હિંદુ વ્યક્તિને ફર્જી ડ્રગ્સ કેસમાં ફસાવતી ઝડપાઈ પંજાબ પોલીસ, પોલીસકર્મીએ શિવસેના નેતાના ઘરમાં પ્લાન્ટ કર્યું હેરોઇન: સીસીટીવી ફૂટેજ બાદ ASI સસ્પેન્ડ

ડ્રગ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાના દાવા કરતી પંજાબની પોલીસ ખુદ એક કેસમાં શંકાના ઘેરામાં આવી ગઈ છે. આ ઘટના સામે આવ્યા બાદ શિવસેના (પંજાબ)ના નેતા મહંત કાશ્મીર ગિરીના ઘરમાં દરોડા દરમિયાન થયેલી કાર્યવાહી અને પંજાબ પોલીસની ભૂમિકાને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ઘટનાની શરૂઆત મહંત કાશ્મીર ગિરીના પરિવારજનોએ ઘરમાં લગાવેલા હિડન કેમેરાના ફૂટેજ તપાસ અધિકારીઓ સામે રજૂ કર્યા બાદ થઈ હતી. આ વિડીયો ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે સાદાં કપડાંમાં એક પોલીસકર્મી મહંતના રૂમમાં છુપાઈને પ્રવેશ કરે છે અને ગાદલા નીચે કોઈ શંકાસ્પદ વસ્તુ મૂકી રહ્યો છે.

આ પોલીસકર્મીની આ હરકત બાદ થોડા સમય પછી પોલીસની મુખ્ય ટીમ ત્યાં પહોંચે છે અને તેમને આ જ ગાદલા નીચેથી આશરે 30 ગ્રામ હેરોઈન મળી આવ્યું હોવાનો દાવો કરે છે. આ દાવાના આધારે પોલીસ તરત જ મહંત કાશ્મીર ગિરીની ધરપકડ કરી લે છે.

ધરપકડ બાદ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને પોલીસની કરતૂત સામે આવી હતી.

આરોપી ASI સસ્પેન્ડ અને SITની રચના

CCTV સામે આવતાં જ ખન્નાનાં SSP ડૉ. દર્પણ આહલુવાલિયાએ આરોપી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધો છે. નોંધનીય છે કે CCTVમાં દેખાઈ રહેલી વ્યક્તિ CIA (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી) સ્ટાફનો ASI સુખદેવ સિંઘ હોવાનું સામે આવ્યું છે. પંજાબ પોલીસનું કહેવું છે કે આરોપીના સસ્પેન્શન સાથે સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ માટે SITની રચના પણ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર પ્રકરણની શરૂઆત મહંતના ડ્રાઇવર ગુરજંત સિંઘ ઉર્ફે જંટાની 7.5 ગ્રામ હેરોઈન સાથે થયેલી ધરપકડથી થઈ હતી. ડ્રાઇવરે પૂછપરછમાં મહંતનું નામ આપ્યા બાદ પોલીસે શિવસેનાના નેતાના ઘરે દરોડો પાડ્યો હતો. પરંતુ હવે વિડીયો સામે આવ્યા બાદ આખી ઘટના જ શંકાના ઘેરામાં આવી ગઈ છે.

CCTV ફૂટેજ સાચા સાબિત થતાં SSPએ મહંત કાશ્મીર ગિરીને આ કેસમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. SIT હવે એ પણ તપાસ કરી રહી છે કે આ દરોડા દરમિયાન સદર પોલીસ સ્ટેશનના SHO વિજયપાલ સિંઘ અને સિટી-2ના SHO તરવિન્દર કુમાર બેદી સહિતના અન્ય કયા-કયા પોલીસકર્મીઓ હાજર હતા અને આ બનાવટી કેસ પાછળ કોનો હાથ હતો.