કેજરીવાલના ‘શીશમહેલ’ને હવે બનાવાશે કલ્ચરલ સેન્ટર: દિલ્હીની ભાજપ સરકારનો નિર્ણય, સ્ટેટ ગેસ્ટ હાઉસ તરીકે પણ થશે ઉપયોગ

દિલ્હીની ભાજપ સરકાર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનને લઈને મોટો નિર્ણય લીધો છે. સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલા 6, ફ્લેગસ્ટાફ રોડ સ્થિત સરકારી બંગલાને, જેને ‘શીશમહેલ’ તરીકે ઓળખવામાં આવે છે, હવે સ્ટેટ ગેસ્ટ હાઉસ અને આધુનિક કલ્ચરલ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે. 

માહિતી અનુસાર આ બંગલામાં દેશ-વિદેશથી આવતા સરકારી પ્રતિનિધિમંડળો, વિશિષ્ટ મહેમાનો અને ઉચ્ચ અધિકારીઓના રોકાણની વ્યવસ્થા કરવામાં આવશે. દિલ્હી સરકાર અહીં કાયમી ગેસ્ટ હાઉસની સુવિધા ઊભી કરવાની સાથે આધુનિક કલ્ચરલ સેન્ટર પણ વિકસાવશે. 

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે સપ્ટેમ્બર 2024માં મુખ્યમંત્રી પદેથી હટ્યા બાદ ઑક્ટોબર 2024માં પરિવાર સાથે આ સરકારી આવાસ ખાલી કરવો પડ્યો હતો. ત્યારથી આ બંગલો ખાલી હતો. 

દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન આ બંગલો મોટો રાજકીય મુદ્દો બન્યો હતો. મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન અરવિંદ કેજરીવાલે કરોડો રૂપિયાના ખર્ચે આ બંગલાનું વૈભવી નવીનીકરણ કરાવ્યું હતું, જેના કારણે તેને ‘શીશમહેલ’ નામ આપવામાં આવ્યું હતું. બંગલામાં અંદાજે ₹4.5 કરોડના પડદા લગાવવામાં આવ્યા હતા અને બાથરૂમ માટે આશરે ₹15 કરોડના વોટર સપ્લાય તથા સેનિટરી ફિટિંગ્સ કરવામાં આવ્યા હતા. 

નોંધનીય છે કે ચૂંટણી જીત્યા બાદ મુખ્યમંત્રી બનેલાં રેખા ગુપ્તાએ જાહેર કર્યું હતું કે તેઓ કેજરીવાલ જે બંગલામાં રહેતા હતા તેમાં રહેવાના નથી. ત્યારબાદ તેમને અલગ સરકારી નિવાસ ફાળવવામાં આવ્યો હતો. હવે દિલ્હી સરકારે આ બંગલાને જાહેર ઉપયોગ માટે સ્ટેટ ગેસ્ટ હાઉસ અને કલ્ચરલ સેન્ટરમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે.