ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ થઈ છે. 30 ઑક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું (Bharat Bovine Breeding and Research Centre – BBBRC) લોકાર્પણ કર્યું છે. આ કેન્દ્રમાં બાયોટેક્નોલોજીની મદદથી પશુઓની સારી નસલ તૈયાર કરવા, દેશી નસલોનું સંવર્ધન કરવા અને દૂધ ઉત્પાદનની ક્ષમતા વધારવા પર ફોકસ કરવામાં આવશે.
નોંધનીય છે કે સામાન્ય રીતે એક તંદુરસ્ત ગાય વર્ષમાં એક જ વાછરડાને જન્મ આપે છે. પરંતુ આ નવ-નિર્મિત સેન્ટરમાં IVF અને એમ્બ્રિયો ટ્રાન્સફર જેવી આધુનિક વૈજ્ઞાનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેનાથી ઉત્તમ ગુણવત્તાવાળી એક જ ગાયમાંથી વર્ષ દરમિયાન એકથી વધુ વાછરડાં મેળવી શકાશે.
આ કેન્દ્રનું મુખ્ય આકર્ષણ ગુજરાતની ધરોહર સમાન દેશી ‘કાંકરેજ’ ગાયની નસલને વધુ મજબૂત અને ગુણવત્તાયુક્ત બનાવવાનું છે. આ ઉપરાંત, ગીર ગાય તેમજ સ્થાનિક ભેંસોની નસલ સુધારવા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. ટૂંકમાં કહીએ તો આ માત્ર એક લેબોરેટરી કે ફાર્મ નથી, પરંતુ ગુજરાતના પરંપરાગત પશુપાલનને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને ખેડૂતો અને પશુપાલકોનું જીવનધોરણ સુધારવાનો એક પ્રયાસ છે.
BBBRC શું છે અને તે ક્યાં છે?
બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે ₹325 કરોડના ખર્ચે 127 એકરમાં ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC) તૈયાર કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર બનાસ ડેરીએ બનાવ્યું છે, જેને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું (NDDB) માર્ગદર્શન અને કેન્દ્ર સરકારના ‘રાષ્ટ્રીય ગોકુલ મિશન’ હેઠળ આર્થિક સહાય મળી છે. આ કેન્દ્ર કાંકરેજ ગાયની નસલ સુધારવા માટે બનાવવામાં આવેલી આવી પ્રથમ વિશેષ સુવિધા છે.
આ સંશોધન કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય ગાય અને ભેંસની નસલ સુધારીને ઉત્તમ ગુણવત્તાવાળા પશુઓ તૈયાર કરવાનો છે. સરળ ભાષામાં કહીએ તો જો કોઈ ગાય વધુ દૂધ આપતી હોય, ગરમી સહન કરી શકતી હોય, ઓછો ખોરાક ખાતી હોય કે રોગપ્રતિકારક શક્તિ વધુ ધરાવતી હોય તો તેના આ શ્રેષ્ઠ ગુણો આગામી પેઢીના વાછરડાંઓમાં પણ આવે તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી કામ કરવામાં આવશે.
આ કેન્દ્રમાં પ્રતિ વર્ષ 25,000 ઉચ્ચ ગુણવત્તાવાળા ભ્રૂણ એટલે કે ગર્ભ તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થયેલા આ ભ્રૂણનો ઉપયોગ કરીને ટૂંક સમયમાં સારી નસલ ધરાવતાં પશુઓની સંખ્યા ઝડપથી વધારી શકાશે, જેનાથી ભવિષ્યમાં પશુપાલકોને સીધો ફાયદો થશે.
અહીં કઈ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થશે?
BBBRC કેન્દ્રની વિશેષતા તેની આધુનિક પ્રજનન ટેક્નોલોજી છે. હાલમાં પશુપાલકો સામાન્ય રીતે કુદરતી રીતે અથવા કૃત્રિમ બીજદાન (Artificial Insemination) દ્વારા પશુઓનું સંવર્ધન કરે છે. પરંતુ આ નવા સેન્ટરમાં OPU-IVF અને એમ્બ્રિયો ટ્રાન્સફર (Embryo Transfer) જેવી વિજ્ઞાનની નવી અને અદ્યતન પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે.
