રેપ કેસના દોષી તરુણ તેજપાલની સજા પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, હાઇકોર્ટે ફટકારી છે 10 વર્ષની સજા

તહેલકા મેગેઝિનના પૂર્વ સંપાદક તરુણ તેજપાલને રેપ કેસમાં બૉમ્બે હાઇકોર્ટે ફટકારેલી સજા સસ્પેન્ડ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. હાઇકોર્ટમાં ચુકાદાને પડકારતી તેજપાલની અરજી પર કોર્ટે શુક્રવારે (6 નવેમ્બર) આદેશ પસાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ સુંદ્રેશ અને જસ્ટિસ વરાલેની બેન્ચે કહ્યું કે કોર્ટને હાઇકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ જણાતું નથી અને સજા સસ્પેન્ડ કરવાનો પણ કોઈ આધાર બનતો નથી. જેથી કોર્ટ તરુણ તેજપાલની સજા સસ્પેન્ડ કરવાનું ઉચિત માનતી નથી.

તરુણ તેજપાલે કોર્ટમાં અરજી દાખલ કરીને અરજી કરી હતી કે હાઇકોર્ટે ચુકાદો આપીને અમુક પુરાવાઓ ધ્યાન પર લીધા નથી અને અમુક સીસીટીવી ફૂટેજ અને લિફ્ટ ઓટોમેટિકલી ખુલતી હતી જેવાં અમુક તથ્યો પણ ધ્યાનમાં લેવામાં આવ્યાં ન હતાં. ઉપરાંત તેજપાલ છ મહિનાથી જેલમાં છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને સજા પર રોક લગાવવી જોઈએ.

બીજી તરફ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલોમાં જણાવ્યું હતું કે હાઇકોર્ટે તમામ પુરાવાઓની ચકાસણી કર્યા બાદ ચુકાદો આપ્યો હતો અને બહુ સ્પષ્ટ જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટે પીડિતાને જ ટ્રાયલમાં ઊભી રાખી દીધી હતી. જે ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો અને પછી જે મેસેજ મોકલાયો હતો એમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ઘટના બની હતી.

મામલો વર્ષ 2013નો છે. ગોવામાં તહેલકા મેગેઝિન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તત્કાલીન સંપાદક તરુણ તેજપાલે તેની મહિલા સહકર્મીનું યૌન શોષણ કર્યું હોવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો અને ધરપકડ થઈ હતી. દરમ્યાન તેજપાલે તત્કાલીન મેનેજિંગ એડિટરને એક મેઇલ મોકલીને ઘટના વિશે જણાવ્યું હતું અને સ્વીકાર્યું હતું કે તેની ‘ભૂલ’ થઈ ગઈ હતી. ત્યારબાદ તેણે પીડિતાની પહેલેથી બિનશરતી માફી માગી લીધી હોવાનું જણાવીને કહ્યું હતું કે તે છ મહિના માટે મેગેઝિનથી દૂર રહેશે. ત્યારબાદ તેણે રાજીનામું મૂકી દીધું હતું.

આ કેસ ચાલ્યો અને 2017માં ચાર્જ ફ્રેમ થયા. 2021માં ગોવા ટ્રાયલ કોર્ટે એક ચુકાદો આપીને તરુણ તેજપાલને નિર્દોષ ઠેરવ્યો હતો અને ચુકાદામાં પીડિતાના વ્યવહાર પર જ પ્રશ્નો ઉઠાવી દીધા હતા.

આ ચુકાદાને પછીથી રાજ્ય સરકારે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ઑગસ્ટ 2026માં હાઇકોર્ટે ચુકાદો આપીને ટ્રાયલ કોર્ટનો ચુકાદો પલટાવી દીધો અને તેજપાલને 10 વર્ષની સજા ફટકારી હતી.

હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ તેજપાલ સુપ્રીમ કોર્ટ ગયો છે, પણ ત્યાંથી પણ તેની સજા પર રોક લગાવવાની ના પાડી દેવામાં આવી છે. બીજી તરફ ગોવા સરકાર પણ સુપ્રીમ કોર્ટ ગઈ છે અને તેજપાલ માટે આજીવન કેદની માંગ કરી છે. બંને અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે.

કેસની સમગ્ર ટાઈમલાઈન અહીંથી વાંચી શકાશે.