ઈ.સ. 1751.
પુરીના શ્રીમંદિરના શિખર પર ફરકતી પતાકા કદાચ એ દિવસે પહેલાં કરતાં થોડી વધુ ઊંચી લાગતી હશે. સૂર્ય એ જ હતો, સમુદ્રનાં મોજાં પણ એ જ રીતે ગર્જી રહ્યાં હતાં અને શ્રીજગન્નાથ, બળભદ્ર તથા સુભદ્રા પણ એ જ ગર્ભગૃહમાં બિરાજમાન હતાં. છતાં કંઈક બદલાઈ ગયું હતું. કદાચ ચાર સદીઓ પછી પહેલી વાર શ્રીક્ષેત્રે રાહતનો શ્વાસ લીધો હતો. મંદિરની દીવાલોએ જાણે એકબીજાને કહ્યું હશે કે હવે ભગવાનને ફરી રાતના અંધકારમાં જંગલો તરફ લઈ જવાની જરૂર નહીં પડે. હવે દૈતા સેવકોને આક્રમણકારોના ઘોડાઓની ટાપ સાંભળીને ગર્ભગૃહના દ્વાર ઉતાવળમાં બંધ કરવા નહીં પડે. હવે શ્રીજગન્નાથ ફરી પોતાના ધામમાં નિર્ભયતાથી બિરાજી શકશે.
આ માત્ર શાસન બદલાવાની ઘટના નહોતી. આ ચાર સદીઓ સુધી ઘવાયેલા એક તીર્થના પુનર્જન્મની શરૂઆત હતી.
આપણે અગાઉના લેખમાં જોયું કે કેવી રીતે ઇલિયાસ શાહથી શરૂ થયેલી ઇસ્લામી આક્રમણોની લાંબી શ્રેણીએ શ્રીજગન્નાથ ધામને વારંવાર નિશાન બનાવ્યું. કલાપાહાડે વિગ્રહોને બાળી નાખવાનો પ્રયાસ કર્યો. મુઘલ સૂબેદારોએ મંદિર લૂંટ્યું. ઔરંગઝેબના સમયમાં પણ શ્રીમંદિર સુરક્ષિત રહ્યું નહોતું. દૈતા સેવકોને વારંવાર ભગવાનના વિગ્રહોને ચિલિકા, કપિલેશ્વર, ગોપાલ મંદિર, કોડાલા અને અન્ય ગુપ્ત સ્થળોએ લઈ જવા પડ્યા. સદીઓ સુધી શ્રીજગન્નાથની સૌથી મોટી સેવા કદાચ પૂજા નહોતી, પરંતુ ભગવાનને બચાવવાની હતી. દરેક આક્રમણ પછી મંદિર ફરી ઊભું થતું, પરંતુ લોકોના મનમાં એક જ પ્રશ્ન જીવંત રહેતો કે આગલું આક્રમણ ક્યારે આવશે?
પછી ઇતિહાસે એક એવી કરવટ લીધી, જેણે માત્ર ઓડિશાનું રાજકીય ભવિષ્ય જ નહીં, પરંતુ શ્રીજગન્નાથ ધામનું ભાગ્ય પણ બદલી નાખ્યું. અઢારમી સદીના મધ્ય સુધી મુઘલ સામ્રાજ્યનું તેજ ઝાંખું પડી ચૂક્યું હતું. દિલ્હીના સિંહાસન પર બેઠેલા બાદશાહનું નામ ભલે મોટું હતું, પરંતુ તેની સત્તા સતત સીમિત થઈ રહી હતી. બીજી તરફ દક્ષિણમાં એક નવી હિંદુ શક્તિ ઊભી થઈ રહી હતી. એ શક્તિએ માત્ર પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાનું જ નક્કી કર્યું નહોતું, પરંતુ જ્યાં-જ્યાં સનાતન પરંપરા ઘવાઈ હતી, ત્યાં ફરી હિંદુ રાજાશ્રય સ્થાપિત કરવાનો સંકલ્પ પણ દર્શાવ્યો હતો. આ શક્તિ હતી મરાઠા સામ્રાજ્ય.
