ગુજરાત ATSએ 438 કરોડના ડ્રગ્સ કેસમાં સલીમ ડોલાની ધરપકડ કરી, એપ્રિલમાં તૂર્કીથી પ્રત્યાર્પિત કરીને ભારત લવાયો હતો

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વૉડે (ATS) 2022ના એક ડ્રગ્સ કેસમાં ડ્રગ્સ ટ્રાફિકર સલીમ ડોલાની ધરપકડ કરી છે. સલીમ તૂર્કીમાં બેસીને ભારતમાં ડ્રગ્સ ઘૂસાડતો હતો અને કરોડો કમાતો હતો. એપ્રિલ 2026માં તેને પ્રત્યાર્પિત કરીને ભારત લાવવામાં આવ્યો હતો અને હવે ગુજરાત ATSએ તેને કસ્ટડીમાં લીધો છે.

મંગળવારે (3 નવેમ્બર) ATSએ આ કાર્યવાહી હાથ ધરી હતી. કેસ વર્ષ 2022નો છે, જ્યાં વડોદરામાંથી એક મેથ ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. પોલીસે આ મામલે લગભગ 88 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જેની કિંમત ₹438 કરોડ જેટલી આંકવામાં આવી હતી. સાથે દસ વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.

આ કેસમાં જેમ વધુ તપાસ ચાલી તેમ જાણવા મળ્યું કે આ ગેરકાયદેસર ડ્રગ્સનો કારોબાર વિદેશથી ચાલતો હતો અને તેની પાછળ સલીમ ડોલાનો હાથ હતો. તે વિદેશમાં હતો તેથી ગુજરાત પોલીસે ઈન્ટરપોલ મારફતે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરાવી હતી.

એપ્રિલ 2026માં સલીમને તૂર્કીથી ભારત લાવવામાં આવ્યો હતો. તાજેતરમાં ATSએ તેને કસ્ટડીમાં લઈને વડોદરા કેસમાં પૂછપરછ હાથ ધરી હતી. ATS તેની પાસેથી જાણી રહી છે કે તેનાં કેટલાં હિડન કનેક્શન છે, લોકલ હેલ્પર કેટલા અને ક્યાં છે, રૉ મટિરિયલ ક્યાંથી આવતું હતું, પૈસા કઈ રીતે પહોંચાડવામાં આવતા અને આખું નેટવર્ક કઈ રીતે કામ કરતું હતું અને તેમાં તેને કોણ-કોણ મદદ કરી રહ્યું હતું.

સલીમ ડોલા વિદેશમાં બેસીને વર્ષે 5 હજાર કરોડનો ડ્રગ્સનો કાળો કારોબાર કરતો હોવાનું મીડિયા અહેવાલો જણાવે છે. જ્યારે ટ્રાન્સનેશનલ સિન્ડિકેટની રેવન્યુ આનાથી વધારે હોય શકે. તેમાં તેનો પુત્ર તાહિર પણ સામેલ હતો. ગત વર્ષે તાહિરની UAEમાં ધરપકડ કરવામાં આવી હતી. જૂન 2025માં તેને ભારત પ્રત્યાર્પિત કરીને લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સલીમના અન્ય સાગરીતો પણ પકડાતા ગયા.

સલીમ ડોલા સામે ભારતમાં ડ્રગ્સ સ્મગલિંગ, મેન્યુફેક્ચરિંગ અને મની લોન્ડરિંગના અનેક કેસ નોંધાયેલા છે. કુલ કેસોની સંખ્યા 15થી વધુ છે. એક કેસની તપાસ ED પણ કરી રહી છે.

સલીમ પાકિસ્તાનમાં છુપાઈને બેઠેલા મુંબઈના ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમનો નજીકનો માણસ માનવામાં આવે છે. 1990ના દાયકામાં સલીમ ઇકબાલ મિર્ચી નામના એક ગેંગસ્ટર માટે કામ કરતો અને ડ્રગ્સનો કારોબાર ચલાવતો હતો. ત્યારબાદ તેણે વર્ષોમાં એક મોટું નેટવર્ક ઊભું કરી નાખ્યું હતું જે વિદેશથી શિપિંગ કન્ટેનરો મારફતે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડતું હતું.

અગાઉ મુંબઈ પોલીસ, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો અને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સની તપાસમાં સામે આવ્યું હતું કે સલીમ વિદેશમાં બેસીને ભારતમાં ચરસ, ફેન્ટાનિલ, મેફેડ્રોન વગેરે ઘૂસાડતો હતો. તેની સામે મુંબઈમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમની કલમો હેઠળ પણ કેસ નોંધાયા છે.