
કૌભાંડોના આરોપોથી ઘેરાયેલી પંજાબની આમ આદમી પાર્ટીની (AAP) ભગવંત માન સરકાર હવે એક મોટા ટ્રાન્સફર-પોસ્ટિંગ કૌભાંડમાં ફસાઈ ગઈ છે. AAP સરકારના મુખ્યમંત્રી કાર્યાલયથી (CMO) જ રાજ્યમાં અધિકારીઓની બદલી-પોસ્ટિંગ માટે મોટું ‘રેટ કાર્ડ’ ચાલતું હોવાનો ખુલાસો થયો છે.
આ મામલે EDએ પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં 200 પાનાંનું સોગંદનામું રજૂ કર્યું છે. EDએ દાવો કર્યો છે કે CMO સાથે જોડાયેલા વચેટિયાઓ અને અધિકારીઓ IAS, IPS, PCS અધિકારીઓ અને તહસીલદારોની બદલી અને સેટિંગ માટે કરોડો રૂપિયાનું ‘કેશ-ફોર-ટ્રાન્સફર’ રેકેટ ચલાવી રહ્યા હતા.
આ સોગંદનામું વકીલ નિખિલ સરફે દાખલ કરેલી PILના જવાબમાં રજૂ કરવામાં આવ્યું છે. સોગંદનામાં અનુસાર EDને દરોડા દરમિયાન ₹20.98 લાખ રોકડા તેમજ અનેક સંવેદનશીલ સરકારી દસ્તાવેજો અને વોટ્સએપ ચેટ્સ મળી આવી છે, જે સીધી રીતે કૌભાંડ તરફ ઈશારો કરે છે.
એફિડેવિટમાં થયેલ ખુલાસા
ED અનુસાર નીતિન ગોયલ નામનો ખાનગી વચેટિયો મુખ્યમંત્રી ભગવંત માનના ખાસ માનીતા OSD રાજબીર ઘુમન અને અન્ય સહયોગીઓ સાથે મળીને આ કારોબાર ચલાવતો હતો. એફિડેવિટ અનુસાર ગોયલ અને ઘુમન સરકારી અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ પ્રભાવિત કરવા, સંવેદનશીલ દસ્તાવેજો લીક કરવા, આર્મ્સ લાયસન્સ અપાવવા અને સરકારી મંજૂરીઓ સેટ કરવામાં સામેલ હતા.
આ કાળા કારોબારના બદલામાં નીતિન ગોયલ, OSD રાજબીર ઘુમન, બીર દેવિન્દર અને જિતિન ગોયલ ઉર્ફે રાજા સાથે મળીને કરોડો રૂપિયાની રોકડ, જમીન અને અન્ય ભેટ-સોગાદો લાંચ તરીકે લેતા હતા. EDએ સોગંદનામામાં 20 સપ્ટેમ્બર 2023થી 18 માર્ચ 2026 વચ્ચેની 21 વોટ્સએપ ચેટ્સ ટાંકી છે, જે પોલીસ, પંજાબ સિવિલ સર્વિસિસ, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, માર્કફેડ અને ગ્રેટેર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (GMADA) જેવા મહત્વના વિભાગોમાં બદલીઓ સંબંધિત છે.
EDના જણાવ્યા મુજબ સત્તાવાર જાહેરાત કે પ્રકાશન થાય તે પહેલાં જ IAS, IPS, PCS અધિકારીઓ, DSP અને તહસીલદારોની ટ્રાન્સફરના ડ્રાફ્ટ લિસ્ટ, પોલિસી ડોક્યુમેન્ટ્સ અને વર્ગીકૃત સરકારી ફાઈલો વચેટિયાઓ સુધી પહોંચાડી દેવામાં આવતી હતી. આ વચેટિયાને CMOમાં જ સેટ કરવામાં આવ્યો હતો જેથી તે ગુપ્ત ફાઈલો અને દસ્તાવેજો સરળતાથી કાઢી શકે.
ભાજપ-અકાલી દળે કર્યા પ્રહાર
ભાજપે આ મામલે આમ આદમી પાર્ટી અને મુખ્યમંત્રી ભગવંત માન પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજીને સવાલ ઉઠાવ્યો હતો કે શું CMOમાં બેઠેલા OSD મુખ્યમંત્રીની જાણ બહાર 20થી વધુ IAS-IPS અધિકારીઓની બદલીઓનું સેટિંગ કરી શકે? ભાજપે સ્પષ્ટ કર્યું છે કે ભગવંત માનની મંજૂરી વગર આટલું મોટું કૌભાંડ શક્ય જ નથી. ભાજપે ભગવંત માનના તાત્કાલિક રાજીનામાની અને સમગ્ર મામલાની CBI તપાસની માંગ કરી છે.
Delhi: BJP National Spokesperson Gaurav Bhatia says, "I would like to tell you how serious an impact this has on governance. The facts that the ED (Enforcement Directorate) has submitted in an affidavit before the Punjab and Haryana High Court… confidential documents, draft… pic.twitter.com/nBzznAcc2i
— IANS (@ians_india) September 2, 2026
બીજી તરફ શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંઘ બાદલે પણ માન સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે EDએ પંજાબ પોલીસને ત્રણ-ત્રણ વખત પત્રો લખવા છતાં અને તમામ ડિજિટલ પુરાવા આપવા છતાં પણ દોષિતો સામે કોઈ FIR નોંધવામાં આવી નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે પંજાબ સરકાર પોતાના મળતિયાઓ અને મુખ્યમંત્રી કાર્યાલયના ભ્રષ્ટ અધિકારીઓને બચાવવા માટે પોલીસનો દુરુપયોગ કરી રહી છે.
હાઇકોર્ટે આ મામલે પંજાબ સરકાર, DGP, વિજિલન્સ બ્યુરો અને કેન્દ્રીય એજન્સીઓ પાસેથી જવાબ માગ્યો છે. બીજી તરફ પંજાબ પોલીસે કેસ દાખલ કરવાને બદલે કાયદાકીય સલાહના નામે મામલો અટકાવી રાખ્યો છે. દિલ્હી બાદ હવે પંજાબમાં પણ ‘કટ્ટર ઈમાનદાર’ હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટી સરકાર EDનાં 200 પાનાંનાં સોગંદનામાં અને કાયદાકીય પુરાવાઓ સામે ઘેરાઈ ગઈ છે.

