
ગુજરાત હાઇકોર્ટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બનેલી એક આત્મહત્યાની ઘટનામાં મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે વર્ષ 2017માં બનેલા એક રેસિડેન્ટ ડૉક્ટરની આત્મહત્યાના કેસમાં બે સિનિયર ડૉક્ટરો સામે નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદ અને તેની સાથે જોડાયેલી તમામ ફોજદારી કાર્યવાહી રદ કરી દીધી છે. જસ્ટિસ પી.એમ. રાવલે 29 ઑક્ટોબર, 2026ના રોજ આ ચુકાદો આપ્યો હતો.
આ કેસ વર્ષ 2017નો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 24 વર્ષીય ધવલ પરમાર પ્રથમ વર્ષમાં MSનો અભ્યાસ કરતો હતો. 4 જુલાઈ, 2017ના રોજ તેણે હોસ્પિટલની ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાના લગભગ 9 વર્ષ બાદ હાઇકોર્ટે બે સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો સામેની ફોજદારી કાર્યવાહી રદ કરી છે.
મૃતકના પિતા દિનેશચંદ્ર પરમારે પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે તેમના પુત્રને સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો ડૉ. મિલન પુંભાડિયા અને ડૉ. નરેશ મકવાણા હેરાન કરતા હતા. તેમના જણાવ્યા અનુસાર ધવલને લાંબા સમય સુધી કામ કરાવવામાં આવતું હતું, માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો તેમજ જ્ઞાતિ આધારિત અપમાનજનક ટિપ્પણીઓ પણ કરવામાં આવતી હતી.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ઘટનાના દિવસે સવારે ધવલે પિતાને ફોન કરીને અભ્યાસ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને સિનિયર ડૉક્ટરોના વર્તન વિશે જણાવ્યું હતું. આ વાત સાંભળ્યા બાદ પિતાએ ધવલના મોટા ભાઈને તેને મળવા હોસ્પિટલ મોકલ્યા હતા. જોકે પરિવારજનો હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ધવલનું મૃત્યુ થયું હતું. આ મામલે પછીથી પિતાની ફરિયાદના આધારે પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરણી અને એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસ તપાસ અને હાઇકોર્ટમાં થયેલી સુનાવણી
સામે પક્ષે આરોપી ડૉક્ટરોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી કે તેઓ પોતે પણ રેસિડેન્ટ ડૉક્ટર હતા અને હોસ્પિટલના વહીવટી કે ડ્યૂટીના નિર્ણયો લેવાની સત્તા તેમની પાસે નહોતી. કેસની તપાસ દરમિયાન પોલીસે હોસ્પિટલના 12 જેટલા ડૉક્ટરો, નર્સો અને સ્ટાફનાં નિવેદનો લીધાં હતાં. જોકે કોઈએ પણ મારપીટ કે જાતિગત અપમાનની વાતની પુષ્ટિ કરી નહોતી. ઉપરાંત, મૃતકના મોબાઈલ કે ડાયરીમાંથી પણ કોઈ ચોક્કસ ડૉક્ટર વિરુદ્ધના પુરાવા મળ્યા નહોતા.
તેથી હાઇકોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટરને કામની સૂચનાઓ આપવી, ફરજ સોંપવી કે અભ્યાસની ભૂલો બદલ ઠપકો આપવો એ આત્મહત્યા માટે ઉશ્કેરણી ન ગણાય. કાયદાકીય રીતે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો સાબિત કરવા માટે કોઈ વ્યક્તિને આત્મહત્યા કરવા માટે પ્રત્યક્ષ રીતે ઉશ્કેરવામાં આવી હોય અથવા જાણીજોઈને મદદ કરવામાં આવી હોય તેવા પુરાવા હોવા જરૂરી છે.
જ્ઞાતિગત ભેદભાવ મામલે કોર્ટે કહ્યું કે એસસી/એસટી એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો સાબિત કરવા માટે કોઈ વ્યક્તિનું જાહેરમાં જ્ઞાતિસૂચક અપમાન થયું હોવું જોઈએ, જેના આ કેસમાં કોઈ પુરાવા મળ્યા નથી. જેથી કોર્ટે એસસી/એસટી એક્ટ હેઠળનો ગુનો પણ રદ કરી દીધો હતો.
હાઇકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે તે મેડિકલ કોલેજોમાં થતી રેગિંગ કે વિદ્યાર્થીઓ સાથેના ખરાબ વર્તનનું સમર્થન કરતી નથી. રેગિંગ એક ગંભીર સામાજિક સમસ્યા છે અને તેની સામે યોગ્ય વહીવટી તથા કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. જોકે, દરેક પ્રકારની કડક સૂચના, કામનું દબાણ કે સિનિયર અને જુનિયર વચ્ચેનો વિવાદ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો બની જતો નથી. અંતે કોર્ટે બંને ડૉક્ટરો વિરુદ્ધની FIR રદ કરી દીધી હતી.

