એક જમાનામાં અંતરિક્ષમાં રોકેટ છોડવું, સેટેલાઇટ ગોઠવવા અને અવકાશના રહસ્યો શોધવા, આ બધાં કામો માત્ર દુનિયાની ગણ્યાગાંઠ્યા દેશોની સરકારી સ્પેસ એજન્સીઓ જ કરતી હતી. આપણા દેશમાં પણ ‘સ્પેસ’ કે ‘અવકાશ’ એટલે સીધું જ નામ યાદ આવે ISRO (ઇસરો). પરંતુ હવે દુનિયાના સ્પેસ સેક્ટરમાં મોટો બદલાવ આવી રહ્યો છે. દાયકાઓથી ISROએ દેશ માટે જે અદ્ભુત કામ કર્યું છે, તેના પર દરેક ભારતીયને ગર્વ છે.
પરંતુ હવે સમય બદલાયો છે અને સમયની સાથે સાથે દુનિયાભરમાં સ્પેસ સેક્ટરની તસવીર બદલાઈ રહી છે. અમેરિકાથી લઈને યુરોપ અને હવે આપણા ભારતમાં પણ ખાનગી કંપનીઓ અવકાશ ક્ષેત્રે મેદાનમાં ઉતરી ચૂકી છે. ભારત પણ આ બદલાવનો ભાગ બની રહ્યું છે. ભારત સરકારે વર્ષ 2020થી સ્પેસ સેક્ટરમાં ખાનગી કંપનીઓ માટે દરવાજા ખોલવાની શરૂઆત કરી હતી.
ત્યારબાદ 2023ની ભારતીય સ્પેસ પોલિસી દ્વારા ખાનગી કંપનીઓની ભૂમિકા વધુ સ્પષ્ટ કરવામાં આવી. હવે ખાનગી કંપનીઓ માત્ર ISRO માટે સાધનો બનાવતી કંપનીઓ પૂરતી મર્યાદિત નથી. તેઓ પોતાના સેટેલાઇટ બનાવી શકે છે, રોકેટ વિકસાવી શકે છે, સેટેલાઇટ લૉન્ચ કરી શકે છે અને અંતરિક્ષમાંથી મળતી સેવાઓનું વ્યાપારી ધોરણે સંચાલન પણ કરી શકે છે.
અહીં સૌથી મહત્વની વાત એ છે કે ખાનગી ક્ષેત્રનો વિકાસ ISROની સ્પર્ધા કરવા માટે નહીં, પરંતુ ISROની ક્ષમતામાં વધારો કરવા માટે થઈ રહ્યો છે. જે કામ ખાનગી કંપનીઓ વ્યાપારી ધોરણે સારી રીતે કરી શકે છે તે જવાબદારી તેમને સોંપવાથી ISRO પોતાના વૈજ્ઞાનિકો, ટેક્નોલોજી અને નાણાકીય સંસાધનોનો ઉપયોગ વધુ મહત્વપૂર્ણ અને જટિલ અંતરિક્ષ મિશનો માટે કરી શકશે. આ જ કારણ છે કે ભારત માટે પ્રાઇવેટ સ્પેસ સેક્ટર માત્ર એક નવો ઉદ્યોગ નથી, પરંતુ દેશની અંતરિક્ષ શક્તિને નવી દિશા આપવાની તક છે.
સ્પેસ વેલ્યુ ચેઇન: ખાનગી ક્ષેત્રની ભૂમિકા
સરળ શબ્દોમાં સમજીએ તો પ્રાઇવેટ સ્પેસ સેક્ટરનો અર્થ એ છે કે અંતરિક્ષ સાથે જોડાયેલાં કામોમાં હવે માત્ર સરકારી સંસ્થાઓ જ નહીં, પરંતુ ખાનગી કંપનીઓ પણ પોતાની રીતે સક્રિયપણે ભાગ લે. અત્યાર સુધી સેટેલાઇટ બનાવવાથી લઈને તેને અંતરિક્ષમાં સ્થાપિત કરવા સુધીનાં મોટાભાગનાં કામો ISROના નેતૃત્વમાં થતાં હતાં. ખાનગી કંપનીઓ પણ ઇસરોને નાના-મોટા સાધનો અને ટેક્નિકલ સપોર્ટ આપતી હતી, પરંતુ તેમની ભૂમિકા ખૂબ મર્યાદિત હતી. હવે પરિસ્થિતિ બદલાઈ છે. આજના સમયમાં ખાનગી કંપનીઓ અનેક મહત્વપૂર્ણ કામો જાતે સંભાળી રહી છે.
