
તાજા સમાચાર એવા છે કે આમ આદમી પાર્ટીએ (AAP) રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી રાઘવ ચઢ્ઢાને તગેડી મૂક્યા છે અને રાતોરાત તેમના સ્થાને અશોક મિત્તલનું નામ મોકલી આપ્યું છે. પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને કહ્યું છે કે ગૃહમાં વિષયો પર બોલવા માટે પાર્ટીને જે સમય ફાળવવામાં આવે તેમાં રાઘવની ગણતરી કરવામાં ન આવે.
AAP Sources: Aam Aadmi Party has informed the Rajya Sabha Secretariat that MP Raghav Chadha should not be allotted time to speak in Parliament. Further, the Aam Aadmi Party has submitted a letter to Rajya Sabha Secretariat to appoint MP Ashok Mittal as Deputy Leader of the party… pic.twitter.com/DquyHSze5P
— Press Trust of India (@PTI_News) April 2, 2026
આમ આદમી પાર્ટી કે રાઘવ ચઢ્ઢા બંનેમાંથી કોઈ પક્ષે આ મુદ્દે હજુ મગનું નામ મરી પાડ્યું નથી. પણ રાજકારણ જાણનારા અને નજીકથી જોનારાઓ જાણે છે કે આ પગલું સદંતર આશ્ચર્યજનક નથી અને વહેલું-મોડું આ થવાનું જ હતું. કારણ બહુ સ્પષ્ટ હતું– રાઘવ ચઢ્ઢા છેલ્લા થોડા સમયથી પીઆર અને જાહેરાતોની બાબતમાં પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ કરતાં પણ બે પગથિયાં ઉપર ચડી ગયા હતા અને AAPમાં કેજરીવાલ સિવાય બીજા કોઈ ધ્યાન ખેંચે કે ફૂટેજ લઈ જાય એ તો કઈ રીતે પોસાય?
કેજરીવાલ અન્ય પાર્ટીઓ પર આરોપો લગાવતા રહે છે. તેમની રાજકીય કારકિર્દી જ અન્ય પાર્ટીઓ પર જાતજાતના આરોપો લગાવીને (જેમાંથી મોટાભાગના તેઓ પછીથી સાબિત કરી શક્યા નહીં અને અમુકમાં તો લેખિતમાં માફી માગવી પડી હતી) શરૂ થઈ હતી. પરંતુ હકીકત એ છે કે તેમણે જે આમ આદમી પાર્ટી નામનું ઝુંડ બનાવ્યું છે તેમાં ઇન્ટરનલ ડેમોક્રેસી નામે કશું નથી.
આ વાતની સૌથી મોટી સાબિતી જ એ છે કે AAP બની ત્યારથી લઈને આજ સુધી તેના રાષ્ટ્રીય સંયોજક પદે કેજરીવાલ સિવાય બીજું કોઈ આવ્યું નથી. દર થોડાં-થોડાં વર્ષે આમ આદમી પાર્ટીની બેઠક મળે છે અને ઔપચારિકતા પૂર્ણ કરીને અરવિંદ કેજરીવાલનું નામ જ આગળ કરી દેવાય છે. આ બાબતમાં તો કોંગ્રેસ પણ હવે સુધરી ગઈ છે અને દેખાડવા પૂરતું તો દેખાડવા પૂરતું પૂરતું પણ ચૂંટણી કરીને મલ્લિકાર્જુન ખડગેને બેસાડવાનું નાટક પણ કર્યું હતું. એ વાત અલગ છે કે ખડગે ગાંધી પરિવારને પૂછ્યા વગર પાણી પણ પીતા નથી!
આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ જ કેન્દ્રસ્થાને રહ્યા છે. AAPનું રાજકારણ કેજરીવાલને કેન્દ્રમાં રાખીને ચાલે છે. ચૂંટણીમાં પણ કેજરીવાલ જ ચહેરો રહે છે. બાકીનાએ માત્ર તેમની અને પાર્ટીની છબી ચમકાવવા માટે મહેનત કરવાની રહે છે. જો કોઈ બીજું કેજરીવાલનું સ્થાન લેવા કે તેની નજીક જવાના પ્રયાસ કરે તો તેની સાથે શું થાય છે? જેવું રાઘવ સાથે થયું છે.
રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીમાંથી રાજ્યસભામાં સાંસદ છે. પરંતુ છેલ્લા થોડા સમયથી તેઓ પાર્ટીલાઇનથી થોડા દૂર જઈને ચાલતા જોવા મળ્યા. રાઘવે રાજ્યસભામાં એવા મુદ્દાઓ ઉઠાવવાના શરૂ કર્યા જે સામાન્ય નાગરિકોને લગતા હોય કે જે પહેલી નજરે સામાન્ય લાગે પણ બહુ મોટા વર્ગને અસર કરતા હોય.
