Friday, April 3, 2026
More
    હોમપેજદેશસમાનતા સુનિશ્ચિત કરવા માટે લવાયા નિયમો, પણ જનરલ કાસ્ટ પ્રત્યે સ્પષ્ટ પૂર્વગ્રહ:...

    સમાનતા સુનિશ્ચિત કરવા માટે લવાયા નિયમો, પણ જનરલ કાસ્ટ પ્રત્યે સ્પષ્ટ પૂર્વગ્રહ: UGCના નવા નિયમો પર કેમ થઈ રહ્યો છે વિવાદ?

    આ નિયમોમાં ખોટી ફરિયાદો માટે કોઈ પેનલ્ટીની જોગવાઈ નથી. એટલે તેનો અર્થ એ થયો કે જે કોઈ ફરિયાદ થાય તેને પહેલેથી જ સાચી માનીને તપાસની શરૂઆત કરવામાં આવે અને જેની સામે આરોપ લાગ્યો હોય (જનરલ કાસ્ટની વ્યક્તિ) તેને પહેલેથી જ આરોપી માની લેવામાં આવે.

    - Advertisement -

    યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (UGC) 13 જાન્યુઆરીએ અમુક નવા નિયમો બાહર પાડ્યા છે, જે તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને લાગુ પડશે. શિક્ષણ સંસ્થાઓમાંથી જાતિ આધારિત ભેદભાવો દૂર કરવા માટે, સામાનતા સુનિશ્ચિત કરવા માટે લાવવામાં આવેલા આ નિયમો ભારે વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને જોવા જઈએ તો આ વિરોધ પાછળ અમુક વ્યાજબી કારણો પણ છે.

    નિયમો શું છે અને વિરોધ અને વિવાદ કેમ થઈ રહ્યા છે– જરા વિગતે ચકાસીએ.

    પહેલાં એ જાણવું રહ્યું કે આ નવા નિયમો 2012ના UGCના ફ્રેમવર્કનું અપડેટ છે. જાતિગત ભેદભાવ સંબંધિત વિષયોને લગતા કેસોની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ ગત ફેબ્રુઆરીમાં પહેલો ડ્રાફ્ટ સાર્વજનિક કરવામાં આવ્યો હતો અને લોકોના અભિપ્રાય માગવામાં આવ્યા હતા. આખરે 13 જાન્યુઆરી 2026ના દિવસે આ નિયમો નોટિફાય કરવામાં આવ્યા.

    - Advertisement -

    નિયમો પાછળનું કારણ આપતાં UGC જણાવે છે કે તેનો ઉદ્દેશ્ય ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે નબળા વર્ગો, દિવ્યાંગો વિરુદ્ધ ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થળ, જ્ઞાતિ કે દિવ્યાંગતાના આધારે થતા ભેદભાવ દૂર કરવાનો અને તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સંપૂર્ણ સમાનતા અને સમાવેશિતા સુનિશ્ચિત કરવાનો છે.

    જેના માટે UGCએ દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં ‘ઇક્વલ અપોર્ચ્યુનિટી સેન્ટર’, ‘ઇક્વિટી કમિટી’, ‘રાઉન્ડ ધ ક્લોક હેલ્પલાઈન’ અને ‘ફરિયાદ નિવારણ સિસ્ટમ’– આ બધી વ્યવસ્થા કરવા માટે જણાવ્યું છે. એટલે આ હવે માત્ર એક એડવાઇઝરી ગાઇડલાઇન રહી ગઈ નથી અને એક વ્યવસ્થિત માળખાનું સ્વરૂપ અપાયું છે, જેમાં શિક્ષણ સંસ્થાઓની ભૂમિકા અગત્યની હશે. તેમણે ફરિયાદોનું નિવારણ કરવું પડશે, આવી ઘટનાઓ પર સતત નજર રાખવાની રહેશે અને નિયમો યોગ્ય રીતે પાળવામાં આવી રહ્યા છે કે નહીં એ જોવાનું કામ પણ તેમના ભાગે આવશે.