આ આખી પ્રક્રિયાના મુખ્ય ત્રણ તબક્કા છે.
ઓવમ પિક-અપ (Ovum Pick-Up – OPU)
પ્રથમ તબક્કો છે ‘ઓવમ પિક-અપ’ (OPU), જેમાં શ્રેષ્ઠ નસલ ધરાવતી ગાય કે ભેંસના શરીરમાંથી અલ્ટ્રાસાઉન્ડ અને ખાસ સાધનોની મદદથી અંડકોષો (Oocytes) બહાર કાઢવામાં આવે છે. આ પદ્ધતિથી એક જ ઉત્તમ પશુમાંથી અલગ-અલગ સમયે વધુ અંડકોષો મેળવી શકાય છે.
ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (In Vitro Fertilisation – IVF)
બીજો તબક્કો છે ‘ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન’ (IVF), જેમાં OPUથી લીધેલા અંડકોષોને લેબોરેટરીમાં લાવવામાં આવે છે. ત્યાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઘણખૂંટના શુક્રાણુ સાથે ભેળવીને ગાયના શરીરની બહાર પ્રયોગશાળામાં જ ભ્રૂણ (ગર્ભ) તૈયાર કરવામાં આવે છે અને તેને યોગ્ય વાતાવરણમાં ઉછેરવામાં આવે છે.
એમ્બ્રિયો ટ્રાન્સફર (Embryo Transfer – ET)
ત્રીજો અને છેલ્લો તબક્કો છે ‘એમ્બ્રિયો ટ્રાન્સફર’ (ET), જેમાં લેબમાં તૈયાર થયેલા આ ભ્રૂણને બીજી કોઈપણ સામાન્ય ને સ્વસ્થ ગાય કે ભેંસના ગર્ભાશયમાં મૂકી દેવામાં આવે છે. આમાં મહત્વની વાત એ છે કે જન્મ આપનાર ગાય ગમે તે હોય, પણ જન્મેલા વાછરડામાં તમામ સારા આનુવંશિક ગુણો તો મૂળ અંડકોષ આપનાર શ્રેષ્ઠ ગાય અને શુક્રાણુ આપનાર ધણખૂંટના જ રહે છે.
આ ત્રણેય પદ્ધતિઓને એકસાથે ‘OPU-IVF-ET’ ટેક્નોલોજી કહેવામાં આવે છે. આ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી એક જ ઉત્તમ ગાયના અંડકોષોમાંથી લેબમાં ગર્ભ તૈયાર કરીને વર્ષ દરમિયાન 10થી 20 જેટલાં વાછરડાં મેળવવાની શક્યતા છે. જોકે, આ સંખ્યા ગાયની ક્ષમતા અને ગર્ભધારણની સફળતા પર આધાર રાખે છે.
માત્ર વધુ દૂધ નહીં, પરંતુ સારી આનુવંશિક ગુણવત્તા પર પણ ભાર
ઉલ્લેખનીય છે કે પશુની નસલ સુધારવાનો અર્થ માત્ર વધુ દૂધ આપતી ગાય કે ભેંસ તૈયાર કરવાનો નથી, પરંતુ તેના અન્ય ગુણો પણ એટલા જ મહત્વના છે. ઉદાહરણ તરીકે, કોઈ ગાય વધારે દૂધ આપતી હોય પણ તેની પાછળ ઘાસચારો અને દવાઓનો ખર્ચ ખૂબ વધી જતો હોય તો તેના બદલે થોડું ઓછું દૂધ આપતી પણ ઓછો ખોરાક ખાનારી અને સ્થાનિક વાતાવરણમાં સેટ થઈ જતી ગાય પશુપાલક માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે.
