
ઈરાન અને હમાસ સાથેના યુદ્ધ બાદ 27 ઑક્ટોબરે ઈઝરાયેલમાં પ્રથમવાર ચૂંટણી યોજાઇ હતી. અહેવાલો મુજબ ચૂંટણીનું પરિણામ સત્તાવાર રીતે 4 નવેમ્બરે જાહેર થવાનું છે, જોકે 29 ઑક્ટોબર સુધી પરિણામો સ્પષ્ટ થઈ જવાની સંભાવના છે. મંગળવારની રાત્રે મતદાન પૂર્ણ થયા બાદ હવે ચૂંટણીના એક્ઝિટ પોલ્સ સામે આવી રહ્યા છે જેમાં સત્તાધારી પક્ષ લિકુડના ગઠબંધનને 55-60 બેઠકો મળવાનો અંદાજ છે.
વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની લિકુડ પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. ઇઝરાયેલની KAN સહિતની ટેલિવિઝન ચેનલોના એક્ઝિટ પોલ અનુસાર, લિકુડ પાર્ટીને આશરે 24થી 25 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે ગાદી આઇઝનકોટની યાશાર પાર્ટીને આશરે 21થી 22 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલની સંસદ, જેને નેસેટ કહેવામાં આવે છે, તેમાં કુલ 120 બેઠકો છે. સરકાર બનાવવા માટે કોઈપણ જૂથને ઓછામાં ઓછી 61 બેઠકોની જરૂર પડે છે. હાલમાં વિવિધ એક્ઝિટ પોલમાં બંને ગઠબંધન વચ્ચે ટક્કર જોવા મળી રહી છે અને બહુમત પાર કરતું કોઈ જણાઈ રહ્યું નથી.
એક્ઝિટ પોલના આંકડા
| ન્યૂઝ ચેનલ | નેતન્યાહુ ગઠબંધન | વિરોધી જૂથ | આરબ પક્ષો |
| KAN 11 | 50 | 53 | 17 |
| Channel 12 | 50 | 52 | 18 |
| Channel 13 | 50 | 53 | 17 |
| Channel 14 | 60 | 43 | 17 |
KAN 11, ચેનલ 12 અને ચેનલ 13ના અંદાજ પ્રમાણે નેતન્યાહુ ગઠબંધનને 50 બેઠકો મળી શકે છે, જ્યારે વિરોધી જૂથને 52થી 53 બેઠકો મળવાનો અંદાજ છે. બીજી તરફ, ચેનલ 14ના એક્ઝિટ પોલમાં જમણેરી ગઠબંધનને 60 બેઠકો મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ઇઝરાયેલની સંસદમાં બહુમતી માટે 61 બેઠકો જરૂરી છે. એટલે ચેનલ 14નો અંદાજ સાચો સાબિત થાય તો નેતન્યાહુની પાર્ટીનું ગઠબંધન બહુમતીથી માત્ર એક બેઠક દૂર રહેશે.
આ ચૂંટણીમાં આરબ દેશો કે આરબ સમુદાયનું સમર્થન ધરાવતા પક્ષોને આશરે 17થી 18 બેઠકો મળવાનો અંદાજ છે. સરકાર બનાવવા માટે જે 61 બેઠકોની જરૂર છે, ત્યાં સુધી પહોંચવામાં આ પક્ષોનો ટેકો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
જોકે આ ગઠબંધન સરળ નથી. આઇઝનકોટ માટે આ પક્ષો સાથે હાથ મિલાવવો રાજકીય રીતે અઘરો છે, જ્યારે નેતન્યાહુએ પણ આરબ પક્ષો સાથે મળીને સરકાર બનાવવાનો સ્પષ્ટ વિરોધ કર્યો છે. એટલે કે ચૂંટણી પછી સરકાર કોની બનશે તેનો આધાર માત્ર બેઠકો પર નહીં, પણ કયા નેતાઓ એકબીજા સાથે જોડાવવા તૈયાર થાય છે તેના પર રહેશે.
ઇઝરાયેલની આ ચૂંટણીમાં 77.7 ટકા જેટલું ભારે મતદાન થયું હતું, જે છેલ્લાં 20 વર્ષમાં સૌથી વધુ છે. 2023માં હમાસના હુમલા અને ત્યારબાદ થયેલા યુદ્ધ પછી આ પહેલી દેશવ્યાપી ચૂંટણી હતી.
જોકે વધારે મતદાન થવા છતાં પણ કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી કે જીત મળી ગઈ હોય એવું દેખાઈ રહ્યું નથી. એક્ઝિટ પોલ્સમાં એકપણ પાર્ટીની સરકાર બનતી દેખાઈ રહી નથી. તેથી ચૂંટણીના પરિણામોની રાહ જોવાઈ રહી છે. અંદાજ અનુસાર આગામી અઠવાડિયા દરમિયાન પરિણામો સ્પષ્ટ થઈ જશે.

