આત્મકથા કે સ્મરણકથા લખનાર સ્વ-પ્રશંસાથી દૂર રહીને પૂરેપૂરી નિખાલસતા સાથે આત્મશ્લાઘાનું આવરણ ચડાવ્યા વગર પોતાને રજૂ કરે એવું જૂજ કિસ્સાઓમાં બને છે. બાકી મોટાભાગની આત્મકથાઓમાં વધતે-ઓછે અંશે આ બંને ચીજો આવી જતી હોય છે. લખનાર રાજકીય વ્યક્તિ હોય ત્યારે આ શક્યતાઓ શૂન્યવત્ સ્થિતિએ જઈને પહોંચે છે. રાજકારણમાં આવેલી વ્યક્તિ માટે આખરે અંગત જીવન-જાહેર જીવનની ભેદરેખા પાતળી થતી જાય છે એટલે તેની આત્મકથા પણ તદ્દન અંગત ન રહેતાં સમકાલીન રાજકીય-સામાજિક ઘટનાઓ આવરી લેતી હોય છે. હમણાં આવેલી સોનિયા ગાંધીની સ્મરણકથા આ જ શ્રેણીમાં આવે છે.
શબ્દને બ્રહ્મ કહેવાયો છે. લખેલી ચીજોનું મહત્ત્વ છે. એમાંય કાગળ પર ઉતારેલા શબ્દની ગંભીરતા સામાન્યતઃ ડિજિટલ લખાણની તુલનાએ વધુ રહે છે. સંભવતઃ એટલા માટે કે ડિજિટલ સ્વરૂપ એક તો નવું છે અને બીજું, ત્યાં લખાણ પ્રકાશિત થયા પછી વર્ષો પછી પણ સુધારાને અવકાશ રહે છે. તેનું સીધી રીતે ભૌતિક અસ્તિત્વ પણ નથી હોતું. કાગળમાં ત્યારે એવું નથી. દસ્તાવેજીકરણ માટે કાગળની જરૂર પડે છે. એટલે જ જમાનો ડિજિટલ થતો ગયો છતાં પુસ્તકો આજે પણ લખાય છે અને લખાતાં રહેશે.
પુસ્તકો લખવાં એ સરળ કામ નથી. સરળ તો લેખ લખવા એ પણ નથી. કશું પણ લખવું એ મહેનત માગી લેતું કામ છે. લખતાં પહેલાં તથ્યચકાસણી, જેને ઇંગ્લિશમાં ફેક્ટચેક કહેવાય એ પણ બહુ જરૂરી છે. નાનામાં નાની બાબત ક્રોસ વેરિફાય કર્યા બાદ પુસ્તકને અંતિમ સ્વરૂપ અપાય છે. સોનિયા ગાંધીનું પુસ્તક તેમણે લખ્યું કે જેણે લખી આપ્યું, જેમણે સંપાદિત કર્યું અને જેમણે અંતિમ સ્વરૂપ આપ્યું– આ તમામ અને સોનિયા ગાંધી સ્વયં આ બધી બાબતમાં સદંતર બેદરકાર રહ્યાં છે અને પુસ્તક લખવાના નામે વેઠ ઉતારીને કોંગ્રેસીઓને ચોપડી હાથમાં આપી દીધી છે, જે હવે તેઓ માથે મૂકીને ફરી રહ્યા છે.
10મી નવેમ્બરે સોનિયા ગાંધીનું પુસ્તક બજારમાં આવ્યું એટલે કોંગ્રેસે દેશ ગજવી મૂક્યો અને એ થવું સ્વાભાવિક પણ હતું. તમામ નેતાઓ એક પછી એક પુસ્તક ખરીદીને ફોટો પોસ્ટ કરવા માંડ્યા અને સોશિયલ મીડિયા પર ભરપૂર પ્રચાર કર્યો. પુસ્તક આવ્યા પહેલાં પણ ઠીકઠાક માહોલ બનાવાયો હતો અને થોડા મહિના પહેલાં પુસ્તકની જાહેરાત થઈ ત્યારે પ્રકાશનગૃહે છાપવાની ના પાડવા બાબતે પણ ઠીકઠાક હલ્લો થયો હતો. આવું જ પુસ્તક આવ્યા પછી થયું.