નાગપુરના ભોંસલે વંશના શાસક રઘુજી ભોંસલે માત્ર એક વિજેતા રાજા નહોતા. પૂર્વ ભારત તરફ તેમનું અભિયાન માત્ર રાજકીય વિસ્તાર પૂરતું મર્યાદિત નહોતું. ઓડિશા તેમના માટે એક સામાન્ય પ્રદેશ નહોતો, કારણ કે અહીં શ્રીજગન્નાથ બિરાજમાન હતા. ભારતના વિવિધ હિંદુ રાજવંશો માટે જેમ કાશી, સોમનાથ, રામેશ્વરમ કે તિરુપતિનું આધ્યાત્મિક મહત્ત્વ હતું, તેમ જ પુરીનું શ્રીજગન્નાથ ધામ પણ સમગ્ર સનાતન વિશ્વનું એક કેન્દ્ર હતું. ચાર સદીઓ સુધી આક્રમણોનો ભોગ બનેલા આ ધામને ફરી સુરક્ષા અને રાજાશ્રય આપવો એ માત્ર શાસકીય જવાબદારી નહોતી, તે ધાર્મિક અને સાંસ્કૃતિક કર્તવ્ય પણ હતું.
લગભગ દસ વર્ષ સુધી ચાલેલાં મરાઠા અભિયાનો પછી આખરે ઈ.સ. 1751માં બંગાળના નવાબ અલિવરદી ખાન અને રઘુજી ભોંસલે વચ્ચે સંધિ થઈ. આ સંધિ પછી ઓડિશા પર મરાઠા પ્રભુત્વ સ્થાપિત થયું. ઇતિહાસની ભાષામાં આ માત્ર એક રાજકીય કરાર હતો. પરંતુ શ્રીજગન્નાથ ધામ માટે તેનો અર્થ ઘણો મોટો હતો. સદીઓથી ચાલતું મુસ્લિમ શાસન સમાપ્ત થયું હતું. શ્રીમંદિર ફરી એકવાર એવા હિંદુ શાસકોના સંરક્ષણ હેઠળ આવ્યું, જેઓ ભગવાન જગન્નાથને માત્ર એક સમૃદ્ધ મંદિરના દેવ તરીકે નહીં, પરંતુ પોતાના આરાધ્ય તરીકે જોતા હતા.
કદાચ એ દિવસની સવાર પુરી માટે સામાન્ય નહોતી. જાણે ઇતિહાસ પોતે જ શ્રીક્ષેત્રના દ્વારે ઊભો રહીને કહી રહ્યો હોય કે હવે યુગ બદલાઈ ગયો છે. સદીઓ સુધી જે દૈતા સેવકો આક્રમણના સમાચાર સાંભળતાં જ ભગવાનને લઈને જંગલોમાં નીકળી પડતા હતા, તેઓ માટે પણ આ પરિવર્તન અસાધારણ હતું. વર્ષો સુધી તેમની સ્મૃતિમાં એક જ ક્રમ અંકિત થઈ ગયો હતો કે સમાચાર આવશે, ભગવાનને બહાર લઈ જવાના, જંગલમાં પહોંચાડવાના, સેવા ચાલુ રાખવાની અને સંકટ ટળે પછી ફરી શ્રીમંદિરમાં પાછા ફરવાના. હવે પહેલી વાર તેમને લાગ્યું હશે કે કદાચ આ ચક્ર પૂર્ણ થયું છે.
પરંતુ મરાઠાઓ અહીં માત્ર શાસન કરવા આવ્યા નહોતા. તેઓ શ્રીજગન્નાથ ધામને ફરી જીવંત કરવા આવ્યા હતા અને એ પુનરુત્થાન માત્ર મંદિરની દીવાલો સુધી મર્યાદિત રહેવાનું નહોતું. તે મંદિરની અર્થવ્યવસ્થા, તેની સેવાપદ્ધતિ, યાત્રાળુઓની સુવિધા, ભોગવ્યવસ્થા, તહેવારો અને આખા શ્રીક્ષેત્રના જીવનમાં દેખાવાનું હતું. સદીઓ સુધી શ્રીજગન્નાથ ધામનો ઇતિહાસ મુખ્યત્વે એક જ વાક્યમાં સમાઈ ગયો હતો કે ભગવાનને બચાવો.
હવે એ જ ઇતિહાસમાં એક નવું વાક્ય ઉમેરાવાનું હતું કે હવે ભગવાનના ગૌરવને ફરી સ્થાપિત કરો.