    આ ભારેભરખમ શબ્દોમાં લખાયેલું લખાણ પહેલી નજરે સામાન્ય જ લાગે, કારણ કે ભેદભાવ કે અંગ્રેજીમાં જેને ‘ડિસ્ક્રિમિનેશન’ કહેવાય છે તેની વાત આવે ત્યારે દાયકાઓથી આપણને મોટેભાગે આવા જ શબ્દોમાં માહિતી પીરસવામાં આવતી હોય છે. પણ મૂળ સમસ્યા એ છે કે નોટિફિકેશનમાં અન્ય જાતિઓ (જનરલ કાસ્ટ) સદંતર બાકાત રહી ગઈ છે. તેનો અર્થ શું એ કાઢવો કે જનરલ કાસ્ટ ક્યારેય જાતિ આધારિત ભેદભાવનો સામનો કરતી જ નથી?

    વર્ષોથી સમાજના માનસમાં એક ખોટી અવધારણા બેસાડી કરી દેવામાં આવી છે કે જનરલ કાસ્ટની વ્યક્તિ સાથે ક્યારેય જાતિ આધારિત ભેદભાવ થતો જ નથી અને તેઓ ક્યારેય તેના પીડિત હોય શકે નહીં. બીજું, આ નિયમોમાં ખોટી ફરિયાદો માટે કોઈ પેનલ્ટીની જોગવાઈ નથી. એટલે તેનો અર્થ એ થયો કે જે કોઈ ફરિયાદ થાય તેને પહેલેથી જ સાચી માનીને તપાસની શરૂઆત કરવામાં આવે અને જેની સામે આરોપ લાગ્યો હોય (જનરલ કાસ્ટની વ્યક્તિ) તેને પહેલેથી જ આરોપી માની લેવામાં આવે.

    નિયમોમાં શું કહેવામાં આવ્યું છે?– થોડી વિગતો

    પ્રારંભમાં એ જણાવાયું છે કે આ નિયમો તમામ કેન્દ્રીય, રાજ્ય સ્તરની, ખાનગી અને ડીમ્ડ યુનિવર્સિટીમાં લાગુ પડશે. ઉપરાંત તેમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ ફેકલ્ટી, સ્ટાફ, સંસ્થાના અન્ય અધિકારીઓ બધાને આવરી લેવામાં આવે છે.

    અહીં ‘ભેદભાવ’ કોને કહેવાય એ વ્યાખ્યા આપીને સમજાવવામાં આવ્યું છે અને તેમાં બંને પ્રકાર આવરી લેવામાં આવ્યા છે. અંગ્રેજીમાં શબ્દો વપરાયા છે– ‘એક્સપ્લિસિટ’ એટલે કે સ્પષ્ટ રૂપે થતો ભેદભાવ અને ‘ઇમ્પ્લિસિટ’– ગર્ભિત રીતે કરવામાં આવતો ભેદભાવ. આમ તો આ ઇમ્પ્લિસિટ ડિસ્ક્રિમિનેશન કઈ રીતે થાય એ પણ એક પ્રશ્ન છે. પણ આગળ વધીએ તો તેના આધારોમાં આગળ જોયું તેમ ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ અને દિવ્યાંગતા, જન્મસ્થળનો સમાવેશ થયો છે. રક્ષણ આપવામાં આવ્યું છે SC, ST, OBS, EWS અને દિવ્યાંગોને.

    આ નિયમોના અમલીકરણ માટેનું માળખું પણ નિયમોમાં સમાવાયું છે. જેના ભાગરૂપે ઇક્વલ અપોર્ચ્યુનિટી સેન્ટર સ્થાપવાનાં રહેશે. જે સમાનતાને પ્રોત્સાહન આપવા માટે, કાઉન્સેલિંગ કરવા માટે, બહારની એજન્સીઓ સાથે સંકલન સાધવા, ફરિયાદ પોર્ટલની જાળવણી કરવા માટે અને સંબંધિત બીજી પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટેની નોડલ બોડી હશે.

    દરેક EOC એક ઇક્વિટી કમિટીથી સંચાલિત થશે, જેની અધ્યક્ષતા સંસ્થાના પ્રમુખ કરશે. બાકીના સભ્યોમાં ફેકલ્ટી, સ્ટાફ, વિદ્યાર્થીઓ અને સિવિલ સોસાયટીઓના પ્રતિનિધિઓ હશે. જેમાં વંચિત જૂથોને પણ ફરજિયાત પ્રતિનિધિત્વ આપવામાં આવે એવું સ્પષ્ટપણે જણાવાયું છે. આ સમિતિનું કામ હશે ભેદભાવની જે કોઈ ફરિયાદો મળે તેની તપાસ કરવી અને કાર્યવાહી માટે ભલામણ કરવી.