આજે ખાનગી કંપનીઓ સેટેલાઇટ અને રોકેટ બનાવવાથી લઈને તેને અવકાશમાં મોકલવા સુધીના અનેક મહત્વપૂર્ણ કાર્યો કરી રહી છે. તેઓ સંચાર, હવામાન અને સુરક્ષા માટેનાં ઉપગ્રહો તૈયાર કરવા ઉપરાંત રોકેટના એન્જિન અને સેન્સર જેવાં મહત્વનાં ઉપકરણોનું ઉત્પાદન પણ સંભાળે છે.
આ ઉપરાંત, આ કંપનીઓ અન્ય દેશો કે સંસ્થાઓ માટે સેટેલાઇટ લૉન્ચ કરવાની વ્યાપારી સેવાઓ પણ પૂરી પાડે છે. સાથે જ, અવકાશમાંથી મળતા ડેટાનો ઉપયોગ કરીને ખેતી, હવામાનની આગાહી, આપત્તિ વ્યવસ્થાપન અને શહેરી આયોજન જેવાં ક્ષેત્રોમાં ઉપયોગી સેવાઓ પણ આપે છે.
આ સમગ્ર પ્રક્રિયાને ‘સ્પેસ વેલ્યુ ચેઇન’ કહેવામાં આવે છે. એટલે કે, માત્ર રોકેટ છોડવાથી લઈને સેટેલાઇટમાંથી ડેટા મેળવીને સામાન્ય લોકો સુધી સેવા પહોંચાડવાની આખી શૃંખલામાં હવે ખાનગી કંપનીઓ ખભેથીખભો મેળવીને કામ કરી રહી છે.
આ સમગ્ર બદલાવ પાછળનો સૌથી મોટો વિચાર એ છે કે ઇસરોને દરેક કામ પોતે જ કરવાની જરૂર ન રહે. કારણ કે ઇસરો પાસે વૈજ્ઞાનિકો અને સાધનો મર્યાદિત છે. જો તે સામાન્ય વ્યાપારી કામોમાં જ વ્યસ્ત રહે તો ચંદ્ર, મંગળ અને અવકાશ સંશોધન જેવાં મોટા કાર્યો માટે સમય અને શક્તિ ઓછી પડે.
આ સમસ્યા ઉકેલવા માટે સેટેલાઇટ બનાવવા અને લૉન્ચ કરવા જેવાં વ્યાપારી કામો ખાનગી કંપનીઓને સોંપવામાં આવી રહ્યા છે, જેથી ઇસરોના વૈજ્ઞાનિકોનો સમય અને સંસાધનો બચી શકે. આનો અર્થ એ નથી કે ઇસરો પોતાની જવાબદારી છોડી રહ્યું છે. ઇસરો નવી ટેક્નોલોજી વિકસાવશે અને માર્ગદર્શન આપશે, જ્યારે ખાનગી કંપનીઓ ઉત્પાદન અને વ્યાપારી સેવાનું કામ સંભાળશે.
આ પરિવર્તનની શરૂઆત
આ પરિવર્તનની શરૂઆત વર્ષ 2020માં ભારત સરકારે લીધેલા એક ક્રાંતિકારી નિર્ણયથી થઈ હતી. જૂન 2020 પહેલાં ભારતના સ્પેસ સેક્ટરમાં ખાનગી કંપનીઓની સક્રિયતા નહિવત જેવી હતી. પરંતુ દુનિયામાં સ્પેસ ટેક્નોલોજીની વધતી માંગ અને અમેરિકાની ‘SpaceX’ જેવી ખાનગી કંપનીઓની સફળતાએ સાબિત કરી દીધું કે સરકારની સાથે ખાનગી સાહસિકો પણ આ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે.
