 98,540 પ્રોજેક્ટ્સ માટે ₹45.2 લાખ કરોડથી વધુનાં રોકાણો આવ્યાં હતાં અને 81 લાખ રોજગારની સંભાવના ઊભી થઈ હતી. આમાં સેમિકન્ડક્ટર્સ, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી જેવા નવા ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવ્યું હતું.

    2027માં ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે તેથી હાલ સરકારનું ધ્યાન સંતુલિત અને સમાવેશી વિકાસ પર છે. આ અંતરાલમાં ચાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) યોજવામાં આવી રહી છે, જે ગ્લોબલ સમિટના મોડેલનો પ્રાદેશિક સ્તરે અમલ કરે છે.

    VGRCના ઉદ્દેશો

    પ્રાદેશિક સમિટ્સનો ઉદ્દેશ્ય દરેક પ્રદેશની વિશેષતાઓને પ્રોત્સાહન (ODOP – One District One Product) આપવાનો છે. આ ઉપરાંત MSME, સ્ટાર્ટઅપ્સ અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂત કરવા, વિકાસના લાભ ગામ-તાલુકા-જિલ્લા સુધી પહોંચાડવા અને વૈશ્વિક રોકાણને પ્રાદેશિક સ્તરે આકર્ષવા માટે આ સમિટ છેક પ્રાદેશિક સ્તર સુધી લઈ જવાનો લક્ષ્યાંક લેવામાં આવ્યો છે. આ ઉપરાંત 2025માં વૈશ્વિક પરિસ્થિતિ પણ ઘણી બદલાઈ ગઈ છે. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ભારત પર 50% ટેરિફની અસરથી નિકાસમાં ઘટાડો નોંધાયો છે.

    સાથે જ ગુજરાતના કેમિકલ્સ, ટેક્સટાઇલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્મા અને એગ્રો પ્રોડક્ટ્સ પર સીધી અસર પડી રહી છે. આવા સમયે ગ્લોબલ સમિટને બાદ હવે પ્રાદેશિક સમિટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ એક સમયોચિત પગલું છે. આ પહેલ ‘વિકસિત ગુજરાત 2047’ સાથે જોડાયેલી છે.

    ચાર તબક્કામાં VGRC

    આ યોજના અંતર્ગત પ્રથમ પ્રાદેશિક સમિટ ઑક્ટોબર 2025માં ગુજરાતના મહેસાણા ખાતે યોજાઈ ચૂકી છે. હવે 11-12 જાન્યુઆરીના રોજ રાજકોટમાં પણ આ કૉન્ફરન્સ યોજાવાની છે. આ ઉપરાંત 9-10 એપ્રિલના રોજ સુરત અને 10-11 જૂનના રોજ વડોદરામાં પણ આ કોન્ફરન્સ યોજાશે. દરેક સમિટ પહેલાં જિલ્લા સ્તરે પ્રોગ્રામ્સ યોજવામાં આવે છે, જેમાં સ્થાનિક ઉદ્યોગપતિઓ, MSME અને આર્ટિસન્સની સમસ્યાઓની ચર્ચા થાય છે. તેનાથી વિકાસના લાભ ગામ-તાલુકા સુધી પહોંચે છે.

    ઉત્તર ગુજરાત VGRCની સફળતા અને પરિણામો

    ઉત્તર ગુજરાત VGRC પ્રથમ પ્રાદેશિક કૉન્ફરન્સ હતી. જે 9-10 ઑક્ટોબર 2025ના રોજ મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં યોજાઈ હતી. આ ઇવેન્ટને અભૂતપૂર્વ સફળતા મળી હતી. આ કોન્ફરન્સે ઉત્તર ગુજરાતને ‘ભવિષ્યના ગુજરાતનું એનર્જી પોઇન્ટ’ બનાવવાનો સંકેત આપ્યો, જેમાં સ્થાનિક ઉદ્યોગસાહસિકો, ખેડૂતો, યુવા અને મહિલા ઉદ્યોગસાહસિકોની ભાગીદારીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

    પ્રથમ VGRCમાં 1,212 MoUss સાઇન થયા હતા અને ₹3.24 લાખ કરોડનાં રોકાણ હતાં. આ MoUs 21 ક્ષેત્રોમાં થયા, જેમાં રિન્યુએબલ એનર્જી, એગ્રી ટેક અને ગ્રીન હાઇડ્રોજનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 29,000થી વધુ રજિસ્ટ્રેશન, 440 આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સ, 80થી વધુ દેશોની ભાગીદારી, 160થી વધુ B2B અને 100થી વધુ B2G મીટિંગ્સ યોજાઈ હતી. આ સમિટમાં ગુજરાતને વિવિધ પાર્ટનર દેશોની ભાગીદારી મળી હતી.