    માળખામાં ‘ઇક્વિટી સ્ક્વૉડ’ અને ‘ઇક્વિટી એમ્બેસેડર’ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમનું કામ કેમ્પસમાં નિયમોનું ઉલ્લંઘન ન થાય તેની દેખરેખ રાખવાનું રહેશે, સાથે એક ઇક્વિટી હેલ્પલાઈન પણ ઉપલબ્ધ કરાવાશે. ફરિયાદોની જ્યાં સુધી વાત છે, એ ઓનલાઇન, લેખિતમાં કે હેલ્પલાઈન થકી થઈ શકશે અને ફરિયાદીની વિગતો ગુપ્ત રાખવામાં આવશે. જો કોઈ ગુનાહિત એન્ગલ મળી આવે તો આગળ કાર્યવાહી માટે પોલીસને મોકલી અપાશે.

    નિયમોમાં શું ખામીઓ છે?

    નિયમોમાં ઘણી ખામીઓ છે. કાર્યવાહી કઈ રીતે કરવી, કોના થકી કરવી, કેટલા સમયમાં કરવી અને નિવારણ કઈ રીતે લાવવું– આ બધી જ બાબતો તો આવરી લેવામાં આવી, પણ અમુક સ્પષ્ટતા ઘટે છે, અમુક પ્રક્રિયાઓમાં ખામી રહી ગઈ છે, અને ઉપર કહ્યું એમ અમુક ખોટી અવધારણાઓને જાણ્યે-અજાણ્યે આગળ ધકેલવાનું કામ કરવામાં આવ્યું છે. જેમાં જનરલ કેટેગરીએ અને ખોટી ફરિયાદો માટે કોઈ કાર્યવાહીની ગેરહાજરીના કારણે અમુક કિસ્સાઓમાં નિર્દોષ વિદ્યાર્થીઓએ પણ ભોગવવાનું આવી શકે છે.

    ખોટી ફરિયાદો માટે કોઈ કાર્યવાહી નહીં

    આ નિયમોમાં જો કોઈ સૌથી અગત્યની બાબત છૂટી ગઈ હોય તો એ આ છે. ખોટી ફરિયાદો, પર્સનલ સ્કોર સેટલ કરવા માટે થતી ફરિયાદો, દ્વેષપૂર્વક કરવામાં આવેલી ફરિયાદો આવે તો શું– એનો કોઈ જવાબ નથી. માળખામાં ફરિયાદીની ગોપનીયતા જાળવી રાખવા માટે, ઝડપથી ફરિયાદોનો નિકાલ આવે તે માટે અને ફરિયાદીને પૂર્ણ રક્ષણ મળી રહે એ માટે તો જોગવાઈઓ કરવામાં આવી, પણ આ નિયમોનો દુરુપયોગ થાય તો તેનું શું?

    માત્ર એટલું જણાવવામાં આવ્યું છે કે જો કોઈ કમિટીના રિપોર્ટથી અસંતુષ્ટ હોય તો નિર્ણયના 30 દિવસમાં અપીલ કરી શકશે અને જે-તે અધિકારીએ અપીલ મળ્યાના 30 દિવસની અંદર તેનો નિકાલ લાવવાનો રહેશે.

    ખોટી ફરિયાદ કરવામાં આવી હોય કે તપાસ બાદ આરોપો ખોટા નીકળે તો દંડ વસૂલવાની કોઈ જોગવાઈ નથી. એટલે કોઈ પણ આધાર-પુરાવા વગર કોઈની વિરુદ્ધ જ્ઞાતિ આધારિત ભેદભાવની ફરિયાદ કરી દેવામાં આવે અને તપાસ બાદ કોઈ પુરાવા, તથ્યો ન મળે તો ફરિયાદ કરનાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થાય. તેનાથી જેની વિરુદ્ધ આરોપ લાગ્યા હોય તેને શૈક્ષણિક, માનસિક, અંગત જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવાનો આવે.

    એવું પણ નથી કે આવી ઘટનાઓ બની નથી. ખોટા આરોપોના કારણે લોકોએ ભોગવવું પડ્યું હોય તેવા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે.