કોંગ્રેસીઓએ તો ફોટા પડાવીને પુસ્તક મૂકી દીધું હશે પણ બાકીના લોકો જેમ-જેમ વાંચતા ગયા તેમ ખબર પડતી ગઈ કે વાજતે-ગાજતે બજારમાં આવેલા આ પુસ્તકમાં ભરપૂર ઝોલ છે. ‘ઈન્ડિયા ટુડે’એ હમણાં એક રિપોર્ટ પ્રકાશિત કર્યો, જેમાં કહેવાયું છે કે પુસ્તકમાં કુલ 55 જેટલી ભૂલો છે. અમુક ભૂલો તથ્યાત્મક અને સાવ સામાન્ય છે, જે માત્ર 1 મિનિટના ક્રોસ વેરિફિકેશનથી ટાળી શકાઈ હોત, અમુક ભૂલ એવી છે જેમાં લખાણમાં સંદર્ભો ખોટા અપાયા છે.
લોકસભામાં સભ્યો ચૂંટાય, રાજ્યસભામાં નામાંકિત થાય?
સોનિયા ગાંધી દાયકાઓથી રાજકારણમાં સક્રિય છે અને સાંસદ રહ્યાં છે. પહેલાં બે દાયકા લોકસભાનાં સાંસદ રહ્યાં અને પછી રાજ્યસભામાં ગયાં. ભારતના રાજકારણની સામાન્ય સમજણ ધરાવતા માણસને પણ ખ્યાલ હોય છે કે લોકસભા અને રાજ્યસભાની રચના કઈ રીતે થાય છે, બંને ગૃહ કઈ રીતે કામ કરે છે. પણ સોનિયા ગાંધીના પુસ્તકમાં સંસદનાં બંને ગૃહ વિશે લખાયું છે કે લોકસભામાં સભ્યો ચૂંટાઈને આવે છે જ્યારે રાજ્યસભામાં સભ્યો નામાંકિત થાય છે!
આ ખોટી વાત છે. રાજ્યસભાના 238 સભ્યો પણ ચૂંટાઈને જ આવે છે પણ રાજ્યની વિધાનસભા દ્વારા પરોક્ષ રીતે ચૂંટાય છે. નામાંકિત સભ્યોની સંખ્યા માત્ર 12 છે, જેઓ રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત થઈને રાજ્યસભામાં છે. આ તદ્દન સામાન્ય બાબત છે, પણ પુસ્તકમાં તેની ઉપર ધ્યાન અપાયું નથી.
સંઘ સ્થાપનાનું વર્ષ ખોટું લખ્યું, અહમદ પટેલના અવસાનના વર્ષમાં ભૂલ
બીજી અમુક ભૂલોની ચર્ચા સોશિયલ મીડિયા પર બે-ત્રણ દિવસથી ચાલે છે. ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રત્યે કોંગ્રેસ અને ગાંધી પરિવારને વિશેષ દ્વેષ છે. સંઘ વિશે લખતી વખતે સોનિયા ગાંધીએ તેની સ્થાપનાનું વર્ષ 1921 લખ્યું છે. વાસ્તવમાં સંઘની સ્થાપના 1925માં ડૉ. હેડગેવારે કરી હતી. સંઘે ગયા વર્ષે શતાબ્દી મહોત્સવ ઉજવ્યો એ આખી દુનિયા જાણે છે.
એ તો ઠીક, સોનિયા ગાંધી સાથે જેમણે વર્ષો સુધી કામ કર્યું અને તેમના અત્યંત વિશ્વાસુ ગણાતા હતા એ અહમદ પટેલના અવસાનનું વર્ષ પણ પુસ્તકમાં ખોટું લખાયું છે. અહમદ પટેલનું અવસાન 2020માં કોરોનાના કારણે થયું હતું. સોનિયા ગાંધીએ તેમને યાદ કરતી વખતે લખ્યું છે કે અહમદ પટેલ 2022માં કોવિડના કારણે મૃત્યુ પામ્યા હતા!
ગોધરા હિંદુહત્યાકાંડ વિશે બદમાશી, અમદાવાદને ગુજરાતનું પાટનગર ગણાવ્યું
2002ના ગોધરા હિંદુહત્યાકાંડ અને ત્યારપછી થયેલાં રમખાણોનો પણ પુસ્તકમાં એક ઠેકાણે ઉલ્લેખ છે. સ્વાભાવિક રીતે સોનિયા ગાંધીએ ગોધરાની ઘટનાને ‘હિંદુ હત્યાકાંડ’ નહીં ગણાવી હોય, એટલું જ નહીં તેમણે લખ્યું છે કે આગ લાગવાનું કારણ હજુ વિવાદિત રહ્યું છે! આ સ્પષ્ટરૂપે બદમાશી છે. દેશની અનેક અદાલતોએ ઘટના સ્પષ્ટ કરીને મુસ્લિમ ગુનેગારોને સજા આપી છે અને તમામ સજા કાપી રહ્યા છે.
સોનિયા ગાંધીએ લખ્યું છે કે સાબરમતી એક્સપ્રેસના ચાર ડબ્બામાં આગ લગાડવામાં આવી હતી. મૂળ વિગત એ છે કે ટ્રેનના એસ-6 ડબ્બામાં આગ લગાડવામાં આવી હતી.
આ ઘટના વિશે લખતી વખતે સોનિયા ગાંધીએ પુસ્તકમાં અમદાવાદને ગુજરાતનું પાટનગર ગણાવ્યું છે. હકીકતે 1970થી રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. ગુજરાતને જીતવાનાં સપનાં જોતા ગાંધી પરિવારને રાજ્ય વિશે આટલી સામાન્ય સમજણ પણ નહીં હોય? કોઈ દલીલ કરી શકે કે સામાન્યતઃ રાજ્યનું સૌથી મોટું નગર જ પાટનગર હોય એવી માન્યતા થઈ ગઈ છે, પણ દરેક કિસ્સામાં એવું હોતું નથી. બીજું, પુસ્તક લખો ત્યારે માન્યતાઓ પર અને ધારણાઓ પર ન લખાય. નાનામાં નાની દરેક બાબતનું ધ્યાન રાખવું પડે છે. તથ્યોનું ધ્યાન રાખવું પડે છે.
કારગિલ યુદ્ધના ઉલ્લેખમાં ભૂલો
બીજી અમુક ભૂલો જોઈએ તો પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે 2014ની ચૂંટણીનાં પરિણામો વિશે લખતી વખતે ભાજપની બેઠકો 282 લખી છે, એ સાચું પણ NDAની (ભાજપ ગઠબંધન) ટેલી 353 લખી છે. જ્યારે એ વર્ષે NDA કુલ 336 બેઠકો જીત્યું હતું. 353નો આંકડો 2019ની લોકસભા ચૂંટણીનો છે. એટલે સોનિયા ગાંધીએ ભાજપનો આંકડો 2014ની ચૂંટણીનો લીધો અને NDAનો આંકડો 2019ની ચૂંટણીનો. 1984ની ચૂંટણી માટે પુસ્તકમાં એક ઠેકાણે કોંગ્રેસની 405 બેઠકો ગણાવી છે અને બીજે ઠેકાણે 404.
1999ના કારગિલ યુદ્ધના ઉલ્લેખમાં પણ ભૂલો છે. સોનિયા ગાંધી લખે છે કે વડા પ્રધાન અટલ બિહારી બાજપાઈ ઈસ્લામાબાદમાં હતા ત્યારે એક લદાખના સ્થાનિકે લાઇન ઑફ કન્ટ્રોલ પર પાકિસ્તાની સૈન્યની હિલચાલ વિશે જાણકારી આપી હતી. હકીકતે બાજપાઈની લાહોર યાત્રા ફેબ્રુઆરીમાં થઈ હતી અને લદાખના એક સ્થાનિકે મે મહિનામાં આ જાણકારી આપી હતી. બંને ઘટનાઓ વચ્ચે ત્રણ મહિનાનું અંતર છે.
