તૃણમૂલ કોંગ્રેસનાં ત્રણ બેન્ક ખાતાં EDએ ફ્રીઝ કર્યાં, ₹440 કરોડ જમા: વાંચો શું છે કેસ

નાણાકીય હેરફેર અને ગેરરીતિઓની તપાસ કરતી કેન્દ્રીય એજન્સી EDએ (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસનાં ત્રણ HDFC બેન્ક ખાતામાં રહેલા ₹440 કરોડ ફ્રીઝ કરી દીધા છે. તપાસ દરમ્યાન એજન્સીને TMC અને એક એવિએશન કંપની વચ્ચે નાણાકીય હેરફેરના પુરાવા મળ્યા બાદ PMLA (પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

EDએ જણાવ્યું છે કે PMLAની કલમ 17(1A) હેઠળ બેન્ક ખાતાં ફ્રીઝ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ કલમ હેઠળ ED બેન્ક ડિપોઝિટ ફ્રીઝ કરવાના આદેશ આપી શકે છે, જે આગામી આદેશ સુધી ક્યાંય ટ્રાન્સફર થઈ શકતી નથી કે તેનો ઉપયોગ થઈ શકતો નથી. HDFC બેન્કે પણ કલકત્તા હાઇકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરીને બેન્કના કયા ખાતામાં કેટલા રૂપિયા છે તેની સ્થિતિ સ્પષ્ટ કરી છે. જોકે રિપોર્ટ કોર્ટમાં ખોલવામાં આવ્યો નથી.

બીજી તરફ EDએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે HDFC બેન્કનાં ત્રણ ખાતાં મળીને ટીએમસીના ₹440 કરોડ શંકાના દાયરામાં છે, જે રકમ હાલ ફ્રીઝ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો અને અત્યાર સુધીની તપાસમાં શું સામે આવ્યું?

સમગ્ર મામલો કોલકાતા પોલીસની બિધાનગર સાયબર વિંગ દ્વારા દાખલ કરવામાં આવેલી એક FIR બાદ ખુલ્યો હતો, જેમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો, ગેરકાયદેસર નાણાંના સંગ્રહ અને ટીએમસીનાં અમુક ખાતાંમાંથી પૈસાની શંકાસ્પદ હેરફેર મામલે આરોપો લગાવવામાં આવ્યા હતા.

આરોપોની તપાસ દરમ્યાન EDને જાણવા મળ્યું કે TMCનાં અકાઉન્ટમાંથી કેળવેલ એવિએશન નામની એક કંપનીને એપ્રિલ 2023થી જૂન 2026 સુધીમાં લગભગ ₹160 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેમાંથી કંપનીએ લગભગ ₹82.96 કરોડની રકમ બીજી એક એન્ટીટી, જે નવી સ્થપાઈ હતી, તેને ટ્રાન્સફર કરી દીધા હતા.

આ રકમમાંથી પછીથી એક એરક્રાફ્ટ (પ્રાઇવેટ જેટ) અને એક અગસ્તા હેલિકૉપ્ટરની ખરીદી કરવામાં આવી હતી. આ ખરીદી માટે ₹112 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. હેલિકૉપ્ટરની ખરીદી માટે 2023માં  લગભગ 1.7 મિલિયન યુએસ ડૉલરની અનસિક્યોર્ડ લૉન કેમેન આઇલેન્ડ સ્થિત એક કંપની પાસેથી લેવામાં આવી હતી.

ED અનુસાર, આ પ્રાઇવેટ જેટ અને અગસ્તા હેલિકૉપ્ટર પછીથી તૃણમૂલ કોંગ્રેસને જ ભાડે આપી દેવામાં આવ્યાં હતાં, જ્યારે હકીકત એ હતી કે આ બંનેની ખરીદી ટીએમસીના ફંડમાંથી જ થઈ હતી. પરંતુ પછી પણ એરક્રાફ્ટ વપરાશના શુલ્ક તરીકે મોટી રકમ કંપનીને મોકલવામાં આવતી રહી. હવે આ નાણાકીય વ્યવહારોની એજન્સી તપાસ કરી રહી છે.