હોમપેજગુજરાતગુજરાતમાં 89% વરસાદ છતાં ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત કેમ?

ગુજરાતમાં 89% વરસાદ છતાં ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત કેમ?

રાજ્યમાં 89% વરસાદ નોંધાયો હોવા છતાં ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યનો સરેરાશ વરસાદ સંતોષકારક દેખાય, પરંતુ કોઈ જિલ્લામાં તેની મોસમી સરેરાશ કરતાં ઘણો ઓછો વરસાદ પડ્યો હોય અને તેના કારણે ખેતી તથા પાણીની સ્થિતિ ગંભીર બની હોય, તો તે જિલ્લાને અલગથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરી શકાય છે.

- Advertisement -

ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન સરેરાશ 89% વરસાદ નોંધાયો છે. પહેલી નજરે આ આંકડો જોતા એવું લાગે કે રાજ્યમાં પૂરતો વરસાદ પડ્યો છે. તેમ છતાં, 26 ઑક્ટોબર, 2026ના રોજ રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ એમ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. સરકારની આ જાહેરાતથી આપણાં મનમાં ઘણા પ્રશ્ન ઉદભવે કે જો 89% વરસાદ પડ્યો હોય તો દુકાળ કેમ? આનું કારણ છે કે 89% વરસાદ એ આખા ગુજરાતનો સરેરાશ આંકડો છે, દરેક જિલ્લા કે તાલુકામાં પડેલા વરસાદનું પ્રમાણ નથી.

આ તફાવત સમજવા માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છની સ્થિતિ જોવી જરૂરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે માત્રામાં વરસાદ પડ્યો હતો, ઘણા જિલ્લામાં તો પૂર જેવી સ્થિતિ પણ ઉદ્ભવી હતી. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની આખી ઋતુ દરમિયાન વરસાદની ભારે અછત રહી. આ જ કારણ છે કે રાજ્યનો એકંદર આંકડો સંતોષકારક દેખાતો હોવા છતાં કેટલાક વિસ્તારોમાં દુકાળ જેવી સ્થિતિ ઊભી થઈ છે.

ચાર જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ કેટલી ખરાબ હતી?

રાજ્ય સરકારના 15 ઑક્ટોબર, 2026 સુધીના આંકડા દર્શાવે છે કે ગુજરાતના સરેરાશ વરસાદ સામે આ ચાર મુખ્ય જિલ્લાઓમાં વરસાદની ભારે અછત નોંધાઈ છે. સૌથી વધુ માઠી અસર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી છે, જ્યાં મોસમી સરેરાશની સરખામણીએ 83.5% જેટલી વરસાદી અછત સર્જાઈ છે. આ સિવાય પોરબંદરમાં 69.1%, જામનગરમાં 56.7% અને કચ્છ જિલ્લામાં 42.4% જેટલી વરસાદની ઘટ નોંધાઈ છે.

- Advertisement -

આ આંકડા પરથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં થયેલા સરેરાશ વરસાદ અને સૌરાષ્ટ્ર-કચ્છના આ ચાર જિલ્લાઓની વાસ્તવિક સ્થિતિ વચ્ચે ખૂબ મોટો તફાવત રહ્યો છે. રાજ્યના અન્ય ભાગોની સરખામણીએ આ વિસ્તારોમાં પૂરતો વરસાદ ન થવાને કારણે પાણીની અછત અને ખેતી પર તેની સીધી માઠી અસર થવાની ચિંતા ઊભી થઈ છે.

દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડ્યો, એટલે રાજ્યનો આંકડો ઊંચો રહ્યો

ગુજરાતના અલગ-અલગ ભાગોમાં જુદો-જુદો વરસાદ પડવાનું મહત્વનું કારણ વરસાદની અસમાન વહેંચણી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસા દરમિયાન નવસારી, વલસાડ, સુરત અને ડાંગ જેવા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બરની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાતનો વરસાદ મોસમી સરેરાશને વટાવી ગયો હતો, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ઘણી અછત હતી.

આને એક સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે એક વર્ગમાં દસ વિદ્યાર્થીઓ છે. તેમાંથી 5ને 90થી 100ની વચ્ચે માર્કસ મળે અને બાકીનાને 30-60ની વચ્ચે માર્કસ મળે, તો આખા વર્ગની સરેરાશ સારી દેખાય. પરંતુ એનો અર્થ એ નથી કે દરેક વિદ્યાર્થીને હાઈએસ્ટ માર્ક મળ્યા છે.

વરસાદના કિસ્સામાં પણ આવું જ છે. દક્ષિણ ગુજરાતમાં પડેલા વધુ વરસાદના કારણે રાજ્યની કુલ સરેરાશનો આંકડો ઊંચો રહ્યો, પરંતુ જ્યાં વરસાદ નથી પડ્યો કે ઓછો પડ્યો છે ત્યાંની સ્થિતિ તો હતી એ જ રહી. એટલે ગુજરાતમાં 89% વરસાદ નોંધાયો હોવાનો અર્થ એ નથી કે ગુજરાતના દરેક જિલ્લામાં 89% વરસાદ પડ્યો.