    2024માં એક કેસ આવ્યો હતો જેમાં કોર્ટે એક જનરલ કાસ્ટની વ્યક્તિ વિરુદ્ધની કાયદાકીય કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી, અને સાથે કહ્યું હતું કે SC/ST એક્ટનો ઉપયોગ એક લેન્ડ માફિયાને બચાવવા માટે કરવામાં આવી રહ્યો હતો. અલીગઢમાં એક પરિવારને ખોટા કેસ હેઠળ ફસાવી દેવાની ધમકી આપીને ખંડણી ઉઘરાવવામાં આવી હતી. 10 વર્ષમાં SC/ST એક્ટ હેઠળ 15 ખોટા કેસ કરીને પૈસા પડાવી લેવામાં આવ્યા.

    આ અમુક કિસ્સાઓ છે, ઈન્ટરનેટ પર જઈને જોશો તો ઢગલેબંધ ઘટનાઓ/કેસો મળી જશે. અમુક કેસોમાં કોર્ટે ખોટી ફરિયાદ કરનારાઓને જેલભેગા પણ કર્યાના બનાવ પણ બન્યા છે. ઑક્ટોબર 2025માં લખનૌની SC/ST કોર્ટે એક મહિલાને SC/ST એક્ટ હેઠળ ખોટી ફરિયાદ કરવા બદલ ત્રણ વર્ષની જેલ ફટકારી હતી.

    જુલાઈ 2025માં પૂર્વ CJI બી. આર ગવઈએ એક નિવેદનમાં કહ્યું હતું કે SC/ST એક્ટને પર્સનલ સ્કોર સેટલ કરવા માટે વાપરી ન શકાય. જાન્યુઆરી 2025માં મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં SC?ST એક્ટ પરની ડિવિઝન બેન્ચ વર્કશૉપ વખતે જસ્ટિસ વિવેક અગ્રવાલે SC/ST એક્ટના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આપણને કોઈ અધિકાર મળ્યો હોય તો આપણું કામ એ સુનિશ્ચિત કરવાનું પણ છે કે કોઈ નિર્દોષ વ્યક્તિ દંડાય ન જાય. તેમણે કહ્યું હતું કે, “ઘણી વખત લોકોને ખોટી રીતે SC/ST એક્ટ હેઠળ ફસાવી દેવામાં આવે છે. આવા કેસોમાં નિર્દોષ ફસાઈ ન જાય અને દોષિતો છટકી ન જાય એ જોવાની જવાબદારી પણ તપાસ કરનારાઓની છે.”

    અગાઉ કહ્યું એમ SC/ST એક્ટ હેઠળ ખોટા કેસ કરવામાં આવ્યા હોવાની સંખ્યા ઝાઝી છે. આવા કિસ્સાઓમાં UGCના નિયમોમાં કેમ ખોટી ફરિયાદો માટે કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી નથી એ સમજાતું નથી.

    લિંગ આધારિત ભેદભાવમાં તમામ કેટેગરીનો સમાવેશ, તો જ્ઞાતિ માટે કેમ લાગુ ન પડે?

    કાયદામાં ‘ડિસ્ક્રિમિનેશન’કે ભેદભાવની વ્યાખ્યા થોડી વ્યાપક છે, જેમાં સ્પષ્ટ રીતે આચરવામાં આવેલાં કૃત્યો ઉપરાંત ગર્ભિત પૂર્વગ્રહ અને એવો વ્યવહાર પણ સામેલ છે જે માનવીય ગરિમાને નુકસાન પહોંચાડી શકે. બીજું, ભેદભાવ તમામ કેટેગરીને સમાન રીતે, તટસ્થતાથી લાગુ પડે છે.

    સરળ ભાષામાં કહીએ તો લિંગ આધારિત ભેદભાવના કાયદામાં પુરુષ, સ્ત્રી અને થર્ડ જેન્ડર તમામને આવરી લેવમાં આવ્યાં છે. એટલે તેમાં કોઈ એક જૂથને ડી ફેક્ટો ગુનેગાર ગણાવી દેવામાં આવતું નથી. સ્ત્રી પણ લિંગ આધારિત ભેદભાવનો સામનો કરી શકે, પુરુષ પણ અને થર્ડ જેન્ડર પણ. એટલે એવું નથી કે લિંગ આધારિત ભેદભાવ માત્ર સ્ત્રીઓ સાથે જ થાય અને તેમાં ગુનેગાર માત્ર પુરુષ જ હોય. કાયદો પણ એવું કહેતો નથી.

    પણ જાતિગત ભેદભાવની વાત આવે ત્યારે આપણે તેને જુદી રીતે જોતા થઈ જઈએ છીએ. ઉદાહરણ આ UGC નિયમો છે. જેમાં જ્ઞાતિ આધારિત ભેદભાવને માત્ર અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગો સાથે થતા ડિસ્ક્રિમિનેશન પૂરતો સીમિત કરી દેવાયો છે. અહીં મૂળભૂત રીતે જ એ બાબત સ્વીકારવાથી અંતર બનાવી લેવાય છે કે જાતિગત ભેદભાવનો ભોગ આ કેટેગરીની બહાર પણ કોઈ બની શકે છે.

    કહેવાની વાત માત્ર એટલી છે કે નિયમોમાં જો જો સ્ત્રી અને પુરુષ બંને લિંગ આધારિત ભેદભાવનાં શિકાર થઈ શકે એવું સ્વીકારી શકાતું હોય તો આ મુદ્દો જ્ઞાતિ આધારિત ભેદભાવની વાત આવે ત્યારે લાગુ કેમ પડતો નથી? કેમ એમ ન કહી શકાય કે કોઈ પણ જાતિમાંથી આવતી વ્યક્તિ ભેદભાવનો શિકાર બની શકે છે? પણ આ નિયમો પ્રમાણે પીડિત વ્યક્તિ જો અમુક કેટેગરીમાંથી આવતી ન હોય તો તે ક્યારેય ભેદભાવનો શિકાર ન બની શકે, પરંતુ સામાજિક સ્તરે, જમીની સ્તરે હકીકત તદ્દન જુદી છે. હવે આ કિસ્સામાં નિયમો સમાનતા ક્યાંથી સુનિશ્ચિત કરી શકે?

    સંસ્થાઓને બધી સત્તા, પ્રારંભિક તબક્કે બહારની ઓથોરિટીના હસ્તક્ષેપનો અભાવ

    અહીં જે માળખું તૈયાર કરવામાં આવ્યું છે તેમાં મોટેભાગની સત્તા સંસ્થાઓને જ આપી દેવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ એક ઇક્વિટી કમિટીની રચના કરે, જે ફરિયાદો પર તપાસ કરે, તે જ પગલાં લેવા માટે ભલામણ કરે.

    બહારની ઓથોરિટીનો પ્રવેશ ત્યારે જ થાય જ્યારે મામલો અપીલના સ્તરે જાય. જ્યારે UGC દ્વારા નીમાયેલા અધિકારી અપીલ સાંભળે. પણ ત્યાં સુધીમાં ઘણું બધું બની ચૂક્યું હોય છે. ખરેખર તો પ્રારંભિક તબક્કે જ સંસ્થા કરતાં બહારના કોઈ સભ્યની દરમિયાનગીરી હોવી જોઈએ, જેથી નિષ્પક્ષતા અને પારદર્શિતા જળવાય રહે.

    ઇક્વલ અપોર્ચ્યુનિટી સેન્ટરમાં NGO અને સિવિલ સોસાયટી સભ્યોનો પ્રવેશ

    નિયમોમાં કહેવામાં આવ્યું છે કે દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થાએ વંચિત જૂથો માટે અમલમાં મૂકવામાં આવેલી નીતિઓ અને કાર્યક્રમોનું અસરકારકતાથી અમલીકરણ થાય છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે ‘ઇક્વલ અપોર્ચ્યુનિટી સેન્ટર’ સ્થાપવાનું રહેશે. જો કોલેજમાં આ સેન્ટર સ્થાપવા માટે ઓછામાં ઓછા પાંચ ફેકલ્ટી સભ્યો ન હોય તો તે કોલેજના સેન્ટરના ભાગનું કામ તે કોલેજ જે યુનિવર્સિટી સાથે સંલગ્ન હોય તેનું સેન્ટર કરશે.

