હોમપેજગુજરાતપીએમ મોદી ડિગ્રી વિવાદમાં કેજરીવાલની વધુ એક અરજી અમદાવાદ કોર્ટે ફગાવી: ડોક્યુમેન્ટ...

પીએમ મોદી ડિગ્રી વિવાદમાં કેજરીવાલની વધુ એક અરજી અમદાવાદ કોર્ટે ફગાવી: ડોક્યુમેન્ટ રજૂ કરવા ગુજરાત યુનિવર્સિટીને આદેશ આપવાનો ઇનકાર કરતો ટ્રાયલ કોર્ટનો આદેશ યથાવત

સેશન્સ કોર્ટે કહ્યું કે, દસ્તાવેજો રજૂ કરવાની માંગ કરતી અરજી ફગાવવી એ અંતિમ નહીં પણ વચગાળાનો આદેશ છે, જેથી આ પુનર્વિચાર અરજી મેન્ટેનેબલ (સાંભળવા યોગ્ય) નથી.

- Advertisement -

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદમાં અમદવાદ સેશન્સ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની વધુ એક અરજી ફગાવી દીધી છે. કેજરીવાલે 10 માર્ચ, 2026ના મૅજિસ્ટ્રેટ કોર્ટના એક આદેશને પડકાર્યો હતો જેમાં કોર્ટે ગુજરાત યુનિવર્સિટીને વડા પ્રધાનની ડિગ્રી રજૂ કરવા માટે નિર્દેશ આપવાની ના પાડી દીધી હતી.

કેજરીવાલે આ આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો પરંતુ સેશન્સ કોર્ટે નીચલી અદાલતના આદેશમાં હસ્તક્ષેપ કરવાની ના પાડીને કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. શનિવારે (4 જુલાઈ) આ આદેશ પસાર કરવામાં આવ્યો.

મામલાની વિગતો એવી છે કે ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંઘ વિરુદ્ધ વડા પ્રધાનની ડિગ્રી મામલે ગુજરાત યુનિવર્સિટી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે ચીફ ઇન્ફોર્મેશન કમિશનરનો ગુજરાત યુનિવર્સિટીને મોદીની ડિગ્રી રજૂ કરવા માટે આપવામાં આવેલો આદેશ રદ કરી દીધો હતો, ત્યારબાદ યુનિવર્સિટી AAP નેતાઓ વિરુદ્ધ કોર્ટમાં ગઈ હતી.

- Advertisement -

દરમ્યાન કેજરીવાલે મૅજિસ્ટ્રેટ કોર્ટમાં કોડ ઑફ ધ ક્રિમિનલ પ્રોસીજરની (CrPC) કલમ 91 હેઠળ અરજી દાખલ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભ્યાસ અને ડિગ્રી સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા માટે ગુજરાત યુનિવર્સિટીને આદેશ આપવા માટેની માંગ કરી હતી. પરંતુ ગત 10 માર્ચના રોજ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

કેજરીવાલ ત્યારબાદ સેશન્સ કોર્ટ પહોંચ્યા અને દલીલ કરી કે માનહાનિના કેસમાં સ્વબચાવ માટે આ દસ્તાવેજો જરૂરી છે, જેથી નીચલી કોર્ટનો આદેશ પલટાવીને ગુજરાત યુનિવર્સિટીને ડિગ્રી રજૂ કરવા માટે નિર્દેશ આપવામાં આવે.

‘કેજરીવાલ જે ડોક્યુમેન્ટ માંગી રહ્યા છે એ થર્ડ પાર્ટી છે, એ આમ જ ન આપી શકાય’: ગુજરાત યુનિવર્સિટી

કોર્ટમાં ગુજરાત સરકાર અને ગુજરાત યુનિવર્સિટી તરફથી હાજર વકીલોએ દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટનો આદેશ ઇન્ટરલોક્યુટરી આદેશ છે અને તેની પુનર્સમીક્ષા ન થઈ શકે. ઇન્ટરલોક્યુટરી એટલે વચગાળાનો આદેશ, જે કોર્ટ મામલાના અંતિમ નિષ્કર્ષ સુધી પહોંચવા પહેલાં આપતી હોય છે. દલીલ રજૂ કરતાં કહેવામાં આવ્યું કે ટ્રાયલ કોર્ટનો CrPC 91 હેઠળનો આ આદેશ વચગાળાનો આદેશ છે અને તેની ઉપર પુનર્વિચાર કરવાની જોગવાઈ નથી.

વધુમાં એવી દલીલો રજૂ કરવામાં આવી કે જે દસ્તાવેજોની માંગણી કરવામાં આવી છે તે થર્ડ પાર્ટી ડોક્યુમેન્ટ છે અને હાઇકોર્ટ પહેલેથી જ ઇન્ફોર્મેશન કમિશનરનો આદેશ રદ કરી ચૂકી છે. (જેમાં ગુજરાત યુનિવર્સિટીને પીએમની ડિગ્રી RTIના નિયમો હેઠળ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.) અરવિંદ કેજરીવાલ જે દસ્તાવેજોની માંગણી કરી રહ્યા છે એ થર્ડ પાર્ટી છે અને જે-તે પાર્ટીની પરવાનગી વગર યુનિવર્સિટી આવા દસ્તાવેજો રજૂ ન કરી શકે.

બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી.

કોર્ટે સુપ્રીમ કોર્ટનો એક આદેશ ટાંકીને કહ્યું કે, આ અરજી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 (અગાઉના CrPC સમકક્ષ) કલમ 438 હેઠળ દાખલ કરવામાં આવી છે. આ કલમ હેઠળ હાઇકોર્ટ કે સેશન્સ કોર્ટના જજ કોઈ પણ નીચલી કોર્ટમાં ચાલેલા કેસના દસ્તાવેજો મંગાવીને તેની ચકાસણી કરી શકે છે. પરંતુ આમાંથી વચગાળાના આદેશને બાકાત રાખવામાં આવ્યા છે.

સેશન્સ કોર્ટે કહ્યું કે, દસ્તાવેજો રજૂ કરવાની માંગ કરતી અરજી ફગાવવી એ અંતિમ નહીં પણ વચગાળાનો આદેશ છે, જેથી આ પુનર્વિચાર અરજી મેન્ટેનેબલ (સાંભળવા યોગ્ય) નથી.

ઇન્ટરલોક્યુટરી ઓર્ડર શું છે?

કોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશોને ટાંકીને ઇન્ટરલોક્યુટરી આદેશની પણ વ્યાખ્યા કરી હતી. સુપ્રીમ કોર્ટ કહે છે કે ચાલુ કેસ દરમ્યાન પસાર થતા દરેક આદેશને પણ ઇન્ટરલોક્યુટરી ઓર્ડર ગણી શકાય નહીં. પરંતુ જે આદેશ કામચલાઉ ધોરણે કે કેસ આગળ વધે તે માટે આપવામાં આવે કે ખાસ તો જેનાથી બેમાંથી કોઈ પણ પક્ષના કોઈ અધિકારને કોઈ અસર ન થતી હોય તેવા આદેશને ઇન્ટરલોક્યુટરી ઓર્ડર કહી શકાય.

અર્થાત્, સાક્ષીઓને બોલાવવાનો, સુનાવણીની તારીખ ટાળવાનો કે કોઈ રિપોર્ટ મંગાવવાનો આદેશ ઇન્ટરલોક્યુટરી ઓર્ડર ગણી શકાય, જે માત્ર કેસની પ્રક્રિયા આગળ વધારવામાં મદદ કરે છે. તેનાથી બેમાંથી કોઈ પાર્ટીને કોઈ અસર થતી નથી. જો અસર થતી હોય તો કોઈ પણ પાર્ટી આદેશ ઉપલી કોર્ટમાં પડકારી શકે છે અને કોર્ટ તેની સમીક્ષા કરે છે. પરંતુ ઇન્ટરલોક્યુટરી આદેશ પર ઉપલી કોર્ટ કોઈ રિવીઝન કરતી નથી.

કેજરીવાલના કેસમાં સેશન્સ કોર્ટે નોંધ્યું છે કે ટ્રાયલ કોર્ટે CrPC 91 હેઠળ આપેલો આદેશ ઇન્ટરલોક્યુટરીની શ્રેણીમાં આવે છે અને એટલે તેની ઉપર પુનઃ સમીક્ષા કરી શકાય એમ જ નથી અને એ અરજી જાળવવા યોગ્ય નથી. જેથી તથ્યોને ધ્યાને લેવામાં આવે તો અરજીમાં કોઈ મેરિટ જણાતું નથી. ત્યારબાદ અરજી ફગાવી દેવામાં આવી હતી.

સમગ્ર મામલો શું છે?

વડા પ્રધાનને તેમના ભણતર મુદ્દે ટાર્ગેટ કરતા રહેતા અરવિંદ કેજરીવાલે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન સમક્ષ અરજી કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની વિગતો માંગી હતી. ત્યારબાદ કમિશને દિલ્હી યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી અને વડા પ્રધાન કાર્યાલયને આ વિગતો રજૂ કરવા માટે આદેશ કર્યો હતો. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી હાઇકોર્ટ પહોંચી હતી અને કમિશનના આદેશને પડકાર્યો હતો.

ગુજરાત હાઇકોર્ટે 31 માર્ચ, 2023ના રોજ એક આદેશ આપીને સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનના આદેશને રદ કરીને કેજરીવાલને દંડ ફટકાર્યો હતો.

હાઇકોર્ટે આ નિર્ણય સંભળાવ્યા બાદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાત યુનિવર્સિટી વિશે ટિપ્પણીઓ કરવાની શરૂ કરી દીધી હતી, જેને લઈને યુનિવર્સિટીએ એપ્રિલ 2023માં માનહાનિનો કેસ દાખલ કરી દીધો. જે કેસ હાલ ટ્રાયલ હેઠળ છે.

આ જ કેસની ટ્રાયલ વચ્ચે કેજરીવાલે ફરીથી અરજી કરીને કોર્ટ સમક્ષ માંગ કરી હતી કે કોર્ટ ગુજરાત યુનિવર્સિટીને નિર્દેશ આપીને પીએમની ડિગ્રી રજૂ કરવા માટે કહે. પરંતુ હવે કોર્ટમાંથી પણ રાહત મળી નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં