રાહુલ ગાંધીએ રેલીની તારીખ ન બદલતા હવે સોનિયા ગાંધીને દિલ્હીના વેપારીઓએ લખ્યો પત્ર, દિવાળીના વેપાર પર ₹10,000 કરોડના નુકસાનનું જોખમ

દિલ્હીમાં દિવાળી દરમિયાન INDI ગઠબંધનની રેલીને કારણે મોટું વેપારી નુકસાન થવાનો ભય છે. તેથી દિલ્હીના પ્રમુખ વેપારી મંડળોએ રાહુલ ગાંધીને રેલીની તારીખ આગળ ધકેલવા વિનંતીઓ કરી છે. જોકે રાહુલ ગાંધીએ નિણર્ય ન બદલતા હવે વેપારી મંડળે સોનિયા ગાંધીને આ અંગે પત્ર લખ્યો છે.

વેપારી સંગઠન ‘ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી’એ (CTI) કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને પત્ર લખીને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. CTIએ આગ્રહ કર્યો છે કે 1 નવેમ્બરે રામલીલા મેદાન ખાતે યોજાનારી આ રેલીને દિવાળી પછી સુધી સ્થગિત કરવામાં આવે. સંગઠને ચેતવણી આપી છે કે મધ્ય અને જૂની દિલ્હીના 20 મુખ્ય બજારોમાં પ્રતિદિન ₹10,000થી ₹12,000 કરોડનો વેપાર ઠપ્પ થઈ શકે છે.

તારીખ 10-11 નવેમ્બર સુધી લંબાવવા વિનંતી

CTIના જણાવ્યા મુજબ રેલીમાં 10 લાખ લોકો અને 15,000થી 20,000 વાહનો આવવાની શક્યતા હોવાથી ભારે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સર્જાશે. આ માટે સંગઠને રેલીને 10-11 નવેમ્બર પછી રાખવા અથવા બુરાડી મેદાન ખાતે ખસેડવા વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી પહેલાં વેપારીઓએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો પણ સંપર્ક કર્યો હતો. ‘ફેડરેશન ઑફ સદર બજાર ટ્રેડર્સ એસોસિએશન’ અને CTI બંનેએ રાહુલ ગાંધીને પત્ર લખીને રેલી 10 નવેમ્બર પછી યોજવા અપીલ કરી હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે ધનતેરસથી દિવાળી વચ્ચેનો સમયગાળો દિલ્હીના બજારો માટે ₹25,000 કરોડના ટર્નઓવરનો હોય છે.

પહેલાં પણ વેપારીઓને થઈ ચૂક્યું છે ₹3,000 કરોડનું નુકસાન

વેપારીઓ અનુસાર સદર બજાર, ચાંદની ચોક, ખારી બાવલી અને ચાવડી બજાર જેવા વિસ્તારોમાં રસ્તા બંધ થવાથી અને ટ્રાફિક ડાયવર્ઝનથી ગ્રાહકોની અવરજવર અને માલસામાનની હેરફેર ખોરવાઈ જશે, જેનાથી નાના વેપારીઓ અને શ્રમિકોની આજીવિકા પર સીધી અસર પડશે.

નોંધનીય છે કે આ રેલી CEC જ્ઞાનેશ કુમારનાં રાજીનામાંની માંગ સાથે યોજાવાની છે. આ પહેલાં સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં પણ સતત વિરોધ પ્રદર્શનોને કારણે વેપારીઓને ₹3,000 કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે. આથી, સદર બજાર એસોસિએશન અને કિરાના કમિટી દિલ્હીએ કોંગ્રેસ ઉપરાંત સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી સમક્ષ પણ આ વિરોધ પ્રદર્શન આગળ ધકેલવા રજૂઆત કરી હતી.

આ પહેલાં રાહુલ ગાંધીએ આપ્યો હતો ઉદ્ધડ જવાબ

વેપારીઓની વિનંતીના જવાબમાં રાહુલ ગાંધીએ સોશિયલ મિડીયા પર દોષનો ટોપલો કેન્દ્ર સરકાર પર ઢોળી દીધો હતો. તેમણે દાવો કર્યો હતો કે જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી હટાવે તો 30 સેકન્ડમાં વિરોધ પ્રદર્શનો બંધ થઈ જશે. જોકે રાહુલના આ જવાબથી વેપારીઓની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો.

આ વિવાદ વચ્ચે રાહુલ ગાંધીની ભૂતકાળની ‘ભારત જોડો યાત્રા’ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ડિસેમ્બર 2022માં જ્યારે ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચી હતી, ત્યારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને 25 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી યાત્રામાં વિરામ આપવામાં આવ્યો હતો.

હાલમાં દિલ્હીના વેપારીઓનું કહેવું છે કે રાજકીય કાર્યક્રમો કે વિરોધ પ્રદર્શનો અન્ય કોઈ પણ તારીખે યોજી શકાય છે, પરંતુ દિવાળીનો આ ટૂંકો સમયગાળો નાના વેપારીઓ, સેલ્સટાફ અને ડિલિવરી વર્કર્સ માટે વર્ષભરની કમાણીનો મુખ્ય આધાર હોય છે. વેપારી મંડળો હજુ પણ આશા રાખી રહ્યાં છે કે જાહેરહિત અને અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ગઠબંધન રેલીની તારીખ 10 નવેમ્બર પછી રાખવાનો યોગ્ય નિર્ણય લેશે.