રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પરાજય બાદ બોલ્સોનારોએ બ્રાઝિલ છોડ્યું, કોર્ટે રદ કર્યા હતા પાસપોર્ટ: અમેરિકાએ વિઝા આપવાનો કર્યો વાયદો

બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર અને સેનેટર ફ્લાવિયો બોલ્સોનારો તાજેતરની ચૂંટણીમાં હાર્યા બાદ દેશ છોડીને અમેરિકા પહોંચી ગયા છે. તાજેતરમાં જ બ્રાઝિલમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વર્તમાન રાષ્ટ્રપતિ લૂલા ડી સિલ્વા સામે ફ્લાવિયોનો પરાજય થયો હતો. ચૂંટણીમાં લૂલાને આશરે 51.8 ટકા અને ફ્લાવિયોને 48.2 ટકા મત મળ્યા હતા.

આ હાર બાદ ફ્લાવિયો સામે મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલી રહી હોવાથી બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે તેમને 24 કલાકમાં પોતાનો પાસપોર્ટ પોલીસને સોંપવાનો આદેશ આપ્યો હતો. જોકે, સમયમર્યાદામાં પાસપોર્ટ ન જમા કરાવવાને કારણે તેમના બ્રાઝિલિયન અને ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવામાં આવ્યા હતા.

પાસપોર્ટ રદ થયો હોવા છતાં ફલાવિયોએ છોડ્યું બ્રાઝિલ

પાસપોર્ટ રદ થયા હોવા છતાં ફ્લાવિયો બ્રાઝિલમાંથી બહાર નીકળીને અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં પહોંચી ગયા છે. બ્રાઝિલની ફેડરલ પોલીસના રેકોર્ડ મુજબ તેઓ સામાન્ય ચેકપોઇન્ટથી બહાર ગયા હોવાની કોઈ સત્તાવાર માહિતી નથી, જેથી તેઓ કયા માર્ગે દેશ છોડીને ગયા તે હજુ રહસ્ય છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી છે કે અમેરિકા ફ્લાવિયો અને તેમના પરિવારને વિઝા આપશે અને તેમને દેશમાં પ્રવેશવા દેશે. ફ્લાવિયોના ભાઈ અમેરિકામાં જ રહે છે અને બોલ્સોનારો પરિવારના અમેરિકી નેતાઓ સાથે સારા સંબંધો છે, જેને કારણે આ મામલો રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ચૂંટણી પહેલાં ફ્લાવિયોએ એવું કહ્યું હતું કે જો તેઓ ચૂંટણી હારી જશે તો પણ બ્રાઝિલમાં રહીને લૂલા સરકાર સામે વિરોધ પક્ષનું નેતૃત્વ કરશે. પરંતુ અચાનક દેશ છોડીને ચાલ્યા જવાના કારણે તેમના પોતાના પક્ષના નેતાઓ પણ આશ્ચર્યમાં મૂકાયા છે અને પક્ષમાં આ બાબતે અસમંજસ સર્જાઈ છે.

આ ઘટનાથી બ્રાઝિલ અને અમેરિકા વચ્ચેના રાજકીય સંબંધો પર પણ અસર પડી શકે છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા અને અમેરિકાના સંબંધોમાં અગાઉ પણ મતભેદો રહ્યા છે, ત્યારે અમેરિકાના ફ્લાવિયોને વિઝા આપવાના નિર્ણયને બંને દેશોના સંબંધોના સંદર્ભમાં જોવામાં આવી રહ્યો છે.