આથી, વૈજ્ઞાનિક સંવર્ધનથી (બ્રીડિંગ) પશુઓમાં મુખ્ય પાંચ ગુણો સુધારવા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે: પશુની દૂધ આપવાની ક્ષમતા વધારવી, દૂધમાં ચરબીનું (ફેટ) પ્રમાણ સારું રાખવું, રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવી, ગુજરાતની ગરમી સહન કરી શકે તેવા લક્ષણો વિકસાવવા અને ઓછા ખોરાકમાં પણ સારું દૂધ આપે તેવી ક્ષમતા કેળવવી.
આ માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) પશુઓની વંશાવળી, તેમના દૂધ અને આરોગ્યના રેકોર્ડનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરે છે. આ ખાસ તપાસ પદ્ધતિઓથી પશુના ડીએનએ પારખીને આગામી પેઢી માટે શ્રેષ્ઠ પશુઓની પસંદગી કરવામાં આવે છે.
કાંકરેજ ગાયના સંવર્ધન માટે કેમ મહત્વનું છે આ કેન્દ્ર?
બનાસકાંઠાની વાત આવે ત્યારે કાંકરેજ ગાયનો ઉલ્લેખ કર્યા વિના પશુપાલનની ચર્ચા અધૂરી ગણાય. કાંકરેજ એ ગુજરાતની ખૂબ જ જાણીતી અને મજબૂત દેશી ગાયની નસલ છે, જેનું મૂળ રહેઠાણ બનાસકાંઠા, મહેસાણા, કચ્છ અને રાજસ્થાનના કેટલાક સરહદી વિસ્તારોમાં ફેલાયેલું છે. પોતાના મજબૂત શરીર, મોટાં-વિશિષ્ટ શિંગડાં અને સ્થાનિક વાતાવરણ તથા ગરમીમાં પણ સરળતાથી અનુકૂળ થઈ જવાની ક્ષમતાના કારણે આ ગાય ખૂબ જાણીતી છે.
નવા બની રહેલા BBBRC સેન્ટરમાં આ કાંકરેજ ગાયના સંવર્ધન અને જાળવણી પર સૌથી વધુ ભાર મૂકવામાં આવશે. અહીં શ્રેષ્ઠ કાંકરેજ ગાયના અંડકોષો લઈને IVF પદ્ધતિથી લેબમાં ભ્રૂણ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ તેને બીજી ગાયમાં મૂકીને તેવા જ શ્રેષ્ઠ ગુણો ધરાવતાં વાછરડાં જન્મે એવી પ્રક્રિયા કરવામાં આવશે. આ ટેક્નોલોજીથી આપણી આ દેશી નસલની આનુવંશિક વિશેષતાઓ ભવિષ્યની પેઢીઓ માટે સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.
માત્ર કાંકરેજ જ નહીં, પરંતુ આ કેન્દ્રમાં ગીર, સાહિવાલ અને થારપારકર જેવી દેશની અન્ય શ્રેષ્ઠ ગાયો તેમજ મહેસાણા, બન્ની, જાફરાબાદી અને મુર્રાહ જેવી ઉત્તમ ભેંસોની નસલ સુધારવા માટે પણ કામ કરવામાં આવશે. આ રીતે ગુજરાતની સ્થાનિક નસલોની સાથે દેશની મહત્વપૂર્ણ પશુ સંપત્તિનું પણ વૈજ્ઞાનિક રીતે સંવર્ધન શક્ય બનશે.
પશુપાલકોને આ કેન્દ્રથી સીધો શું ફાયદો થશે?
આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય આધુનિક ટેક્નોલોજીનો લાભ માત્ર મોટી ડેરીઓ કે સંસ્થાઓ સુધી સીમિત ન રાખતા સામાન્ય પશુપાલકો સુધી પહોંચાડવાનો છે. સામાન્ય રીતે નાના ખેડૂતો કે પશુપાલકો માટે ઊંચી ઓલાદની ગાય-ભેંસ ખરીદવી ખૂબ મોંઘી પડતી હોય છે. તે સિવાય સારી નસલના ધણખૂંટ કે ઉત્તમ વીર્ય મેળવવું પણ મુશ્કેલ હોય છે.
