શું 2 ટેન્કરોનો LPG પુરવઠો દેશની 1-2 દિવસની જ માંગ પૂર્ણ કરી શકે એટલો છે? ચિદમ્બરમે ગૂગલના સહારે વહેંચ્યું જ્ઞાન, વાંચો શું છે વાસ્તવિકતા

કોંગ્રેસ નેતા ચિદમ્બરમ ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી હતા ત્યારે કામ રહેતું હતું, હવે વધારે પડતી નવરાશના સમયમાં તેઓ ગૂગલ સર્ચ કરીને તેની ઉપરથી જે માહિતી મળે તેનું સરખું અર્થઘટન કર્યા વગર સોશિયલ મીડિયા પર મૂકીને સમય પસાર કરતા રહે છે. તાજેતરમાં તેમણે એક પોસ્ટ શૅર કરીને એવો દાવો કાર્યો કે આપણે સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી બે જહાજ તો પસાર કરાવ્યાં, પરંતુ તેમાં જેટલો LPG આવ્યો એ ભારતની ગેસ ડિમાન્ડ જોઈએ તો 1-2 દિવસ ચાલે એટલો જ છે.

 ‘ગૂગલે આ નીચેની માહિતી આપી છે’ એમ લખીને ચિદમ્બરમ લખે છે કે, ‘14થી 17 માર્ચના અહેવાલો પ્રમાણે ભારતનાં બે LPG કેરિયર્ શિવાલિક અને નંદાદેવી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ સફળતાપૂર્વક પાર કરીને કુલ 92,700 મેટ્રિક ટન LPG લઈને ભારત પહોંચ્યાં છે.’

આગળ તેઓ કહે છે કે આ કુલ 92,700 મેટ્રિક ટન LPG એ ભારતની રાંધણ ગેસની માંગ જોતાં 1.25 કે 1.6 દિવસ જેટલો ચાલી શકે.

ચિદમ્બરમે પોસ્ટમાં આંકડા આપ્યા છે એને જોતાં પ્રથમ દૃષ્ટિએ લાગી શકે કે વાત તો સાચી છે અને દેશની માંગને જોતાં આ તો બહુ ઓછો સ્ટોક છે. પણ વાસ્તવિકતા થોડી જુદી છે. પ્રેક્ટિકલી LPGનું ડિસ્ટ્રિબ્યુશન કઈ રીતે થાય છે એ પણ જોવાનું રહે.

વ્યવહારિક રીતે જોઈએ તો આ સદંતર ઓછો પુરવઠો નથી જેટલો દર્શાવવામાં આવી રહ્યો છે. ઘરમાં વપરાતું એક LPG સિલિન્ડર 14.2 કિલોનું હોય છે, જે સામાન્ય રીતે ઘરોમાં 25થી 30 દિવસ સુધી ચાલે છે. એટલે આનો અર્થ એ થયો કે આટલા જથ્થાથી માત્ર 45 લાખ ઘરોમાં એક મહિના સુધી ગેસનો પુરવઠો પહોંચાડી શકાશે. આટલા ગેસથી જે સિલિન્ડર ભરાશે એ એક-બે દિવસમાં પૂરાં થઈ જશે એમ નથી. આ એક મહિનાનો સમયગાળો દબાણ ઘટાડવા અને ડિસ્ટ્રિબ્યુશન સાઇકલને વ્યવસ્થિત કરવા માટે પૂરતો છે.

મધ્ય-પૂર્વમાં સંઘર્ષના કારણે સરકારે અમુક આવશ્યક સેવાઓને બાદ કરતાં બાકીનાં કમર્શિયલ એકમોને પહોંચાડવામાં આવતા પુરવઠા પર કાપ મૂકીને ઘરેલુ પુરવઠા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. પછીથી કમર્શિયલ સેક્ટરને 20% પુરવઠો આપવાનો શરૂ કરાયો, જે હવે સ્થિતિ જેમ-જેમ સુધરે એમ વધતો જશે અને 30% કરવાની વિચારણા પહેલેથી ચાલી રહી છે.

માની લઈએ કે આ કાર્ગોમાંથી માત્ર 70% ઘરેલુ રાંધણ ગેસ માટે જશે (બાકીનો 30% કમર્શિયલ માટે છે એમ માનીએ) તોય આ 64,800 મેટ્રિક ટન પુરવઠો 14 કિલોનાં 45 લાખ સિલિન્ડરો માટે ઉપયોગમાં લઈ શકાય.  

વધુમાં, ભારત પાસે હાલ ક્રૂડ ઓઇલ સપ્લાય અને રિફાઇન્ડ ફ્યુલનો પૂરતો પુરવઠો છે જ. અમુક પાડોશી દેશોને એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. એક્સપોર્ટ થાય છે તેનો અર્થ જ એ થયો કે ભારતમાં માંગને પહોંચી વળવા માટે પૂરતો જથ્થો છે અને વધારાનો જથ્થો બહાર મોકલાય રહ્યો છે.

આ સિવાય સરકાર પાઈપ્ડ નેચરલ ગેસને પ્રોત્સાહન આપવાનો પણ સતત પ્રયાસ કરી રહી છે, જેમાં કોઈ સમસ્યા નથી. નવાં કનેક્શનો ઝડપથી આપવામાં આવી રહ્યાં છે અને જ્યાં નેટવર્ક પહેલેથી છે ત્યાં તો કામ અતિઝડપી ચાલી રહ્યું છે. જેનાથી LPG પરની નિર્ભરતા પણ ઘટશે અને પુરવઠાના નિયમનમાં પણ સરળતા રહેશે.

ટૂંકમાં કહેવાની વાત એટલી છે કે ચિદમ્બરમ અને અમુક સોશિયલ મીડિયાના બહાદુરો કહે છે કે આ બંને જહાજો જેટલો LPG લઈને આવ્યાં છે એ દેશની 1-2 દિવસની જ જરૂરિયાત પૂર્ણ કરી શકે એ ભ્રામક વાત છે. વ્યવહારિક રીતે ગણતરી એ રીતે થતી નથી. કઈ રીતે થાય છે એ ઉપર સમજાવ્યું.