
તમિલનાડુના મદુરાઈ સ્થિત તિરુપરંકુન્દ્રમ ટેકરી પર દીપ પ્રગટાવવાના વિવાદમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે (27 નવેમ્બર) કડક વલણ અપનાવતાં 28મીએ દીપથૂન સ્તંભ પર દીવો પ્રગટાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે મંદિરના વર્તમાન ટ્રસ્ટી મંડળને સસ્પેન્ડ કરી દીધું છે અને મંદિરનો વહીવટ સંભાળવા મદ્રાસ હાઈકોર્ટના બે નિવૃત્ત ન્યાયાધીશોની રિસીવર્સ તરીકે નિમણૂક કરી છે. કોર્ટે તમિલનાડુ સરકારના વરિષ્ઠ અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કેમ ન કરવી તે અંગે કારણદર્શક નોટિસ પણ ફટકારી છે.
જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે આદેશ આપ્યો છે કે 28 નવેમ્બરે દરેક શ્રદ્ધાળુ દીપથૂન પર દીવો પ્રગટાવી શકશે. આ માટે 24 નવેમ્બરે ઉચિપિલ્લૈયાર મંડપમ ખાતે પ્રગટાવેલી જ્યોત જો ચાલુ હોય તો તેનો ઉપયોગ કરવામાં આવે, અન્યથા બીજી વ્યવસ્થા કરવામાં આવે. જોકે, નજીકમાં આવેલી સિકંદર બાદુશા દરગાહથી તમામ દિશામાં ઓછામાં ઓછું 50 મીટરનું અંતર જાળવવાનું રહેશે. મંદિર અને દરગાહ બંનેની સુરક્ષા માટે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) તહેનાત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
20 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે આ વર્ષે એક વખતની વ્યવસ્થા તરીકે મંદિર પ્રશાસન દ્વારા અધિકૃત નાની ટીમને 24 નવેમ્બરે દીપથૂન પર દીવો પ્રગટાવવાની મંજૂરી આપી હતી. સાથે મદુરાઈના જિલ્લા કલેક્ટરને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, 24 નવેમ્બરે દીપમ માત્ર પરંપરાગત સ્થળ ઉચિપિલ્લૈયાર મંડપમ ખાતે જ પ્રગટાવવામાં આવ્યો હતો. વિવાદિત દીપથૂન પર દીવો પ્રગટાવવામાં આવ્યો નહોતો.
ત્યારબાદ જિલ્લા કલેક્ટર નિશાંત ક્રિષ્ણાએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે તેમણે આદેશના પાલન માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ મંદિરના ટ્રસ્ટીઓએ પરંપરા અને ધાર્મિક વિધિઓનો હવાલો આપીને દીપથૂન પર દીવો પ્રગટાવવાની મંજૂરી આપી નહોતી. બીજી તરફ, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)એ કોર્ટમાં આક્ષેપ કર્યો હતો કે તેના અધિકારીઓને સ્થાનિક પોલીસે દીપથૂન સુધી પહોંચવા જ દીધા ન હતા અને અડધે જ અટકાવી દેવામાં આવ્યા હતા.
આ મામલે કન્ટેમ્પ્ટ પિટિશન પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસનના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે ટ્રસ્ટી મંડળે પોતાના ઠરાવ દ્વારા કોર્ટના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે. વહીવટી તંત્ર રાજકીય નેતૃત્વના ઇશારે કામ કરી રહ્યું હોવાની પણ કોર્ટે પ્રાથમિક ટિપ્પણી કરી હતી. કોર્ટે જિલ્લા કલેક્ટરનો પ્રાથમિક અહેવાલ પણ સ્વીકાર્યો નહોતો.
સુનાવણી દરમિયાન પોલીસ તરફથી જણાવવામાં આવ્યું હતું કે સ્થળ પર 5,717 પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા. તેમાં 1,200 સશસ્ત્ર રિઝર્વ પોલીસકર્મીઓ અને તમિલનાડુ સ્પેશિયલ પોલીસની 24 કંપનીઓનો સમાવેશ થતો હતો.
કોર્ટે તમિલનાડુના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગના અધિકારીઓ, મદુરાઈના કલેક્ટર, પોલીસ અધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓને કારણદર્શક નોટિસ પાઠવી છે. મુખ્ય સચિવને સમગ્ર ઘટનાક્રમ અને અધિકારીઓ વચ્ચે થયેલા ઈમેઇલ, ફોન તથા સંદેશાવ્યવહારની વિગતો સાથે સોગંદનામું રજૂ કરવા અને આગામી સુનાવણીમાં વ્યક્તિગત હાજર રહેવા પણ આદેશ આપ્યો છે.
આ ઉપરાંત, અગાઉ મદ્રાસ હાઈકોર્ટના દીપથૂન સંબંધિત તારણો પર સુપ્રીમ કોર્ટે મૂકેલો સ્ટે પણ ઉઠાવી લીધો છે. જોકે દરગાહની સુરક્ષા માટે અગાઉ નક્કી કરાયેલી શરતો યથાવત્ રાખવામાં આવી છે.
કોર્ટે કહ્યું કે કોર્ટના આદેશોનું પાલન કરવું રાજ્ય અને તેના તમામ અધિકારીઓની બંધારણીય ફરજ છે. આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપતાં બેન્ચે સ્પષ્ટ કર્યું કે કોર્ટનો આદેશ કોઈની સાથે વાટાઘાટ કરવાનો વિષય નથી, પણ પાલનનો વિષય છે.

