વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કેસના આરોપી કોંગ્રેસી સાંસદ-પ્રોફેસર બિમોલ અકોઈજામને હાઇકોર્ટે રાહત આપી, JNUના બરતરફીના આદેશ પર રોક

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની (JNU) 11 વિદ્યાર્થિનીઓ દ્વારા જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા કોંગ્રેસના સાંસદ અને પ્રોફેસર આંગોમચા બિમોલ અકોઈજામને દિલ્હી હાઇકોર્ટમાંથી વચગાળાની રાહત મળી છે. સોમવારે (2 નવેમ્બર, 2026) દિલ્હી હાઇકોર્ટે JNU દ્વારા તેને નોકરીમાંથી બરતરફ કરવાના આદેશ પર રોક લગાવી દીધી છે. જોકે, આ મામલે હાઇકોર્ટે હજુ અંતિમ નિર્ણય આપ્યો નથી.

જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીએ અકોઈજામની અરજી પર સુનાવણી કરતા JNUને નોટિસ પાઠવી છે. અકોઈજામ તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે તેની બરતરફીનો નિર્ણય લેતાં પહેલાં તેને કોઈ નોટિસ આપવામાં આવી નહોતી. આ દલીલ બાદ કોર્ટે યુનિવર્સિટીના આદેશ પર વચગાળાની રોક લગાવી છે. હવે આ કેસની આગામી સુનાવણી જાન્યુઆરી 2027માં થશે.

ઉલ્લેખનીય છે કે JNUએ 9 ઑક્ટોબર, 2026ના રોજ અકોઈજામને તાત્કાલિક અસરથી સેવાઓમાંથી બરતરફ કર્યા હતા. યુનિવર્સિટીની આંતરિક સમિતિએ તેની સામે થયેલી જાતીય સતામણીની ફરિયાદોની તપાસ કર્યા બાદ મોટી શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. તેના આધારે વાઇસ ચાન્સેલર સંતિશ્રી ડી. પંડિતે બરતરફીનો આદેશ આપ્યો હતો.

આ સમગ્ર વિવાદમાં JNUની 11 વિદ્યાર્થિનીઓએ અકોઈજામ સામે જાતીય સતામણીની ફરિયાદો કરી હતી. ફરિયાદોમાં વર્ગખંડ અને વાઇવા પરીક્ષા દરમિયાન અયોગ્ય તથા જાતીય સંકેત ધરાવતી ટિપ્પણીઓ કરવા ઉપરાંત, યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા તેમના નિવાસસ્થાને બોલાવીને અયોગ્ય વર્તન કરવાના આરોપો પણ સામેલ હતા. માર્ક્સના બદલામાં જાતીય સંબંધોની માગણીના આરોપોનો પણ ઉલ્લેખ થયો હતો.

બીજી તરફ, અકોઈજામે પોતાની સામેના આરોપો નકારી કાઢ્યા છે. તેણે યુનિવર્સિટીની તપાસ પ્રક્રિયાને રાજકીય પ્રેરિત ગણાવી હતી અને તપાસમાં પ્રક્રિયાત્મક ક્ષતિઓ હોવાનો દાવો કર્યો હતો. તેનું કહેવું હતું કે તેમને પોતાનો પક્ષ યોગ્ય રીતે રજૂ કરવાની તક આપવામાં આવી નહોતી.

આ મામલે દિલ્હી પોલીસે પણ FIR નોંધી છે. JNUના મુખ્ય સુરક્ષા અધિકારીની ફરિયાદના આધારે 11 ઑક્ટોબરે વસંત કુંજ નોર્થ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 75 અને 79 સહિતની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસની તપાસ હજુ ચાલુ છે.

હાઇકોર્ટના વર્તમાન આદેશથી અકોઈજામની બરતરફી પર વચગાળાની રોક લાગી છે, પરંતુ તેની સામેના જાતીય સતામતીના આરોપો કે પોલીસ તપાસનો અંત આવ્યો નથી. જાન્યુઆરી 2027માં થનારી આગામી સુનાવણીમાં આ કેસની કાનૂની કાર્યવાહી આગળ વધશે.