    આ સમિટના કારણે જિલ્લા સ્તરે પણ સફળતા મળી હતી. જે અંતર્ગત વેરાવળમાં ₹271 કરોડના MoUs થયા હતા, જેમાં એગ્રો-મરીન વેલ્યુ ચેઇન પર ધ્યાન છે. તેનાથી ગીર સોમનાથ જિલ્લામાં રોજગાર અને કેસર મેંગો જેવા પ્રોડક્ટ્સની વેલ્યુ એડિશન વધશે.

    કચ્છ-સૌરાષ્ટ્ર VGRC: રાજકોટમાં આગામી મહાસમિટ

    બીજી સમિટ કચ્છ-સૌરાષ્ટ્રમાં રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 11-12 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે. 22 દેશોના 350થી વધુ વિદેશી ડેલિગેટ્સ, 5000થી વધુ ઔદ્યોગિકો અને અબજોના MoUsની અપેક્ષા છે. સેમિનાર્સમાં બ્લુ ઇકોનોમી, ગ્રીન સ્ટાર્ટઅપ, શિપબિલ્ડિંગ, સિરામિક્સ અને ટુરિઝમ પર ધ્યાન છે. રાજકોટ, જે એન્જિનિયરિંગ અને ઓટો પાર્ટ્સનું હબ છે, આ સમિટથી આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડાશે.

    હવે કચ્છ-સૌરાષ્ટ્ર VGRC 11 જાન્યુઆરીની બપોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટનથી શરૂ થશે અને કચ્છ તથા સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓને કવર કરશે. આ મહાસમિટનું મુખ્ય ધ્યેય પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને વેગ આપવો, સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે લઈ જવા અને ‘વોકલ ફોર લોકલ’ તથા ‘ગ્લોબલ ફ્રોમ લોકલ’ના વિઝનને અમલમાં મૂકવાનું છે.

    ઉલ્લેખનીય છે કે રાજકોટ-મોરબી હાઇવે પર સ્થિત મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકરમાં 6 એક્ઝિબિશન ડોમ્સ અને મુખ્ય ઇનોવેશન હૉલ તૈયાર કરવામાં આવ્યા છે. એક્ઝિબિશનનો વિસ્તાર 20,000-26,000 ચોરસ મીટર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીએ સોમનાથ મંદિર પછી રાજકોટ પહોંચશે, ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે અને કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કરીને સંબોધન કરશે. તેઓ 14 નવા ગ્રીનફિલ્ડ સ્માર્ટ GIDC એસ્ટેટ્સની જાહેરાત કરશે અને રાજકોટમાં મેડિકલ ડિવાઇસ પાર્કનું ઉદ્ઘાટન પણ કરશે.

    કચ્છ-સૌરાષ્ટ્ર VGRCની અપેક્ષાઓ

    VGRCમાં 22 દેશોમાંથી 350થી વધુ વિદેશી ડેલિગેટ્સ અને 22 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ભાગીદારીની અપેક્ષા છે. આ કોન્ફરસમાં જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા, યુક્રેન, વિયેતનામ અને નેધરલેન્ડ્સ જેવા દેશો ગુજરાત સાથે પાર્ટનરશીપ કરે એવી સાંભાના છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ ભાગ લેશે. આ કૉન્ફરન્સ માટે 5,000-6,000થી વધુ રજિસ્ટ્રેશન અને અબજોના MoUsની અપેક્ષા છે.

    આ કૉન્ફરન્સ દરમિયાન સિરામિક્સ (મોરબી), એન્જિનિયરિંગ અને ઓટો પાર્ટ્સ (રાજકોટ), પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ (કાંડલા, મુંદ્રા), ફિશરીઝ અને બ્લુ ઇકોનોમી, પેટ્રોકેમિકલ્સ, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, મિનરલ્સ, ગ્રીન એનર્જી, શિપબિલ્ડિંગ, ટુરિઝમ, MSME, સ્ટાર્ટઅપ્સ અને સ્કિલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રો પર ધ્યાન આપવાનું લક્ષ્ય છે. આ સિવાય વિવિધ સેમિનાર્સમાં બ્લુ ઇકોનોમી, ગ્રીન સ્ટાર્ટઅપ, શિપ રિસાયક્લિંગ, ગ્રીન હાઇડ્રોજન અને AI પર ધ્યાન આપવામાં આવશે.