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ લાવતી હવામાન સિસ્ટમો સક્રિય થઈ નહીં

ઘણાને એમ લાગે કે ચોમાસામાં વરસાદી વાદળાં દેખાય એટલે વરસાદ પડે. પણ વાસ્તવમાં વરસાદ લાવવા માટે હવામાનની અનુકૂળ સ્થિતિ અને સક્રિય સિસ્ટમો પણ જરૂરી છે. બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં સર્જાતી લો-પ્રેશર સિસ્ટમો, એટલે કે ઓછા દબાણનાં ક્ષેત્રો, ચોમાસાના પવનોને સક્રિય કરવામાં અને વરસાદ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

હવામાન વિભાગ અનુસાર આ વર્ષે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવી સિસ્ટમો પૂરી રીતે સક્રિય ન થઈ. જ્યારે કોઈ વિસ્તારમાં વરસાદ લાવતી સિસ્ટમો ન પહોંચે અથવા સંપૂર્ણ રીતે સક્રિય ન થાય, ત્યારે ત્યાં વરસાદની ઘટ સર્જાય છે. આ સ્થિતિમાં દરિયાકાંઠે આવેલો વિસ્તાર પણ વરસાદ માટે તરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વર્ષે આવું જ જોવા મળ્યું.

દરિયાકાંઠે હોવા છતાં પૂરતો વરસાદ કેમ ન પડે?

સરકારે આ રાજ્યોને દુકાળગ્રસ્ત જાહેર કર્યા બાદ ઘણા લોકોને એવા પ્રશ્નો થઈ રહ્યા છે કે આ વિસ્તારો તો દરિયાકાંઠે આવેલા છે, છતાં કેમ વરસાદ ઓછો રહ્યો. પણ વિસ્તાર દરિયાકાંઠે આવેલો છે કે દરિયાની નજીક છે એટલે ત્યાં ભરપૂર માત્રામાં વરસાદ પડશે જ એવું જરૂરી નથી.

દરિયો વાતાવરણમાં ભેજનો મોટો સ્ત્રોત ચોક્કસ છે, પરંતુ એ ભેજ વરસાદમાં ફેરવાય તે માટે અનુકૂળ પવનો, હવાનું ઉપર ચઢવું, વાદળોની રચના અને વરસાદ લાવતી હવામાન સિસ્ટમોની જરૂર પડે છે. દરિયાની નજીક ભેજ ઉપલબ્ધ હોવા છતાં જો પવનોની દિશા અનુકૂળ ન હોય અથવા વરસાદી સિસ્ટમો સક્રિય ન થાય તો પૂરતો વરસાદ પડી શકતો નથી.

અગાઉ જોયું તેમ આ વર્ષે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ લાવતી સિસ્ટમો જ સક્રિય નહોતી, એટલે કે વાદળો કે ભેજને વરસાદમાં રૂપાંતરિત થવા માટે જે અનુકૂળ વાતાવરણ મળવું જોઈતું હતું તે મળ્યું નહીં. પરિણામે ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદ પડતો રહ્યો અને સૌરાષ્ટ્રમાં વરસાદની રાહ જોવાતી રહી.

અલ-નીનોની અસરથી વરસાદની વહેંચણી બદલાઈ

આ ઉપરાંત આ વખતે ઉનાળા દરમિયાન અલ-નીનો અને સુપર અલ-નીનોની આગાહી થઈ ગઈ હતી. એટલે વરસાદ ઓછો રહેવાનું આ એક મહત્વનું કારણ છે. નોંધનીય છે કે અલ-નીનો એ પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગમાં સમુદ્રની સપાટીનું પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થવાની હવામાનની સ્થિતિ છે. તેની અસર વિશ્વના અનેક વિસ્તારોના હવામાન પર થઈ શકે છે, જેમાં ભારતીય ચોમાસાનો પણ સમાવેશ થાય છે.

અહેવાલ પ્રમાણે અલ-નીનોની સ્થિતિને કારણે વરસાદની પ્રવૃત્તિ દેશના પૂર્વીય વિસ્તારો તરફ ખસવાની શક્યતા હતી. આ બાબત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ ઓછો રહેવા પાછળનાં સંભવિત કારણોમાંની એક છે.

અહીં એક વાત સમજવી જરૂરી છે કે અલ-નીનોનો અર્થ એવો નથી કે આખા ભારતમાં વરસાદ પડતો જ નથી. તેની અસર વરસાદની માત્રા, સમય અને વહેંચણીમાં ફેરફારના સ્વરૂપે જોવા મળી શકે છે. એટલે એક વિસ્તારમાં વરસાદ સારો પડે અને બીજા વિસ્તારમાં વરસાદની અછત રહે, એવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. આ વર્ષે ગુજરાતમાં જોવા મળેલી અસમાન વરસાદની સ્થિતિને સમજવા માટે અલ-નીનો એક મહત્વનું પરિબળ છે.

ચોમાસું મોડું પહોંચ્યું અને શરૂઆતમાં જ વરસાદની ખોટ રહી

વરસાદ કેટલો પડ્યો એના જેટલી જ મહત્વની બાબત એ પણ છે કે વરસાદ ક્યારે પડ્યો. જો સમયસર વરસાદ પડે તો ખેડૂતો વાવણી કરી શકે, પાકનો વિકાસ થઈ શકે અને જમીનમાં ભેજ જળવાઈ રહે. પરંતુ વરસાદ મોડો આવે તો પાક અને પાણીની ઉપલબ્ધિ પર અસર પડે છે.

આ વર્ષે અલ નીનોના કારણે ચોમાસું મોડું હોવાના અહેવાલો લગભગ મે મહિનામાં જ આવી ગયા હતા અને ચોમાસું તેની સામાન્ય તારીખ કરતાં નવ દિવસ મોડું શરૂ થયું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો 30 જૂન સુધી વરસાદ જ આવ્યો નહોતો, જ્યારે ત્યાં સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ ગયો હતો.

આ શરૂઆતની વરસાદી ખોટ પછીના સમયમાં પણ ભરાઈ શકી નહીં. જો ચોમાસાની શરૂઆતમાં વરસાદ ન પડે અને ત્યારબાદ પણ પૂરતી વરસાદી સિસ્ટમો સક્રિય ન થાય તો જમીનમાં ભેજની અછત વધે છે. ખેડૂતોને વાવણી, પાકની જાળવણી અને સિંચાઈ માટે મુશ્કેલી પડે છે. એટલે માત્ર મોસમના અંતે નોંધાયેલા કુલ વરસાદને જોવાને બદલે વરસાદ કેટલા અંતરે પડ્યો તે સમયગાળો પણ ધ્યાનમાં રાખવો પડે છે.

દુષ્કાળ જાહેર કરવાનો નિર્ણય માત્ર સરેરાશ વરસાદ પરથી થતો નથી

દુષ્કાળ જાહેર કરવા માટે રાજ્ય સરકાર માત્ર આખા રાજ્યનો સરેરાશ વરસાદ નથી જોતી. કેન્દ્ર સરકારની 2016ની દુષ્કાળ વ્યવસ્થાપન માર્ગદર્શિકા મુજબ વરસાદની અછત ઉપરાંત વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને જમીની સ્થિતિને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તેમાં જમીનનું ભેજ, પાકની સ્થિતિ, પાણીની ઉપલબ્ધિ અને અન્ય સંબંધિત પરિબળો કામ કરે છે.

આ જ કારણથી રાજ્યમાં 89% વરસાદ નોંધાયો હોવા છતાં ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યનો સરેરાશ વરસાદ સંતોષકારક દેખાય, પરંતુ કોઈ જિલ્લામાં તેની મોસમી સરેરાશ કરતાં ઘણો ઓછો વરસાદ પડ્યો હોય અને તેના કારણે ખેતી તથા પાણીની સ્થિતિ ગંભીર બની હોય, તો તે જિલ્લાને અલગથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરી શકાય છે.

ખેડૂતો અને પશુપાલકો પર શું અસર પડે?

વરસાદની અછતની સૌથી સીધી અસર ખેતી પર પડે છે. વરસાદ ઓછો હોય તો જમીનમાં પૂરતું ભેજ નથી રહેતું અને પાકનો વિકાસ અટકી જાય છે. પરિણામે ખેડૂતોને પાકની સિંચાઇ માટે વધારાનો ખર્ચ ભોગવવો પડે છે અને આટલો ખર્ચો કર્યા પછી પણ જો પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને ભારે માત્રામાં નુકસાન જાય છે. આવી સ્થિતિમાં પશુપાલકો માટે પણ ઘાસચારો અને પશુઓને પાણી પૂરું પાડવું મુશ્કેલ બની જાય છે.

આ બધી જ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ચારેય જિલ્લાઓ માટે રાહતનાં પગલાં જાહેર કર્યાં છે. તેમાં પાકના નુકસાન માટે SDRFના ધોરણો મુજબ પ્રતિ હેક્ટર ₹8,500ની સહાય, વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા સાથે, પશુઓ માટે રાહત અને અસરગ્રસ્ત તાલુકાઓમાં 150 દિવસની રોજગારીનો સમાવેશ થાય છે.

આ રાહત પગલાં 1 નવેમ્બરથી અમલમાં આવવાના છે. આ ઉપરાંત પાણીની અછતને પહોંચી વળવા માટે સરકાર પાડોશી રાજયો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સાથે પણ વાતચીત કરી રહી છે. પાણીના બદલામાં સરકારે વીજળી અથવા નાણાંની ચૂકવણીનો વિકલ્પ પણ મૂક્યો છે.

આ પગલાં એ પણ દર્શાવે છે કે વરસાદની અછત માત્ર હવામાનનો આંકડો નથી. તેની અસર ખેડૂતોની આવક, પશુપાલન, પાણીની ઉપલબ્ધિ અને ગ્રામ્ય વિસ્તારોની રોજગારી પર પડી રહી છે. જોકે સરકારે રાહતની કામગીરી શરૂ કરી દીધી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં