ગૌમાંસની હેરફેર અને વેચાણના કેસમાં કયૂમ કુરેશીને 8 વર્ષની સખત કેદ: અમદાવાદ કોર્ટે 2 લાખનો દંડ પણ ફટકાર્યો

અમદાવાદની સેશન્સ કોર્ટે ગૌવંશના માંસની ગેરકાયદે હેરફેર અને વેચાણના કેસમાં કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી કયૂમ કુરેશીને 8 વર્ષની કેદની સજા ફટકારવાની સાથે 2 લાખનો દંડ પણ ફટકાર્યો છે. ગૌવંશની રક્ષાની દ્રષ્ટિએ આ ચુકાદો અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

આ ઘટના વર્ષ 2020ની છે, જ્યારે 5 મે 2020ના રોજ અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે ચંડોળા તળાવ નજીક આવેલા ફૈઝલ પાર્ક વિસ્તારમાં એક દુકાન પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દુકાનમાંથી મોટા પ્રમાણમાં ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે તપાસ હાથ ધરી ત્યારે દુકાનમાંથી આશરે 65 કિલો જેટલું માંસ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે ₹10,400 આંકવામાં આવી હતી. માંસ ઉપરાંત પોલીસે ગૌવંશના કત્લ માટે વપરાતા હથિયારો, છરીઓ, માંસ કાપવાનાં સાધનો અને વજનકાંટા પણ જપ્ત કર્યાં હતાં.

પોલીસે ઘટનાસ્થળેથી જ આરોપી કયૂમ કુરેશીને રંગેહાથ ઝડપી લીધો હતો. આ મામલે પોલીસે કયૂમ ઉપરાંત આસિફ શેખ ઉર્ફે બાદશાહ સામે પણ ગુનો નોંધ્યો હતો, જેના પર કયૂમને આ ગેરકાયદે માંસ પૂરું પાડવાનો આરોપ હતો.

પોલીસે જપ્ત કરાયેલા માંસના નમૂનાઓ તાત્કાલિક ધોરણે FSLમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. FSLના રિપોર્ટમાં સ્પષ્ટપણે સાબિત થયું કે જપ્ત કરાયેલું માંસ ગૌવંશનું જ હતું. આ વૈજ્ઞાનિક પુરાવા કેસને મજબૂત બનાવવામાં સૌથી મોટો આધાર બન્યા હતા.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કયૂમ કુરેશીને ગૌવંશનું માંસ રાખવા અને તેનું વેચાણ કરવાના ગુનામાં દોષિત ઠેરવ્યો હતો. સેશન્સ જજ એસ.આર. સાંગાણીએ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને 8 વર્ષની સખત કેદ અને 2 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આર્થિક ફાયદા માટે જાણીજોઈને કરાયેલા આવા ગુનામાં કોઈ નરમાઈ ન વર્તવી જોઈએ. આ કેસમાં કોર્ટે પુરાવાના અભાવે બીજા આરોપી આસિફ શેખ ઉર્ફે બાદશાહને નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યો હતો.