    આ સમિટમાં કેટલું રોકાણ આવશે અને કેટલા MoUs સાઇન થશે તેનો કોઈ વિગતવાર ચોક્કસ આંકડો સામે નથી આવ્યો પરંતુ ઉત્તર ગુજરાતમાં યોજાયેલી VGRCની સફળતા જોતા હજારોની સંખ્યામાં MoUs અને લાખો કરોડનું રોકાણ આવવાની અપેક્ષાઓ છે.

    દક્ષિણ ગુજરાત VGRC (સુરત)

    દક્ષિણ ગુજરાતની VGRCમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ્સ અને એપેરલ, જેમ્સ એન્ડ જ્વેલરી (ડાયમંડ્સ), ટુરિઝમ, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પર ફોકસ છે. સુરત ભારતના ડાયમંડ અને ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું છે, તેથી આ ક્ષેત્રોમાં નવા રોકાણો અને નિકાસને વેગ આપવાની મુખ્ય અપેક્ષા છે. આ કૉન્ફરન્સ દ્વારા દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં ખાસ કરીને સુરત, વલસાડ, નવસારીમાં વધુ રોકાણ આકર્ષાશે.

    મધ્ય ગુજરાત VGRC (વડોદરા)

    આમાં ઇક્વિપમેન્ટ અને મશીનરી, સેમિકન્ડક્ટર્સ, એજ્યુકેશન અને સ્કિલિંગ, IT, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ્સ અને એપેરલ, બાયોટેક, એરોસ્પેસ અને ડિફેન્સ, પેટ્રોકેમિકલ્સ, ઓટો કોમ્પોનેન્ટ્સ, ક્રિટિકલ મિનરલ્સ, અને ટુરિઝમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વડોદરા ફાર્મા અને એન્જિનિયરિંગ હબ તરીકે જાણીતું છે, તેથી હાઇ-ટેક અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

    VGRC કેવી રીતે આપે છે ટ્રમ્પના ટેરિફને ટક્કર

    અગાઉ જોયું તેમ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ભારતીય નિકાસ પર 50% સુધીના ટેરિફ લાગુ થયા છે, જેનાથી ગુજરાતના મુખ્ય નિકાસ ક્ષેત્રો જેમ કે ડાયમંડ્સ, ટેક્સટાઇલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ અને સિરામિક્સને ભારે અસર થઈ છે. ગુજરાતના અમેરિકા તરફના નિકાસમાં ઘટાડો થયો છે જેથી રોજગારનું જોખમ વધ્યું છે.

    આ પડકારનો સામનો કરવા માટે ગુજરાત સરકારે VGRCને વ્યૂહાત્મક હથિયાર તરીકે અપનાવી છે. VGRC દ્વારા ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ (ODOP) અને પ્રાદેશિક તાકાતોને પ્રોત્સાહન આપીને સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડવામાં આવે છે. તેનાથી અમેરિકી બજાર પરની નિર્ભરતા ઘટાડીને આત્મનિર્ભરતા વધે છે.

    VGRCમાં B2B/B2G મીટિંગ્સ, રિવર્સ બાયર-સેલર મીટ્સ, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને એક્ઝિબિશન્સ દ્વારા સ્થાનિક ઉત્પાદકોને નવા બજારો જેમ કે આફ્રિકા, એશિયા, યુરોપ, મધ્ય પૂર્વ સાથે જોડવામાં આવે છે. તેનાથી અમેરિકી ટેરિફની અસરને ઘટાડીને નિકાસને સ્થિર રાખવામાં મદદ મળે છે. ઉદાહરણ તરીકે સ્પાઇસ અને ડેરી ક્ષેત્રોમાં નવા એક્સપોર્ટ ટાઇ-અપ્સ અને કોલ્ડ ચેઇન ઇન્વેસ્ટમેન્ટની અપેક્ષા છે.

