અધ્યક્ષ પદ બાદ હવે મમતાએ TMC મુખ્યાલય પણ ગુમાવ્યું, બળવાખોર નેતાઓએ કર્યો કબજો: કહ્યું- અમે જ અસલી તૃણમૂલ

તૃણમૂલ કોંગ્રેસની (TMC) અંદર ચાલી રહેલી સત્તાની લડાઈમાં એક મોટો વળાંક આવ્યો છે. શુક્રવારે (3 જુલાઇ) રીતબ્રત બેનર્જીની આગેવાની હેઠળના બળવાખોર જૂથે કોલકાતામાં ઈ.એમ. બાયપાસ પર આવેલી મેટ્રોપોલિટન બિલ્ડિંગમાં પાર્ટીના સંગઠનાત્મક મુખ્યાલય પર પોતાનો કબ્જો જમાવી લીધો હતો.

સાંજના સમયે ફિરહાદ હકીમ, જાવેદ ખાન, સંદીપન સાહા અને અખરુઝ્ઝમાન જેવા વરિષ્ઠ નેતાઓ રીતબ્રત બેનર્જી સાથે ભાડાની આ બિલ્ડિંગમાં આવેલી ઑફિસ પહોંચ્યાં હતાં. ત્યાં તેમણે અંદર એક બેઠક યોજી હતી અને દાવો કર્યો હતો કે તેમનું જૂથ જ ‘સાચી’ તૃણમૂલ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઑફિસની બહાર નવાં બેનરો પણ લગાવ્યાં હતાં, જેમાં મમતા બેનર્જીની તસવીર સાથે અરૂપ રોયને પાર્ટીના અધ્યક્ષ તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

બેઠક પૂરી થયા બાદ બળવાખોર નેતાઓ ઑફિસને તાળું મારીને ત્યાંથી નીકળી ગયા હતા. આ દરમિયાન અખરુઝ્ઝમાને પત્રકારોને જણાવ્યું કે, “અમે જ સાચી તૃણમૂલ કોંગ્રેસ છીએ અને આ ઑફિસ તૃણમૂલ કોંગ્રેસની જ છે. અમે મકાન માલિક સાથે પહેલેથી જ વાત કરી લીધી છે. આ અમારી પાર્ટીની ઑફિસ છે અને અમારી જ રહેશે. મુખ્ય ગેટનાં તાળાની ચાવી અમારી પાસે રહેશે. હું હંમેશા આ ઑફિસે આવતો હતો, પરંતુ ચૂંટણી દરમિયાન ઘણા દિવસો સુધી અહીં આવી શક્યો નહોતો. લાંબા સમય પછી હું અહીં આવ્યો છું, આમાં કંઈ અસામાન્ય નથી.”

બીજી તરફ ફિરહાદ હકીમે પક્ષની સાતત્યતા પર ભાર મૂકતા કહ્યું કે મમતા બેનર્જી હજુ પણ તેમના મુખ્ય સલાહકાર છે અને ઑફિસમાં તેમની તસવીર હોવી એ જ તેમની કાયદેસરતા સાબિત કરે છે. રીતબ્રત બેનર્જીએ પણ તેને ‘અમારી પાર્ટી ઑફિસ’ ગણાવી હતી અને ઉમેર્યું હતું કે બેઠકની વધુ વિગતો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

બળવાખોરો ઑફિસને તાળું મારીને નીકળ્યાના થોડી જ વારમાં કુણાલ ઘોષ સહિતના મમતા જૂથના નેતાઓ ત્યાં પહોંચી ગયા હતા, જેના કારણે સાંજના સમયે ત્યાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવી ચૂક્યા છે બળવાખોર નેતાઓ

ચૂંટણીમાં પક્ષના નબળા પ્રદર્શન બાદ રીતબ્રત જૂથ અને મમતા બેનર્જીના વફાદારો વચ્ચે શરૂ થયેલી આ લડાઈ આ ઘટનાથી વધુ ઉગ્ર બની છે. બહુમતી ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરનારા અસંતુષ્ટ નેતાઓએ અગાઉ એક વિશેષ સત્ર યોજીને મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવી દીધાં હતાં અને તેમના સ્થાને અરૂપ રોયને ચૂંટી કાઢ્યા હતા. જોકે, મમતા જૂથે આ પગલાંને ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધું છે.

આ પગલું રીતબ્રતની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે નવી દિલ્હીમાં ચૂંટણી પંચની સંપૂર્ણ બેંચ (full bench) સાથે મુલાકાત કર્યાના એક દિવસ પછી આવ્યું છે, જ્યાં તેમણે પાર્ટીના નામ, પ્રતીક (ચિહ્ન) અને સંગઠનાત્મક માળખા પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. ચૂંટણી પંચે બંને જૂથોને 6 જુલાઈના રોજ સાંજે 5:30 વાગ્યા સુધીમાં પોતાના દાવા અને પ્રતિ-દાવા રજૂ કરવા જણાવ્યું છે.

વર્ષ 2022થી આ મેટ્રોપોલિટન ઑફિસ TMCના મુખ્ય મથક તરીકે કાર્યરત છે, કારણ કે ઇ.એમ. બાયપાસ પર આવેલી મૂળ બિલ્ડિંગને પુનઃનિર્માણ માટે તોડી પાડવામાં આવી હતી. બળવાખોર જૂથે દાવો કર્યો છે કે તેમણે આ જગ્યા પરથી કામકાજ ચલાવવા માટે પ્રોપર્ટીના માલિકો સાથે કરાર કરી લીધો છે, જ્યારે બીજી તરફ મકાન માલિકે અગાઉની વ્યવસ્થા હેઠળ ભાડું ન ચૂકવવામાં આવ્યું હોવાના અને કરારની મુદત પૂરી થઈ ગઈ હોવાના આક્ષેપો કર્યા હતા.

નોંધનીય છે કે ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ બિલ્ડિંગના માલિક મોન્ટુ સાહાએ ચૂંટણી પછીની હિંસાના ડર વચ્ચે પાર્ટીને બે મહિનાની અંદર આ જગ્યા ખાલી કરવા માટે કહ્યું હતું. તે સમયે પાર્ટીના નેતૃત્વએ ખાતરી આપી હતી કે તેઓ આ જગ્યા ખાલી કરી દેશે. જોકે, હવે જ્યારે પાર્ટીનું નેતૃત્વ બદલાઈ ગયું છે, ત્યારે આ પરિસ્થિતિ બદલાઈ શકે છે.

TMCએ 2021ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ તોપસિયા (Topsia) ખાતેની પોતાની મુખ્ય ઑફિસને તોડીને ફરીથી બનાવવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ 2022માં કામચલાઉ હેડક્વાર્ટર તરીકે ઉપયોગ કરવા માટે સાહાની આ બિલ્ડિંગ ભાડે લીધી હતી. મૂળભૂત રીતે આ બિલ્ડિંગ 2 વર્ષની લીઝ પર લેવામાં આવી હતી, પરંતુ કાયમી પાર્ટી ઑફિસનું નિર્માણ કાર્ય પૂર્ણ ન થવાને કારણે તેની મુદત લંબાવવામાં આવી હતી.