મરાઠા સામ્રાજ્ય અને બદલાતું પુરી
મરાઠાઓએ ઓડિશા પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું એ દિવસથી શ્રીજગન્નાથ ધામનું ભાગ્ય બદલાવા લાગ્યું. પરંતુ આ પરિવર્તન કોઈ એક આદેશ કે એક દિવસમાં દેખાઈ ગયું નહોતું. સદીઓ સુધી ઘવાયેલા એક તીર્થને ફરી જીવંત કરવામાં સમય લાગવાનો જ હતો. મરાઠાઓએ પણ એ જ કર્યું. તેમણે મંદિરને માત્ર સુરક્ષા આપીને પોતાની ફરજ પૂરી થઈ ગઈ એવું માન્યું નહીં. તેઓ સમજી રહ્યા હતા કે જે ધામે ચાર સદીઓ સુધી આક્રમણો સહન કર્યાં છે તેનું પુનરુત્થાન માત્ર તલવારથી નહીં, પરંતુ સેવા, સંરક્ષણ અને રાજાશ્રયથી થશે. એટલે જ શ્રીજગન્નાથ મંદિર ફરી એકવાર રાજ્યની પ્રાથમિકતાઓમાં આવ્યું. જે મંદિર થોડાં વર્ષો પહેલાં સુધી ઇસ્લામી આક્રાંતાઓની નજરમાં સંપત્તિ અને મૂર્તિભંજનનું કેન્દ્ર હતું, એ જ મંદિર હવે હિંદુ રાજસત્તાના ગૌરવનું પ્રતીક બનવા લાગ્યું.
સૌથી પહેલાં ધ્યાન મંદિરની આર્થિક સ્થિતિ પર આપવામાં આવ્યું. સતત યુદ્ધો, લૂંટફાટ અને રાજકીય અસ્થિરતાએ મંદિરની આવકને ગંભીર અસર પહોંચાડી હતી. નિત્યપૂજા, મહાપ્રસાદ, સેવકોનું જીવન અને ઉત્સવોની ભવ્યતા જાળવી રાખવા માટે સ્થિર આવક જરૂરી હતી. આ જરૂરિયાતને સમજીને મરાઠાઓએ મંદિરને જમીનો અને આવકના કાયમી સ્ત્રોતો આપ્યા. સૌથી વધુ ઉલ્લેખ ‘સાતાઇસ હજારી મહાલ’નો મળે છે. આ માત્ર વહીવટી વ્યવસ્થા નહોતી, શ્રીજગન્નાથના નિત્ય જીવનને ફરી મજબૂત પાયો આપવાનો પ્રયાસ હતો. આ જમીનોમાંથી થતી આવક મંદિરની વિવિધ સેવાઓ, ભોગ, ઉત્સવો અને દૈનિક ખર્ચ માટે વાપરવામાં આવતી. જાણે મરાઠાઓ કહી રહ્યા હોય કે ભગવાનને હવે માત્ર બચાવવાના નથી, તેમને ફરી એ જ વૈભવ સાથે પૂજવાના છે, જે સદીઓ પહેલાં હતું.
આર્થિક વ્યવસ્થા મજબૂત થતાં જ શ્રીમંદિરની દૈનિક પરંપરાઓમાં પણ નવી ઉર્જા દેખાવા લાગી. મહાપ્રસાદની રસોઈ ફરી ધમધમવા લાગી. સેવાપદ્ધતિઓ વધુ નિયમિત બની. વર્ષોથી ભયના કારણે જે બાબતોમાં અનિશ્ચિતતા આવી ગઈ હતી, તેમાં ફરી સ્થિરતા આવી. શ્રીજગન્નાથની સેવા હવે માત્ર પરંપરા જાળવવા માટે નહોતી થઈ રહી, તે ગૌરવ સાથે થઈ રહી હતી. મરાઠા શાસકો માટે ભગવાન જગન્નાથ માત્ર ઓડિશાના દેવ નહોતા. તેઓ સમગ્ર હિંદુ સમાજની આસ્થાના કેન્દ્ર હતા. એટલા માટે મંદિરના સંચાલનમાં પણ તેમણે એવો અભિગમ અપનાવ્યો, જેમાં સેવા અને સંરક્ષણ બંનેને સમાન મહત્ત્વ મળ્યું.
પરંતુ શ્રીજગન્નાથ ધામનું પુનરુત્થાન માત્ર મંદિરની અંદર પૂરતું મર્યાદિત નહોતું. તેની અસર શ્રીક્ષેત્રના દરેક રસ્તા પર દેખાવા લાગી. સદીઓ સુધી આક્રમણોના ભય વચ્ચે યાત્રા કરનાર ભક્તો માટે હવે વાતાવરણ બદલાઈ ગયું હતું. ઉત્તરથી, પશ્ચિમથી, દક્ષિણથી અને મધ્ય ભારતમાંથી ફરી યાત્રાળુઓ નિર્ભયતાથી પુરી આવવા લાગ્યા. જે માર્ગો ક્યારેક સૈન્યની હિલચાલ માટે જાણીતા હતા, એ જ માર્ગો હવે ‘જય જગન્નાથ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યા. શ્રીક્ષેત્ર ફરી એકવાર માત્ર ઓડિશાનું નહીં સમગ્ર ભારતનું તીર્થ બની રહ્યું હતું.