તેથી પશુપાલકોને સસ્તા દરે શ્રેષ્ઠ નસલના ભ્રૂણ (ગર્ભ) આપવામાં આવશે. યોજના મુજબ પશુપાલકે શરૂઆતમાં માત્ર ₹1,000 ચૂકવવાના રહેશે. ગર્ભધારણ સફળ થયા પછીનો બાકીનો ખર્ચ ગુજરાત સરકાર, GCMMF અને બનાસ ડેરીની સબસિડી તથા સહાયથી પૂરો કરવામાં આવશે, જેથી ગરીબ અને સામાન્ય પશુપાલકો પણ આ મોંઘી ટેક્નોલોજીનો લાભ લઈ શકશે.
આનાથી આગામી સમયમાં પશુપાલકોનું દૂધ ઉત્પાદન અને આવક બંને વધશે. ઉત્તમ આનુવંશિક ગુણો ધરાવતાં પશુઓથી જન્મેલી નવી પેઢી વધુ દૂધ આપવાની ક્ષમતા ધરાવતી હશે. લાંબાગાળે આનાથી પશુપાલકોનું જીવનધોરણ સુધરશે અને તેમની રોજીરોટીમાં નોંધપાત્ર વધારો થશે.
આ સિવાયનો લાભ એ છે કે ઓછી સંખ્યામાં પશુઓ રાખીને પણ વધુ ઉત્પાદન મેળવી શકાશે. પશુપાલનમાં ઘાસચારો, પાણી, દવાઓ અને મજૂરીનો મોટો ખર્ચ થતો હોય છે. જો પશુઓની સંખ્યા ઓછી હોય અને દૂધ વધારે મળતું હોય તો જાળવણીનો કુલ ખર્ચ ઘટશે અને પશુપાલક માટે ધંધો વધુ ફાયદાકારક બનશે.
વધુમાં પશુપાલકોને પોતાના જ વિસ્તારમાં રોગમુક્ત ધણખૂંટ, ઉત્તમ ગુણવત્તાવાળું વીર્ય અને ભ્રૂણ સરળતાથી મળી રહેશે. આ સુવિધાના કારણે ગામડાંમાં રહેતા પશુપાલકો પણ સરળતાથી પોતાની ગાય-ભેંસની નસલ સુધારી શકશે.
આ સિવાય પશુપાલકોને ઉત્સાહિત કરવા માટે ‘બોવાઇન બ્રિડેનિયર્સ ક્લબ’ નામની વિશેષ પહેલ પણ શરૂ કરાઈ છે, જેમાં 316 પશુપાલકો જોડાયા છે. આ પશુપાલકો પોતાના તબેલામાં જ પશુઓની જન્મતારીખ, વંશાવળી, દૂધ અને આરોગ્યના રેકોર્ડ રાખીને વૈજ્ઞાનિક રીતે સારી નસલના પશુઓ તૈયાર કરશે.
સેક્સ સોર્ટેડ સીમેન ટેક્નોલોજીથી પણ પશુપાલન ક્ષેત્રમાં બદલાવ
BBBRCની વાત કરતી વખતે પશુ સંવર્ધન ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી બીજી એક આધુનિક ટેક્નોલોજી સમજવી પણ જરૂરી છે. તેનું નામ છે સેક્સ સોર્ટેડ સીમેન (Sex Sorted Semen). આ ટેકનોલોજીનો મુખ્ય હેતુ પશુપાલકોને વધુમાં વધુ માદા બચ્ચાં મેળવવામાં મદદ કરવાનો છે. સામાન્ય રીતે ગાય કે ભેંસના પ્રજનનમાં નર કે માદા બચ્ચું જન્મવાની સંભાવના હોય છે, પરંતુ આ ટેક્નોલોજીમાં ખાસ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા માત્ર માદા બચ્ચું પેદા કરી શકે તેવા ‘X ક્રોમોઝોમ’ વાળા શુક્રાણુઓને અલગ કરીને વીર્ય તૈયાર કરવામાં આવે છે.
આ ટેક્નોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના ઉપયોગથી માદા બચ્ચું જન્મવાની શક્યતા લગભગ 90 ટકા સુધી વધી જાય છે. જોકે દરેક વખતે માત્ર માદા બચ્ચું જ જન્મશે તેની સો ટકા ખાતરી નથી હોતી, પરંતુ તેની સંભાવના ખૂબ જ વધી થઈ જાય છે. ડેરી વ્યવસાય કરતા પશુપાલકો માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે કારણ કે તેનાથી દૂધ આપતી ગાયો અને ભેંસોની સંખ્યામાં ઝડપથી વધારો કરી શકાય છે.
કેન્દ્ર સરકારના ‘રાષ્ટ્રીય ગોકુલ મિશન’ હેઠળ પણ આ ટેક્નોલોજીને વ્યાપક પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પશુપાલન મંત્રાલય દ્વારા જાહેર થયેલી માહિતી મુજબ દેશમાં હવે સ્વદેશી નસલના પશુઓ માટે પણ સેક્સ સોર્ટેડ સીમેન તૈયાર કરવામાં આવી રહ્યું છે. જોકે આ ટેક્નોલોજી આખી IVF પદ્ધતિથી અલગ છે અને નવા બનેલા BBBRC કેન્દ્રમાં તેનો કેટલો ઉપયોગ થશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી.
ગુજરાતના ડેરી ઉદ્યોગમાં આવી રહેલો મોટો બદલાવ
ગુજરાત અને ડેરી ઉદ્યોગનો સંબંધ દાયકાઓ જૂનો છે. ગુજરાતમાં અમૂલ અને બનાસ ડેરીની સહકારી ચળવળને કારણે ડેરી ઉદ્યોગનો ઘણો વિકાસ થયો છે, પરંતુ આજે પશુપાલકો સામે જમીન, ઘાસચારો અને વધતા ખર્ચ જેવા અનેક નવા પડકારો ઊભા થયા છે. હવે માત્ર પશુઓની સંખ્યા વધારવાથી કામ ચાલે તેમ નથી, પણ ઓછી સંખ્યામાં પશુ રાખીને પશુદીઠ દૂધનું ઉત્પાદન વધારવું અને વૈજ્ઞાનિક પશુપાલન અપનાવવું જરૂરી બની ગયું છે.
નવું શરૂ થઈ રહેલું BBBRC કેન્દ્ર આ દિશામાં મોટો બદલાવ લાવશે. પહેલો મોટો બદલાવ એ આવશે કે જૂની પરંપરાગત પદ્ધતિઓને બદલે હવે IVF અને એમ્બ્રિયો ટ્રાન્સફર જેવી અદ્યતન ટેક્નોલોજીથી ઉત્તમ નસલનાં પશુઓ ખૂબ ઝડપથી તૈયાર કરી શકાશે.
બીજો બદલાવ એ છે કે હવે માત્ર પશુ કેટલું દૂધ આપે છે તેના પર જ નહીં, પણ તેની એકંદર ગુણવત્તા પર પણ ધ્યાન અપાશે. એટલે કે પશુ ઓછો ખોરાક ખાઈને પણ સ્વસ્થ રહે, રોગપ્રતિકારક શક્તિ સારી ધરાવતું હોય અને ગરમી સહન કરી શકે તેવાં લક્ષણો ધરાવતા પશુઓને વધુ મહત્વ આપવામાં આવશે.
ત્રીજો મોટો બદલાવ પશુપાલન સાથે ઊર્જા ઉત્પાદનનો છે. બનાસ ડેરી દ્વારા થરાદ અને રાધનપુર ખાતે બે બાયો-CNG પ્લાન્ટ બનાવવાની યોજના છે, જ્યાં દરરોજ ટનબંધ છાણમાંથી બાયો-ગૅસ તૈયાર કરાશે. આમ, પશુઓના છાણને ફેંકવાને બદલે તેનો બળતણ તરીકે ઉપયોગ કરીને પશુપાલકો માટે કચરામાંથી કમાણીનો નવો રસ્તો ખુલ્લો થશે.
