ગુજરાતમાં હિંદુ યુવતીઓ અને સગીરાઓને લલચાવી-ફોસલાવીને ધર્માંતરણ કરાવવાના કાવતરાં અવારનવાર સામે આવતાં રહે છે. એવામાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાંથી એક ચોંકાવનારી ઘટના થોડા સમય પહેલાં પ્રકાશમાં આવી હતી. કોડીનારથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી બે હિંદુ સગીરાઓને પોલીસની સઘન તપાસના આધારે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલી મીરા દાતાર દરગાહમાંથી હેમખેમ શોધી કાઢવામાં આવી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સગીરાઓને ઉનાવા લઈ જવામાં આવી હતી, જ્યાં તેમને બુરખો પહેરાવીને કલમા પઢાવવામાં આવ્યા હતા અને ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને દરગાહના મૌલવી સહિતના આરોપીઓની ધરપકડ કરી છે. બીજી તરફ મેડિકલ પરીક્ષણમાં સામે આવ્યું છે કે બંને સગીરાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
કોડીનારથી ગુમ થયેલી બે સગીરાઓ ઉનાવાની દરગાહમાંથી મળી આવી
ઘટનાની શરૂઆત 24 ઑક્ટોબર, 2026ના રોજ થઈ હતી. કોડીનારની બિલેશ્વર સોસાયટીમાં રહેતાં પીડિતાનાં માતાએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી કે તેમની દીકરી ગુમ થઈ ગઈ છે. ફરિયાદ મળતા ગીર સોમનાથ પોલીસે ત્વરિત અલગ-અલગ ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ ટાવર લોકેશન અને આસપાસના વિસ્તારોનાં CCTV કેમેરાનાં ફૂટેજની મદદથી તપાસ આગળ વધારી હતી.
નોંધનીય છે કે ફરિયાદ માત્ર 1 સગીરા ગુમ થવાની મળી હતી, પણ પોલીસ તપાસમાં 2 સગીરાઓ ગુમ થઈ હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં આ બંનેનું છેલ્લું લોકેશન મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલી એક દરગાહમાં હોવાનું માલૂમ પડ્યું હતું. આ માહિતી મળતાં જ કોડીનાર પોલીસની ટીમ તાત્કાલિક ઉનાવા પહોંચી હતી.
ત્યાં સ્થાનિક પોલીસની મદદથી દરગાહમાં તપાસ હાથ ધરીને પોલીસે બંને સગીરાઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે કોડીનાર પરત લાવવામાં આવી હતી. કોડીનાર આવ્યા બાદ મહિલા પોલીસની પૂછપરછમાં સગીરાઓએ સમગ્ર ષડયંત્ર અને તેમાં સંડોવાયેલા શખ્સો અંગે ખુલાસો કર્યો હતો.
હિંદુ નામ બદલીને મુસ્લિમ નામ રાખ્યું, બુરખો પહેરાવી કલમા પઢાવ્યા
ગીર સોમનાથ પોલીસ મુજબ, આ સમગ્ર કાવતરામાં સુરતના સાકિર ઉર્ફે બબલી અલ્તાફ પઠાણનું નામ સામે આવ્યું છે. કોડીનારના અબ્દુલ હાજી જોખીયાના કહેવાથી સાકિરે બંને સગીરાઓને ઉનાવા બોલાવી હતી અને ત્યાં ઉનાવા દરગાહના આસિફ કવાલી ઉર્ફે મરાઠ સાથે તેમની ઓળખાણ કરાવી હતી.
આરોપ છે કે આસિફ કવાલીએ સગીરાઓને લાલચ આપી હતી કે જો તેઓ હિંદુ ધર્મ છોડીને ઇસ્લામ અપનાવશે, સાકિર સાથે નિકાહ કરશે અને અલ્લાહની ઇબાદત કરશે તો તેમના તમામ દુઃખ દૂર થશે. આ પ્રલોભનો આપીને સગીરાઓનું બ્રેઈનવોશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વધુમાં ખુલાસો થયો છે કે એક સગીરાનું નામ બદલીને ‘રોઝીતા બાનુ’ અને બીજીનું નામ ‘કાજી નાયરા’ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેને કાળો બુરખો પહેરાવીને દરગાહમાં ઇસ્લામની વિધિઓ કરાવી કલમા તથા નમાજ પઢાવવામાં આવ્યાં હતાં. આ સિવાય પોલીસને લોકેશન ન મળે એ માટે આરોપીઓએ સગીરાઓના મોબાઈલમાંથી સિમકાર્ડ કાઢીને તોડી નાખ્યા હોવાનું પણ ખૂલ્યું છે.

પોલીસ તપાસમાં દુષ્કર્મનો પણ ખુલાસો
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ, પોક્સો અધિનિયમ અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કડક કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસ માટે SITની રચના કરી હતી.
પોલીસ મુજબ, શરૂઆતમાં આ પ્રકરણમાં અબ્દુલ હાજી જોખીયા, મહમદ આશીફ અબ્દુલ અંસારી અને સાકિર હુસેન ઉર્ફે બબલી અલ્તાફ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ SITની તપાસ દરમિયાન આ કાવતરા સાથે સંકળાયેલા વધુ ત્રણ આરોપીઓનાં નામ પણ સામે આવ્યાં હતાં.
પોલીસ કસ્ટડીમાં લેવાયેલા બીજા 3 આરોપીઓમાં ઉનાવાના તાલીબહુસેન મુસ્તાફ શેખ, હુસેન જમશેદ શેખ અને નાઝીમઅલી સમસુમીયા સૈયદનો સમાવેશ થાય છે. આ કેસમાં ભોગ બનનાર સગીરાઓની મેડિકલ તપાસ કરાવવામાં આવતાં તેમની સાથે બળાત્કાર થયો હોવાનો ખુલાસો થયો હતો.
