અખબાર ગુજરાત સમાચારે 9 જૂને પહેલા પાને એક સમાચાર પ્રકાશિત કર્યા. શીર્ષક છે– ‘બેલ્જિયમમાં સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ…’
તસવીર બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સની 8 જૂનની છે, જેમાં મોટી સંખ્યામાં લોકો દેખાય છે. તેમની પાસે પોસ્ટરો જોવા મળે છે.
આ તસવીર સાથે ગુજરાત સમાચારે લખ્યું છે– ‘ભારતના રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની કવિતા જનતંત્ર કા જન્મની પંક્તિઓ સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ… બેલ્જિયમની પરિસ્થિતિને મેળ ખાતી આવે છે. જનતામાં ખુમારી કોને કહેવાય તે જોવું હોય તો બેલ્જિયમને જુઓ.’

ત્યારબાદ પ્રદર્શનો પાછળનું કારણ જણાવતાં કહેવામાં આવ્યું, ‘સરકારે શિક્ષણનું બજેટ ઘટાડ્યું તો જનતા રસ્તા પર ઊતરી આવી.’
અહીંથી મૂળ એજન્ડા શરૂ થાય છે અને એવી રીતે પીરસવામાં આવ્યો છે કે વાંચનાર બહુ જલ્દી સમજી પણ ન રહે.
ગુજરાત સમાચાર લખે છે, ‘જો ત્યાં નીટ જેવું કોઈ પેપર કે જેના માટે માતા-પિતા પોતાની સંપૂર્ણ કમાણી દાવ પર લગાવી દેતા હોય છે, બાળકો પોતાના વતનથી દૂર કોચિંગ સેન્ટર નજીક રહેતા હોય છે અને રાતના ઉજાગરા કરીને મહેનત કરતા હોય છે તે લીક થયું હોત તો શું થાત?’
ત્યારબાદ ફરી બ્રસેલ્સની વાત શરૂ થાય છે. અખબાર કહે છે કે, ‘બેલ્જિયમમાં રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું કહેવું છે કે બજેટ કાપની અસર શાળાઓ, શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડી શકે છે. આ છેલ્લું વાક્ય એક વાર ફરી વાંચો. તેમને ચિંતા છે કે આની અસર પડી શકે છે. હજુ કોઈ પેપર લીક થયું નથી કે કોઈ અસર પણ પડી નથી. પણ પડી શકે છે.’
આગળ ફરીથી ભારતની વાત ચાલુ થાય છે અને કહે છે કે, ‘ભારતની જનતામાં પણ આ ખુમારી છે. આ ખુમારી અનેક સમયે જોવા મળી છે. હાલમાં કોકરોચ જનતા પાર્ટીનો સોશિયલ મીડિયા પર જે જન્મ થયો તેની પાછળનું કારણ પણ આ ખુમારી. જો સોશિયલ મીડિયાની ખુમારી રસ્તા પર જોવા મળી તો જોવા જેવી થશે.’ આગળ ‘નીટ પેપર લીકનો મુદ્દો કોઈ મજાક નથી’ કહીને ભાવનાત્મક વાતો કરીને ‘જ્યારે આશા મરી પરવારે ત્યારે આખા પરિવારની શું હાલત થાય? તે દરેક ભારતીય સમજે તે જરૂરી છે’ કહીને પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે.
ગુજરાત સમાચારે બેલ્જિયમની પરિસ્થિતિને કાવ્યાત્મક રીતે બહુ ક્રાંતિકારી રજૂ કરી છે પણ હકીકત એ છે કે ત્યાં હિંસા ફાટી નીકળી હતી અને પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ સામસામે આવી ગયા હતા. શું ગુજરાત સમાચાર ઈચ્છે છે કે અહીં પણ એવી સ્થિતિ નિર્માણ પામે? અહીં પણ અરાજકતા સર્જાય અને હિંસક પ્રદર્શનોના કારણે દેશનાં મુખ્ય શહેરો બાનમાં લેવાય?
બેલ્જિયમનાં વિરોધ પ્રદર્શનો પાછળ શું કારણ છે?
અહીં ‘શિક્ષણના બજેટમાં કાપ સામે લોકો વિરોધ કરી રહી છે’ અને ‘લોકોનું કહેવું છે કે બજેટમાં કાપથી શિક્ષણની ગુણવત્તા પર અસર પડશે’ વગેરે લખવામાં અડધું ગુજરાત સમાચારે ઘરનું નાખ્યું છે અને અન્ય અમુક મહત્ત્વની હકીકતો જણાવી નથી. વિરોધનું મુખ્ય કારણ એ છે કે યુનિવર્સિટી ટ્યુશન ફી વધારવામાં આવી છે. એટલે આમાં મોટું પાસું આર્થિક છે. ઉપરાંત શિક્ષકો એટલા માટે વિરોધ કરી રહ્યા છે કારણ કે વેતન વધારા વગર કામના કલાકો વધારવામાં આવ્યા છે.
મૂળ આર્થિક કારણોના લીધે વિરોધ પ્રદર્શનોને ગુજરાત સમાચારે સાહિત્યિક ભાષામાં પોતાના એજન્ડા અનુસાર રજૂ કર્યાં છે અને ભારત સાથે પરિસ્થિતિને જોડી દીધી છે.