    આ માટે, નિયમો કહે છે કે, EOCની સ્થાપના સિવિલ સોસાયટી, સ્થાનિક મીડિયા, પોલીસ, જિલ્લા તંત્ર અને ફિલ્ડમાં કામ કરતાં બિનસરકારી સંગઠનો (NGO), ફેકલ્ટી, સ્ટાફ અને વાલીઓ સાથે મળીને કરવાની રહેશે.

    આમાં તથાકથિત સિવિલ સોસાયટી અને NGOને સામેલ કરવું અવળું પડી શકે, કારણ કે આપણે ત્યાં આવાં મોટાભાગનાં NGOનો ઝુકાવ કઈ તરફ હોય એ જગજાહેર છે. હિંદુ સમાજ સાથે આવાઓને બાપે માર્યા વેર છે એ અલગથી કહેવાનું ન હોય. આ નવા નિયમો હેઠળ જમાત-એ-ઇસ્લામી જેવાં કે ખાલિસ્તાન કે હિંદુવિરોધી તત્ત્વો દ્વારા જેને સતત પ્રોત્સાહન આપવામાં આવે છે તેવાં સંગઠનોને પણ યુનિવર્સિટીઓનાં આ સેન્ટરોમાં ઘૂસવા માટે લાયસન્સ મળી જશે. આવાઓ ત્યાં ઘૂસીને શું ઉત્પાત મચાવશે એ આપણે જાણીએ છીએ.

    તપાસ, પુરાવાઓ– અનેક બાબતે સ્પષ્ટતાનો અભાવ

    આ નિયમોમાં તપાસ કઈ રીતે કરવી, કેસ સાબિત કઈ રીતે કરવો તેની ઘણી સ્પષ્ટતા ખૂટે છે. કેવા સ્તરના પુરાવાઓ જોઈએ, કોણે દાવો સાબિત કરવાનો રહે, નિવેદનોને, જુબાનીઓને કેટલું મહત્ત્વ આપવું, દસ્તાવેજોને, ઈનડાયરેક્ટ એવિડન્સને કેટલું વજન આપવું– આ બધું પણ જણાવાયું નથી.

    આ કિસ્સામાં તપાસ માત્ર તથ્યો પર આધારિત રહેવાના સ્થાને વાતો પર અને પર્સેપ્શન પર આધારિત થઈ જવાનો ભય રહે. નિર્ણય અર્થઘટન પર વધારે આધારિત રહે, જે ન્યાયિક રીતે જોવા જઈએ તો આધારભૂત પુરાવાઓ પર નિર્ભર રહેવો જોઈએ. જેનાથી જુદી-જુદી સંસ્થાઓમાં જુદા-જુદા નિષ્કર્ષો અને નિર્ણયો આવી શકે.

    કાયદાશાસ્ત્રનો એક જાણીતો શબ્દ છે– બર્ડન ઑફ પ્રૂફ. એટલે દાવો કે આરોપ સાબિત કરવાની જવાબદારી. જ્યારે પહેલેથી જ એક જૂથને (જનરલ કાસ્ટ) દોષી માની લેવામાં આવ્યું હોય તો બર્ડન ઑફ પ્રૂફ પણ તેની ઉપર જ જતું રહે. આ કિસ્સામાં જેણે ફરિયાદ કરી હોય તેણે કશું સાબિત કરવાનું રહે જ નહીં અને જેની ઉપર આરોપ લાગ્યો હોય તેણે નિર્દોષતા સાબિત કરવી પડે. આ અત્યંત કઠિન કામ છે.

    તેનાં બે કારણો છે.

    1) કશુંક થયું છે તે સાબિત કરવું સરળ કામ છે. પણ કશુંક નથી બન્યું એ સાબિત કરવું અત્યંત કઠિન છે.

    2) જે-તે વ્યક્તિને પહેલેથી જ દોષી માની લેવામાં આવી હોય છે.

    ઝડપી કાર્યવાહી પર ભાર, પણ જટિલ કેસો ઉકેલવા માટે સમય લાગે છે

    નિયમોમાં ઝડપી કાર્યવાહી પર ભાર મૂકવામાં આવ્યો છે. પણ વાસ્તવિકતા એ પણ છે કે આવા ગંભીર આરોપો ધરાવતા, બે વ્યક્તિઓ વચ્ચેના વિવાદના કે સંવેદનશીલતા ધરાવતા કેસો જટિલ હોય છે અને તેની વિગતવાર તપાસ કરીને ન્યાય તોળવામાં સમય લાગી શકે છે.

