
દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુ કેસમાં બૉમ્બે હાઇકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે.
દિશા સાલિયાનનું મૃત્યુ 8 જૂન, 2020ના રોજ થયું હતું. મુંબઈના મલાડ વિસ્તારમાં એક રહેણાંક ઇમારતના 14મા માળેથી નીચે પટકાતાં મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ મામલે મુંબઈ પોલીસે અકસ્માતે મૃત્યુનો રિપોર્ટ નોંધ્યો હતો અને કેસને આત્મહત્યા ગણાવ્યો હતો.
The order comes on a plea filed by Disha's father, who claimed that his daughter was gang-raped and murdered. He alleged that Shiv Sena (UBT) leader and Mumbai's MLA Aaditya Thackeray along with Bollywood Actors Dino Morea and Suraj Pancholi along with Rhea Chakraborty have an…
— Live Law (@LiveLawIndia) September 2, 2026
ઉલ્લેખનીય છે કે દિશાના મૃત્યુના 6 દિવસ બાદ 14 જૂનના રોજ અભિનેતા સુશાંતસિંઘ રાજપૂતનો મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. રાજપૂતના મૃત્યુ મામલે સીબીઆઈ તપાસ થઈ હતી અને અંતે એજન્સીએ જણાવ્યું હતું કે અભિનેતાએ આપઘાત કર્યો હતો. જોકે મૃત્યુ સમયે સુશાંત અને દિશા સાથે કામ કરતાં ન હતાં.
દિશાના પિતાના આદિત્ય ઠાકરે વગેરે સામે આરોપ, જોકે કોર્ટે કહ્યું– પુરાવા ન મળે ત્યાં સુધી કોઈને આરોપી માનવામાં ન આવે
દિશા સાલિયાનના મૃત્યુ બાદ તેના પિતા સતીશ સાલિયાને સમગ્ર કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવા માટે બૉમ્બે હાઇકોર્ટ સમક્ષ અરજી દાખલ કરી હતી. આ અરજી સ્વીકારીને કોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. જોકે કોર્ટે કહ્યું છે કે તપાસ કરનાર અધિકારીને કોઈ વ્યક્તિ વિરુદ્ધ ઠોસ પુરાવા ન મળે ત્યાં સુધી કોઈને પણ આરોપી માનવામાં ન આવે.
કોર્ટે તપાસ અધિકારીને વહેલામાં વહેલી તકે ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. જો કેસ ન બનતો હોય તો ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરવાનો રહેશે. દિશાના પિતાને આવો કોઈ રિપોર્ટ રજૂ થવાની સ્થિતિમાં વિરોધમાં અરજી દાખલ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
દિશાના પિતાનો આરોપ છે કે તેમની પુત્રી સાથે પહેલાં ગેંગરેપ કરવામાં આવ્યા બાદ હત્યા કરવામાં આવી હતી અને આ આત્મહત્યાનો કેસ નથી. તેમણે મુંબઈ પોલીસ પર પણ આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે શરૂઆતમાં પોલીસે તેમને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ આપ્યો ન હતો અને પાંચ વર્ષ બાદ તેઓ કોર્ટમાં ગયા ત્યારે રિપોર્ટ મળ્યો હતો. સાથે એ પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે પોલીસે શિવસેના (UBT) નેતા આધિત્ય ઠાકરે અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ FIR કેમ નહતી નોંધી.
દિશાના પિતાનો આરોપ છે કે તેમની પુત્રી ઠાકરે અને અન્યો દ્વારા ચલાવવામાં આવી રહેલા ડ્રગ રેકેટ વિશે જાણી ગઈ હતી એટલે તેને મારી નાખવામાં આવી હતી.
આ કેસમાં પોલીસનું સ્ટેન્ડ રહ્યું છે કે તપાસ દરમ્યાન એવો કોઈ પુરાવો મળી આવ્યો નથી જેનાથી કોઈ વ્યક્તિ વિરુદ્ધ કેસ ચલાવી શકાય. પોલીસ કહી રહી છે કે તપાસ અને પુરાવા પરથી જણાય છે કે દિશાએ કાં આપઘાત કર્યો હતો અથવા આકસ્મિક રીતે બિલ્ડિંગ પરથી પડી ગઈ હતી.
હવે સીબીઆઈ સમગ્ર મામલાની તપાસ કરશે.