આ વાતને ધ્યાનમાં રાખીને 24 જૂન 2020ના રોજ કેન્દ્ર સરકારે સ્પેસ સેક્ટરમાં મોટા સુધારાઓને મંજૂરી આપી. આ નિર્ણયનો મુખ્ય હેતુ ખાનગી કંપનીઓને અંતરિક્ષ ક્ષેત્રની વેલ્યુ ચેઇનમાં ભાગ લેવાની તક આપવાનો હતો. ત્યારબાદ એપ્રિલ 2023માં ‘ઇન્ડિયન સ્પેસ પોલિસી’ જાહેર કરવામાં આવી. આ પોલિસીએ ખાનગી કંપનીઓ માટે સ્પેસ સેક્ટરમાં પ્રવેશવાનો માર્ગ વધુ મોકળો બનાવી દીધો.
આ પોલિસી હેઠળ બે ખાસ સંસ્થાઓ બનાવવામાં આવી છે. પહેલી છે ‘IN-SPACe’ (ઇન્ડિયન નેશનલ- સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર). આગળ જોયું તેમ ISROનું મુખ્ય કામ નવી ટેક્નોલોજી વિકસાવવાનું, સંશોધન કરવાનું અને ચંદ્રયાન, ગગનયાન જેવા મોટા અવકાશ મિશન પર ધ્યાન આપવાનું છે. જ્યારે IN-SPACe ખાનગી કંપનીઓ માટે એક પ્રકારની સિંગલ-વિન્ડો સંસ્થા છે.
એટલે કે, ખાનગી કંપનીઓને અવકાશ ક્ષેત્રમાં કામ કરવું હોય તો જરૂરી મંજૂરી, ટેક્નિકલ માર્ગદર્શન અને ISROની કેટલીક સુવિધાઓનો ઉપયોગ કરવાની પ્રક્રિયામાં IN-SPACe મદદ કરે છે. બીજી સંસ્થા છે ‘NSIL’ (ન્યુસ્પેસ ઇન્ડિયા લિમિટેડ). આ સંસ્થા ઇસરોની વ્યાપારી શાખા છે. આ સંસ્થા સ્પેસ ટેક્નોલોજી અને સેવાઓનું વેચાણ સંભાળે છે તેમજ ભારતીય ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડે છે.
આમ, આ નીતિ હેઠળ દરેક સંસ્થાની જવાબદારી અલગ રાખવામાં આવી છે. ISRO નવી ટેક્નોલોજી અને સંશોધન પર ધ્યાન આપે, IN-SPACe ખાનગી ક્ષેત્રને મંજૂરી અને જરૂરી સહાય પૂરી પાડે અને NSIL અવકાશ ક્ષેત્રની વ્યાવસાયિક કામગીરીને આગળ વધારે. આ વ્યવસ્થાથી ખાનગી કંપનીઓ માટે કામ કરવું સરળ બન્યું અને ISRO પરનું ઉત્પાદન તથા વ્યાવસાયિક કામનું ભારણ ઘટ્યું.
ઇન્ડિયન સ્પેસ પોલિસી સિવાય સ્પેસ સેક્ટરમાં વિદેશી રોકાણકારોને પણ પ્રોત્સાહન મળે તે માટે સરકારે 2024માં બીજા મોટા બદલાવ કર્યા. સરકારે વર્ષ 2024માં સ્પેસ સેક્ટરમાં વિદેશી રોકાણના (FDI) નિયમો ખૂબ જ સરળ બનાવી દીધા, જેથી દેશમાં વિદેશી મૂડી અને આધુનિક ટેક્નોલોજી ઝડપથી આવી શકે.
આ અંતર્ગત સેટેલાઇટ બનાવવા માટે 74% સુધી, રોકેટ અને સ્પેસપોર્ટ માટે 49% સુધી અને તેના વિવિધ સાધનો કે ભાગો બનાવવા માટે 100% સુધી વિદેશી રોકાણ ઓટોમેટિક રૂટથી કરી શકાય છે. આ સરળ નિયમોના કારણે હવે સરકારી મંજૂરીઓની લાંબી પ્રક્રિયા વિના વિદેશી કંપનીઓ ભારતમાં સીધું રોકાણ કરી શકે છે. પરિણામે ભારતીય સ્પેસ કંપનીઓને વિદેશથી મોટી મૂડી અને આધુનિક ટેક્નોલોજી સરળતાથી મેળવવાની ઉત્તમ તક મળે છે.