‘NEET UG પેપર લીક’ મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ હકીકત છે કે આ ગંભીર બાબત છે અને પેપર લીકના કારણે લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને અસર પડી છે. સરકાર, શિક્ષણ વિભાગ, NTA તમામને કઠેડામાં ઊભા રાખવા જોઈએ અને તેમની પાસેથી જવાબો માગવા જોઈએ. શિક્ષણ પ્રધાનથી લઈને વડા પ્રધાન સુધીના તમામ પાસેથી જવાબો માગવા જોઈએ એ વાત સાથે સહમત, પરંતુ અહીં બેલ્જિયમનાં હિંસક પ્રદર્શનો સાથે જોડીને એવું દર્શાવવાનો પ્રયાસ થયો છે કે બેલ્જિયમમાં તો શિક્ષણના નાનકડા મુદ્દે પણ લોકો રસ્તા પર આવી ગયા અને ભારતમાં પેપર લીક પછી પણ આવાં પ્રદર્શનો થતાં નથી!
‘કોકરોચ જનતા પાર્ટી’માં ગુજરાત સમાચારને દેખાઈ જનતાની ખુમારી, પણ જંતર-મંતર પરનાં દૃશ્યો જુદી જ હકીકત જણાવે છે
અહીં ‘કોકરોચ જનતા પાર્ટી’ નામના નવા નાટકનું પણ મફતમાં પ્રમોશન કરવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું કે તેના જન્મ પાછળ જનતાની ખુમારી છે. હકીકત અહીં એ છે કે આ ‘કોકરોચ જનતા પાર્ટી’વાળું અમુક નવરા આપિયાઓના મગજની ઉપજ છે, તેમાં હવે વામપંથીઓ પણ જોડાઈ ગયા છે. આ તથાકથિત પાર્ટીનો ઉદય NEET જેવા કોઈ મુદ્દે નહીં પણ મુખ્ય ન્યાયાધીશની એક ટિપ્પણીનો આધાર લઈને થયો હતો, જે વાસ્તવમાં એક મિસક્વૉટ હતું.
‘ગુજરાત સમાચાર’ને અભરખા ઘણા છે પણ કોકરોચ જનતા પાર્ટીએ ગયા અઠવાડિયે રાજધાની દિલ્હીમાં એક પ્રદર્શન કર્યું એમાં જ પાણી મપાય ગયું. માંડ બસો-પાંચસો માણસો આવ્યા, તેમાંથી પણ કોઈને એજન્ડાની ખબર ન હતી, વૉક-વામપંથી અને આઝાદી-આઝાદીના નારાવાળાઓ પણ પછીથી ઘૂસ્યા અને નિયત સમય કરતાં પહેલાં બધું સંકેલી લઈને ઘરભેગા થઈ ગયા.
સામાન્ય જનતા કે જે ખરેખર પીડિત વિદ્યાર્થીઓ હોય તેઓ ન જોડાયા, કારણ કે લોકો હવે એજન્ડા-પ્રોપગેન્ડા જાણતા-સમજતા થયા છે. લોકો સમજે છે કે આવાં કોઈ પ્રદર્શનો ઓર્ગેનિક હોતાં નથી અને પાછળ કોઈને કોઈ હોય છે જેમનો હેતુ ન્યાય મેળવવાનો કે સમસ્યાના સમાધાનનો નહીં પણ જુદો જ હોય છે.
ચોપાનિયાં અને સોશિયલ મીડિયા પર ક્રાંતિ લાવી દેવાની વાતો કરનારા પ્રોપગેન્ડાબાજોની વાતમાં આવ્યા વગર લોકો હવે એ પણ સમજતા થયા છે કે સમસ્યાઓ હોય તો તેનાં સમાધાનો માટે બીજો કોઈ પણ માર્ગ અપનાવી શકાય પણ આ રીતે ‘સિંહાસન ખાલી કરો’ની ફાંકા ફોજદારી કરીને રસ્તા પર ઉતરી ન પડાય, એમાં કોઈનું ભલું થતું નથી અને આખરે ભોગવવાનું એ જ લોકોએ આવે છે જેઓ ઝંડા લઈને નીકળી પડ્યા હોય છે.
શાંતિપૂર્ણ આંદોલનો, પ્રદર્શનો જુદી વાત છે. પણ અહીં રજૂઆત એવી રીતે કરવામાં આવી છે કે તેમાં વાચકોને ભાવનાત્મક રીતે ઉશ્કેરવાનો પ્રયાસ વધારે દેખાય છે અને મૂળ મુદ્દા પાછળ ધકેલાઈ જાય છે.
પાડોશી દેશોમાં આવાં જ બધાં કારણો ધરીને યુવાનોને રસ્તા પર ઉતારવામાં આવ્યા હતા. પછી ત્યાં નવી સરકારો બની ગઈ અને જે મુદ્દાઓ પર આંદોલનો થયા હતા તેનો વીંટો વાળી દેવામાં આવ્યો. રિજિમ ચેન્જથી જેમને લાભ મળવાના હતા તેમનું કામ થઈ ગયું.
ભારતમાં જોકે લોકો હવે બધું જાણતા-સમજતા થયા છે. ચોપાનિયાંનો ઉપયોગ વાંચવા ઓછો ને ભજિયાં ખાવા વધારે થાય છે. હવે તો જોકે ભજિયાં પણ અખબારોમાં આપવાની ના પાડવામાં આવી છે. આ અખબારી સ્વાતંત્ર્ય પર હુમલો છે. વધારે પડતી નવરાશ હોય ને આંદોલન જ કરવું હોય તો આ છાપાંવાળાઓએ કરવું જોઈએ.