અને પછી આવી એ ક્ષણ, જે કદાચ આ આખી ગાથાનું સૌથી પ્રતીકાત્મક દૃશ્ય છે. સદીઓ સુધી દૈતા સેવકો ભગવાનને રાતના અંધકારમાં શ્રીમંદિરમાંથી બહાર લઈ જતા હતા. દરેક વખતે ભય એ જ રહેતો કે જો આક્રાંતાઓ પહોંચી જશે તો શું થશે? પરંતુ હવે દૃશ્ય સંપૂર્ણ બદલાઈ ગયું હતું. રથયાત્રાની તૈયારીઓ ખુલ્લેઆમ થવા લાગી. ભવ્ય રથો ફરી બનાવવામાં આવ્યા. લાખો ભક્તો ફરી રસ્તાઓ પર ઉમટી પડ્યા. ભગવાન જગન્નાથ ફરી જાહેરમાં પોતાના ભક્તો વચ્ચે નીકળ્યા.
જાણે ઇતિહાસ પોતે જ એક ઘોષણા કરી રહ્યો હોય કે સદીઓ સુધી તમને ભગવાનને છુપાવવા મજબૂર કર્યા હતા. હવે તેઓ ફરી પોતાના ભક્તો વચ્ચે ખુલ્લા આકાશ નીચે નીકળશે. રથયાત્રા હવે માત્ર ધાર્મિક ઉત્સવ રહી નહોતી. તે પુનરુત્થાનનું પ્રતીક બની ગઈ હતી. દરેક વર્ષ નીકળતો રથ જાણે ચાર સદીઓનાં આક્રમણોને મૌન જવાબ આપતો હતો. દરેક ફેરવાતું પૈડું જાણે કહી રહ્યું હોય કે આસ્થા પર હુમલા થઈ શકે, પરંતુ આસ્થાને હરાવી શકાય નહીં. કદાચ એટલા માટે જ મરાઠા યુગની રથયાત્રાઓને માત્ર ઉત્સવ તરીકે નહીં, પરંતુ સનાતનના આત્મવિશ્વાસની જાહેર ઘોષણા તરીકે પણ જોઈ શકાય.
મરાઠાઓએ શ્રીમંદિરના સૌંદર્ય અને ગૌરવ તરફ પણ ધ્યાન આપ્યું. આ સમયગાળામાં કોણાર્કના સૂર્યમંદિરમાંથી અરુણ સ્તંભને પુરી લાવવામાં આવ્યો અને શ્રીમંદિરના સિંહદ્વાર આગળ સ્થાપિત કરવામાં આવ્યો. આજે લાખો ભક્તો મંદિર પ્રવેશતાં પહેલાં જે અરુણ સ્તંભના દર્શન કરે છે, તે માત્ર એક શિલ્પ નથી. તે પણ શ્રીજગન્નાથ ધામના પુનરુત્થાનનો સાક્ષી છે. સદીઓ સુધી આક્રમણો સહન કરનાર ધામ હવે માત્ર બચી જ નહોતું રહ્યું, તે ફરી પોતાની ભવ્યતા પ્રાપ્ત કરી રહ્યું હતું.
…અને આ બધું હજુ શરૂઆત જ હતી… મરાઠા રાજમાં શ્રીજગન્નાથ ધામ ફરી કેવી રીતે સમગ્ર ભારતની આસ્થાનું ધબકતું કેન્દ્ર બન્યું અને આ યુગે સનાતન સમાજને કયો સંદેશ આપ્યો, એ જ આ ગાથાનો સૌથી પ્રેરણાદાયી અધ્યાય છે.
