અલ્હાબાદ હાઇકોર્ટમાં વકીલો ધીંગાણે ચડ્યા, વકીલના અપમાન મુદ્દે જજનો બહિષ્કાર કરવાની ચીમકી: ડાયસ તરફ ફર્નિચર ફેંકાયું, અવમાનનાની કાર્યવાહી સંભવ

અલ્હાબાદ હાઇકોર્ટમાં બુધવારે (28 ઑક્ટોબર) અમુક વકીલોએ હોબાળો મચાવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દરમ્યાન એક કોર્ટરૂમમાં તોડફોડ કરવામાં આવી અને ફર્નિચર ડાયસ તરફ ફેંકવામાં આવ્યું હતું. જેનાં દ્રશ્યો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યાં છે.

વાસ્તવમાં હાઇકોર્ટના બાર એસોશિએશને એક ન્યાયાધીશ પર એક વકીલના અપમાનનો આરોપ લગાવીને તેમનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ બુધવારે હાઇકોર્ટ કોરિડોરમાં વકીલોએ પ્રદર્શન કર્યું અને ત્યારબાદ કોર્ટમાં ધસી ગયા હતા.

ઘટના એવી બની કે 27 ઑક્ટોબરે જસ્ટિસ અજય ભનોતની કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે એક વકીલે એક જિલ્લા પોલીસ વડા (SP) રેન્કના પોલીસ અધિકારી સામે વકીલો માટે રાખવામાં આવેલી ખુરશી પર બેસવા પર વાંધો ઉઠાવ્યો હતો અને તેમને પોલીસ અધિકારીઓ માટેની જગ્યાએ જવા માટે કહ્યું હતું.

બંને વચ્ચે આ વાતે રકઝક ચાલી રહી હતી ત્યાં સામેના પક્ષના સરકારી વકીલે જજને ફરિયાદ કરી હતી. બાર એસોશિએશનનો આરોપ છે કે જજે વકીલ સામે આંગળી ચીંધીને તેને જેલ મોકલી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ વકીલે તેમની માફી માગી તો જજે પોલીસ અધિકારીની પણ માફી માગવા માટે કહ્યું હતું.

એસોશિએશને ત્યારબાદ આ બાબતે વાંધો ઉઠાવીને મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માંગ કરી, બીજી તરફ જસ્ટિસ ભનોતની કોર્ટનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

બીજા દિવસે વકીલો જસ્ટિસ ભનોતની કોર્ટની બહાર એકઠા થયા હતા અને નારાબાજી કરી હતી. પછીથી કોર્ટમાં ફર્નિચર ફેંકવામાં આવ્યું. અમુક અહેવાલોમાં જસ્ટિસ પર જૂતું ફેંકવામાં આવ્યું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે પરંતુ તેની પુષ્ટિ થઈ શકી નથી.

બીજી તરફ અલ્હાબાદ હાઇકોર્ટે પણ આ ઘટનાની નોંધ લઈને હોબાળો મચાવનારા વકીલો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની તૈયારી દર્શાવી છે. બાર કાઉન્સિલને મામલો મોકલીને શિક્ષાત્મક પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે, ઉપરાંત કહ્યું કે અદાલતની અવમાનનો પણ કેસ ચાલી શકે છે.

વકીલો બીજી તરફ જસ્ટિસ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.