યુદ્ધ વિશે સોનિયા ગાંધીએ લખ્યું છે કે પાકિસ્તાનીઓએ કબજે કરેલી જમીન ભારતીય સૈનિકોએ દસ મહિનામાં પરત મેળવી હતી. હકીકતે યુદ્ધ માત્ર મેથી જુલાઈ સુધી ચાલ્યું હતું અને 26 જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે મનાવાય છે.
રાહુલ ગાંધીના કેસના ઉલ્લેખમાં સામાન્ય જ્ઞાનનો અભાવ
રાહુલ ગાંધીએ મોદી સમુદાય પર કરેલી ટિપ્પણીઓ મામલે સુરતમાં ચાલેલા કેસનો ઉલ્લેખ કરતી વખતે સોનિયા ગાંધીએ લખ્યું છે કે કેસ 2023માં ત્રણ વર્ષ પહેલાં થયેલી ટિપ્પણીઓ મામલે દાખલ કરવામાં આવ્યો હતો અને ગુજરાત હાઇકોર્ટે રાહુલને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
કોઈ પણ કાયદાકીય બાબતોનો જાણકાર માણસ જાણે છે કે માનહાનિ કેસમાં સિવિલ કેસ હોય તો સમયમર્યાદા 1 વર્ષની અને ક્રિમિનલ ડિફેમેશન કેસમાં મર્યાદા ત્રણ વર્ષની છે. એટલે કે માનહાનિ કરતું પ્રકાશન પ્રકાશિત થયાની અમુક મુદતમાં ફરિયાદ કરવી પડે છે. રાહુલ ગાંધીએ 2019માં ભાષણમાં ટિપ્પણીઓ કરી હતી અને એ જ વર્ષે ફરિયાદ નોંધાઈ હતી, 2019ની ટિપ્પણીઓ બદલ 2023માં કેસ કાયદાકીય રીતે ન નોંધી શકાય.
બીજું, કોઈ પણ હાઇકોર્ટ કોઈ કેસમાં સજા સંભળાવતી નથી. હાઇકોર્ટ એ અપીલ અદાલત છે. સજા સંભળાવવાનું કામ નીચલી અદાલતનું છે. રાહુલ ગાંધીને સુરતની કોર્ટે સજા સંભળાવી હતી. હાઇકોર્ટે માત્ર સજા પર રોક લગાવવાની અપીલ નકારી હતી. બંને બાબતો વચ્ચે મોટું અંતર છે.
સોનિયા ગાંધીએ લખ્યું છે કે રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ લગભગ એક વર્ષ બાદ સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ બહાલ કરવામાં આવ્યું હતું. હકીકતે સુપ્રીમ કોર્ટે ઑગસ્ટ 2023માં જ સજા પર રોક લગાવી દીધી હતી અને તેના ત્રણ વર્ષ બાદ જ રાહુલ ગાંધીને ફરીથી સાંસદ તરીકે માન્યતા આપી દેવાઈ હતી. એક વર્ષ નહીં, આમાં પાંચ મહિના લાગ્યા હતા.
બીજી પણ અમુક ભૂલો છે, જેમકે એક ઠેકાણે સોનિયા ગાંધીએ તત્કાલીન રાષ્ટ્રપતિ કે. આર નારાયણનને આર. કે નારાયણન ગણાવ્યા છે. આર. કે નારાયણ લેખક હતા, રાજ્યસભા સાંસદ પણ રહ્યા હતા. રાષ્ટ્રપતિ કે. આર નારાયણન અલગ વ્યક્તિ છે. એક ઠેકાણે નેલ્સન મંડેલા ભારત રત્ન મેળવવા માટે 1991માં આવ્યા હતા એવો પુસ્તકમાં ઉલ્લેખ છે, જ્યારે મંડેલા ઑક્ટોબર 1990માં ભારત આવ્યા હતા.
પુસ્તકમાં કેમ નાની ભૂલને પણ અવકાશ ન હોય
અહીં એ વાત સાચી કે સ્મરણકથા એ ઇતિહાસનું પુસ્તક નથી, પણ અગાઉ કહ્યું એમ રાજકીય વ્યક્તિની આત્મકથાઓ કે સ્મરણકથાઓ સાથે ઇતિહાસ અને ઐતિહાસિક ઘટનાઓ આવરી લેતી હોય છે. બીજું, પુસ્તકો પ્રકાશિત થયા બાદ તે અન્ય અનેક ઠેકાણે ટાંકવામાં આવે છે, તેમને સંદર્ભ તરીકે લેવામાં આવે છે. આ સ્થિતિમાં તેમાં તથ્યાત્મક ભૂલોને અવકાશ ન હોય અને દરેક નાનામાં નાની બાબત પણ ખરાઈ કર્યા બાદ સમાવવી પડે છે. આ બધું કામ લેખકો અને પ્રકાશકોનું છે.
એ રીતે જોવા જઈએ તો સોનિયા ગાંધીનું પુસ્તક રદ્દી સાબિત થયું છે. આવી સામાન્ય ભૂલો પણ પુસ્તકમાં હોય એટલે એ સમગ્ર પુસ્તકની ગંભીરતા ઘટાડી નાખે છે અને ત્યારબાદ વાંચનારને બાકીની દરેક બાબત પર શંકા જન્માવે છે.
પુસ્તકમાં સોનિયા ગાંધીનું નામ છે. મૂળ મહેનત ઘોસ્ટ રાઈટરોએ કરી હશે. સ્વાભાવિક રીતે સોનિયા ગાંધી પાસે દરેક બાબતની ખરાઈ કરાવી હશે. ત્યારબાદ પુસ્તક સંપાદનમાં ગયું હશે અને અંતિમ પ્રૂફરીડિંગ બાદ છપાયું હશે. આ તમામ કામગીરી નબળી રીતે થઈ છે અને માત્ર પુસ્તક છાપવાનું હતું એટલે છાપી માર્યું એવું લાગે છે. બીજી નકલ આવશે એમાં સુધારી લેવામાં આવવું જોઈએ, પણ કોંગ્રેસીઓ કામ પ્રત્યે કેટલા ગંભીર છે એ આનાથી દેખાય આવે છે.
વચ્ચે સોનિયા ગાંધીનું પુસ્તક જાહેર થયું પછી પેંગ્વિન ઇન્ડિયાએ પ્રકાશન કરવાની ના પાડી હોવાનું બહાર આવ્યું હતું. પ્રકાશનગૃહે પછીથી કહ્યું કે અમુક તથ્યાત્મક બાબતોનું ફેક્ટચેક પ્રકાશન પહેલાં જરૂરી છે. વણકહેવાયેલી વાત એ હતી કે સોનિયા અને ટીમે ફેક્ટચેકિંગમાં ઝાઝો રસ નહતો દેખાવ્યો એટલે પ્રકાશનગૃહ બાજુ પર ખસી ગયું. ત્યારબાદ હાર્પર કોલિન્સે આ જવાબદારી માથે ઉપાડી, પણ તેમણે કાં તો ઉતાવળમાં કાં બીજાં કોઈ કારણોસર ન સરખું ફેક્ટચેક કર્યું ન સરખું સંપાદન અને પુસ્તક બજારમાં વહેતું મૂકી દીધું હતું. જે કોઈ પણ પરિસ્થિતિ હોય, આ પ્રકાશનગૃહની શાખ પર પણ સવાલ ઊભા કરે છે. તેમની સાથે ‘નાદાન કી દોસ્તી અને ખતરે મેં જાન’ જેવું થયું છે. તેમનાં કર્યાં ભોગવે, આપણે કશું કરી શકવાના નથી!