પ્રેસનોટ અનુસાર તાલીબહુસેન અને હુસેન પર સગીરાઓ સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો આરોપ છે, જ્યારે નાઝીમઅલી પર સગીરાનો પીછો કરવાનો અને હેરાન કરવાનો આરોપ છે. આમ આ કેસ તપાસ આગળ વધતાં ધર્માંતરણ અને યૌન શોષણ જેવા ગંભીર અપરાધો સુધી પહોંચ્યો છે.
2019માં પણ કોડીનારમાંથી હિંદુ યુવતી થઈ હતી ગુમ
તાજેતરમાં કોડીનારમાં બનેલી ધર્માંતરણ અને સગીરાઓના અપહરણની ઘટના બાદ આ જ વિસ્તારમાં પાંચ વર્ષ પહેલાં બનેલી એક આવી જ ઘટના ફરી ચર્ચામાં આવી છે. કોડીનારના વિરાટનગર વિસ્તારમાં રહેતા મહેન્દ્ર ધનજી ચુડાસમાની 20 વર્ષીય દીકરી 20 સપ્ટેમ્બર, 2019ના રોજ કૉલેજ ગયા બાદ ગુમ થઈ ગઈ હતી.
પરિવારે નોંધાવેલી ફરિયાદ મુજબ કોડીનારમાં ભાડાની રિક્ષા ચલાવતો અસલમ મહેબૂબ મલેક આ યુવતીને લલચાવી-ફોસલાવીને પોતાની સાથે ભગાડી ગયો હતો. પીડિત પરિવાર શરૂઆતથી જ એવી આશંકા વ્યક્ત કરી રહ્યો હતો કે આ યુવતીનું ધર્માંતરણ કરાવવાના ઇરાદાથી અપહરણ કરવામાં આવ્યું છે.
દીકરી ગુમ થયા બાદ પિતાએ તેને શોધવા માટે સ્થાનિક પોલીસથી લઈને જિલ્લા કલેક્ટર, એસપી, મુખ્યમંત્રી અને વડા પ્રધાન કાર્યાલય સુધી રજૂઆતો અને આવેદન પત્રો પાઠવ્યા હતા. પરિવારનો આરોપ છે કે અસલમ મલેક રિક્ષા ચલાવવાની આડમાં હિંદુ યુવતીઓને નિશાન બનાવતો હતો. આટલા વર્ષો વીતી જવા છતાં હજી સુધી યુવતીની કોઈ ભાળ મળી નથી. પરિવાર એ પણ નથી જાણતો કે તેમની દીકરી જીવિત છે કે કેમ.
દીકરીને માટે પિતાનો વિડીયો
હવે આ જૂના કેસને લઈને તાજેતરમાં પીડિત પિતા મહેન્દ્ર ચુડાસમાનો એક હૃદયદ્રાવક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં તેઓ પોતાની દીકરીને હેમખેમ શોધી આપવા માટે પોલીસ વિભાગ અને સમગ્ર સમાજ સમક્ષ હાથ જોડીને આજીજી કરતા જોવા મળી રહ્યા છે.
વિડીયોમાં મહેન્દ્રભાઈ જણાવે છે કે 20 સપ્ટેમ્બર, 2019થી તેમની દીકરી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ છે. દીકરીને શોધવા માટે તેમણે અનેક લોકો અને સ્તરેથી બનતા તમામ પ્રયાસો કરી જોયા છે, પરંતુ આટલા વર્ષો વીતી જવા છતાં આજદિન સુધી દીકરીની કોઈ જ ભાળ કે માહિતી મળી નથી.
તેમણે જણાવ્યું કે એક પિતા તરીકે તેમની એક જ ઝંખના છે કે તેમને તેમની દીકરીનું એકવાર મોઢું જોવા મળે, કારણ કે તેમની દીકરી હાલ જીવે છે કે મરી ગઈ એ પણ તેઓ નથી જાણતા. આ વિડીયો સામે આવ્યા બાદ હવે માંગ ઉઠી છે કે આ કેસની ફરીથી તપાસ કરવામાં આવે.
બંને ઘટનાઓ વચ્ચેની કડીઓ
કોડીનારમાં તાજેતરમાં બનેલી ઘટના અને વર્ષ 2019માં યુવતીના ગુમ થવાના કેસ વચ્ચે એક સમાન બાબત એ છે કે બંને કિસ્સામાં યુવતીઓને લલચાવી-ફોસલાવીને લઈ જવામાં આવી હોવાના આરોપો લાગ્યા છે. જોકે, આ બંને ઘટનાઓ પાછળ કોઈ એક જ સંગઠિત નેટવર્ક કામ કરે છે કે કેમ તે અંગે હાલમાં કોઈ સત્તાવાર પુરાવા સામે આવ્યા નથી, પરંતુ આ બાબતે તપાસ થવી જરૂરી છે.
તાજેતરના કેસમાં ગીર સોમનાથ પોલીસે CCTV, મોબાઈલ ટાવર લોકેશન અને SITની મદદથી સગીરાઓને શોધી કાઢી છે. આ સફળતા બાદ હવે વર્ષ 2019માં ગુમ થયેલી યુવતીના કેસમાં પણ પોલીસ ફરીથી તપાસ કરે એવી માંગ ઉઠી છે, જેથી અસલમ મહેબૂબ મલેક ક્યાં છે અને યુવતી સાથે શું થયું તે જાણી શકાય.