ઇસરોનો બોજ ઘટશે અને ક્ષમતા વધશે: સૌથી મોટો ફાયદો કોને?
અહીં સૌથી વધુ સમજવા જેવી બાબત એ છે કે ખાનગી ક્ષેત્રને આગળ લાવવાનો અર્થ ઇસરોનું મહત્વ ઘટાડવાનો નથી. ઇસરોએ પોતે પણ સ્પષ્ટ કર્યું છે કે આ સ્પેસ સેક્ટરનું ખાનગીકરણ નથી, પરંતુ ઇસરોની શક્તિને અનેકગણી વધારવાનો પ્રયાસ છે.
સરળ શબ્દોમાં સમજી તો જ્યારે રોકેટ બનાવવા અને સેટેલાઇટ લૉન્ચ કરવા જેવાં કામો ખાનગી કંપનીઓ સંભાળી લેશે, ત્યારે ઇસરોના વૈજ્ઞાનિકોનો કિંમતી સમય અને સાધનો બચી જશે. પરિણામે, ઇસરો પોતાની મોટાભાગની તાકાત દેશ માટે નવા અને મોટા વૈજ્ઞાનિક લક્ષ્યો હાંસલ કરવામાં લગાવી શકશે.
આ બચેલા સમય અને સંસાધનોની મદદથી ઇસરો ગગનયાન જેવા માનવ અંતરિક્ષ મિશન, ચંદ્ર પરથી માટીના નમૂના લાવવાના અભિયાન, ભવિષ્યમાં ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવા તેમજ મંગળ અને શુક્ર જેવા ગ્રહો પર ડીપ સ્પેસ મિશન મોકલવા જેવા કાર્યો કરી શકશે.
ખાનગી કંપનીઓ માટે દરવાજા ખોલવાના કારણે ભારતને મળી રહી છે વિવિધ તકો
અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ માટે દરવાજા ખોલવાના કારણે ભારતને વિવિધ પ્રકારની તકો મળી રહી છે. જેમાં સૌથી મહત્વની બાબત છે કે સેટેલાઈટ બનાવવામાં ઇસરોનો જે ખર્ચ અને શ્રમ જતો હતો તે ઓછો થઈ રહ્યો છે. કારણ કે એક સેટેલાઇટ બનાવવો એ ખૂબ જ જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા છે.
એક સેટેલાઈટમાં હજારો નાના-મોટા ભાગોનો ઉપયોગ થાય છે. અત્યાર સુધી આવા મોટા ભાગના સેટેલાઇટ અને રોકેટના ઉત્પાદનનું નેતૃત્વ ઇસરો કરતું આવ્યું છે. પરંતુ હવે ખાનગી કંપનીઓને પણ આ ટેક્નોલોજી અને ઉત્પાદન પ્રક્રિયામાં જોડવામાં આવી રહી છે.
ઉદાહરણ તરીકે, ઇસરોએ વિકસાવેલી IMS-1 સેટેલાઇટ બસ ટેક્નોલોજી ખાનગી કંપનીઓને ટ્રાન્સફર કરી છે. આ ઉપરાંત, NSILએ મોટા ઉદ્યોગો અને કન્સોર્ટિયમને PSLV અને SSLV રોકેટનું એન્ડ-ટુ-એન્ડ ઉત્પાદન કરવાની જવાબદારી સોંપવાની યોજનાઓ હાથ ધરી છે. આ રીતે વિવિધ કામો વિવિધ સંસ્થાઓ અને કંપનીઓ વચ્ચે વહેંચાઈ જવાથી ઉત્પાદન ક્ષમતા અનેકગણી વધી જશે.
આ સિવાય ભારતને બીજા દેશોના રોકેટ લૉન્ચ કરીને વિદેશી હુંડિયામણમાં કમાણી કરવાની તક પણ મળશે. કેમકે દુનિયાના અનેક દેશો પાસે પોતાના સેટેલાઇટ તો છે, પરંતુ તેમને અંતરિક્ષમાં પહોંચાડવા માટે જરૂરી રોકેટ અને લૉન્ચિંગની સુવિધા નથી. આવા દેશો બીજા દેશોની સ્પેસ એજન્સી અથવા ખાનગી કંપનીઓની મદદ લે છે.
ભારત આ ક્ષેત્રમાં અગાઉથી જ પોતાની ઓળખ બનાવી ચૂક્યું છે. ઇસરોનું PSLV રોકેટ લાંબા સમયથી વિદેશી સેટેલાઇટ લૉન્ચ કરતું આવ્યું છે. જાન્યુઆરી 2015થી ડિસેમ્બર 2024 દરમિયાન ભારતે 34 દેશોના કુલ 393 વિદેશી સેટેલાઇટ લૉન્ચ કર્યા હતા અને તેના દ્વારા કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ મેળવ્યું હતું.
હવે આ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ પણ આગળ આવી રહી છે. માની લો કે કોઈ યુરોપિયન દેશને પોતાનો સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલવો છે તો તે ભારતની ખાનગી સ્પેસ કંપની સાથે કરાર કરી શકે છે. ભારતીય કંપની સેટેલાઇટ લૉન્ચ કરવાની સેવા પૂરી પાડશે અને તેના બદલામાં વિદેશી ચલણમાં આવક મેળવશે.
પ્રાઇવેટ સ્પેસ સેક્ટરને આકાર આપી રહેલ ખાનગી કંપનીઓ
નોંધનીય છે કે ભારતમાં પ્રાઇવેટ સ્પેસ સેક્ટરનો વિકાસ એ માત્ર કાગળ પરની વાર્તાઓ સુધી મર્યાદિત નથી. આ ક્ષેત્રમાં ભારતીય કંપનીઓ ટેક્નોલોજી વિકસાવી રહી છે અને લૉન્ચિંગની ક્ષમતા પણ મેળવી રહી છે.
હૈદરાબાદની ખાનગી સ્પેસ કંપની સ્કાયરૂટ એરોસ્પેસ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. આ કંપનીએ નવેમ્બર 2022માં પોતાનું વિક્રમ-S રોકેટ સફળતાપૂર્વક લૉન્ચ કરીને ઇતિહાસ રચ્યો હતો. ત્યારબાદ 18 જુલાઈ 2026ના રોજ સ્કાયરૂટના વિક્રમ-I રોકેટે શ્રીહરિકોટાથી ઉડાન ભરી હતી.
ભારતની ધરતી પરથી કોઈ ખાનગી કંપની દ્વારા કરાયેલું આ પ્રથમ સફળ ઓર્બિટલ લૉન્ચ હતું. જોકે આ લૉન્ચિંગમાં ઇસરો અને IN-SPACeનો સહયોગ હતો. આ ઓર્બિટલ લૉન્ચથી કંપની ‘SCOPE’ અને ‘Grahaa’ નામના બે સેટેલાઇટ સફળતાપૂર્વક અવકાશમાં સ્થાપિત કર્યા હતા.
આટલું જ નહીં ઉત્પાદનના ક્ષેત્રમાં પણ હવે મોટા સોદા થઈ રહ્યા છે. ઇસરોની વ્યાપારી શાખા NSIL દ્વારા HAL અને L&T જેવી કંપનીઓને પાંચ ‘PSLV-XL’ રોકેટ બનાવવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ, IMS-1 જેવી સેટેલાઇટ ટેક્નોલોજી પણ ખાનગી કંપનીઓને હસ્તાંતરિત કરવામાં આવી છે, જેથી તેઓ મોટાપાયા પર સેટેલાઇટનું ઉત્પાદન કરી શકે અને સરકાર સાથે મળીને ભારતને સ્પેસ ક્ષેત્રે નંબર વન બનાવી શકે.
ભારતની સ્પેસ ઇકોનોમી
અહીં એ નોંધવાની બાબત છે કે અંતરિક્ષ ક્ષેત્ર હવે માત્ર વિજ્ઞાન પૂરતું સીમિત નથી રહ્યું. આજની અદ્યતન ટેક્નોલોજીને જોતાં સ્પેસ સેક્ટર અબજો ડૉલરની વૈશ્વિક અર્થવ્યવસ્થા બની ચૂકી છે. સંસદમાં રજૂ થયેલા આંકડાઓ મુજબ, ભારતની સ્પેસ ઇકોનોમીનું કદ અંદાજે $8.4 અબજ છે.
