દિલ્હીની INDI રેલીમાં ન ગયા તો ગુજરાત યુથ કોંગ્રેસના 49 નેતાઓ ઘરભેગા: હાઇકમાન્ડે લીધો નિર્ણય

દિલ્હીમાં યોજાયેલી વિપક્ષી INDI ગઠબંધનની રેલીમાં હાજરી ન આપવી ગુજરાત યુથ કોંગ્રેસના નેતાઓને ભારે પડી ગઈ છે. ભારતીય યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ શિસ્તભંગનું બહાનુ ધરીને ગુજરાતના 49 હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

આ સમગ્ર વિવાદ 1 નવેમ્બર, 2026ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી INDI બ્લોકની રેલી સાથે જોડાયેલો છે. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, મમતા બેનર્જી અને અખિલેશ યાદવ સહિતના નેતાઓ ભેગાં થયાં હતાં. દરમિયાન વિપક્ષે ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવી મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ કરી હતી.

દિલ્હીની આ રેલીમાં ભીડ ભેગી કરવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ યુથ કોંગ્રેસ સહિતના સંગઠનોને ફરજિયાત હાજર રહેવા કડક આદેશ આપ્યા હતા. સંગઠને કાર્યકરોના આવવા-જવાની તમામ વ્યવસ્થા કરી હોવા છતાં, ગુજરાત કોંગ્રેસના નેતાઓ રેલીમાં ગયા નહોતા. પરિણામે 49 કાર્યકરો-નેતાઓને સજા આપવામાં આવી છે.

રેલીમાં ન જનાર નેતાઓની બની હતી યાદી

સસ્પેન્ડ કરાયેલા 49 નેતાઓમાં 25 રાજ્ય સ્તરના હોદ્દેદારો અને 24 જિલ્લા સ્તરના યુથ કોંગ્રેસ પ્રમુખોનો સમાવેશ થાય છે. યૂથ કોંગ્રેસના પ્રમુખોમાં અમદાવાદ ગ્રામ્ય, બનાસકાંઠા, રાજકોટ, વડોદરા, ગાંધીનગર સહિતના નેતાઓ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રવીણસિંહ વણોલે આ બાબતની પુષ્ટિ પણ કરી છે. પ્રવીણના જણાવ્યા અનુસાર દિલ્હીની રેલી બાદ યોજાયેલી ઓનલાઇન બેઠકમાં રેલીમાં ન જનાર નેતાઓની યાદી તૈયાર થઈ હતી. હવે સસ્પેન્ડ કરાયેલા હોદ્દેદારો પાસેથી ખુલાસો માગવામાં આવશે.

દેશભરના વિવિધ રાજ્યોમાં કાર્યવાહી

નોંધનીય છે કે આ કાર્યવાહી માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી. યુથ કોંગ્રેસે દેશના 7 રાજ્યો અને યુપી સેન્ટ્રલ યુનિટ મળીને કુલ 215 હોદ્દેદારો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જેમાં મધ્ય પ્રદેશના 60, ઝારખંડના 32, પશ્ચિમ બંગાળના 26 અને તેલંગાણાના 14 હોદ્દેદારોનો સમાવેશ થાય છે. હવે જોવાનું એ રહેશે કે આ બધામાંથી કેટલા નેતાઓ ખુલાસો આપીને પક્ષમાં ટકી રહે છે.