આમાં જોકે રાઘવને ખરેખર કામ કરવામાં કે જમીન પર કોઈ ફેરફાર લાવવામાં રસ હોય એવું માનવાની ભૂલ કરવા જેવી નથી. કોઈ સમસ્યા માત્ર જાણવી, તેનો પ્રચાર-પ્રસાર કરવો એક વાત છે અને તેના સમાધાન માટે નક્કર પ્રયાસો કરવા એ બીજી. રાઘવને માત્ર પહેલામાં જ રસ છે.
રાઘવે છેલ્લા થોડા સમયથી રાજ્યસભાનો ઈન્ટરનેટ જેવો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું. દર થોડા-થોડા દિવસે તેઓ આવે છે અને એક નવા મુદ્દે પોસ્ટ કરતા હોય એમ રાજ્યસભામાં મુદ્દો ઉઠાવી દે છે. તેમના પીઆર માટે તૈયાર બેઠેલી એજન્સીઓ પછીથી કામે લાગી જાય અને સોશિયલ મીડિયા અને ખાસ તો ઇન્સ્ટાગ્રામ (કારણ કે ત્યાં યુવાનો, જેન-ઝી વધારે છે) પર પોસ્ટોનો મારો ચલાવવામાં આવે છે. રાઘવને સામાન્ય માણસ માટે લડતા સાંસદ તરીકે દેખાડવામાં આવે છે.
બીજા દિવસે બીજો મુદ્દો. પહેલા મુદ્દાનું શું થયું તેનું કશું નહીં. ન કોઈ અપડેટ લેવામાં રસ. મુદ્દો પૂરો થયો, રીલ બની ગઈ, વાહવાહી થઈ ગઈ એટલે આગળ વધી જવાનું. આવું રાઘવે ચાલુ કર્યું હતું. એમાં અમુકને લાગવા માંડ્યું હતું કે આ એકમાત્ર સાંસદ તેમના માટે લડી રહ્યો છે. વાસ્તવમાં તેણે ઊઠાં ભણાવવાની સરસ ટ્રિક શોધી કાઢી હતી.
બીજું, અમુક કિસ્સાઓમાં એવું પણ થયું કે મીડિયા રિપોર્ટ્સના આધારે અમુક મુદ્દા પર સરકાર કોઈ કાર્યવાહી કરવાની હોય તે પહેલાં આ ભાઈ રાજ્યસભામાં જઈને મુદ્દો ઉઠાવી દેતા હતા. થોડા દિવસ બાદ સરકાર ઔપચારિક રીતે નિર્ણય જાહેર કરે ત્યારે તેમના ચેલાચપાટાઓ જાહેર કરતા કે આ રાઘવના કારણે થયું છે. આ પણ એક બહુ સરસ ટ્રિક છે.
સામાન્ય પ્રજાને આ સમજતાં વાર લાગી પણ અરવિંદ કેજરીવાલ અને તેમની ટોળકી આ બધું કરીને જ ઉપર આવી છે, એટલે તેમને ખબર હતી કે આ બધું કરીને રાઘવ ચઢ્ઢા લોકપ્રિય બનવા માટે મથામણ કરી રહ્યા છે. યુવાનોમાં અને જેન-ઝીમાં થોડું પોઝિટિવ પીઆર પણ થવા માંડ્યું હતું. કેજરીવાલ કરતાં પણ રાઘવ વધારે ફૂટેજ ખાઈ જાય એ પોસાય એમ ન હતું. એટલે રાઘવની પદ પરથી હકાલપટ્ટી થવાની જ હતી. વાત માત્ર સમયની હતી.
રાઘવ ચઢ્ઢાએ પાર્ટીથી અલગ જઈને પોતાની એક અલગ ઓળખ ઊભી કરવા માટે મહેનત શરૂ કરી હતી. ઘણા મુદ્દાઓમાં પાર્ટી બહુ હોબાળો મચાવતી ત્યાં પણ આ ભાઈ ચૂપચાપ રહેતા હતા અને બીજા જ મુદ્દાઓ પર ધ્યાન આપતા રહેતા હતા, જેનાથી અંગત છબી ચમકાવી શકાય. આ બધું શીર્ષ નેતૃત્વમાં અને ખાસ તો કેજરીવાલમાં અસુરક્ષા પેદા કરતું હતું.
કેજરીવાલે જે માળખા પર પાર્ટી ટકાવી છે ત્યાં આ પ્રકારની અસુરક્ષા થવી સ્વાભાવિક પણ છે. ભવિષ્યમાં પણ કોઈ આવું કરવા ગયું તો તેની સાથે આ જ થશે. ભૂતકાળમાં પણ એ જ થયું છે.