    દરેક પ્રાદેશિક કૉન્ફરન્સમાં રિજન-સ્પેસિફિક સેક્ટર્સ જેમ કે સૌરાષ્ટ્રમાં સિરામિક્સ અને પોર્ટ્સ, મધ્ય ગુજરાતમાં સેમિકન્ડક્ટર્સ અને ગ્રીન મોબિલિટી પર ધ્યાન આપીને રોકાણ આકર્ષવામાં આવે છે. આનાથી ટેરિફથી અસરગ્રસ્ત ક્ષેત્રોને નવા ઉભરતા ક્ષેત્રો જેવા કે રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, એરોસ્પેસ તરફ શિફ્ટ કરીને આર્થિક સ્થિરતા મળે છે.

    VGRC દ્વારા સ્થાનિક ઉદ્યોગસાહસિકો, MSME અને પોલિસીમેકર્સ વચ્ચે ચર્ચા થાય છે, જેમાં ભવિષ્યના પડકારો અને વિકલ્પો જેમ કે નવી માર્કેટો, ઇન્સેન્ટિવ્સ, વેલ્યુ એડિશન પર ફોકસ કરવામાં આવે છે. આ પ્લેટફોર્મ ઉદ્યોગોને તેમની ચિંતાઓ વ્યક્ત કરવા અને સોલ્યુશન્સ શોધવા માટે મદદ કરે છે.       

    ભવિષ્યની દિશા

    વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 11મી આવૃત્તિ મૂળ 2026માં યોજાવાની હતી, પરંતુ તેને 2027માં મુલતવી રાખવામાં આવી છે. તેના મુખ્ય કારણોમાં 2027માં ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ, વધુ તૈયારી માટે સમય અને લાંબાગાળાની પોલિસીઓ જેમ કે સેમિકન્ડક્ટર્સ, ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી પર ફોકસ છે. આ અંતરાલમાં VGRCને પ્રીકર્સર તરીકે વાપરીને રાજ્યના દરેક પ્રદેશના વિકાસને મજબૂત કરવામાં આવે છે. 2027ની ગ્લોબલ સમિટ આ પ્રાદેશિક સફળતાઓ પર આધારિત વધુ મોટાપાયે રોકાણ આકર્ષશે.

    ગુજરાતની GSDP (ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ) હાલમાં ભારતના GDPમાં 8.3-8.5%નું યોગદાન આપે છે. 2047 સુધીમાં ગુજરાતને $3.5 ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય છે, જેમાં પર કેપિટા આવક $38,000-40,000 સુધી પહોંચશે અને નેટ ઝીરો એમિશન્સ પણ હાંસલ કરવામાં આવશે. VGRC આ લક્ષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે – પ્રાદેશિક વિકાસ દ્વારા રાજ્યના 8.5% GDP યોગદાનને વધારીને $3.5 ટ્રિલિયન ભારતના રાષ્ટ્રીય અર્થતંત્રમાં મોટું યોગદાન આપશે.

    નોંધનીય છે કે VGRCની દિશા સ્થાનિક આકાંક્ષાઓને વૈશ્વિક તકો સાથે જોડીને ‘રિજનલ એસ્પિરેશન અને ગ્લોબલ એમ્બિશન’ સુધીની છે. તેનાથી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સંતુલન આવશે, MSME અને સ્ટાર્ટઅપ્સને સશક્તિકરણ મળશે. આ ચારેય VGRCની સફળતાઓ 2027ની ગ્લોબલ સમિટ માટે મજબૂત પાયો નાખશે, જેમાં વધુ મોટાપાયે રોકાણ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી જોવા મળશે.

    વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ માત્ર ઇવેન્ટ નથી, પરંતુ ગુજરાતની આર્થિક સ્થિતિસ્થાપકતા અને સમાવેશી વિકાસનું પ્રતીક છે. આ પ્રાદેશિક અભિગમ દ્વારા રાજ્ય વૈશ્વિક પડકારોમાંથી મજબૂત બહાર આવી રહ્યું છે, સ્થાનિક ઉદ્યોગોને સશક્ત કરી રહ્યું છે અને દરેક ગુજરાતીને વિકાસનો ભાગીદાર બનાવી રહ્યું છે. 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન અર્થતંત્રના લક્ષ્ય તરફ આગળ વધતું ગુજરાત આ પ્રાદેશિક અને ગ્લોબલ વ્યૂહરચનાઓથી ભારતના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ સમિટ્સ અને કોન્ફરન્સો એક નવા યુગની શરૂઆત છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં