હોમપેજદેશપાઠ્યપુસ્તકોમાં સુધારા કરી દેવાથી સત્ય બદલાઈ જતું નથી, મિલૉર્ડ!

પાઠ્યપુસ્તકોમાં સુધારા કરી દેવાથી સત્ય બદલાઈ જતું નથી, મિલૉર્ડ!

આ પુસ્તકમાં સુધારો કરવો જરૂરી હતો એ માની લઈએ. એવી દલીલો અપાઈ શકે કે પાઠ્યપુસ્તકમાં આ ચર્ચાઓ જરૂરી નથી. પણ આ આખા પ્રકરણને સુપ્રીમ કોર્ટે જે રીતે લીધું છે તેનાથી પબ્લિક સ્ક્રૂટિનીના બાકીના માર્ગો પણ આપોઆપ બંધ થઈ ગયા છે.

- Advertisement -

એનસીઈઆરટીએ (NCERT) તૈયાર કરેલા ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના એક પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ વિષય પર સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયમૂર્તિઓએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યા બાદ સાનમાં સમજી ગયેલા એનસીઈઆરટીએ હવે એક નવી ચોપડી બહાર પાડીને તેમાંથી વિવાદિત (રાધર, જજસાહેબોને જે વિવાદિત લાગી એ) બાબતો કાઢી નાખીને આ આખા વિવાદનો વીંટો વાળી દીધો છે.

એનસીઈઆરટીએ એ જ કર્યું જે આવા કિસ્સાઓમાં કોઈ પણ સરકારી સંસ્થા કરે. વર્તમાન શાસનવ્યવસ્થાને આમ પણ હાલ ન્યાયતંત્ર સાથે શિંગડાં ભેરવવામાં કોઈ રસ નથી એવું સરકાર અનેક તબક્કે વર્તાવી ચૂકી છે. એ જોકે શાણપણ છે. કોઈ પણ સરકાર આમ જ કરે. ખાસ કરીને એવા સમયે જ્યારે પ્રાથમિકતાઓ બીજી ચીજો હોય. પ્રાથમિકતાની યાદીમાં જ્યારે ન્યાયતંત્રને લગતી બાબતો આવે ત્યારની વાત ત્યારે.

એનસીઈઆરટી અને સુપ્રીમ કોર્ટ વચ્ચેના વિવાદથી અજાણ હોય તેમના માટે એક ક્વિક રિકેપ.

- Advertisement -

ફેબ્રુઆરી 2026માં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં એક સમાચાર છપાયા. સમાચારમાં કહેવામાં આવ્યું કે એનસીઈઆરટીએ તૈયાર કરેલા ધોરણ આઠના પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રનો ઉલ્લેખ છે અને તેમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’નો ટોપિક પણ ઉમેરાયો છે. ઉપરાંત પુસ્તકમાં જજોની અછત, બેકલૉગ, પેન્ડિંગ કેસોની સંખ્યા વગેરે જેવી અમુક ચીજો પણ લખાઈ હતી એવું કહેવાય છે. પુસ્તક આપણી પાસે ક્યારેય આવ્યું નહીં, હવે આવશે પણ નહીં.

આ સમાચાર પર સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈને એક કેસ ચાલુ કર્યો. સરકાર અને એનસીઈઆરટીને નોટિસ મોકલવામાં આવી. જવાબ માગવામાં આવ્યા. કેસની સુનાવણી કરતા ન્યાયાધીશોએ પાઠ્યપુસ્તક તૈયાર કરનારાઓની મનશા પર સવાલો ઉઠાવ્યા. ટિપ્પણીઓ કરી, જે બહુ વાયરલ પણ થઈ. અહીં સુધી કે પાઠ્યપુસ્તક તૈયાર કરનારા તજજ્ઞોને બ્લેકલિસ્ટ કરવાના આદેશ આપી દેવાયા. (આ આદેશ જોકે પછીથી સુપ્રીમ કોર્ટે જ પરત લઈ લીધો હતો!)

