
સુપ્રીમ કોર્ટે અટકાવી દીધેલા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના (UGC) નિયમો બાબતે કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું છે કે તેની ઉપર પુનર્વિચાર કરવા માટે એક સમિતિની રચના કરવાની વિચારણા ચાલી રહી છે.
ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિગત ભેદભાવો દૂર કરવા અને સમાનતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી જાન્યુઆરી 2026માં લાવવામાં આવેલા નિયમો પર ભારે વિવાદ સર્જાયા બાદ સુપ્રીમ કોર્ટે તેની ઉપર રોક લગાવી દીધી હતી. ત્યારથી મામલો કોર્ટમાં છે.
તાજેતરમાં કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠને જાણકારી આપતાં કહ્યું કે સરકાર આ નિયમો પર ફરીથી વિચાર કરવા માટે એક સમિતિની રચના કરવા માટે વિચારી રહી છે.
સુપ્રીમ કોર્ટે પણ સરકારને જોગવાઈઓ પર ફરીથી વિચાર કરવા માટે જણાવ્યું અને કહ્યું કે તેમણે દરેક વિદ્યાર્થીનું હિત જળવાઈ રહે એ પ્રકારે નિર્ણય કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે 13 જાન્યુઆરીએ નોટિફાય કરવામાં આવેલા આ નિયમોને લઈને દેશભરમાં હોબાળો મચ્યો હતો અને જ્ઞાતિગત ભેદભાવો સંબંધિત જોગવાઈઓમાંથી માત્ર જનરલ કેટેગરીને બાદ કરી દેવામાં આવતાં વિરોધ શરૂ થઈ ગયો હતો.
વિવાદના કેન્દ્રમાં રેગ્યુલેશનની કલમ 3(1)(C) અને (e) છે, જેમાં જ્ઞાતિગત ભેદભાવોનો ઉલ્લેખ છે. આ કલમમાં એસટી, એસસી, ઓબીસી વર્ગોને સમાવવામાં આવ્યા છે. આ સિવાય પણ અમુક મુદ્દાઓ પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
આખરે મામલો સુપ્રીમ કોર્ટમાં જતાં કોર્ટે નિયમો પર રોક લગાવીને 2012ના જૂના નિયમો જ અમલમાં મૂકી દીધા હતા.
હાલ મામલો કોર્ટમાં છે. વચ્ચે પણ કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ નિયમો બાબતે પુનર્વિચાર કરી રહ્યા છે.