ભયનું શાસન દૂર કરી ઊભું કરાયું નિર્ભય હિંદુ સામ્રાજ્ય
મરાઠાઓએ શ્રીજગન્નાથ ધામ માટે કરેલું સૌથી મોટું કાર્ય કોઈ ઇમારત બાંધવાનું કે માત્ર દાન આપવાનું નહોતું. એ તો અનેક રાજાઓ પણ કરી ગયા હતા. મરાઠાઓનું સૌથી મોટું યોગદાન એ હતું કે તેમણે શ્રીજગન્નાથ ધામમાંથી ભયનું શાસન દૂર કર્યું. ચાર સદીઓ સુધી જે ધામમાં દરેક રાજકીય ઉથલપાથલ સાથે આક્રમણની આશંકા જોડાઈ ગઈ હતી, ત્યાં હવે પ્રથમ વખત સ્થિરતા આવી. દૈતા સેવકો માટે આ સૌથી મોટી રાહત હતી. હવે તેમને દરેક થોડા વર્ષોએ ભગવાનને જંગલોમાં લઈ જવાની તૈયારી રાખવાની જરૂર નહોતી. શ્રીમંદિર ફરી એકવાર માત્ર પૂજાનું કેન્દ્ર બનવા લાગ્યું, સંકટ વ્યવસ્થાપનનું નહીં. કદાચ સદીઓ પછી પહેલી વાર ભગવાન જગન્નાથને પોતાના જ ધામમાં નિરાંતનો શ્વાસ મળ્યો હશે.
મરાઠા શાસકો માટે શ્રીજગન્નાથ માત્ર એક પ્રદેશના દેવ નહોતા. તેઓ સમગ્ર હિંદુ સમાજની આસ્થાનું કેન્દ્ર હતા. એટલા માટે મંદિરને મળેલો રાજાશ્રય પણ માત્ર ધાર્મિક નહોતો, પરંતુ સાંસ્કૃતિક હતો. રથયાત્રા હોય, ચંદન યાત્રા હોય, ઝૂલન યાત્રા હોય કે અન્ય ઉત્સવો, શ્રીક્ષેત્ર ફરી વર્ષભર ઉત્સવોની ધમાલથી જીવંત થવા લાગ્યું. મંદિરમાં આવનારા યાત્રાળુઓની સંખ્યામાં વધારો થયો. દૂર-દૂરથી આવતા ભક્તો માટે શ્રીજગન્નાથ ફરી એક એવી આશા બન્યા, જ્યાં તેઓ કોઈ ભય વિના દર્શન કરી શકે. જે પુરી નગરી થોડાં વર્ષો પહેલાં સુધી આક્રમણોની ગાથા માટે જાણીતી હતી, એ જ પુરી ફરી ભક્તિના મહાસાગર તરીકે ઓળખાવા લાગી.
કદાચ આ સમગ્ર પરિવર્તનનું સૌથી જીવંત પ્રતીક રથયાત્રા હતી. એક સમય હતો, જ્યારે રથયાત્રાની તૈયારી વચ્ચે પણ લોકોના મનમાં એક ભય જીવંત રહેતો હતો કે ક્યાંક ફરી કોઈ આક્રમણ ન થઈ જાય. દૈતા સેવકો માટે ભગવાનના રથો માત્ર ઉત્સવનો ભાગ નહોતા, જરૂર પડે તો એ જ ભગવાનને સુરક્ષિત સ્થળે લઈ જવાની શરૂઆત પણ બની શકતા હતા. પરંતુ મરાઠા યુગમાં દૃશ્ય બદલાઈ ગયું. હવે રથો છુપાઈને નહીં, ખુલ્લા આકાશ નીચે લાખો ભક્તોની વચ્ચે નીકળતા હતા. રસ્તાઓ પર ભક્તિનો એવો મહાસાગર ઊમટતો હતો કે જાણે ચાર સદીઓ સુધી દબાયેલી શ્રદ્ધા એકસાથે બહાર આવી ગઈ હોય.
મરાઠાઓએ ઇસ્લામી આક્રાંતાઓને પડકાર ફેંક્યો કે, “સદીઓ સુધી તમે ભગવાનને છુપાવવા મજબૂર કર્યા હતા. હવે શ્રીજગન્નાથના રથો નગર વચ્ચે જાહેરમાં નીકળશે. હવે આ યાત્રા રોકવાની ત્રેવડ હોય, હિંમત હોય તો રોકીને બતાવો.” આ કોઈ શિલાલેખ પર લખાયેલું વાક્ય નહોતું. પરંતુ મરાઠા યુગની દરેક રથયાત્રા જાણે આ જ સંદેશ આપતી હતી. દરેક ફેરવાતું પૈડું સદીઓના ભય પર વિજયની ઘોષણા કરતું હતું.