    આ નિયમો અનુસાર ફરિયાદ મળ્યાના 24 કલાકમાં કમિટીએ બેઠક કરવાની રહેશે. 15 દિવસમાં રિપોર્ટ જમા કરવાનો રહેશે અને 7 દિવસમાં આગળની કાર્યવાહી શરૂ કરી દેવાની રહેશે.

    આ કિસ્સામાં સંસ્થાઓ કેસોનો યોગ્ય રીતે, ખાસ તો ન્યાયિક રીતે નિકાલ કરવાના સ્થાને માત્ર નિયમપાલન થાય છે એ દર્શાવવા માટે કામ કરતી થઈ જશે. જેનાં વિપરીત પરિણામો લાંબા ગાળે આવી શકે છે.

    ટૂંકમાં કહીએ તો નિયમોમાં SC/ST/OBC વર્ગોને પૂરતું રક્ષણ આપવામાં આવ્યું છે, પણ જનરલ કેટેગરીને આ બાબતમાંથી બાકાત કરી દેવાઈ છે. બીજું, ખોટી ફરિયાદો માટે કોઈ સ્પષ્ટ સજા પણ નથી, પુરાવાઓ કેવા હોવા જોઈએ, શું હોવા જોઈએ અને તપાસ કરી રીતે કરવી એ પણ જણાવાયું નથી. પ્રારંભિક તબક્કામાં નિષ્પક્ષ ચકાસણીનો પણ અભાવ છે.

    તમામ જૂથોને એક જ ત્રાજવે તોળવામાં આવ્યાં હોત કે ખોટી ફરિયાદો માટે સજાની જોગવાઈ હોત, તમામ માટે એક સરખી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોત કે પુરાવાઓ અને તપાસ પર વધુ સ્પષ્ટતા આપવામાં આવી હોત તો હેતું વધુ સારી રીતે સિદ્ધ થઈ શક્યો હોત. જે રીતે લિંગ આધારિત કાયદાઓમાં કોઈ જૂથને બાય ડિફોલ્ટ ગુનેગાર ધારી લેવાતું નથી, આ નિયમોમાં પણ એ વલણ દાખવવાની જરૂર છે.

    કોંગ્રેસનું કોમ્યુનલ વાયોલન્સ બિલ અને UGCના નિયમો: અનેક સમાનતાઓ

    સોશિયલ મીડિયા પર આ નિયમોને કોંગ્રેસ સરકારના કોમ્યુનલ વાયોલન્સ બિલ સસ્થો સરખાવવામાં આવી રહ્યા છે.

    વાસ્તવમાં એક દાયકા પહેલાં કોંગ્રેસ સરકાર જ્યારે સત્તામાં હતી ત્યારે એક કાયદો બનાવવા માંગતી હતી.

    2011માં આવેલા આ બિલના ડ્રાફ્ટમાં એવી બાબતો લખાઈ હતી કે જો અમલમાં આવ્યું હોત તો ભારતના ઇતિહાસના સૌથી ભયાનક કાયદાનું સ્વરૂપ લઈ લીધું હોત. આ બિલ કહેતું હતું કે માત્ર ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ અને ST/SC સમુદાયના સભ્યો જ સાંપ્રદાયિક હિંસાનો ભોગ બની શકે છે. અરુણ જેટલીએ પછીથી કહ્યું હતું કે આ બિલ એક રીતે ‘એન્ટી મેજોરિટી’ હતું, જેમાં ધારી લેવાયું હતું કે સાંપ્રદાયિક હિંસા થાય તો તેના માટે કાયમ બહુમતી જ જવાબદાર હોય છે.  

    આ બધાં કારણોસર UGCના નિયમો વિવાદમાં છે. મૂળ તો સમાનતા સુનિશ્ચિત કરવા માટે લાવવામાં આવેલા નિયમોમાં જ ઘણી ખામીઓ છે, જેનાથી બીજું કંઈ પણ થાય પણ સમાનતા સુનિશ્ચિત થઈ શકે નહીં. થોડા વધુ સમાવેશી, સ્પષ્ટ નિયમોની જરૂર છે. UGC આગળ શું કરે છે એ જોવું રહ્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં