
દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસને એક મોટી સફળતા મળી છે. 20 જુલાઈના રોજ થયેલી હિંસા બાદ દિલ્હી પોલીસે જંતર-મંતરના મુખ્ય એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર 4 ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ (FRS) કેમેરા ગોઠવ્યા હતા. 21થી 23 જુલાઈ વચ્ચેના માત્ર ત્રણ દિવસમાં જ આ એડવાન્સ સિસ્ટમે 2,000થી વધુ એવા લોકોને ઓળખી કાઢ્યા છે જેમનો ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ રહ્યો છે અને જેમના ડેટા પોલીસ રેકોર્ડમાં પહેલેથી જ હાજર હતા.
NEET પેપર લીકને લઈને CJPએ ‘સંસદ ચલો’ માર્ચનું આયોજન કર્યું હતું. આ દરમિયાન રેલ ભવન અને સંસદ નજીક હજારોની સંખ્યામાં એકઠાં થયેલા પ્રદર્શનકારીઓને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે લાઉડસ્પીકરથી વારંવાર જાહેરાત કરી હતી કે આ વિસ્તારમાં BNSSની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ છે અને પ્રદર્શનની પરવાનગી નથી. છતાં, કેટલાક લોકોએ ભીડને ઉશ્કેરીને બેરિકેડ્સ તોડી સંસદ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો.
#BreakingNews: 20 जुलाई के प्रदर्शन पर दिल्ली पुलिस का बड़ा दावा
— AajTak (@aajtak) July 25, 2026
– संसद में मार्च में हिस्ट्रीशीटर भी शामिल थे- दिल्ली पुलिस#ParliamentSession #DelhiPolice #JantarMantar #StudentsProtest | @himanshdxt | @aviralhimanshu pic.twitter.com/UJMBucTQZg
દિલ્હીના કર્તવ્ય પથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR અનુસાર ભીડમાં સામેલ કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ કર્મચારીઓને ઘેરીને તેમના પર પથ્થર, ચપ્પલ અને તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસામાં 130 પોલીસકર્મીઓ અને 60થી વધુ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસે આ હિંસા મામલે અત્યાર સુધીમાં 15 FIR નોંધી છે, BNSની કલમ 109(1) હેઠળ હત્યાના પ્રયાસ સહિત BNSની 13થી વધુ ગંભીર કલમો ઉમેરવામાં આવી છે. વધુમાં એવું પણ સામે આવ્યું છે કે આ પ્રદર્શનની આડમાં દિલ્હી પોલીસના જવાનોની હત્યા કરવાના ઇરાદે તેમના પર હુમલા કરવામાં આવ્યા હતા. હુમલાખોરોએ છરા અને અન્ય તીક્ષ્ણ હથિયારોથી પોલીસના અને સુરક્ષાદળોના જવાનોને ટાર્ગેટ કર્યા હતા.
બીજી તરફ, આ આંદોલન સાથે જોડાયેલા અને 26 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે 24 જુલાઈની વહેલી સવારે પોતાના ઉપવાસ સમેટ્યા હતા. કેન્દ્રીય મંત્રી જિતીન્દ્ર સિંઘ અને જે.પી. નડ્ડા સાથેની વાટાઘાટો બાદ વાંગચુકે ઉપવાસ છોડ્યા હતા.
સરકારે તેમને આશ્વાસન આપ્યું છે કે આંદોલનમાં શાંતિપૂર્ણ રીતે ભાગ લેનારા નિર્દોષ વિદ્યાર્થીઓ સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પેપર લીક કરનારાઓ સામે સખત કાર્યવાહી કરવા અને ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપવાની જાહેરાત કરી છે.
હાલમાં દિલ્હી પોલીસ જંતર-મંતર પર FRS ટેકનોલોજી દ્વારા તમામ ગતિવિધિઓ પર રિયલ-ટાઇમ નજર રાખી રહી છે અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારા તેમજ હિંસા ભડકાવનારા અસામાજિક તત્વો સામે વધુ તપાસ ચલાવી રહી છે.