દરેક ‘જય જગન્નાથ’નો નાદ જાણે કહી રહ્યો હતો કે આસ્થા પર હુમલા થઈ શકે, પરંતુ આસ્થાને પરાજિત કરી શકાતી નથી. આ જ સમયગાળામાં શ્રીમંદિરની ભવ્યતામાં પણ નવા અધ્યાયો ઉમેરાયા. આજે શ્રીમંદિરના સિંહદ્વાર આગળ ગર્વથી ઊભેલો અરુણ સ્તંભ માત્ર એક પ્રાચીન સ્મારક નથી. કોણાર્કથી પુરી સુધીની તેની યાત્રા પણ શ્રીજગન્નાથ ધામના પુનરુત્થાનની ગાથા સાથે જોડાયેલી છે. શ્રીક્ષેત્રમાં પ્રવેશતા લાખો ભક્તો કદાચ એ સ્તંભને માત્ર એક સ્થાપત્ય તરીકે જોતા હશે, પરંતુ તે મરાઠા યુગના એ સંકલ્પનો પણ સાક્ષી છે કે શ્રીજગન્નાથ ધામને ફરી તેનું ગુમાવેલું ગૌરવ પરત અપાવવું જ છે.
ગયા લેખમાં જોયું હતું કે કેવી રીતે દૈતા સેવકો ભગવાનને બચાવવા માટે ચિલિકા, જંગલો અને પહાડીઓમાં ભટકતા રહ્યા, આ લેખમાં આપણે એક સંપૂર્ણ વિરોધાભાસ જોઈએ છીએ. હવે ભગવાનને ક્યાંય જવાની જરૂર નહોતી. હવે તેઓ પોતાના ધામમાં જ હતા. હવે દૈતા સેવકોના ખભા પર ભગવાનને છુપાવવાની જવાબદારી નહોતી, પરંતુ ભવ્ય ઉત્સવો દ્વારા સમગ્ર વિશ્વને તેમના દર્શન કરાવવાની જવાબદારી હતી. ચાર સદીઓ સુધી જે પરંપરાનો સૌથી મોટો પ્રશ્ન ‘ભગવાનને કેવી રીતે બચાવવા?’ હતો, તે જ પરંપરાનો સૌથી મોટો ઉત્સવ હવે ‘ભગવાનને કેવી રીતે ભવ્ય રીતે ઉજવવા?’ બની ગયો હતો.
કદાચ આ જ મરાઠા યુગની સૌથી મોટી સિદ્ધિ હતી. તેમણે માત્ર એક પ્રદેશ જીત્યો નહોતો. માત્ર એક નવાબને હરાવ્યો નહોતો. માત્ર એક શાસન બદલ્યું નહોતું. તેમણે સદીઓથી ઘવાયેલા એક તીર્થને ફરી આત્મવિશ્વાસ આપ્યો હતો. તેમણે શ્રીજગન્નાથ ધામને ફરી એવી સ્થિતિમાં પહોંચાડ્યું જ્યાં ભક્તિ ભયથી મોટી બની ગઈ.
આ જ કારણ છે કે જ્યારે આજે આપણે પુરીની ભવ્ય રથયાત્રા જોઈએ છીએ, લાખો ભક્તોને ‘જય જગન્નાથ’ના નાદ સાથે રથ ખેંચતા જોઈએ છીએ અથવા શ્રીમંદિરના શિખર પર લહેરાતી પતાકાને નિહાળીએ છીએ, ત્યારે એ માત્ર એક ધાર્મિક પરંપરા નથી દેખાતી. એ સદીઓના સંઘર્ષ પછી પ્રાપ્ત થયેલી એક સાંસ્કૃતિક જીતનું જીવંત પ્રતીક છે.
શ્રીજગન્નાથ ધામનો ઇતિહાસ આપણને માત્ર આક્રમણોની યાદ અપાવતો નથી. તે એટલું જ શીખવે છે કે દરેક અંધકાર પછી પુનરુત્થાનનો એક સૂર્યોદય પણ આવે છે અને શ્રીજગન્નાથ ધામ માટે એ સૂર્યોદયનું નામ હતું મરાઠા યુગ.
સંદર્ભ:
- Contributions of Marathas Towards Shree Jagannath Culture (Orissa Review, June 2006 – Pabitra Mohan Barik)
- Invasions on the Temple of Lord Jagannath, Puri (Orissa Review, July 2011 – Abhimanyu Dash)
- R. D. Banerji, History of Orissa
- Nityananda Patnaik – Pilgrimage to Puri


