
ગુજરાત સરકારે રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) તેમજ સ્ટાર્ટઅપ્સને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GEPC) નામની એક નવી વિશેષ સંસ્થા બનાવવાની જાહેરાત કરી છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતથી થતી નિકાસને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક ઉત્પાદકોને વિદેશી બજારોમાં વેચાણની તકો પૂરી પાડવાનો છે.
રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા 3 નવેમ્બર 2026ના રોજ આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ કાઉન્સિલ બનાવવાનો મૂળ હેતુ એવા નાના વેપારીઓની મુશ્કેલીઓ દૂર કરવાનો છે, જેમની પાસે ગુણવત્તાસભર ઉત્પાદનો તો છે પણ યોગ્ય માહિતી કે આંતરરાષ્ટ્રીય માર્ગદર્શનના અભાવે તેઓ પોતાનો માલ વિદેશ નથી મોકલી શકતા.
આ કાઉન્સિલના હેતુ
આ કાઉન્સિલ ઉદ્યોગકારો માટે તાલીમ કાર્યક્રમો, વર્કશોપ અને સેમિનારનું આયોજન કરશે. તે નાના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સને દેશ-વિદેશના વેપાર મેળામાં ભાગ લેવામાં મદદ કરશે. આ ઉપરાંત, વિદેશી ખરીદદારો સુધી પહોંચવા માટે માર્કેટિંગ અને બ્રાન્ડિંગનું માર્ગદર્શન પણ આપશે. ગુજરાતમાં ઉત્પાદન કરતા ઉદ્યોગકારોને વિદેશમાં ગ્રાહકો શોધવામાં આ સંસ્થા પૂરી સહાય કરશે.
નિકાસની પ્રક્રિયા સરળ બનાવવા માટે કાઉન્સિલ ડિજિટલ ટ્રેડ પ્લેટફોર્મ અને અલગ પોર્ટલ બનાવશે. તેનાથી નિકાસકારોને તમામ સેવાઓ એક જ જગ્યાએથી મળી રહેશે. ઉદ્યોગકારોને પ્રોડક્ટની ગુણવત્તા ચકાસવા, સર્ટિફિકેટ મેળવવા અને લોન-વીમાની સુવિધામાં મદદ કરાશે. માલની હેરફેર તેમજ નાણાકીય સહાય મેળવવા માટે પણ જરૂરી માર્ગદર્શન અપાશે.
‘ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન પ્લાન’ થશે રેડી
આ યોજનાની એક મહત્વની બાબત એ છે કે ગુજરાતના દરેક જિલ્લા માટે અલગ ‘ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન પ્લાન’ તૈયાર કરાશે. આ પ્લાન હેઠળ દરેક જિલ્લાની ખાસિયતો અને ઉત્પાદનોની ઓળખ કરાશે. કયા સ્થાનિક ઉત્પાદનોની વિદેશમાં માંગ હોય શકે છે તે નક્કી કરાશે. ત્યારબાદ સ્થાનિક ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડવાનો પ્રયાસ થશે.
આ નવી નીતિનો સૌથી મોટો ફાયદો નાના જિલ્લાઓને મળશે. હવે માત્ર અમદાવાદ, સુરત કે વડોદરા જેવાં મોટાં ઔદ્યોગિક શહેરો જ નહીં, પરંતુ નાના જિલ્લાઓના ઉત્પાદકોને પણ વિદેશમાં વેપાર કરવાની તક મળશે. આનાથી રાજ્યના વિવિધ જિલ્લાઓની પણ નિકાસ વધશે.
કાઉન્સિલ બિનનફાકારક કંપની તરીકે કરશે કામ
આ કાઉન્સિલ સંપૂર્ણપણે ગુજરાત સરકારની માલિકીની બિનનફાકારક કંપની તરીકે કામ કરશે. તેની નોંધણી કંપની એક્ટ, 2013ની સેક્શન 8 હેઠળ થશે અને હેડઑફિસ ગાંધીનગરમાં રહેશે. તેના સંચાલન માટે 3થી 15 સભ્યોનું બોર્ડ બનશે. મુખ્ય સચિવ તેના અધ્યક્ષ રહેશે અને ઉદ્યોગ કમિશનર મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળશે.
રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે આ નિર્ણય મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે રચાયેલી ટાસ્ક ફોર્સની ભલામણો બાદ લેવાયો છે. ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશને (GRIT) મે 2025ના અહેવાલમાં આવી અલગ સંસ્થા બનાવવાની ભલામણ કરી હતી. હવે GEPC દ્વારા ગુજરાતના સ્થાનિક ઉત્પાદનોને વિદેશમાં નવી ઓળખ મળશે.