IN-SPACeના વિઝન મુજબ, વર્ષ 2033 સુધીમાં આ આંકડાને વધારીને $44 અબજ સુધી પહોંચાડવાનો અને તેમાં $11 અબજની નિકાસ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ સિવાય સ્પેસ ઇકોનોમિની વેલ્યૂ 2040 સુધીમાં $100 અબજ સુધી પહોંચાડવાનું આયોજન છે અને આ લક્ષ્યાંક હવામાં નથી રાખવામાં આવ્યો, આ ટાર્ગેટ રાખવા પાછળ કંપનીઓની ક્ષમતા અને દેશનો અનુભવ મહત્વપૂર્ણ કડી છે.
આપણે આગળ જોયું તેમ વિદેશી સેટેલાઇટ લૉન્ચ કરવાના મામલે ભારત શરૂઆતથી જ મોખરે રહ્યું છે. ઇસરોએ ભૂતકાળમાં સેંકડો વિદેશી સેટેલાઇટ સફળતાપૂર્વક છોડીને લાખો ડૉલર અને યુરોની કમાણી કરી છે. હવે જ્યારે ખાનગી કંપનીઓ પણ આ બજારમાં ઉતરી છે, ત્યારે ભારતની લૉન્ચિંગ ક્ષમતા અનેકગણી વધી જશે.
યુરોપ કે અન્ય દેશોની ખાનગી કંપનીઓ પોતાના સેટેલાઇટ લૉન્ચ કરવા માટે ભારતની ખાનગી સ્પેસ કંપનીઓ સાથે કરાર કરશે, જેનાથી દેશના એન્જિનિયરિંગ ઉદ્યોગો, સોફ્ટવેર ડેવલપર્સ અને યુવાનો માટે રોજગારીની અપાર તકો પણ ઊભી થશે.
જેમ-જેમ સમય બદલાઈ રહ્યો છે અને ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે એમ એમ અંતરિક્ષ ક્ષેત્રનો પણ વ્યાપ વધી રહ્યો છે. આજે અંતરિક્ષ ક્ષેત્ર માત્ર વૈજ્ઞાનિક પ્રતિષ્ઠા પૂરતું મર્યાદિત નથી. હવે એક દેશની તાકાત એનાથી પણ નક્કી થાય છે કે તેની પાસે કેટલા સેટેલાઇટ છે અને તે કેટલા ઓછા ખર્ચે સેવાઓ આપી શકે છે. તેથી ખાનગી ક્ષેત્રના વિકાસથી અન્ય દેશો પરની નિર્ભરતા ઘટશે, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની હાજરી વધશે અને રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત બનશે.
બીજી તરફ, આ ક્ષેત્રમાં મોટાં રોકાણોનું જોખમ, અમેરિકા-ચીન જેવી શક્તિઓ સાથેની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા, સ્પેસ ગાર્બેજની સમસ્યા અને સુરક્ષાના કડક નિયમો જેવા પડકારો પણ રહેલા છે. પરંતુ ભારતીય કંપનીઓ આ તમામ પડકારોને પાર કરીને આગળ વધી રહી છે.
ટૂંકમાં કહીએ તો ભારતના સ્પેસ સેક્ટરમાં ખાનગી કંપનીઓની વધતી ભાગીદારીનો હેતુ ઇસરોનું સ્થાન લેવાનો નહીં, પરંતુ ઇસરો સાથે મળીને ભારતને એક મજબૂત અને આત્મનિર્ભર સ્પેસ પાવર બનાવવાનો છે. એક તરફ ઇસરો બ્રહ્માંડના રહસ્યો અને મોટાં વૈજ્ઞાનિક મિશનો સંભાળશે તો બીજી તરફ ખાનગી ઉદ્યોગો વ્યાપારી વિકાસ અને ઉત્પાદનનો મોરચો સંભાળશે. આ જ સમન્વય ભારતને ખરા અર્થમાં વૈશ્વિક સ્પેસ જગતનો ‘ગેમ ચેન્જર’ બનાવશે.


