ઇસ્લામી કટ્ટરપંથી ઝાકિર નાઈકના IRF સામે હવે રાજ્યો પણ કરશે કાર્યવાહી, કેન્દ્રે આપી UAPA હેઠળ ફંડ અને મિલકતો ફ્રીઝ કરવાની સત્તા

ભારતમાંથી ભાગીને મલેશિયામાં છુપાયેલા વિવાદિત ઇસ્લામી કટ્ટરપંથી ઝાકિર નાઈક અને તેના સંગઠન સામે કેન્દ્ર સરકારે ગાળિયો વધુ મજબૂત કર્યો છે. તાજેતરમાં જ સરકારે ઝાકિર નાઈકના સંગઠન ‘ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન’ (IRF) પરનો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ સુધી લંબાવ્યો હતો. હવે કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ IRFના ફંડ અને તેની મિલકતો સામે સીધી કાર્યવાહી કરવાની સત્તા સોંપી દીધી છે. ગૃહ મંત્રાલય દ્વારા 26 નવેમ્બરના રોજ આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

સરકારના આ નિર્ણય બાદ હવે ઝાકિર નાઈકના સંગઠન પર નજર રાખવા અને પગલાં લેવાની જવાબદારી માત્ર કેન્દ્રીય તપાસ એજન્સીઓ પૂરતી મર્યાદિત નહીં રહે. હવે રાજ્ય સરકારો અને સ્થાનિક વહીવટીતંત્ર પણ પોતાના વિસ્તારમાં આવેલી IRFની શંકાસ્પદ મિલકતો, ઑફિસો અને નાણાકીય વ્યવહારો સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કડક કાર્યવાહી કરી શકશે.

વિશેષ સત્તાનો ઉપયોગ કરી રાજ્ય સરકારોને વિશેષ અધિકાર

ગૃહ મંત્રાલયે UAPA કાયદાની કલમ 42 હેઠળ મળેલી પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કલમ 7 અને કલમ 8 હેઠળના અધિકારો આપ્યા છે. સરળ શબ્દોમાં સમજીએ તો, કલમ 7 હેઠળ સ્થાનિક તંત્રને એવી સત્તા મળી છે કે તેઓ પ્રતિબંધિત સંગઠન સાથે જોડાયેલા નાણાં, બેન્ક ખાતાં અને અન્ય આર્થિક સંપત્તિઓના ઉપયોગ કે લેવડદેવડ પર તાત્કાલિક રોક લગાવી શકે છે. એટલું જ નહીં, અધિકારીઓ આવા શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ પણ કરી શકશે, જેથી દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે થતું ફંડિંગ સંપૂર્ણપણે અટકાવી શકાય.

બીજી તરફ, UAPAની કલમ 8 હેઠળ રાજ્યોને મિલકતો સીલ કરવાની અને તેના પર નિયંત્રણ મૂકવાની સત્તા આપવામાં આવી છે. જો કોઈ મકાન, ઑફિસ કે અન્ય કોઈ જગ્યાનો ઉપયોગ IRFની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થતો હોવાની શંકા હોય તો સ્થાનિક વહીવટીતંત્ર તેને પોતાના કબજામાં લઈ શકે છે. આ ઉપરાંત, આવી શંકાસ્પદ મિલકતોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની અને ત્યાં પડેલી ચીજવસ્તુઓ કે અન્ય ચલ સંપત્તિના ઉપયોગ પર રોક લગાવવાની પણ જોગવાઈ છે.

IRF પરનો પ્રતિબંધ વધુ 5 વર્ષ સુધી લંબાયો

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આ જ મહિનામાં 13 નવેમ્બર 2026ના રોજ ઝાકિર નાઈકના સંગઠન IRF પર UAPA હેઠળ લગાવવામાં આવેલા પ્રતિબંધને વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો હતો. આ સંગઠન પરનો અગાઉનો પ્રતિબંધ 14 નવેમ્બર 2026ના રોજ પૂરો થવાનો હતો, પરંતુ તે પહેલાં જ સરકારે તેને લંબાવી દીધો. સરકારનું સ્પષ્ટ માનવું છે કે IRFની પ્રવૃત્તિઓ દેશની એકતા, અખંડિતતા અને સામાજિક શાંતિ માટે ગંભીર ખતરો છે.

ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં IRF સામે અત્યંત ગંભીર આરોપો મૂક્યા છે. સરકારના જણાવ્યા મુજબ, આ સંગઠન સમાજના વિવિધ મજહબી સમુદાયો વચ્ચે નફરત અને દુશ્મનાવટ ફેલાવવાનું કામ કરે છે. આ ઉપરાંત, યુવાનોમાં કટ્ટરપંથી વિચારધારાનો પ્રચાર કરવો, આતંકવાદને પ્રોત્સાહન આપવું અને દેશવિરોધી ષડયંત્રોમાં સામેલ રહેવું એ આ સંગઠનની મુખ્ય પ્રવૃત્તિ રહી છે.

2016થી ચાલી રહી છે કાર્યવાહી

ઝાકિર નાઈકના કાળા કારનામા સામે મોદી સરકારની કાર્યવાહી વર્ષ 2016થી ચાલી રહી છે. મહારાષ્ટ્રનો રહેવાસી ઝાકિર નાઈક વર્ષ 2016માં જ્યારે ભારત બહાર હતો, ત્યારે જ કેન્દ્ર સરકારે તેના સંગઠન IRF પર પ્રથમ વખત પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારથી લઈને આજ સુધી કાયદાના ડરથી ઝાકિર નાઈક ભારત પરત ફર્યો નથી અને મલેશિયામાં આશરો લઈને બેઠો છે. વર્ષ 2017માં NIAની ભલામણ બાદ તેનો ભારતીય પાસપોર્ટ પણ રદ કરી દેવામાં આવ્યો હતો.

ભાગેડુ ઝાકિર નાઈકને ભારત પાછો લાવીને કાયદાના કઠેડામાં ઊભો રાખવા માટે ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પૂરતા પ્રયાસો કર્યા છે. મે 2017માં ભારતે ઇન્ટરપોલનો સંપર્ક કરીને તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવાની વિનંતી કરી હતી. જોકે, તે સમયે ચાર્જશીટ દાખલ ન થઈ હોવાથી ઇન્ટરપોલે અરજીને વહેલી ગણાવી હતી. ત્યારબાદ નવેમ્બર 2017માં કોર્ટનું નવું વોરન્ટ મેળવીને જાન્યુઆરી 2018માં ફરીથી રેડ કોર્નર નોટિસ માટે અરજી કરવામાં આવી હતી. આ સાથે જ ભારતે મલેશિયાના વિદેશ મંત્રાલયને પણ ઝાકિર નાઈકની ધરપકડ અને પ્રત્યર્પણ માટે સત્તાવાર વિનંતી મોકલી છે.

એકંદરે જોઈએ તો ઝાકિર નાઈક અને તેના કટ્ટરપંથી નેટવર્ક સામે ભારત સરકારની આ કાર્યવાહી ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ દર્શાવે છે. હવે આ મામલો માત્ર કાગળ પર પ્રતિબંધ મૂકવા પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને જમીની સ્તરે તેનું આર્થિક નેટવર્ક પણ ધ્વસ્ત કરશે.