યૌન ઉત્પીડનના આરોપી કોંગ્રેસ સાંસદ-JNU પ્રોફેસરની આગોતરા જામીનની અરજી પર કોર્ટે માગ્યો દિલ્હી પોલીસનો જવાબ, 5 નવેમ્બર સુધી ધરપકડ પર રોક

વિદ્યાર્થિનીઓના યૌન શોષણ મુદ્દે બરતરફ થઈ ગયેલા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પૂર્વ અધ્યાપક અને કોંગ્રેસ સાંસદ અંગોમચા બિમોલ અકોઈજામ દ્વારા દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન માટેની અરજી પર દિલ્હીની કોર્ટે પોલીસનો જવાબ માગ્યો છે. બીજી તરફ 5 નવેમ્બર સુધી પ્રોફેસર વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ દિગ્વિનય સિંઘે અરજી પર આગલી સુનાવણી 5 નવેમ્બરે મુકરર કરી છે. ત્યાં સુધીમાં દિલ્હી પોલીસ અરજીનો જવાબ આપશે. કોર્ટે કહ્યું છે કે ત્યાં સુધીમાં કોંગ્રેસ સાંસદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે.

આ ઉપરાંત કોર્ટે તપાસ કરનાર અધિકારીને કેસ ફાઇલ લઈને આગલી સુનાવણીમાં હાજર રહેવા માટે જણાવ્યું છે.

આ પહેલાં દિલ્હી હાઇકોર્ટે સોમવારે (2 નવેમ્બર) બીમોલ અકોઈજામને બરતરફ કરવાના JNUના નિર્ણય પર રોક લગાવી દીધી હતી.

યુનિવર્સિટીએ ગત 9 ઑક્ટોબરના રોજ એક આદેશ બહાર પાડીને વિદ્યાર્થિનીઓના યૌન ઉત્પીડન બદલ પ્રોફેસર અકોઈજામને બરતરફ કરી દીધો હતો. અકોઈજામ મણિપુર ઇનર લોકસભા બેઠક પરથી કોંગ્રેસ સાંસદ પણ છે.

યુનિવર્સિટીની ફરિયાદ પર નોંધાઈ હતી FIR

ઉલ્લેખનીય છે કે આ મામલે યુનિવર્સિટી ચીફ સિક્યુરિટી ઑફિસરની ફરિયાદના આધારે દિલ્હી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ પ્રોફેસર સામે એક FIR દાખલ કરી છે. જે મામલે આગોતરા જામીનની માંગ સાથે તેણે કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

સમગ્ર વિવાદનું કેન્દ્ર JNU સ્થિત સ્કૂલ ઑફ સોશિયલ સાયન્સિસ હેઠળ આવતું સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ સોશિયલ સિસ્ટમ્સ છે, જ્યાં અકોઈજામ પ્રોફેસર હતો. થોડા સમય પહેલાં અહીં વિદ્યાર્થિનીઓએ તેની સામે યૌન ઉત્પીડનની ફરિયાદ કરી હતી.

સૌપ્રથમ વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીની ઇન્ટરનલ કમિટી સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રોફેસરે વાઈવા દરમ્યાન અયોગ્ય અને જાતીય ટિપ્પણીઓ કરતો હતો. ઉપરાંત જાતીય લાભના બદલામાં વધુ ગુણ આપવાની લાલચ આપી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.

આ મામલે કમિટીએ તપાસ કરીને રિપોર્ટ સોંપ્યા બાદ યુનિવર્સિટીએ પ્રોફેસરને બરતરફ કરી દીધો. લગભગ 11 જેટલી વિદ્યાર્થિનીઓએ તેની સામે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. શરૂઆતમાં એક યુવતીએ વાઈવા દરમ્યાન પ્રોફેસર સાથેનો ખરાબ અનુભવ વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યો હતો, ત્યારબાદ અન્ય વિદ્યાર્થિનીઓ પણ સામે આવી હતી.

સમગ્ર મામલો હવે કોર્ટ-કચેરીમાં પહોંચી ગયો છે. બીજી તરફ મહિલા સશક્તિકરણની વાતો કરતી રહેતી કોંગ્રેસ પાર્ટી આ મુદ્દે સદંતર ચૂપ છે અને પાર્ટી સાંસદ વિરુદ્ધ કોઈ આંતરિક રીતે કાર્યવાહી પણ કરી નથી.