
વિવાદાસ્પદ ઇસ્લામી કટ્ટરપંથી ઝાકિર નાઈકની સંસ્થા ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (આઈઆરએફ) પરનો પ્રતિબંધ કેન્દ્ર સરકારે વધુ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે UAPA હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં સંસ્થાની પ્રવૃત્તિઓ દેશની સુરક્ષા, ધાર્મિક એકતા અને સાંપ્રદાયિક શાંતિ માટે હાનિકારક હોવાનું જણાવવામાં આવ્યું છે.
ગૃહ મંત્રાલયે જાહેરનામામાં જણાવ્યું છે કે આઈઆરએફ અને તેના સ્થાપક ઝાકિર અબ્દુલ કરીમ નાઈક વિવિધ ધાર્મિક સમુદાયો વચ્ચે વૈમનસ્ય, દ્વેષ અને નફરતની લાગણી ફેલાવવા માટે કામ કરે છે. નાઈકનાં ભાષણો અને નિવેદનો વાંધાજનક તથા રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી સ્વરૂપનાં હોવાનું જણાવતાં મંત્રાલયે નોંધ્યું છે કે તે સેટેલાઇટ ટેલિવિઝન નેટવર્ક, ઇન્ટરનેટ, છાપાં તથા સોશિયલ મીડિયા દ્વારા વિશ્વભરના લાખો લોકો સુધી પોતાના કટ્ટરપંથી વિચારો પહોંચાડતો રહ્યો છે.
India extends ban on the Islamic Research Foundation, founded by fugitive Zakir Naik for another five years under anti-terror laws In the notification cities his speeches as promoting religious enmity, hatred & the radicalisation of youth. https://t.co/0hKrvmRPN7
— Sidhant Sibal (@sidhant) November 13, 2026
નાઈકનાં ભાષણોથી ભારતમાં તથા વિદેશમાં મુસ્લિમ યુવાનો આતંકવાદી પ્રવૃત્તિઓ તરફ પ્રેરાઈ શકે છે તેવી ચિંતા પણ જાહેરનામામાં વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત સંસ્થાની ગેરકાનૂની પ્રવૃત્તિઓને અટકાવવામાં નહીં આવે તો તેના ફરાર કાર્યકરોને ફરી સંગઠિત કરવામાં આવી શકે તેવી શક્યતા હોવાનું સરકારે જણાવ્યું છે. આ ઉપરાંત સંસ્થા કોમી વૈમનસ્ય ફેલાવી દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડે તથા ઉગ્રવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે ઝાકિર નાઈકે ફેબ્રુઆરી 1991માં મુંબઈ ખાતે ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. નવેમ્બર 2016માં કેન્દ્ર સરકારે પ્રથમ વખત આ સંસ્થાને ગેરકાનૂની જાહેર કરી પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ 15 નવેમ્બર, 2021ના રોજ આ પ્રતિબંધ વધુ પાંચ વર્ષ લંબાવવામાં આવ્યો હતો. અગાઉનો પ્રતિબંધ 14 નવેમ્બરે પૂર્ણ થવાનો હતો, તે પૂર્વે જ સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે.
ઝાકિર નાઈક વર્ષ 2016માં ભારત છોડીને મલેશિયા જતો રહ્યો હતો. હાલમાં તે મલેશિયામાં વસવાટ કરે છે અને ત્યાં તેને કાયમી નિવાસની મંજૂરી મળી છે. ભારત સરકારે તેની સામેના મની લોન્ડરિંગ તથા ઉગ્રવાદને પ્રોત્સાહન આપવા સંબંધિત આરોપોના મામલે તેના પ્રત્યાર્પણની માંગણી પણ કરી છે.
આઈઆરએફને ગેરકાનૂની જાહેર કરવાના કેન્દ્ર સરકારના અગાઉના નિર્ણયને યુએપીએ હેઠળ રચાયેલા ટ્રિબ્યુનલે 22 મે, 2017 અને 30 માર્ચ, 2022ના રોજ માન્ય ઠરાવ્યો હતો. હવે નવેસરથી પાંચ વર્ષનો પ્રતિબંધ અમલી બનશે.