રાષ્ટ્રીય ગોકુલ મિશન અને દેશી નસલોના સંવર્ધનનું મહત્વ
આ કેન્દ્રને સમજવા માટે ભારત સરકારના ‘રાષ્ટ્રીય ગોકુલ મિશન’ વિશે જાણવું પણ ખૂબ જરૂરી છે, જેનો મુખ્ય હેતુ દેશી ગાય અને ભેંસની નસલોનું રક્ષણ કરી તેમની દૂધ આપવાની ક્ષમતા વધારવાનો છે. ભારતમાં ગીર, કાંકરેજ, સાહિવાલ, રાઠી અને થારપારકર જેવી અનેક ઉત્તમ દેશી નસલો છે. જો વૈજ્ઞાનિક પદ્ધતિથી આ પશુઓનું સંવર્ધન કરવામાં આવે તો તેમની શ્રેષ્ઠ વિશેષતાઓ આગામી પેઢીઓમાં લાંબા સમય સુધી જળવાઈ રહે છે.
ગુજરાત સરકારે પણ પશુ સંવર્ધન માટે ચોક્કસ વિસ્તારો નક્કી કર્યા છે. ઉદાહરણ તરીકે, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારોને ‘કાંકરેજ ગાય’ અને ‘મહેસાણા ભેંસ’ના સંવર્ધન માટે ખાસ મહત્વના ગણવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં પશુઓની નસલ સુધારવા માટે તે જ જાતિના ઉત્તમ ગુણવત્તાવાળા ધણખૂંટ કે વીર્યનો ઉપયોગ કરવાની ભલામણ કરાય છે, જેથી સ્થાનિક નસલોની અસલ ઓળખ કાયમ ટકી રહે.
ઉત્તમ જીનેટિક્સ કે સારા ગુણોવાળું પશુ હોય તો પણ તેને પૂરતો ખોરાક, સ્વચ્છ પાણી, પશુડોક્ટરની સારવાર અને યોગ્ય કાળજી મળવી જરૂરી છે. જો આ બાબતો ધ્યાનમાં ન રાખવામાં આવે તો માત્ર નસલ સુધારવાથી ધાર્યાં પરિણામો મળતાં નથી. આ માટે ખેડૂતોને આધુનિક ટેક્નોલોજીની તાલીમ આપવી અને આ બધી સેવાઓ ગામડાના સામાન્ય પશુપાલકો સુધી સરળતાથી પહોંચાડવી ખૂબ જ મહત્વની છે.
અંતે બનાસકાંઠાના ભીલડી ખાતે બની રહેલું આ કેન્દ્ર પશુપાલનમાં પરંપરા અને આધુનિક વિજ્ઞાનનો એક અદ્ભુત સમન્વય છે. કાંકરેજ જેવી દેશી નસલોનું સંવર્ધન કરવું, IVF અને એમ્બ્રિયો ટ્રાન્સફર દ્વારા ઉત્તમ પશુઓ વધારવા અને તેનો સીધો લાભ સામાન્ય પશુપાલકોને આપવો એ આનો મુખ્ય હેતુ છે.
ગુજરાતના ડેરી ઉદ્યોગ માટે આ પહેલ એટલા માટે મોટી ક્રાંતિ છે કે ભવિષ્યમાં ખૂબ મોટી સંખ્યામાં પશુઓ રાખવાને બદલે, ઓછા પરંતુ ઉત્તમ ગુણવત્તાવાળા પશુઓ દ્વારા વધુ દૂધ મેળવી શકાશે. જો આ ટેક્નોલોજીનો સાચો લાભ સાચા અર્થમાં પશુપાલકો સુધી પહોંચશે તો તેનાથી માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ આખા ગુજરાતના ડેરી ક્ષેત્રમાં મોટો બદલાવ આવશે.