એનસીઈઆરટીએ સ્થિતિ માપી લેવામાં લેશમાત્ર સમય ન લગાડ્યો. કોર્ટમાં માફી માગી લીધી અને કહ્યું કે તેઓ પુસ્તકો પરત ખેંચી રહ્યા છે. પછીથી કોર્ટના આદેશથી પુસ્તકો પરત પણ લઈ લેવાયાં. એનસીઈઆરટીએ જાહેરમાં માફી પણ માંગી લીધી. કોર્ટે ત્યારબાદ નવેસરથી પુસ્તકો તૈયાર કરવા માટે કહ્યું.

નવેસરથી તૈયાર કરવામાં આવેલા પુસ્તક વિશે હમણાં જાણકારી બહાર આવી. કહેવાય છે કે તેમાં ભ્રષ્ટાચાર, બેકલૉગ વગેરેના ઉલ્લેખો હટાવી દેવાયા છે અને ન્યાયતંત્રની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે. ‘ન્યાયનો સિદ્ધાંત કેમ જરૂરી છે’, ‘ભારતમાં ન્યાયતંત્રનું શું માળખું છે’– આ બધું તો જણાવાયું પણ સાથે ‘જ્યુડિશરી એ બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરે છે’ અને ‘PIL મારફતે સમયાંતરે જનતાના પ્રશ્નોનો ઉકેલ લાવતી રહે છે’ જેવી બાબતો પણ ઉમેરાઈ. ન્યાયતંત્રને સ્વતંત્ર અને પારદર્શી સંસ્થા ગણાવવામાં આવી. સાથે કહેવામાં આવ્યું કે તેની પાસે સંસદે ગેરબંધારણીય રીતે પસાર કરેલા કાયદાઓને રદ કરવાનો અને બંધારણનું રક્ષણ કરવાનો પણ અધિકાર છે.

કોર્ટ ક્યાં સાચી, ક્યાં ખોટી?

આખા પ્રકરણને સુપ્રીમ કોર્ટના પરિપેક્ષથી જોઈએ તો એ વાત સાચી કે આઠમા-નવમા ધોરણમાં ભણતા બાળકને, જે આ દેશ-દુનિયા કામ કઈ રીતે કરે છે એ શીખી રહ્યું હોય, જેને સરકાર-સિસ્ટમ વગેરે વિશે સમજ વિકસતી હોય, તેને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર ભરપૂર છે અને ફલાણી-ફલાણી સમસ્યાઓ છે એવું ભણાવવામાં આવે તો વિપરીત અસર પડી શકે છે અને એ બહાર નીકળે ત્યારે ન્યાયતંત્ર વિશે આવી જ છાપ લઈને નીકળે એવી પણ સંભાવનાઓ અત્યાધિક છે અને ન્યાયતંત્ર પ્રત્યે ભારતના સામાન્ય નાગરિકનો વિશ્વાસ અકબંધ રહે એ લોકશાહી માટે અત્યાવશ્યક છે.

ટૂંકમાં આ પુસ્તકમાં સુધારો કરવો જરૂરી હતો એ માની લઈએ. એવી દલીલો અપાઈ શકે કે પાઠ્યપુસ્તકમાં આ ચર્ચાઓ જરૂરી નથી. પણ આ આખા પ્રકરણને સુપ્રીમ કોર્ટે જે રીતે લીધું છે તેનાથી પબ્લિક સ્ક્રૂટિનીના બાકીના માર્ગો પણ આપોઆપ બંધ થઈ ગયા છે.

હકીકત એ પણ છે કે ન્યાયતંત્રમાં કોઈ સમસ્યા છે જ નહીં અને પાઠ્યપુસ્તકો તૈયાર કરનારાઓ હવામાંથી આ બધું લઈ આવ્યા હોય એવું પણ નથી. ન્યાયતંત્ર દૂધે ધોયેલું છે, ભ્રષ્ટાચારનું ત્યાં નામનિશાન નથી એવો ભ્રમ હોય તો ગૂગલ પર જઈને યશવંત વર્મા કેસ વિશે માહિતી મેળવી લેવી જોઈએ, જે કેસમાં એક ન્યાયાધીશના ઘરેથી કરોડોની રોકડ રકમ મળી આવ્યાના વર્ષ પછી પણ FIR નોંધાઈ નથી. સામાન્ય માણસ કે અધિકારીના ઘરેથી મળી હોત તો અત્યાર સુધી તેનું શું થઈ ગયું હોત એ સુજ્ઞ વાચક જાણે છે.

હજારો કેસો પેન્ડિંગ છે એ શું સમસ્યા નથી? અનેક કેસોમાં પ્રોસિક્યુશન કેસ સાબિત ન કરી શકવાના કારણે દોષીઓ છૂટી જાય છે એ પણ વાસ્તવિકતા છે. તેની જવાબદારી જોકે માત્ર કોર્ટની નથી, પોલીસ-સરકારોની પણ છે. પણ આ બધી બાબતોની ચર્ચા થાય એ પણ જરૂરી છે. કારણ કે સમસ્યાઓને અવગણીને તેની ઉપર ચર્ચા જ ન કરવી એ સમાધાનનો માર્ગ નથી.

કૉલેજિયમ સિસ્ટમ, જેમાં જજો જ બેસીને જજોની નિમણૂક કરે છે અને નિમણૂક પાછળનાં કારણો જાહેર જનતા તો ઠીક પણ સરકારને પણ જણાવવામાં આવતાં નથી, તેની ઉપર ચર્ચા કેમ ન થાય? 2015માં સરકાર આ સિસ્ટમ બદલવા માટે કમિશન બનાવતો કાયદો લાવી ત્યારે સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ઠેરવીને રદ કરી દીધો હતો અને આજદિન સુધી આ જ વ્યવસ્થા અમલમાં છે. ન્યાયતંત્રના, સુપ્રીમ કોર્ટના પોતાના તર્ક હોય તો એ રજૂ કરી શકે, પણ તેના માટે પહેલાં ચર્ચા થવી આવશ્યક છે.

આ જમાનો લોકતંત્રનો છે. અહીં તમામ જવાબદેહ છે. સરકાર તેમાં પહેલી આવે. સંસ્થાઓ પણ આવે અને ન્યાયતંત્ર પણ બાકાત નથી. પબ્લિક સ્ક્રૂટિની જરૂરી છે. વક્રતા એ પણ છે કે રાજકારણીઓ સુપ્રીમ કોર્ટ જાય ત્યારે ન્યાયાધીશો તેમને સલાહ આપતા રહે છે કે રાજકારણીએ જાહેર જીવનમાં આવ્યા પછી ટીકા સાંભળવાની તૈયારી રાખવી જોઈએ. એ સલાહ આપનારાઓને પણ થોડેઘણે અંશે લાગુ પડે છે.

‘કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ’ એટલે અદાલતની અવમાનના આમ જરૂરી જોગવાઈ છે, કારણ કે કોર્ટના આદેશોનું પાલન ન કરવા પર કોર્ટને કાર્યવાહી કરવાની સત્તા આપે એવી વ્યવસ્થા આવશ્યક છે. પણ તેના દાયરામાંથી કોર્ટની વ્યાજબી ટીકા, ન્યાયતંત્રનાં કામોનું નિરપેક્ષ મૂલ્યાંકન વગેરે બહાર રહે એ પણ એટલું જ જરૂરી છે. પણ આ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે આડકતરી રીતે એક સંદેશ આપી દીધો છે કે ન્યાયતંત્રની ટીકા, મૂલ્યાંકનની જગ્યા બહુ સીમિત થતી જાય છે.

સુપ્રીમ કોર્ટે પહેલેથી છેલ્લે સુધી આ વિષય પર જે વલણ અપનાવ્યું તેનાથી ન્યાયાધીશોએ ન્યાયતંત્રના મૂલ્યાંકન અને સૂક્ષ્મ પરીક્ષણના બાકીના પણ માર્ગો જાણ્યે-અજાણ્યે બંધ કરી દીધા છે. તેનાથી નુકસાન બાકીનાને છે તેના કરતાં વધુ સંસ્થાને છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં